સાસુ-વહુની આ જોડી લોકો માટે આશ્ચર્ય છે

Published: 19th December, 2011 09:49 IST

શૉપિંગથી લઈને દરેક સામાજિક ફંક્શનમાં સતત સાથે ને સાથે રહેતાં મુલુંડનાં દીપા કોઠારી અને તેમનાં સાસુ વચ્ચે મતભેદ થાય તો પણ એને તેઓ સમજણથી ઉકેલી લે છે(પીપલ-લાઇવ -  બહૂ હો તો કૈસી? - શર્મિષ્ઠા શાહ)

મુલુંડમાં રહેતી કચ્છી લોહાણા જ્ઞાતિની દીપા કોઠારીનાં લગ્નને ૧૮ વર્ષ પૂરાં થયાં છે. ૧૮ વર્ષ પહેલાં લગ્ન કરીને તેમણે સાસરિયાંમાં પગ મૂક્યો ત્યારે તો મુગ્ધાવસ્થાનો કાળ હતો. દીપાબહેનને રસોઈથી માંડીને ઘર ચલાવવાની બધી જ ટ્રેઇનિંગ સાસુ રુક્મિણીબહેન પાસેથી જ મળી છે. તેમના બે સંતાનો પણ સાસુજીના વડપણ હેઠળ ક્યાં મોટા થઈ ગયા એની તેમને ખબર નથી પડી. વહુ તરીકેના તેમના વિચારો જાણીએ તેમના જ શબ્દોમાં.

આદર્શ વહુની વ્યાખ્યા

સાસરિયાંને પિયરિયાં માનીને રહે તે જ આદર્શ વહુ કહેવાય. પતિનાં માતા-પિતાને પોતાનાં માતા-પિતા માનીને દરેક ફરજ પૂરી કરવાની વહુની જવાબદારી હોય છે. સાસુ-સસરાએ વહુને તેમનો દીકરો આપ્યો છે એટલે વહુની પણ ફરજ છે કે તેમની દીકરી બનીને રહે.

પહેલાં અને પછી

કેવું સાસરિયું હોવું જોઈએ એ વિશે વધુ વિચારવાનો સમય મળે એ પહેલાં જ મારાં લગ્ન થઈ ગયાં, પરંતુ મને મારા પિયરમાં જેટલી સ્વતંત્રતા હતી એટલી જ સ્વતંત્રતા સાસરિયાંમાં પણ મળી છે. આ ઘરમાં મને વહુ કરતાં દીકરી બનાવીને જ મારાં સાસુએ રાખી છે. મારાં લગ્ન થયા ત્યારે મને કંઈ જ નહોતું આવડતું. રસોઈથી માંડીને ઘર ચલાવવાની બધી જ ટ્રેઇનિંગ મને સાસુજી પાસેથી જ મળી છે એટલે મારે કોઈ પણ પ્રકારનું ઍડ્જસ્ટમેન્ટ કરવું પડ્યું હોય એવું મને લાગતું જ નથી.

સાથે રહેવું ગમે

અમને હંમેશાં સાથે ને સાથે જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી જાય છે. અમને એકબીજા વગર એકલાં જવું ક્યાંય ન ગમે. અમે ખરીદી કરવા જઈએ કે કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો પણ મોટે ભાગે સાથે જ હોઈએ. મારી મમ્મીને ત્યાં પણ કોઈ પણ પ્રસંગ હોય તો પણ અમે સાથે જ જવાનું પસંદ કરીએ.

રસોઈ કરવામાં પણ મારાં સાસુ મારી સાથે જ હોય. ક્યારેક હું મોડી ઊઠી હોઉં તો મારાં સાસુ મારા ઊઠવાની રાહ ન જુએ અને બધું જ કામ પતાવી નાખે. મારા બે દીકરા કેવી રીતે મોટા થઈ ગયા એ મને ખબર જ નથી પડી. તેમને સારા સંસ્કાર આપવામાં મારાં સાસુનો મોટો ફાળો છે.

ફરવા પણ સાથે જાઉં

હું મારાં સાસુ-સસરા સાથે ઘણું ફરી છું. મેં તેમની સાથે ચારધામ, વૈષ્ણોદેવી વગેરે સ્થળે જાત્રા કરી છે. દેવલાલી જેવાં સ્થળોએ પણ તેમની સાથે ઘણી વાર ફરવા જાઉં છું. મારા પતિ ભાવેશ બિઝનેસની વ્યસ્તતાને કારણે સાથે ન આવી શકે એમ હોય તો હું અને મારા બે દીકરા પણ મમ્મીજી અને પપ્પાજી સાથે જઈ આવીએ. તેમની કંપનીમાં અમને મજા આવે છે.

મનભેદ નહીં

બે વ્યક્તિ વચ્ચે સમજણ હોય ત્યાં કોઈ સમસ્યા ઊભી થતી નથી. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે છે, પણ મનભેદ નથી. એકબીજાને સન્માન આપીને પ્રેમથી રહીએ તો સાસુ-વહુ વચ્ચે ક્યારે પણ સમસ્યા ઉદ્ભવે નહીં.

સાસુ રુક્મિણીબહેનનો વહુ વિશેનો મત

દીપા પરણીને આવી ત્યારે નાની હતી. હવે તેનાં લગ્નને ૧૮ વર્ષ થઈ ગયાં છે. હવે તેણે બધું જ માથે ઉપાડી લીધું છે. તે એક જવાબદાર વહુ છે. બધાને સંભાળી લે છે. મહેમાનોની આગતાસ્વાગતા પણ પ્રેમથી કરે છે. હું નસીબદાર છું કે મને આવી વહુ મળી.
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK