કેવી છે આ સ્ટાર્સની દિવાળી? (પીપલ-લાઇવ)

Published: 13th November, 2012 03:10 IST

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાની સાથે ફટાકડા ફોડવાની, નવાં કપડાં પહેરવાની અને મન ભરીને મીઠાઈઓ ખાવાની મજા આવે છે. જાણીએ કેટલાક સેલિબ્રિટીઓ આજે શું ખાસ કરવાના છે(પીપલ-લાઇવ - સ્પેશ્યલ સ્ટોરી - અર્પણા ચોટલિયા)


મને દિવાળીમાં તૈયાર થઈને એક બાજુએ બેસી રહેવું ગમે છે : ક્રિતિકા કામરા


આ વર્ષે મારી મમ્મી ખાસ મારી સાથે દિવાળી સેલિબ્રેટ કરવા માટે આવી છે. અમે ઘરે જ નાનું ગેટ-ટુગેધર રાખીશું અને દિવાળી સેલિબ્રેટ કરીશું. જોકે પપ્પા નથી આવ્યા એટલે તેમને હું મિસ કરીશ. મને દિવાળીમાં નવાં-નવાં કપડાં પહેરીને તૈયાર થવાનો ભરપૂર શોખ છે. મેં દિવાળી માટે નવા સલવાર સૂટ સીવડાવ્યા છે. નાની હતી ત્યારે આ તહેવાર સ્કૂલમાંથી લાંબી રજા મળવાને કારણે મારો ફેવરિટ હતો. હું બૉર્ડિંગમાં ભણી છું એટલે, આ દિવસોમાં ઘરે આવવા મળતું. નાનપણમાં ફટાકડા પણ ફોડવાનો શોખ હતો, પરંતુ હવે પ્રદૂષણ થાય, અવાજ થાય એટલે એ બધું નથી ગમતું. મને દિવાળી ફૅમિલી સાથે સેલિબ્રેટ કરવી ગમે છે. મને દિવાળીમાં બનતી મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે અને આમેય હું એટલી ડાયેટ કૉન્શિયસ નથી. આ વર્ષે મારી ઘરે ચૉકલેટ્સ અને બ્રાઉનીઝનો જાણે ખજાનો જમા થયો છે. એટલે હું મન ભરીને સ્વીટ્સ ખાઈશ.

દિવાળી શાંતિથી અને સેફલી સેલિબ્રેટ કરવી જોઈએ. હું નવા વર્ષના કોઈ રિઝોલ્યુશન પણ નથી લેવાની. પણ હા, સ્ટ્રેસ નહીં લઉં અને લાઇફને માણીશ એટલું મેં નક્કી કર્યું છે.

મને ફટાકડા ફોડવાની ખૂબ મજા આવે છે : રશ્મિ દેસાઈ


દિવાળી મારો ફેવરિટ તહેવાર છે. મને પરિવાર સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરવી પસંદ છે. લગ્ન પછી આ મારી પહેલી દિવાળી છે એટલે ખૂબ સ્પેશ્યલ છે. હું મારા હસબન્ડ અને ફૅમિલી સાથે દિવાળી સેલિબ્રેટ કરવાની છું એ લોકો દિવાળી માટે પ્લાન બનાવી રહ્યા છે, પણ એ મારા માટે સરપ્રાઇઝ હશે. દિવાળી આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે, કારણ કે આવતી કાલે આપણું નવું વર્ષ છે અને પછી એકબીજાને મળવા જવાનો કાર્યક્રમ કેટલાય દિવસો સુધી ચાલ્યા કરશે. આ તહેવાર એવો છે જેમાં બધાની અંદર રહેલો એક બાળક બહાર આવે છે. બાળપણમાં મમ્મી નવા વર્ષને દિવસે નવાં કપડાં પહેરાવતી. પછી હું સમજણી થઈ ત્યારથી દિવાળીના પાંચે-પાંચ દિવસ હું નવાં કપડાં પહેરતી થઈ છું. બાળપણમાં નાની છે, નાની છે, એવું કહીને કોઈ મને મોટા ફટાકડા ફોડવા નહોતું આપતું, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી હું મારા ફ્રેન્ડ્સ અને હસબન્ડ નંદિશ સાથે સેલિબ્રેટ કરું છું અને અમે બધા મળીને મોટા-મોટા રંગબેરંગી ફટાકડા, રંગીન અનાર, આકાશમાં મોટા થતા ફટાકડા ફોડીએ છીએ. આ સિવાય બાળપણમાં મને જમીન પર પછાડવાથી જે ફૂટે એ

ધૂમ-ફટાકો ફોડવા ખૂબ જ ગમતા. અમે બધા મિત્રો મળીને ચોર-પોલીસ રમતા અને પછી પોલીસ હોય એ બંદૂકની જેમ એ ધૂમ-ફટાકો ફોડે. મને આ બધામાં ખૂબ જ મજા આવતી. મને વધારે કરીને સૂટ્સ પહેરવા ગમે છે. એમાં હું કમ્ફર્ટેબલ રહું છું એટલે સાડીઓ વગેરે નથી પહેરતી. આ દિવસો એવા છે જેમાં કોઈની સાથે કોઈ પણ મસ્તી કરીએ તો કોઈને ખોટું નથી લાગતું. ફટાકડા ફોડવા, એકબીજા સાથે વાતો કરવી આ બાબતોમાં એક અનોખી મજા છે, પરંતુ અહીં પોતાની મજા માણવામાં કોઈ બીજાને નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા ફોડીએ ત્યારે આજુ-બાજુના લોકો, સ્ટ્રીટ ડૉગ્સ અને પક્ષીઓને નુકસાન ન થાય એનો ખ્યાલ રાખવો જોઈએ.

હું આખા ઘરમાં દીવડાઓ પ્રક્ટાવું છું : મહેશ શેટ્ટી


મને દિવાળી શાંતિથી અને ખૂબ બધી મીઠાઈઓ સાથે સેલિબ્રેટ કરવી ગમે છે. મને આખા ઘરને દીવડાઓથી સજાવી દેવાનું ગમે છે. બાળપણમાં હું અને મારા મિત્રો મારા ઘરે મળતા અને અને ફટાકડા ફોડતા તેમ જ બીજી મજા કરતા. મારી મમ્મી દિવાળીમાં મીઠાઈઓ બનાવતી જેમાંથી કરંજી નામની એક મીઠી ડિશ મારી ફેવરિટ છે. મારી મમ્મીના હાથનો સ્વાદ હું ખૂબ મિસ કરું છું. હું પહેલેથી જ ટ્રાય કરતો આવ્યો છું કે દિવાળીના દિવસોમાં હું ઘરે જ રહું, પરંતુ આ વર્ષે હું બે દિવસની રજા લઈને બહારગામ જવાનો છું. મને દીવડાઓને લીધે જ આ તહેવાર ખૂબ પસંદ છે. આખો દેશ આજના દિવસે રોશન લાગે છે.

હું ઇચ્છીશ કે બધા જ સેફ દિવાળી સેલિબ્રેટ કરે. દિવાળી સેલિબ્રેટ તો કરવી જોઈએ, પરંતુ થોડી સમજદારી સાથે.

મમ્મીની હાથની મીઠાઈ વધુ ગમે : મનીષ પૉલ


દિવાળી મારો ફેવરિટ તહેવાર છે. આ દિવસોમાં આખું વાતાવરણ રોશન થઈ જાય છે. દિલ્હીનો હોવાને લીધે મને શિયાળામાં દિવાળી આવે એ કન્સેપ્ટ વધુ ગમે છે. મેં આ તહેવાર હંમેશાં પરિવાર સાથે સેલિબ્રેટ કયોર્ છે. દીવા, મીઠાઈઓ, થોડા ફટાકડા, થોડા મિત્રો અને મારી ફૅમિલી તેમ જ તેમની સાથે મળીને પત્તાં રમવાનું. મારી દિવાળી આ જ રીતે પૂરી થાય. બાળપણમાં મારી મમ્મી દિવાળી માટે જુદી-જુદી ટાઇપની મીઠાઈઓ બનાવતી. હું અને મારો ભાઈ મળીને પહેલાં ફટાકડા ખરીદતા અને પછી ફોડતા. હવે તો પર્યાવરણ વિશેની જાગૃતિ આવી ગઈ છે એટલે પછીની જનરેશન આ ફટાકડાની મજાને મિસ કરશે. 

ડાયટ-પ્લાન બાજુ પર રહી જાય : વિશાલ મલ્હોત્રા


દિવાળીના દિવસે નાનપણની આદત પ્રમાણે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી લઈએ છીએ ત્યાર બાદ લક્ષ્મી પૂજન થશે. અમે આખી ફૅમિલી સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરીશું. બાળપણમાં પપ્પા સો રૂપિયાના ફટાકડા અપાવતા, જે પાંચ દિવસ ફોડીને થાકીએ તોયે વધતા અને આજે સો રૂપિયામાં શું મળે? હું બાળપણની સિમ્પલ દિવાળી મિસ કરું છું. મને મારા ફ્રેન્ડ્સને દિવાળીમાં ગિફ્ટ્સ આપવી ખૂબ ગમે છે એટલે હું ખાસ બધાની માટે ગિફ્ટ ખરીદું છું. બાકી મને દિવાળીની મીઠાઈઓ ખાવી પણ ખૂબ પસંદ છે એટલે ડાયટ-પ્લાનને બાજુ પર રાખીને મન ભરીને મીઠાઈઓ ખાઉં છું. જોકે પછી વર્કઆઉટ કરીને કૅલેરી બર્ન પણ કરું છું. મને પ્રદૂષણ થાય, ધ્વનિપ્રદૂષણ થાય એ માટે ફટાકડા ફોડવા હવે પસંદ નથી. આ તહેવાર કોઈ પણ ધર્મનાં બંધનો સિવાય એન્જૉય કરવા જેવો છે. એટલે જો કોઈ વચ્ચે કોઈ પ્રૉબ્લેમ હોય કે વાત ન થતી હોય તો ઝઘડાનો અંત લાવવા માટે આ તહેવાર બેસ્ટ છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK