મારી પત્ની મારા ઘરની કર્તાહર્તા (પીપલ-લાઇવ)

Published: 7th November, 2012 06:48 IST

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અબ્દુલનું પાત્ર ભજવતો શરદ સંકલા અને તેની પત્ની જોકે મહત્વના મુદ્દાઓ પર તો સાથે મળીને નિર્ણય લે છે(પીપલ-લાઇવ - ઘરમાં બૉસ કોણ? - રુચિતા શાહ)


મૂળ રાજસ્થાનના પાલી ગામના વતની શરદ સંકલાનો જન્મ અને ઉછેર પાર્લામાં જ થયા છે. ૧૯૯૧થી જ તેની ઍક્ટિંગ કરીઅરની શરૂઆત થઈ ગઈ હતી. ‘વંશ’, ‘બાદશાહ’, ‘ખિલાડી’, ‘બાઝીગર’, ‘અફલાતૂન’, ‘હદ કર દી આપને’ જેવી ૧૦થી વધુ ફિલ્મોમાં અને ‘હમ સબ એક હૈં’, ‘સોનપરી’ જેવી સિરિયલોમાં તેણે ઍક્ટિંગ કરી છે. ૧૯૯૫માં અમદાવાદમાં રહેતી રાજસ્થાની છોકરી પ્રેમીલા સાથે તેનાં અરેન્જ્ડ મૅરેજ છે. તેમને ૧૨ વર્ષની કૃતિકા અને પાંચ વર્ષનો માનવ એમ બે સંતાનો છે. ૧૭ વર્ષના લગ્નજીવન પછી હવે તેમના ઘરમાં કોનું રાજ ચાલે છે એ જાણીએ તેમની જ પાસેથી.

ઘરની હોમ-મિનિસ્ટર


મારી પત્ની મારા ઘરની મુખ્ય કર્તાહર્તા છે એમ જણાવીને શરદ કહે છે, ‘જો ઘર મેં પૂરા દિન રહેગા ઉસીકા ચલેગાના. માટે ઘરને રિલેટેડ જે પણ નિર્ણયો હોય એમાં તેનું એકચક્રી શાસન ચાલે છે. મને પૂછે તો જ મારે એમાં માથું મારવાનું, નહીં તો બિલકુલ નહીં, એવી સ્ટિÿક્ટ વૉર્નિંગ મને મળી ગઈ છે.’

એમાં શું?

ઘરમાં પત્નીનું રાજ ચાલે એમાં કંઈ ખોટું નથી એમ જણાવતાં શરદ કહે છે, ‘અમે રાજસ્થાનીઓ થોડા રિઝર્વ્ડ હોઈએ. મોટા ભાગે પતિ કહે એવું જ થાય, પણ મારા ઘરનો માહોલ થોડો જુદો છે. જેની જેમાં સમજ વધારે એમાં એનું ચાલે. એમાં કોઈ નાનું-મોટું નથી થતું. કેટલાક એવા નિર્ણયો પણ છે જેમાં અમારા સહિયારા નિર્ણય લેવાય; જેમ કે ઘરમાં કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની હોય, બાળકોના શિક્ષણની વાત હોય, બહારગામ જવાનું હોય, કોઈને ગિફ્ટ આપવાની હોય વગેરે.’

વાતનો દોર પોતાના હાથમાં લેતાં પ્રેમીલા ઉમેરે છે, ‘તે તો કંઈ આખો દિવસ ઘરે હોય નહીં તો તેમને કેવી રીતે ખબર પડે કે શું કરવાનું છે. અને જેમાં ખરચો વધારે હોય અથવા અમારા બન્નેની રાયની જેમાં જરૂર હોય એ તો અમે સાથે મળીને જ નક્કી કરીએ છીએ.’

ધાર્યું જ કર્યું

શરદનો હાથ છુટ્ટો છે. તે જો બહાર શૉપિંગ કરવા જાય તો પૈસાનો વિચાર ક્યારેય ન કરે એની વાત કરતાં તે પોતે જ કહે છે, ‘આવા સમયે મારી પત્ની જ મારા પર કન્ટ્રોલ રાખે છે. તે એકદમ પ્લાનિંગ સાથે ખરીદી કરે એટલે કંઈ માથે ન પડે. મોટા ભાગે શૉપિંગમાં પણ મારે તેની જ વાત માનવી પડે. જોકે એક નિર્ણય એવો હતો જેમાં મેં મારી જ ચલાવી. અમારાં બાળકોને સ્કૂલમાં મૂકવાનાં હતાં. અફકોર્સ, અમે બન્ને ઇચ્છતાં હતાં કે તેમને સારું એજ્યુકેશન મળે, પરંતુ મેં તેમના માટે જે સ્કૂલ વિચારી હતી એની ફી વધારે હતી. એટલે પ્રેમીલા એના કરતાં કોઈ બીજી સ્કૂલમાં મૂકો એવી જીદ લઈને બેઠી હતી. જોકે આખરે એમાં મારું જ ધાર્યું થયું.’

આ વિશે પ્રેમિલા કહે છે, ‘કદાચ આજની સ્થિતિ સારી છે, પણ આવતી કાલ કોણે જોઈ છે. એટલે મારી ઇચ્છા હતી કે અભ્યાસ સારો હોય અને ફી થોડી ઓછી હોય ત્યાં ભણાવીએ, પણ ખેર જે થયું એ સારા માટે જ.’

તકરાર ભી હોતી હૈ


શરદના આળસુ સ્વભાવને લઈને અને બાળકોને પ્રોટેક્ટ કરવાની અને વાયદો આપીને ક્યારેય ટાઇમ પર ન આવવાની ટેવને કારણે પ્રેમીલા અકળાઈ જાય છે, એની વાત કરતાં તે થોડા ઉગ્ર સૂરમાં કહે છે, ‘તેઓ ક્યારેક જ ઘરે રહેતા હોય, એમાંય સવારે જલદી ઊઠે નહીં. જલદી સ્નાન ન કરે. માટે મને ગુસ્સો આવે. એમાં જો બાળકો મસ્તી કરે અને હું વઢું તો પાછા તે મને વઢે કે બાળકોને કંઈ નહીં કહેવાનું. અને બહાર જવાનું હોય તો દર વખતે અમને ટાઇમ આપી દે, તૈયાર રહેવા કહે; પણ ક્યારેય ન આવે. છેલ્લે મારે જ બાળકોને લઈને એકલાં ફરવા જવું પડે. ગયા વર્ષે અમે માઉન્ટ આબુ જવાનો પ્લાન બનાવેલો, અમે બધા બૅગ પૅક કરીને તૈયાર હતા; પણ તે તો ન જ આવ્યા. અમારી ટિકિટ લીધેલી વેસ્ટ ગયેલી. જોકે હું એ પણ સમજુ છું કે કામ હોય તો શું કરી શકાય, એ પણ જરૂરી છે. એટલે થોડી વાર રિસાઈને માની જાઉં.’

મનાતે બડા અચ્છા હૈં

શરદની મનાવવાની સ્ટાઇલ એટલી સારી છે કે તેની પત્નીને વારંવાર રિસાવાનું મન થાય છે. આ વિશે પ્રેમીલા જ કહે છે, ‘હું ગુસ્સામાં હોઉં તો વાત ન કરું અને ત્યારે શરદ કંઈ પણ કૉમેડી વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરતા રહે, ગીતો ગાય, જ્યાં સુધી હું હસું નહીં ત્યાં સુધી મને છેડતા રહે’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK