"મારા જીવનની સઘળી દોલત તેમનો પ્રેમ છે"

Published: 18th October, 2011 20:45 IST

આટલું કહીને મીઠું મલકાઈ જતાં ચંદ્રકળા અને દોલતરાય ઠાકરનાં લગ્નને બાવન વર્ષ પૂરાં થયાં છતાં પ્રેમમાં કચાશ નથી આવી. એવી કઈ ખૂબી છે જેણે આજે પણ તેમને બાંધીને રાખ્યાં છે, ચાલો જાણીએ(એક દૂજે કે લિએ - હેતા ભૂષણ)

મલાડ (ઈસ્ટ)માં છેલ્લાં ૪૦ વર્ષથી રહેતાં દોલતરાય ઠાકર અને ચંદ્રકળા ઠાકરનાં લગ્ન ૧૨ જૂન ૧૯૫૯માં થયા હતા. તેમનાં લગ્નને બાવન વર્ષ પૂર્ણ થયાં છે. ત્યારે ૮૨ વર્ષના દોલતરાય ઠાકર કહે છે, ‘પત્ની તરીકે મને ચંદ્રકળાએ સંપૂર્ણ સાથ આપ્યો અને તેના સાથ અને સંતોષથી મારું જીવન ચમકે છે. અમારાં સુર્દીઘ દામ્પત્યજીવનનું રહસ્ય છે સ્નેહ, સંતોષ અને સરળતા.’

શરૂઆતના દિવસો

પોતાનાં લગ્નની વાત કરતાં ૭૫ વર્ષનાં ચંદ્રકળાબહેન કહે છે, ‘ માત્ર એક મહિનો સગાઈ રહી હતી અને અમારાં લગ્ન થયાં; એમાં બેથી ત્રણ વાર જ મળ્યાં હઈશું. જમાનો રૂઢિચુસ્ત, પણ મારા સંયુક્ત કુટુંબનાં સાસરિયાંમાં બધાનો સાથ-સહકાર બહુ જ સુંદર. મારાં સાસુ-સસરા તો હયાત ન હતાં, પણ કાકાજી સસરા મથુરાદાસ ઠાકરે પોતાનાથીયે અધિક કરીને રાખ્યા. એ જમાનામાં હું એસ. એસ. સી. બાદ પી. ટી. સી. ટીચર્સ ટ્રેનિંગનું ભણતી હતી, એનું એક વર્ષ બાકી હતું તો લગ્ન બાદ તેમણે ભણવાની છૂટ આપી મને ભણાવી અને પોતાના મિત્રની ભલામણથી બી. એમ. સી.ની મ્યુનિસિપલ સ્કૂલમાં મને ટીચરની નોકરી પણ અપાવી અને મારા જીવનને એક સ્વતંત્ર આકાર આપ્યો.’

‘બધાને એક ગણવા, સંપ, સમજ અને એકતાના ગુણ સંયુક્ત કુટુંબમાં રહેવાથી મળ્યા. જેઠ-જેઠાણી જોડે સ્નેહ-સંપથી રહી અને કાકાજીનાં બાળકોને ભાભીમા બની પ્રેમ પણ આપ્યો અને હું નોકરીએ જાઉં ત્યારે મારી મોટી દીકરી હેમાને બધા સાચવતા,’ સંસારજીવનની શરૂઆતના દિવસોની બધા સ્વજનોને યાદ કરતાં ચંદ્રકળાબહેને ગળગળા સ્વરે વાત કરી ત્યારે દોલતભાઈ ભીની આંખે હસી પડ્યા.

જીવનસંઘર્ષની સાથે

‘વડીલોની છત્રછાયા હેઠળ જીવનસંઘર્ષ કપરો નથી લાગ્યો,’ એમ કહેતાં દોલતભાઈ ઉમેરે છે, ‘હું ૬૦ વર્ષથી અકાઉન્ટ સાથે જોડાયેલો છું. ચંદ્રકળાની સાથેનો નાતો પહેલાંનો એ સંબંધ છે અને જે આજે પણ તૂટ્યો નથી.’

આજે ૮૨ વર્ષની વયે પણ ફિટ ઍન્ડ ફાઇન દોલતભાઈ મલાડથી પ્રૉપર મુંબઈ સુધી કામકાજ અર્થે રોજ જાય છે.

૩૫ વર્ષ સુધી ટીચર તરીકે સર્વિસ કરી ૧૫ વર્ષ પહેલાં ચંદ્રકળાબહેન પ્રિન્સિપાલના પદેથી રિટાયર થયાં છે. પોતાના પરિવારની વાત કરતાં ચંદ્રકળાબહેન કહે છે, ‘ઈશ્વરકૃપાથી અમારી બે દીકરી હેમા અને મનીષા તથા  જમાઈ શરદ અને મનોજ અમારું ખુબ ધ્યાન રાખે છે અને સદા જરૂર પડ્યે ખડેપગે હાજર રહે છે. નાની પુત્રી ચેતના પ્રભુને પ્યારી થઈ ગઈ છે, પણ ઈશ્વરઇચ્છા અમને શિરોમાન્ય છે.’

દોહિત્રી નાના-નાની પાસેથી ભરપૂર પ્રેમ મેળવે છે. વહાલના દરિયા સમી દીકરીઓ અને જમાઈઓએ ચંદ્રકળાબહેનની વર્ષ પહેલાંની બીમારીમાં ખૂબ જ સેવા કરી હતી.

શોખ-પ્રવૃત્તિ

પોતાના શોખ વિશે ચંદ્રકળાબહેન કહે છે, ‘મને તો બધી વાતનો બહુ શોખ. ૩૫ વર્ષ ટીચર તરીકે રહી બાળકોને ભણાવ્યાં. જીવન દરમ્યાન અનેક સ્પર્ધામાં ભાગ લીધો. રમત-ગમતમાં પણ મને ઊંડો રસ છે અને ઇનામો પણ જીત્યાં. સામાજિક ક્ષેત્રે પણ વષોર્ સુધી કાર્ય કર્યું છે. અત્યારે હવે અમે બે જણ એકલાં જ રહીએ છીએ. ઘરની દેખરેખ અને રસોઈ હું જાતે જ કરું છું અને ત્યાર બાદ સારું વાંચન અને પ્રભુસ્મરણ એ બે પ્રવૃત્તિઓ છે. ટી.વી. પર કથા સાંભળવી ગમે છે.’

દોલતભાઈ પોતાના શોખની વાત કરતાં કહે છે, ‘યુવાનીમાં ફિલ્મોનો ગાંડો શોખ હતો, હવે ઓછો થયો છે. ગુજરાતી ગીતો-ગરબા ગાવાનો પણ શોખ છે. અત્યારે પણ શરીર સાથ આપે છે એટલે ઈશ્વરકૃપાથી કાર્યરત છું અને ટી.વી. જોવું મને ગમે છે. ‘રામાયણ’, ‘દ્વારકાધીશ...’ જેવી આદ્યત્મિક સિરિયલ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી કૉમેડી સિરિયલ પણ જોઉં છું.’

એકમેકનાં પૂરક

તેમના લાંબા દામ્પત્યજીવનનું રહસ્ય પૂછતાં દંપતી મીઠું મલકે છે અને ચંદ્રકળાબહેન કહે છે, ‘સમજીવિચારીને રહેવું જોઈએ. તડકો-છાંયડો આવે ત્યારે એકબીજાને સાથ આપવો જોઈએ અને અમુક સમયે ગમ ખાતાં પણ આવડવું જોઈએ. આમ તો અમારી વચ્ચે સારી સમજણ છે, પણ કોઈ દિવસ જ્યારે મગજમારી થાય અને એક જણ ગરમ થઈ જાય તો બીજું મૌન રહે છે અને થોડા સમય બાદ સત્ય સમજાય એટલે ગુસ્સો શાંત થઈ જાય છે.’

જયશ્રી કૃષ્ણ

ચંદ્રકળાબહેન અને દોલતભાઈ પોતાનાં ૫૨ વર્ષના પ્રેમભર્યા લગ્નજીવનના પ્રેમને બધે જ વહેંચે છે. સદા હસતા અને હસાવતા દોલતભાઈ વૃદ્ધથી લઈ નાનાં બાળકો સુધીનાં બધાંને ‘જય શ્રીકૃષ્ણ’ કહી બોલાવે છે. ૪૦૦ રૂમની આ રાયજી ઓધવજી પટેલ ચાલમાં જે બાળકો ઘરે આવે તેમને પીપરમિન્ટ-ચૉકલેટ આપી રાજી કરી દઈ પોતે પણ જીવનનો આનંદ મેળવે છે. ચાલમાં તેઓ જયશ્રી કૃષ્ણવાળાં બા-દાદા તરીકે ઓળખાય છે. કોઈ જોડે મગજમારીમાં ઊતરવું નહીં, પ્રભુસ્મરણ કરવું, અન્યને મદદરૂપ થવું, માર્ગદર્શન આપવું અને પ્રેમ વહેંચતાં રહેવું એ તેમનો જીવનધ્યેય છે.
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK