પત્ની કટ-કટ ન કરે તો આ પતિદેવ બેચેન બની જાય (પીપલ લાઈવ)

Published: 8th December, 2011 07:26 IST

એટલે જ બોરીવલીમાં રહેતા હરેશ અભાણી તેમની પત્ની પ્રીતિ રિસાય કે તરત જ તેને મનાવી લે છે. વાતે-વાતે બાખડી પડતા આ કપલનાં લગ્નનાં વર્ષો વધ્યાં છે એમ તેમની વચ્ચે થતી બોલચાલીનું પ્રમાણ વધ્યું છે, પણ વિષયો લગભગ સરખા રહ્યા છે(પીપલ લાઈવ - તૂતૂ-મૈંમૈં - રત્ના પીયૂષ)

લગ્નજીવનમાં પતિ-પત્ન્ાી વચ્ચે નાની-મોટી વાત પર અનાયાસ મીઠી નોકઝોક થઈ જતી હોય છે અને કેટલીક વખત નાની તકરાર ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ લઈ લેતી હોય છે. જોકે એ તકરારમાં પણ પ્રેમ છુપાયેલો હોય છે. થોડા દિવસના રિસામણાં-મનામણાં પછી ફરીથી તેઓ હતાં એવાં થઈ જતાં હોય છે. ભાગ્યે જ એવું કપલ હશે જેમની વચ્ચે ક્યારેય નોકઝોક ન થઈ હોય. આવી જ સ્ટોરી છે હરેશ અને પ્રીતિ અભાણીની.

મૂળ વેરાવળના અત્યારે બોરીવલી (વેસ્ટ)માં રહેતાં હરેશ અભાણી અને પ્રીતિ અભાણીનાં લવ-મૅરેજ છે. તેમનાં લગ્નને ૨૦ વર્ષ થઈ ગયાં. તેમને ૧૯ વર્ષની ખુશ્બૂ અને ૧૫ વર્ષની ઉર્વશી એમ બે દીકરીઓ છે. હરેશ એલઆઇસીના એજન્ટ છે. તેમની બોરીવલી (વેસ્ટ)માં ઑફિસ છે, જ્યારે પ્રીતિ ગ્રૅજ્યુએટ છે.

રોજનું થયું

પરસ્પર થતી બોલાચાલી વિશે આ કપલ કહે છે, ‘એવો કોઈ દિવસ ન હોય જ્યારે અમારી વચ્ચે તણખા ન ઝરે. કોઈ ને કોઈ વાતે અમારે તકરાર થઈ જાય, હવે તો આ રોજનું થઈ ગયું છે.’

આગળ હરેશ ઉમેરે છે, ‘હવે તો મને પ્રીતિની કટ-કટની એટલીબધી ટેવ પડી ગઈ છે કે તે મારાથી કોઈ વાતે રિસાઈ ગઈ હોય અને બે દિવસ મારી સાથે કંઈ ન બોલે તો હું બેચેન થઈ જાઉં. મને પાંચ મિનિટ પણ બગાડવી ન ગમે, જ્યારે પ્રીતિ બધાં કામ રિલેક્સ રહીને કરે છે. મને બધું સમયસર જોઈએ અને એ કામ ન થાય તો હું મારા સમય પ્રમાણે ઘરની બહાર નીકળી જાઉં. ઘણી વખત એવું થાય કે પ્રીતિ તેના બીજા કામ સંભાળવા સવારે મને સમયસર ચા-નાસ્તો ન આપે ત્યારે હું કંઈ કહ્યા વગર ઘરેથી ઑફિસ નીકળી જાઉં, જોકે ઘરે આવ્યા પછી અમારી વચ્ચે વાગ્યુદ્ધ શરૂ થઈ જાય; એ બે-ત્રણ દિવસ સુધી ચાલે; એમાંય વાંક પ્રીતિનો હોય એમ છતાં તે માને નહીં.’

ત્યારે પ્રીતિ કહે છે, ‘એમાં શું થયું, થોડીક વાર રોકાઈને ચા-નાસ્તો કરીને ઘરેથી જવું જોઈએને? હરેશ જ્યારે પણ આવું કરે ત્યારે અને જ્યાં સુધી અમારી વચ્ચે ઝઘડો ચાલે ત્યાં સુધી સવારે હું તેની ચા ન બનાવું; તેને જાતે જ બનાવવી પડે. છેવટે તે જ મને મનાવી લે. હરેશ મારી બધી વાતમાં જલદી ઍડજસ્ટ ન થાય અને હું તે જેમ ઇચ્છતા હોય એ પ્રમાણે બદલાતી જાઉં છું. મને ગજરાનો ખૂબ જ શોખ હતો, પરંતુ હરેશને એ પસંદ ન હોવાથી મેં ગજરા નાખવાના બંધ કરી દીધા અને તેને નવરાત્રિમાં ગરબા ગાવાનું ન ગમે એટલે મેં પણ એ ખૂબ જ ઓછું કરી નાખ્યું છે. આવી તો ઘણી વાતો છે. હું હંમેશાં હરેશને કહું છું, હું તમારા રંગે રંગાઈ ગઈ, તમે પણ થોડાક ચેન્જ થાઓ, પણ એ તો તેમના સ્વભાવથી ટસના મસ ન થાય. હું પત્તાં નહોતી રમતી, પરંતુ હરેશ શોખથી પત્તાં રમતાં એટલે હું પણ તેમની સાથે પત્તાં રમતાં શીખી ગઈ. હું ક્યારેય ચા નહોતી પીતી, પરંતુ હરેશને કારણે હું ચા પીતી થઈ ગઈ છું. જ્યારે હરેશ હંમેશાં તેમને જે ગમે એ જ કરે છે એટલે અમારી વચ્ચે નજીવી બાબત પર પણ નોકઝોક શરૂ થઈ જાય છે.’

ફ્રેન્ડ્સનું મહત્વ વધારે

હરેશ તેમના ફ્રેન્ડ્સની વાતને પહેલાં મહત્વ આપે અને પછી મારી વાત કાને ધરે એટલે અમારી વચ્ચે અચૂક બોલાચાલી થઈ જાય. એટલું કહીને આગળ પ્રીતિ કહે છે, ‘મેં જો તેમને કહ્યું હોય કે આપણે બહાર ફરવા જવાનું છે એટલે કારમાં પેટ્રોલ ફુલ કરાવી લેજો, પરંતુ જ્યારે બહાર જવાનું થાય ત્યારે જ હરેશ કહે, મેં તો ટાંકી ફુલ નથી કરાવી. બસ, એટલી વાત થાય અને જવાનો પ્લાન કૅન્સલ કરી વાગ્યુદ્ધ શરૂ થઈ જાય.’

ત્યારે હરેશ કહે છે, ‘હું જાણીજોઈને આવું નથી કરતો, પણ પ્રીતિને હંમેશાં એવું લાગે છે કે મારા ફ્રેન્ડ્સને કારણે હું ઘરનાં અમુક કામમાં ધ્યાન નથી આપતો, પરંતુ એવું નથી. મારું ગ્રુપ ઘણું મોટું છે એટલે મારા કોઈ મિત્રે મને કંઈક કામ કહ્યું હોય તો હું તેને ના ન પાડી શકું અને કામમાં ને કામમાં હું પ્રીતિની વાત ભૂલી જાઉં. પછી શું? મારે જ પ્રીતિને મનાવવી પડે. જોકે પ્રીતિ ન રિસાય એ માટે હવે મેં મારા ફ્રેન્ડ્સને મળવાનું ખૂબ ઓછું કરી નાખ્યું છે તેમ જ બિલ્ડિંગનાં મિત્રો સાથે ઓછો જાઉં છું જેથી તેને ખોટું ન લાગે, પરંતુ કંઈક તો ગરબડ થઈ જાય અને અમે બાખડી પડીએ.’

રોમૅન્ટિક અને શાંત

લાગણીઓ અભિવ્યક્ત ન થાય ત્યારે પણ મગજમારી થાય એ વિશે હરેશ કહે છે, ‘પ્રીતિ રોમૅન્ટિક સ્વભાવની છે, જ્યારે હું શાંત સ્વભાવનો છું. તે તેની ફીલિંગ્સ એક્સપ્રેસ કરી શકે, પણ હું સરળતાથી મારી વાત ન કહી શકું એટલે તે મારા પર ચિડાઈ જાય.’

હરેશની વાતમાં સૂર પુરાવતાં પ્રીતિ કહે છે, ‘મને દરેક જગ્યાએ બધા લોકો સાથે હળીમળીને રહેવું ગમે. જ્યારે હરેશ અતડા રહે ત્યારે હું તેના પર ખિજાઈ જાઉં, જેમ કે અમે વૉટરપાર્કમાં જઈએ ત્યારે હું હરેશને કહું કે સ્વિમિંગ-કૉસ્ચ્યુમ પહેરો, પણ તે ન જ પહેરે એટલે પિકનિકની મજા ત્યાં જ બગડી જાય એટલું જ નહીં, અમે ગ્રુપમાં પિકનિકમાં ગયા હોઈએ ત્યારે તે અમને છોડીને તેમના બીજા ફ્રેન્ડ્સ જેમ કહે એમ કરે છે ત્યારે તો મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય પછી તો એ વાત અઠવાડિયા સુધી ચાલે.’

ત્યારે તરત જ હરેશ કહે છે, ‘આવા સમયે મારો વાંક હોવાથી પ્રીતિને મારે સૉરી કહી મનાવવી પડે.’

ઐસા-વૈસા પૈસા

ફાઇનૅન્સ-મૅનેજમેન્ટ હરેશ સંભાળે છે. તેમના હાથમાંથી ઝડપથી પૈસા ન નીકળે, પરંતુ બહાર ખર્ચા કરવાના હોય ત્યારે તે એમાં બિલકુલ કરકસર ન કરે અને ઘરે ખર્ચવાની વાત આવે ત્યારે સંપૂર્ણપણે હિસાબ રાખે, આ વાત કરતાં પ્રીતિ કહે છે, ‘મને આજસુધી ખબર નથી કે હરેશ બહાર કેટલો ખર્ચો કરે છે. ઘરમાં જ્યાં પૅમેન્ટ આપવાનું હોય એ બધું કામ હરેશ જ કરે છે એ વાતે પણ અમારી વચ્ચે નોકઝોક થઈ જાય. હું તેમને કહું કે તમે મને ઘરના ખર્ચા સંભાળવા રૂપિયા આપો, પણ એવું ક્યારેય નથી બન્યું.’

ત્યારે હરેશ કહે છે, ‘પ્રીતિએ બધાં કામ નિરાંતે કરવાની ટેવ છે એટલે મને થાય કે જરૂરી ટેલિફોનબિલ, લાઇટબિલ વગેરે તે સમયસર નહીં ભરે તો? એટલે બધું હું જ સંભાળું છું. જોકે એને લીધે અમારી વચ્ચે કટ-કટ થાય છે. અને મને ઘરખર્ચ માટે પણ પ્લાનિંગથી રૂપિયા ખર્ચવા ગમે. ગમેતેમ વિચાર્યા વગર પૈસા ખર્ચવામાં માનતો નથી. મને લોન લેવી ન ગમે. મારી બચતમાંથી ઘરખર્ચ અને ફર્નિચર માટે ખર્ચ કરવો ગમે. જ્યારે પ્રીતિને બધું ફટાફટ જોઈએ એટલે અમારી વચ્ચે નોકઝોક થાય, પરંતુ ફાઇનૅનન્સમાં મારું જ ચાલે.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK