(શાદી સે પહલે, શાદી કે બાદ - રત્ના પીયૂષ)
પ્રશાંતની ચીરાબજાર અને ઝવેરી બજારમાં ઑફિસ છે. તેનું શૅરમાર્કેટનું કામ છે, જ્યારે હેતલ હાઉસવાઇફ છે. આ હળવી સિરીઝ માટે જ્યારે અમે તેમને લગ્ન પહેલાંની અને પછીની વાતો કરવા કહ્યું ત્યારે કેવી હળવાશ પ્રસરી ગઈ એ તેમના જ શબ્દોમાં જાણીએ
પત્ની શું કહે છે?
અમે વૈષ્ણવ જ્ઞાતિનાં છીએ. હું મારી ફ્રેન્ડને ઘરે અવારનવાર જતી. પ્રશાંત પણ એ જ સોસાયટીમાં રહેતા. ત્યાંની નવરાત્રિ, ગણપતિ જેવા તહેવારોમાં ભાગ લેતી. ત્યાં હાય-હેલોથી પ્રશાંત સાથે વાતચીત શરૂ થઈ અને અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં એની ખબર જ ન પડી. નવ વર્ષ અમારું અફેર રહેલું. ઘરના લોકોને ખબર પડતાં ૨૦૦૪ની ૧૨ ડિસેમ્બરે અમારી સગાઈ થઈ અને ચાર વર્ષના કોર્ટશિપ પિરિયડ પછી ૨૦૦૮માં અમે પરણી ગયાં.
લગ્ન પછી સૌથી વધુ મિસ કરું છું તો એ ટાઇમ. અમે પહેલાં એકબીજા સાથે કલાકો પસાર કરતાં હતાં જે હવે શક્ય નથી. લગ્નના એક વર્ષની અંદર જ મારી મોટી દીકરી રેનેનો જન્મ થયો. પછી થોડા વખતમાં ક્યારાનો જન્મ થયો. હવે હું ઘરની જવાબદારીમાં એટલી વ્યસ્ત થઈ ગઈ છું કે પહેલાંની જેમ મોકળાશથી ફરવાનો સમય જ નથી.
લગ્ન પહેલાં મેં ક્યારેય પ્રશાંત પર ગુસ્સો કર્યો નથી, પરંતુ લગ્ન પછી ઘર અને બાળકોની જવાબદારી વધી ગઈ છે. એટલે ઘણી વખત નાની-નાની વાતો પર ગુસ્સે થઈ જાઉં. જોકે પ્રશાંતને મારા ગુસ્સાથી કોઈ ફરક પડતો નથી. તે જ મને સમજાવીને મનાવી લે છે.
લગ્ન પહેલાં મને રસોઈ બનાવતાં આવડતી હતી, પરંતુ ક્યારેય પ્રશાંત માટે ખાસ રસોઈ બનાવવા માટે કોઈ તૈયારી કરતી નહોતી. પહેલાં મને કુકરી શો જોવાનો કંટાળો આવતો. જોકે હવે પ્રશાંતને ઇટાલિયન અને મેક્સિકન ફૂડ વધુ ભાવતું હોવાથી ટીવી પર અવનવા રસોઈ શો જોઈ પ્રશાંત માટે પીત્ઝા, પાસ્તા વગેરે બનાવતી થઈ ગઈ છું. લગ્ન પહેલાં પ્રશાંત મને મળવા માટે બિફોર ટાઇમ આવી જતા. એ વખતે હું ક્યારેય તેમના આપેલા સમય પ્રમાણે પહોંચતી નહોતી અને હવે પ્રશાંતને મોડું થાય છે.
લગ્ન પહેલાં વૅલેન્ટાઇન્સ ડે કે ફ્રેન્ડશિપ ડે વગેરેની આતુરતાથી રાહ જોતાં. એ સેલિબ્રેટ કરવા માટે પ્લાનિંગ કરતાં અને હવે તો આ દિવસોની ઉજવણી માટે ખાસ એક્સાઇમેન્ટ રહેતું નથી. આ દિવસો આવે એટલે એકબીજાને વિશ કરીએ, પરંતુ પહેલાં એ દિવસો માટે જેવો ઉત્સાહ રહેતો એવો નથી હોતો.
પતિ શું કહે છે?
લગ્ન પહેલાં હું મમ્મીને ઘરકામમાં ક્યારેય મદદ કરતો નહોતો. એ વખતે બૅચલર લાઇફ અને મોજીલું જીવન હતું, પરંતુ લગ્ન પછી ઘરની જવાબદારી યોગ્ય રીતે સમજાઈ ગઈ છે. હવે તો ક્યારેક ઘરમાં કામવાળી ન આવી હોય ત્યારે હેતલને કામમાં મદદ કરી દઉં.
લગ્ન પહેલાં હેતલ ગ્રાન્ટરોડમાં આવેલી પ્રાઇવેટ કંપનીમાં ફ્લોર મૅનેજર તરીકે કામ કરતી હતી. એ વખતે હું રાતે ૮.૩૦ વાગ્યે તે છૂટે એ પહેલાં તેની ઑફિસની બહાર જઈ ઊભો રહેતો. તેને પિક કરી તેના ઘરે મૂકી થોડો વખત તેની ફૅમિલી સાથે બેસી પછી ઘરે જતો. લગ્ન પહેલાં લગભગ પાંચેક વર્ષ એ મારો નિત્યક્રમ બની ગયો હતો અને હવે તો કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે હું હેતલને કહી દઉં કે તું પહોંચી જા, હું ઑફિસથી સીધો ત્યાં આવી જઈશ. લગ્ન પહેલાંની અમારી લાઇફને ખૂબ જ મિસ કરું છું.
લગ્ન પહેલાં મને ફંકી અને ટ્રેન્ડી કપડાં પહેરવાં ખૂબ જ ગમતાં, પરંતુ લગ્ન પછી હેતલે મારો વૉર્ડરોબ ચેન્જ કરી નાખ્યો છે. પર્ફેક્ટ મૅચિંગ થાય અને સૂટ થાય એવાં ફૉર્મલ શર્ટ હું પહેરતો થઈ ગયો છું. મારી આ સ્ટાઇલ હેતલે મને આપી છે જે મને ખૂબ જ ગમે છે.
લગ્ન પહેલાં અમે લેટ નાઇટ ફરવા જતાં તેમ જ સાથે કલાકો પસાર કરવા છતાં મોડી રાતે બે-અઢી વાગ્યા સુધી વાતો કરતાં. છતાં અમારી વાતો ખૂટતી જ નહોતી અને હવે દિવસમાં માંડ ૧૫ મિનિટ ફોનમાં જુદાં-જુદાં કારણો માટે કામ પૂરતી વાત થઈ શકે છે.
લગ્ન પહેલાં અમે મોટા ભાગની ફિલ્મો થિયેટરમાં જોતા હતા અને હવે બહાર જઈ ફિલ્મો જોવાનો સમય નથી મળતો.
લગ્ન પહેલાં ઑફિસ પપ્પા સંભાળતા હતા. આથી હું સ્વતંત્ર રીતે બહાર ફરી શકતો હતો અને હવે તો ઘર અને ઑફિસની જવાબદારી મારે સંભાળવાની હોવાથી પહેલાંની જેમ બહાર નીકળી નથી શકાતું. હું અને હેતલ બન્ને અમારા ગોલ્ડન પિરિયડને યાદ કરી હસી પડીએ છીએ.
હેતલ અને પ્રશાંત એકબીજાને કેટલું ઓળખે છે? ચાલો, તેમની કસોટી કરીએ
હેતલની અગ્નિપરીક્ષા
પ્રશાંતનો સ્વભાવ
હેતલ : શાંત.
પ્રશાંત : સહી જવાબ.
તકિયા કલામ
હેતલ : નથી.
પ્રશાંત : સહી જવાબ.
ઘરની પ્રિય જગ્યા
હેતલ : બેડરૂમ.
પ્રશાંત : ગલત. મને બાલ્કની ગમે.
હાઇટ
હેતલ : પાંચ ફૂટ છ ઇંચ.
પ્રશાંત : ગલત. પાંચ ફૂટ નવ ઇંચ.
સૌથી ભાવતું અને ન ભાવતું શાક
હેતલ : તેને પંજાબી શાક ભાવે, પણ લીલાં શાક ન ભાવે.
પ્રશાંત : સહી જવાબ.
શૂઝની સાઇઝ
હેતલ : નવ નંબર.
પ્રશાંત : સહી જવાબ.
ફેવરિટ હીરો-હિરોઇન
હેતલ : શાહરુખ ખાન અને કૅટરિના કૈફ.
પ્રશાંત : સહી જવાબ.
ફેવરિટ કલર
હેતલ : બ્લુ
પ્રશાંત : સહી જવાબ.
ફેવરિટ ડ્રેસ
હેતલ : શર્ટ-પૅન્ટ.
પ્રશાંત : સહી જવાબ.
બ્લડ-ગ્રુપ
હેતલ : ઓ નેગેટિવ.
પ્રશાંત : ખબર નથી. ગલત જવાબ.
(૧૦માંથી ૭ માર્ક : ઓકે)
પ્રશાંતની અગ્નિપરીક્ષા
હેતલનો સ્વભાવ
પ્રશાંત : થોડો ગુસ્સાવાળો.
હેતલ : સહી જવાબ.
તકિયા કલામ
પ્રશાંત : કોઈ નથી.
હેતલ : સહી જવાબ.
ઘરની પ્રિય જગ્યા
પ્રશાંત : બાલ્કની.
હેતલ : સહી જવાબ.
હાઇટ
પ્રશાંત : પાંચ ફૂટ ચાર ઇંચ.
હેતલ : ગલત જવાબ. પાંચ ફૂટ બે ઇંચ.
સૌથી ભાવતું અને ન ભાવતું શાક
પ્રશાંત : તેને બધાં શાક ભાવે, ન ભાવે એવાં કોઈ શાક નથી.
હેતલ : સહી જવાબ.
સૅન્ડલની સાઇઝ
પ્રશાંત : સાત નંબર.
હેતલ : ગલત જવાબ. આઠ નંબર.
ફેવરિટ હીરો-હિરોઇન
પ્રશાંત : આમિર ખાન અને દીપિકા પાદુકોણ.
હેતલ : સહી જવાબ.
ફેવરિટ કલર
પ્રશાંત : પિન્ક.
હેતલ : સહી જવાબ.
ફેવરિટ ડ્રેસ
પ્રશાંત : વેસ્ટર્ન આઉટફિટ અને સાડી.
હેતલ : સહી જવાબ.
બ્લડ-ગ્રુપ
પ્રશાંત : ખબર નથી.
હેતલ : ગલત જવાબ. એ પૉઝિટિવ.
(૧૦માંથી ૭ માર્ક : ઓકે)
સ્કોરિંગ - અન્ડર ૫ : વેરી બૅડ, ૫ - ૭ : ઓકે, ૭.૫ - ૮.૫ : ગુડ, ૯ - ૯.૫ : વેરી ગુડ, ૧૦ : પર્ફેક્ટ પાર્ટનર