૮૨ વર્ષેય ઝીણા મોતીકામના હિંડોળા અને ખિલૌના બનાવવાના ઑર્ડર લે છે આ માજી (પીપલ-લાઇવ)

Published: 8th November, 2012 08:22 IST

વિલે પાર્લેમાં રહેતાં રંજન ચિતલિયા તંદુરસ્તી માટે પ્રવૃત્તિસભર જીવનને જવાબદાર ગણે છે(પીપલ-લાઇવ – Fit-fine  @ 75 - કિરણ કાણકિયા)


વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતાં હસમુખાં, મળતાવડાં, કામગરાં ૮૨ વર્ષનાં રંજન ચિતલિયા તન-મનની સ્વસ્થતા સાથે પ્રવૃત્તિસભર નિરામય જીવન જીવી રહ્યાં છે.

દરેક દીકરીએ કામ સાથે કસબ શીખવો જોઈએ એવું માનનારાં રંજન ચિતલિયા છેલ્લાં ૨૫ વર્ષથી ઝીણાં મોતીમાંથી ઠાકોરજીનાં હિંડોળા, ખિલૌનાં, ઉપરણાં વગેરે બનાવે છે. ૮૨ વર્ષે પણ તંદુરસ્તી સાથે સક્રિય રહેલા આ માજીના જીવન-ઝલક પર એક નજર.

જીવન-સંઘર્ષ

૧૯૨૯ની ૨૯ મેના દિવસે મહુવામાં જન્મેલાં રંજનબહેન કપોળ વૈષ્ણવ જ્ઞાતિનાં છે. પિયરમાં આર્થિક સ્થિતિ નબળી હતી. બે ભાઈ ને બે બહેન. ૧૫મે વર્ષે તેમનાં લગ્ન કાન્તિભાઈ ચિતલિયા સાથે થયાં જેમનું ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું છે. સાસરામાં પણ આર્થિક સ્થિતિ સાધારણ. કાન્તિભાઈ નોકરી કરે. મુંબઈમાં ૬૦ વર્ષથી રહે છે. પહેલાં માટુંગા અને અત્યારે પાર્લામાં રહે છે. રંજનબહેનને એક દીકરો અને  ત્રણ દીકરીઓ છે. દીકરો બાલકૃષ્ણભાઈ જેનું છ વર્ષ પહેલાં મૃત્યુ થયું. તેની પત્નીનું નામ પ્રતિભા અને તેમને એક દીકરો-વહુ નીરવ-ડોલી તથા એક દીકરી પરણેલી છે.

નિયમિત જીવન

નિયમિત અને સાદગીભર્યું જીવન જીવતાં રંજનબહેન પોતાની દિનચર્યા વિશે કહે છે, ‘છ-સાડાછ વાગે ઊઠી રોજિંદી ક્રિયા પતાવી પૂજાપાઠ કરી મોતીકામ કરવા બેસી જાઉં. બપોરે ૧૨ વાગ્યે જમીને છાપું વાંચું. બપોરે સૂવાનું મા માત્ર ૧૦-૧૫ મિનિટ. ત્યાર બાદ ચા-પાણી પીને પાછી મોતીકામ-ઉપરણાં કરવા બેસી જાઉં. સાડાચાર વાગ્યે હળવો નાસ્તો કરું. રાત્રે આઠ વાગ્યે જમી લઉં. ક્યારેક વ્યવહારમાં જવાનું થાય તો જાઉં, પરંતુ મોટે ભાગે ઘરમાં રહું કે હવેલીમાં દર્શન કરવા જાઉં. રાત્રે ટીવી-સિરિયલ, ન્યુઝ જોઈ ૧૧ વાગ્યે સૂઈ જાઉં.’

તંદુરસ્તીનું રહસ્ય


પોતાની તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં રંજનબહેન કહે છે, ‘મને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર કે હાર્ટની કોઈ તકલીફ નથી. મારા હાથ-પગ સરસ ચાલે છે. મારે લાકડી લેવાની જરૂર પડતી નથી. બધે એકલી જઈ શકું છું. ઉંમરને હિસાબે એક કાને ઓછું સંભળાતાં કાનમાં મશીન રાખું છે. મને સાદી રસોઈ ભાવે. બહુ ગળ્યું કે તળેલું ન ભાવે એટલે માંદગીથી દૂર રહેવાય છે. ક્યારેક શરદી-ખાંસી થાય તો જ ડૉક્ટર પાસે જવું પડે. હું ચા પણ જાતે જ બનાવી પીઉં છું અને ક્યારેક વખત આવે તો બધાની રસોઈ પણ કરી નાખું. હું મારાં રોજિંદાં કામો જાતે જ કરું છું. સાદગીભર્યું સ્વાવલંબી જીવન હોવાને કારણે હું નિરામય, સ્વસ્થ, તંદુરસ્તીમય જીવન જીવવાનો આનંદ માણું છું.’

શોખ અને પ્રવૃત્તિ


તેમને વાંચનનો શોખ છે. તેમ જ દરરોજ ટીવીમાં ન્યૂઝ જોવા અને હિંડોળામાં ઝૂલવું બહુ ગમે. મોટે ભાગે હિંડોળામાં બેઠાં-બેઠાં બધું કયાર઼્ કરે. સતત પ્રવૃત્તિમાં રહેતાં હોવાથી આડીઅવળી વાતો કે પારકી પંચાતમાં રસ નથી, પરંતુ નવું-નવું જાણવાની જિજ્ઞાસા ભારે છે. નાનપણમાં શીખેલું મોતીકામ આજે વ્યવસાયમાં પરિણમ્યું છે.

તેઓ ઝીણાં મોતીના ઠાકોરજી માટે હિંડોળાના પટ્ટા, શણગાર, ખિલૌનાં, માળાઓ બનાવે છે અને સાથે સાર્ટિન, કૉટન કપડાંમાંથી ઉપરણાં બનાવી સુશોભિત કરે છે. તેમની મોતીકળામાં સૂઝબૂજ અને કલરની મેળવણીને કારણે વૈષ્ણવો તરફથી ઑર્ડર મળતા રહે છે. તેમણે મુંબઈ, વડોદરા, અમદાવાદ એમ જુદાં-જુદાં સ્થળોની ૧૮ હવેલીઓમાં હિંડોળાના પટ્ટા પધરાવ્યા છે. ઠાકોરજી માટે કરવું છે, એમને ધરવું છે એવો ભાવ ધરાવતાં રંજનબહેનના મુખમાં સતત ઠાકોરજીનું નામ-રટણ ચાલતું રહે છે.

સુખી થવાની ચાવી

રંજનબહેન ચિતલિયાને દીકરો ગુમાવ્યાનો ભારે રંજ છે, પરંતુ તેમની પુત્રવધૂ સાથે મનમેળ ખૂબ સારો છે. તે ખૂબ ધ્યાન રાખે છે. તેમને હવે ઘરની જવાબદારી નથી અને પરિવારનો મૉરલ સપોર્ટ સારો છે. સગાં-સંબંધી, પરિચિતો સાથે ખૂબ સારા સંબંધો છે.

સુખી થવાની સાચી રીત વિશે જણાવતાં તેઓ કહે છે, ‘હવે જમાનો બદલાયો છે. જમાના પ્રમાણે ચાલીએ તો દુ:ખ ન થાય. પ્રૅક્ટિકલ થવામાં જ મજા છે. હવે આપણે આપણી રીતે ન રહેવાય; એની રીતે રહીએ તો ઘરમાં સુખ-શાંતિ જળવાય રહે. નમતો સ્વભાવ રાખીએ તો પ્રભુને ગમે. મારું માન-સન્માન સચવાય છે અને સૌ મારું ધ્યાન રાખે છે.’


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK