13 જણના પરિવારના ત્રણ ફ્લૅટ્સ પણ રસોડું એક (પીપલ લાઈવ)

Published: 1st December, 2011 07:25 IST

ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરમાં રહેતો ભાવનગરના બળવંતરાય અમૃતલાલ મોદીનો સંયુક્ત પરિવાર મિસાલરૂપ છે. આ પરિવારના સભ્યો જ્યારે પણ કોઈ લગ્નપ્રસંગમાં જાય ત્યારે લોકો દૂરથી જ તેમને ઓળખી જાય છે, કારણ કે તેઓ જ્યાં પણ જાય ત્યાં આખો પરિવાર સાથે જ રહે. બહારના લોકો ક્યારેક એને ગ્રુપીઝમ કહે છે, જ્યારે આ પરિવારના સભ્યો એને યુનિટી કહે છે.(બડા પરિવાર સુખી પરિવાર - કિરણ કાણકિયા)

પાંચેક વર્ષ પહેલાં ૮૦ વર્ષની વયે અવસાન પામેલા મોભી બળવંતભાઈનું બાળપણ ભાવનગરની બોર્ડિંગમાં વિતેલું. મામાના આગ્રહથી રોજીરોટી રળવા તેઓ મુંબઈ આવ્યા. શરૂ-શરૂમાં કાપડની દલાલી કરતા. થોડા સમય પછી તેમણે પોતાની દુકાન સ્થાપી, જેને આજે પણ તેમના દીકરાઓ અને પૌત્રો ચલાવી રહ્યા છે.

પરિવારનો પરિચય

૭૮ વર્ષનાં ઇન્દુબહેન પરિવારના મોભી છે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. સૌથી મોટા મહેશભાઈ અને પત્ની જયશ્રીને ત્રણ સંતાનો બે દીકરી તથા એક દીકરો છે. બન્ને દીકરીઓ હેતલ અમીષ મહેતા તથા ખ્યાતિ અજય હકાણીનાં લગ્ન થઈ ગયાં છે તથા દીકરા વિશાલ અને પુત્રવધૂ વિધિને પણ સાત વર્ષનો એક દીકરો ધ્રુવ છે. ઇન્દુબહેનના બીજા દીકરા અજય અને તેની પત્ની છાયાને બે દીકરીઓ છે : નિયતિ તથા દર્શિકા. નિયતિનાં લગ્ન ગૌરાંગ મહેતા સાથે થયાં છે અને દર્શિકાની સગાઈ થઈ છે.

તેમનો ત્રીજા દીકરો જયેશ અને તેની પત્ની રશ્મિને બે દીકરા છે. મોટો નિર્ભિક અમેરિકા ભણવા ગયો છે તથા નાનો દીકરો તેજસ ફૅમિલી બિઝનેસમાં સક્રિય છે.

ઇન્દુબહેનની દીકરી ભાવનાનાં લગ્ન મહેશ મહેતા સાથે થયાં છે. આમ ચાર પેઢીનો પરિવાર સુખ-સંપથી સાથે રહે છે. પહેલાં ૧૬ જણ રહેતા હતા, અત્યારે દીકરીઓ પરણતાં ૧૩ જણ છે.

ધાર્મિક આસ્થા

આ પરિવાર ભારે આસ્થાવાળો છે. હર (શંકર) તથા હરિ (કૃષ્ણ) બન્નેની ભક્તિ કરે છે. તેઓ દરરોજ સવારે રોકડિયા હનુમાનના મંદિરમાં શિવજીની પૂજા કરવા જાય છે. પુષ્ટિમાર્ગીય સેવા કરતા હોવાથી બધા જ ઉત્સવ મનાવે છે અને ઠાકોરજીની સેવા કરે છે. આ વિશે નાની વહુ રશ્મિ કહે છે, ‘મારાં સાસુજીનો વારસો અમારામાં આવ્યો છે. ઠાકોરજી માટે વસ્ત્રો, અલંકાર, તોરણ, હિંડોળા, પવિત્રાં બધું જ અમને અમારાં સાસુએ શીખવ્યું છે અને આ બધું ઘરમાં તથા બહાર હવેલી, મંદિરમાં પધરાવીએ છીએ. ઘરની બધી રૂઢિ, વ્યવહાર, સંસ્કાર અમારામાં ઊતયાર઼્ હોવાથી અમે સાસુજીના ચીલે ચાલીએ છીએ. એ માટે અમે અમારી જાતને નસીબદાર માનીએ છીએ. એમના થકી જ અમારી વચ્ચે સંવાદિતા અને સંબંધોની મીઠાશ છે.’

વારાફરતી ફરવા જાય

ઇન્દુબહેન ઘાટકોપરના અભિલાષા નામના મંડળના ૩૫ વર્ષથી પ્રેસિડન્ટ છે. કુટુંબના સંપ વિશે ઇન્દુબહેન કહે છે, ‘અમારા કુટુંબ પર ઈશ્વરની કૃપા છે. સૌ સંપથી, આનંદથી, શાંતિથી અને હસીને કોઈ વાદવિવાદ વિના હળીમળીને રહે છે. પ્રેમથી રહે છે. દર વર્ષે વારાફરતી સૌ બહારગામ ફરવા જાય છે. જમાના પ્રમાણે બધી છૂટ આપું છું. સારા-નરસા પ્રસંગે સૌ એકબીજાને સાચવી લે છે.’

સાથે રહેવાના ફાયદા જણાવતાં રશ્મિ ઉમેરે છે, ‘શાંતિ, સંપ, ખમી ખાવાની વૃત્તિ, લેટ ગોની ભાવના, મન મોટું રાખવું, ઍડ્જસ્ટમેન્ટ કરવું આ બધા જ ગુણ અમારામાં વિકસ્યા છે કારણ કે અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. હા, ક્યારેક ધાર્યું ન થાય તો મનને લાગી આવે, પરંતુ આટલા બધા ફાયદા સામે એ ઓગળી જાય છે.’

ત્રણ ફ્લૅટ, પણ રસોડું એક

જગ્યાની સાંકડાશ ન પડે એ માટે બીજે તથા ત્રીજે માળે ત્રણ બેડરૂમના ત્રણ ફ્લૅટ ધરાવતા આ પરિવારના સભ્યો એક જ રસોડે જમે છે. આ વિશે ઇન્દુબહેન કહે છે, ‘ત્રણ-ત્રણ ફ્લૅટ હોવા છતાં કોઈને જુદું નથી થવું. દરેકની ભાવતી આઇટમ બને છે. બધાની ફરમાઇશ પૂરી થાય છે. રસોઈ કરવામાં કોઈના વારા નથી. બધી જ વહુઓ પોતાની જવાબદારી સમજી કામ કરે છે. બધા એકમેકની સગવડ સાચવી લે છે. દરેકને કપડાંલત્તાંની, જવા-આવવાની બધી છૂટ છે.’

પૈસાનો ગલ્લો એક

ઇન્દુબહેનના દીકરાઓને કાપડનો બિઝનેસ છે. મંગળદાસ માર્કેટમાં બે દુકાન ધમધોકાર ચાલે છે. મોટા મહેશભાઈના દીકરા વિશાલને ડાયમન્ડનો પોતીકો બિઝનેસ છે. આર્થિક વ્યવસ્થાની વાત કરતાં ઇન્દુબહેન કહે છે, ‘બધા પૈસા એક જ ગલ્લામાં ઠલવાય છે. સૌને જરૂરી પૈસા વાપરવા મળે છે. પિયરનો કે મિત્રોનો વ્યવહાર પણ આમાંથી જ સચવાય છે અને આ બધો આર્થિક વ્યવહાર ભાઈઓ સુવ્યવસ્થિત રીતે સંભાળે છે. ઘરના નિર્ણયો સૌનો મત જાણ્યા પછી જ લેવામાં આવે છે.

સંયુક્ત કુટુંબના ત્રણ ફાયદા

જૉઇન્ટ ફૅમિલીના ફાયદા વર્ણવતાં રશ્મિ કહે છે, ‘સંયુક્ત કુટુંબના અનેક ફાયદા છે. અમારે કોઈને બહારગામ જવું હોય તો કોઈ ટેન્શન નથી હોતું. વળી અમારાં બાળકો પણ ઘરે હોય તો એની ચિંતા રહેતી નથી. બીજું, બા મોટાં છે એટલે તેઓ કહે એ પ્રમાણે વ્યવહાર કરવામાં આવે છે. આથી અમારી તરફ કોઈ આંગળી ચીંધાતી નથી. ત્રીજું, કોઈ પણ નાનો-મોટો પ્રસંગ જેમ કે બર્થ-ડે, મૅરેજ-ડે, કોઈ તહેવાર વગેરે દીપી ઊઠે છે. અમે સપ્તાહ કરી હતી તો હજી પણ લોકો યાદ કરે છે, કેમ કે અમે બધા એકસૂત્રતાથી બંધાયેલા છીએ. કોઈના મનમાં દ્વેષ નથી. મારો દીકરો અમેરિકા ભણે છે તો તેનો બર્થ-ડે નેટ પર વિડિયો દ્વારા અમે કેક કાપીને ઊજવીએ છીએ. બારૂપી થડ મજબૂત છે તો અમે ડાળીઓ સવાયી છીએ.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK