ઇન્ટરકાસ્ટ મૅરેજમાં વહુ પાસેથી પરિવારજનોની અપેક્ષાઓ વધી જાય છે

Published: 21st December, 2011 09:57 IST

એવું માનતા દેરાવાસી જૈન વિશ્વાસ શાહે જ્યારે પારસી યુવતી અનુ બલસારા સાથે લગ્ન કર્યાં ત્યારે પોતાના પરિવારજનો અને પત્ની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવામાં કોઈ કસર છોડી નહોતી(પીપલ લાઈવ - ગુજરાતી weds બિનગુજરાતી- ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

૧૯૮૮ના જૂન મહિનાની એ ભીની સાંજને હું ક્યારેય નહીં ભૂલું. મુંબઈમાં વરસાદની મોસમ બરાબર જામી હતી અને એ સાંજે તો જાણે તોફાન જેવું જ વાતાવરણ હતું. હું મારી ગાડીમાં મિત્રોને તેમના ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે અમારી નજર પગથી માથા સુધી ભીંજાઈને તરબતર થઈ ગયેલી છોકરી પર પડી. પાર્લાની મીઠીબાઈ કૉલેજની બહાર ઊભેલી એ જ કૉલેજની આ વિદ્યાર્થિની રિક્ષા મેળવવા મરણિયા પ્રયાસ કરી રહી હતી, પરંતુ આ વરસાદમાં રિક્ષા મેળવવી કોઈ રીતે શક્ય નહોતું. એવામાં અમારામાંથી એક મિત્રની નજર તેના ચહેરા પર પડી અને તેના મોઢામાંથી રીતસરની ચીસ નીકળી ગઈ, અનુ... મેં તરત જ ગાડીને બ્રેક મારી. મિત્રે તેને બોલાવીને ગાડીમાં બેસાડી અને અમે બધા તેને બાંદરાના તેના ઘર સુધી મૂકી આવ્યા. એ દિવસે મેં પહેલી વાર અનુના જીવનમાં નાઇટ ઇન શાઇનિંગ આર્મરની ભૂમિકા ભજવી હતી. ત્યારે મને ખબર નહોતી કે હવે પછી મારે જીવનભર આ ભૂમિકા ભજવ્યા કરવી પડશે. હા, હવે અનુ મારી પત્ની છે અને પહેલી વાર તેના સૌંદર્યથી ઘવાયેલો હું આજે પણ તેના પ્રેમમાં એવો જ ગળાડૂબ છું.

આ શબ્દો છે અંધેરીના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં રહેતા વિશ્વાસ શાહના.

નાઇટ ઇન શાઇનિંગ આર્મર

મૂળ ભાવનગરના ૪૩ વર્ષના વિશ્વાસ શાહ દેરાવાસી જૈન છે અને તેમણે લગભગ પોતાની જ ઉંમરની પારસી યુવતી અનુ બલસારા સાથે લગ્ન કર્યાં છે. બને ત્યાં સુધી પોતાની જ્ઞાતિની બહાર લગ્ન ન કરતી પારસી કોમની આ યુવતી આજે વિશ્વાસના ઘરની સાચા અર્થમાં દીકરી અને તેમની મમ્મીની પ્રિય મિત્ર બની ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિ લાવવા વિશ્વાસે અવારનવાર અનુ માટે નાઇટ ઇન શાઇનિંગ આર્મરની ભૂમિકા ભજવી છે.

એ વિશે વિશ્વાસ કહે છે, ‘પ્રેમલગ્નમાં વહુ પાસે ઘરવાળાઓની અપેક્ષાઓ ઘણી વધી જાય છે. એમાં પણ યુવતી બીજી જ્ઞાતિની હોય ત્યારે તો આ અપેક્ષાઓ હદ જ વટાવી જતી હોય છે. આવા વખતે ખરેખર તો છોકરાએ પતિ અને દીકરા તરીકેની પોતાની ભૂમિકાઓ વચ્ચે સંતુલન જાળવી મા-બાપ અને પત્ની વચ્ચે સેતુ બનવાનું કામ કરવાનું હોય છે. હું ઈશ્વરકૃપાથી આ ભૂમિકા ભજવવામાં સફળ રહ્યો એનો મને આનંદ છે.’

જ્ઞાતિભેદનો ગભરાટ

આજે બન્નેનાં લગ્નને ૧૯ વર્ષ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ આજે પણ યુવાનીના એ ખૂબસૂરત દિવસોને યાદ કરતાં વિશ્વાસ એટલો જ રોમાંચિત થઈ ઊઠે છે. તે કહે છે, ‘પહેલી જ નજરે હું અનુના એવા પ્રેમમાં પડી ગયો હતો કે સતત તેને મળ્યા કરવાનાં બહાનાં શોધ્યા કરતો. ત્યારે હું પણ એન. એમ. કૉલેજમાં કૉમર્સનો અભ્યાસ કરી રહ્યો હતો એટલે કૉલેજની કૅન્ટીનમા વડાપાંઉ-ચા અમારા મિલનનું મુખ્ય કારણ બની જતાં. અનુને પણ હું ગમતો તો હતો, પરંતુ અમારી વચ્ચે રહેલા જ્ઞાતિભેદથી તે ગભરાતી. પરિણામે ૧૯૮૯ના વૅલેન્ટાઇન્સ ડેએ જ્યારે મેં તેને એક મોટું વૅલેન્ટાઇન્સ ડે કાર્ડ આપી ઑફિશ્યલી પ્રપોઝ કર્યું ત્યારે પહેલાં તો તેણે ના પાડી દીધી હતી. એ દિવસે ખૂબ સમજાવ્યા બાદ છેક બીજા દિવસે તેણે હા પાડી હતી એટલે આજે પણ દર વર્ષનો ૧૫ ફેબ્રુઆરીનો દિવસ અમે લગ્નની ઍનિવર્સરી જેવો જ ધામધૂમથી સેલિબ્રેટ કરીએ છીએ.’

પર્ફેક્ટ ચૉઇસ

વિશ્વાસને વિશ્વાસ હતો કે અનુ તેના પોતાના અને તેના પરિવાર માટે પર્ફેક્ટ ચૉઇસ છે એટલે બે વર્ષ બાદ તેણે ઘરે પોતાના અફેરની વાત કરી. વિશ્વાસ કોઈના પ્રેમમાં છે એટલું તો તેનાં મમ્મી-પપ્પા પણ જાણતાં હતાં, પરંતુ તે છોકરી નૉન-વેજ ખાતી પારસી કોમની છે એવું જાણ્યા બાદ તેનાં રૂઢિચુસ્ત જૈન માતા-પિતાના પગ તળેથી જમીન જ ખસી ગઈ.

એ સમયને યાદ કરતા વિશ્વાસ કહે છે, ‘જોકે હકીકત એ હતી કે મને મળ્યા બાદ અનુએ નૉન-વેજ ખાવાનું બંધ કરી દીધું હતું. એક વાર મેં તેને સમજાવ્યું હતું કે પોતાના બચ્ચાને કપાતા જોઈને ચિકનનાં મા-બાપને કેવું લાગતું હશે એ વિચારી જો. બસ, એ વાત તેના ગળે એવી ઊતરી ગઈ કે ત્યાર પછી આજ સુધી તેણે નૉન-વેજને હાથ લગાડ્યો નથી. આખરે તેઓ અનુનાં મમ્મીને મળવા તૈયાર થયાં અને પછી તો બધું ફટાફટ થાળે પડી જતાં ૧૯૯૨ની ૭ મેએ અમારાં લગ્ન પણ થઈ ગયાં.’

હું અને મારાં સાસુ

લગ્નજીવનના શરૂઆતના દિવસોને યાદ કરતાં અનુ કહે છે, ‘વિશ્વાસના ઘરે લગ્ન કરીને આવી ત્યારે ઘરવાળાઓ કરતાં બહારવાળા મારી એક-એક હિલચાલને વધુ ઝીણવટપૂર્વક જોતા અને સતત એમાંથી ખોડખાંપણ કાઢ્યા કરતા. એ બધાથી ડરીને મમ્મી-પપ્પાએ પણ મારા પર અનેક ખોટાં દબાણો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આવા વખતે વિશ્વાસ મારી વ્ાહારે આવતો અને અમને બધાને લોકોની વાતોમાં ન આવી જવા સમજાવતો. આજે હું અને વિશ્વાસ પ્રસન્નતાભર્યું લગ્નજીવન માણી રહ્યાં છીએ. અમે બન્ને આખો દિવસ અમારા ગાર્મેન્ટ એક્સર્પોટના બિઝનેસને સંભાળવામાં વ્યસ્ત રહેતાં હોવાથી અમારા બન્ને છોકરાઓ ૧૮ વર્ષનો હર્ષ અને ૧૧ વર્ષનો જેહ મારાં સાસુ-સસરા પાસે જ મોટા થઈ રહ્યા છે. હવે હું વિશ્વાસના ઘરમાં એકદમ સેટ થઈ ગઈ છું બલકે મારાં સાસુની તો ખૂબ નજીક આવી ગઈ છું. તેઓ ભલે બહુ ભણેલાં નથી, પરંતુ સાચા અર્થમાં ગણેલાં છે. તેમની પાસેથી કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રહેવાનો જીવનનો અમૂલ્ય પાઠ હું શીખી છું. મારા પિતા તો મારાં લગ્ન પહેલાં જ ગુજરી ગયા હતા અને મારાં લગ્ન બાદ મમ્મી સાવ એકલી થઈ ગઈ હતી. હવે મારાં સાસુ જ તેમનું સૌથી વધુ ધ્યાન રાખે છે. મારી મમ્મી બીમાર હોય ત્યારે હું નથી કરતી એટલી દોડાદોડી મારાં સાસુ કરી મૂકે છે. મને તેમની સમજદારી માટે એટલું માન છે કે એક દીકરી પોતાની મા સાથે કરી શકે એવાં બધાં જ સીક્રેટ્સ હું તેમની સાથે શૅર કરી શકું છું.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK