દિવાળીની અનોખી ઉજવણી (પીપલ-લાઇવ)

Published: 12th November, 2012 06:00 IST

કિટી પાર્ટીમાંથી શરૂ થયેલા અશોકનગર ચૅરિટી ગ્રુપની ૨૧૧ મહિલાઓએ ખાસ દિવાળી નિમિત્તે કામવાળી બાઈથી લઈને વૉચમૅન જેવા નિયમિત સંપર્કમાં આવતા ૨૧૧ જરૂરિયાતમંદ લોકોને અનાજ-કરિયાણું ભરવા માટે આર્થિક મદદ કરી છે. માત્ર મહિલાઓ દ્વારા ચલાવાતા અનોખા ગ્રુપ વિશે જાણીએ(પીપલ-લાઇવ - સ્પેશ્યલ સ્ટોરી - રૂપાલી શાહ)

કિટી પાર્ટીમાં ભેગી થઈને મહિલાઓ ખાઈ-પીને પોતાના દાગીના, નવી સાડી કે પછી કોઈ દુકાનમાં ચાલતા સેલ વિશે જ ચર્ચા કરે એવું જરૂરી નથી. કાંદિવલીમાં ટાઇમપાસ અને એન્જૉયમેન્ટ માટે શરૂ થયેલી ૨૦-૨૫ મહિલાઓની કિટી પાર્ટી હવે ચૅરિટી ગ્રુપમાં કન્વર્ટ થઈ ગઈ છે. અશોકનગર ચૅરિટી ગ્રુપ અંતર્ગત હવે ૨૧૧ મહિલાસભ્યો સાથે મળીને પોતાનાથી બનતી સમાજસેવા કરે છે. મહિને માત્ર ૧૦૦ રૂપિયા પ્રત્યેક મહિલા આપે છે અને એમાંથી જે પૈસા ભેગા થાય એને જરૂરિયાતમંદની સેવામાં વાપરે છે.

દિવાળીનો સ્પેશ્યલ પ્રોજેક્ટ

દિવાળીના શુભ પર્વ નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મહિલામંડળે કામવાળી બાઈઓ, વૉચમૅન, કચરાવાળા જેવા લોકોને દિવાળીમાં મફતમાં કરિયાણું ભરી આપવાનું બીડું ઉપાડ્યું છે. આ વર્ષે ૨૧૧ જરૂરિયાતમંદોને ૧૫૦ રૂપિયા કરિયાણું ભરવા માટેની વ્યવસ્થા કરી અપાઈ હતી.

સમાજસેવા તરફ

કિટી પાર્ટીમાંથી સમાજસેવાનું ધ્યેય કેવી રીતે આવી ગયું એની વાત કરતાં ચૅરિટી ગ્રુપનાં સભ્ય ભારતી દલાલ કહે છે, ‘કાંદિવલીમાં હું એન્ટરટેઇનમેન્ટ માટે લેડીઝ ગ્રુપ ચલાવતી હતી. લગભગ ત્રણેક વર્ષ એ ચલાવ્યું. એક દિવસ થયું કે સાથે મળીને ગપ્પાં મારવા કરતાં કોઈને ઉપયોગી થવાય એવું કામ કરવું જોઈએ.’

માત્ર ૧૦૦ રૂપિયા

સપ્ટેમ્બર ૨૦૦૩માં માત્ર પચીસ મહિલાસભ્યોથી શરૂ થયેલી આ સફરમાં આજે ૨૧૧ મહિલાસભ્યો થઈ ગઈ છે. બોરીવલીથી સાઉથ મુંબઈમાં, ગુજરાતમાં અને વિદેશ રહેતી હાઉસવાઇફ, ટ્યુશન અને નોકરી કરતી નાતજાતના ભેદ વગર અનેક મહિલાઓ આ અભિયાનનો હિસ્સો છે. એમાંથી ૪૦થી ૫૦ ઍક્ટિવ સભ્યો છે અને બાકીના સાઇલન્ટ મેમ્બર્સ છે.

ગ્રુપની કાર્યપ્રણાલી વિશે ભારતી દલાલ હસીને કહે છે, ‘આ મહિલાસભ્યો દર મહિને ૧૦૦ રૂપિયા આપે છે જેમાંથી જે પૈસા ભેગા થાય એનો ઉપયોગ વૃદ્ધાશ્રમો કે અનાથાશ્રમોમાં યથાશક્તિ જરૂરિયાતો પૂરી પાડવી, હૉસ્પિટલોના ગરીબ અને લાચાર દરદીઓને મદદ કરવી, પૈસાના અભાવે ન ભણી શકતાં બાળકોને ભણાવવાં, લગ્ન કરતી ગરીબ કન્યાઓને કરિયાવર આપવો, જીવદયા અને કુદરતી આફત સમયે સહાય કરવા જેવી અગણિત પ્રવૃત્તિઓમાં કરીએ છીએ.’

પૂરા રિસર્ચ સાથે

પૈસા યોગ્ય કામે વપરાય એની પૂરતી તકેદારી પણ તેઓ રાખે છે. વર્ષમાં સમાજ સેવાના આશરે છ પ્રોજેક્ટ હોય છે એમ જણાવીને ગ્રુપનું એકાઉન્ટ સંભાળતા ચેતના ગાંધી કહે છે, ‘કોઈ પણ આશ્રમની મુલાકાત લેતાં પહેલાં અમારામાંની બે-ત્રણ બહેનો ત્યાં જઈ સર્વે કરી આવીએ છીએ. ત્યાર પછી તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જોઈતી સાધનસામગ્રીઓ લઈ ફરી ત્યાં જઈએ છીએ. અનુકૂળતા પ્રમાણે જે મહિલાસભ્યને આવવું હોય તે આવી શકે છે. જે પ્રમાણે બહેનો આવવાની હોય એ પ્રમાણે વાહનની વ્યવસ્થા કરી લેવાય છે. મે-જૂન મહિનામાં આવી જ રીતે ભેગા થયેલા ફન્ડનો ઉપયોગ સ્કૂલમાં ભણતાં બાળકોની નોટબુક્સ, ફી તથા યુનિફૉર્મ માટે થાય છે. પૈસાના અભાવે આગળ ભણી ન શકતા તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી સ્કૂલના પ્રિન્સિપાલ પાસેથી લઈ લઈએ છીએ. એ બાળકોની એસએસસીથી પોસ્ટ-ગ્રૅજ્યુએશન સુધીની સ્કૉલરશિપ આ ફન્ડમાંથી આપવામાં આવે છે.’

છેલ્લાં નવ વર્ષથી કંઈ કેટલાંય મૂંગાં પશુ-પક્ષીઓને છોડાવી એ પશુઓનો ખાધાખોરાકીનો તથા જીવનભર એને પોષી શકાય એનો ખર્ચ પણ આ સો રૂપિયાની નજીવી રકમમાંથી જ પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત કબૂતરને ચણ, કાગડાને ગાંઠિયા, કૂતરાને દૂધ-ભાત, કીડીને કીડિયારું અને માછલીને લોટની ગોળીઓ અને ગાયને લાપસી ૩૬૫ દિવસ ખવડાવાય છે અને આ કાર્ય જુદી-જુદી બહેનોએ વહેંચી લીધું છે.

કેવી રીતે થાય છે કામગીરી?

ચૅરિટી ગ્રુપના વહીવટ વિશે ભારતીબહેન કહે છે, ‘દર બે મહિને કોઈ એક બહેનને ત્યાં મીટિંગ મળે છે. જેને ત્યાં મીટિંગ હોય એ વ્યક્તિએ નવા પ્રોજેક્ટની કામગીરી સંભાળવાની હોય છે એટલે મજાની વાત એ છે કે અહીં કોઈ એકલાને હાથે કોઈ જવાબદારી નથી રહેતી. બધી જવાબદારી દરેક નવા પ્રોજેક્ટની સાથે ફરતી રહે. મીટિંગમાં દરેક મહિલાસભ્યના પૈસા જમા કરવામાં આવે છે. જૂના પ્રોજેક્ટના હિસાબનો ઝીણામાં ઝીણા ખર્ચનો રેકૉર્ડ અને એની વિગતો વંચાય છે અને ત્યાર પછી આગામી પ્રોજેક્ટની ચર્ચા થાય છે. વળી આ જમા થયેલા પૈસા જે-તે બહેનના ઘરે જ્યાં મીટિંગ કરવામાં આવી હોય તેમને ત્યાં જ રાખવામાં આવે છે.’

પોતાના બળ પર

અશોકનગર ચૅરિટી ગ્રુપ દ્વારા ચૅરિટી કરતી વખતે નથી કોઈ ફોટા પાડવામાં આવતા કે નથી કોઈ બૅનર લગાડવામાં આવતાં એમ જણાવતાં ભારતીબહેન ગર્વથી કહે છે, ‘ઈશ્વરની મહેરબાની છે. કોઈ પણ જાતની શંકાની સોય કોઈની તરફ તકાતી નથી. જરૂર પડે ત્યારે ડોનેશન માગવા પણ ક્યારેય જવું પડ્યું જ નથી. ઊલટું અમારી ઝોળી હંમેશાં છલકાતી જ રહી છે.’

અત્યાર સુધી ૧૫ લાખ રૂપિયાનું ડોનેશન કરી ચૂક્યાં છીએ. ડોનેશન માટે ક્યારેય કોઈની પાસે હાથ લંબાવ્યો નથી. તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે મહિલાસભ્યો અંદરોઅંદર જ પૈસા કાઢી લે છે. આ મહિલામંડળે હકીકતમાં ટીપે-ટીપે સરોવર ભરાય એ ઉક્તિ સાચી ઠેરવી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK