મારાં સાસરિયાંએ મને દીકરી માની સાચવી છે (પીપલ - લાઈવ)

Published: 5th November, 2012 06:54 IST

એવું કહેતી ગુજરાતી સોનલનાં મારવાડી ફૅમિલીના કુણાલ કેડિયા સાથે લવમૅરેજ છે. ઍરહૉસ્ટેસ રહી ચૂકેલી સોનલને જોકે લગ્ન પછી ભાષાને લઈને કેટલીક તકલીફો થઈ હતી(પીપલ - લાઈવ - ગુજરાતી weds બિનગુજરાતી - પલ્લવી આચાર્ય)


અગાસી પર ઊભા રહી રડતાં-રડતાં ફોન પર કુનાલે સોનલને કહ્યું કે તું હા નહીં કહે તો હું ટેરેસ પરથી કૂદી જઈશ અને સોનલે હા કહી દીધી. સ્ટાર પ્લસ, સોની, લાઇફ ઓકે વગેરે ચૅનલ્સ ઉપરાંત કેટલીક સેલિબ્રિટી અને કૉર્પોરેટ કંપનીઓ સાથે આર્ટિસ્ટ મૅનેજમેન્ટનો બિઝનેસ કરતા ૩૩ વર્ષના મારવાડી પરિવારના કુનાલ કેડિયા અને ૨૦૦૯માં ગ્લૅડરૅગ્સ મિસિસ ઇન્ડિયાનું ટાઇટલ જીતેલી ૨૭ વર્ષની ભાવનગરના ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ સોનલનાં લવમૅરેજ છે. તે હાલ કાંદિવલી (વેસ્ટ)માં રહે છે. સોનલે ગ્લૅડરૅગ્સનાં મિસિસ પૉપ્યુલર, બેસ્ટ ડાન્સ, બેસ્ટ વૉક, બેસ્ટ ઍક્ટિંગ વગેરે સબટાઇટલ પણ મેળવ્યાં હતાં. મણિબેન ડૉટ કૉમ સિરિયલમાં તેણે કામ કર્યું છે, પૂરબ કોહલી સાથે ‘કૌન હો સકતા હૈ’ હિન્દી મૂવીમાં લીડ રોલ કર્યો છે, ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ માટે બનાવાયેલી ઇંગ્લિશ ફિલ્મ‘ લાઇફ ઇઝ અ કૉઇન’માં લીડ રોલ કર્યો છે. જેટ ઍરવેઝમાં ઍરહૉસ્ટેસ અને કિંગફિશર ઍરલાઇનમાં મૅનેજર તરીકે કામ કર્યું છે. લગ્ન પછી પણ તેણે ઍરહૉસ્ટેસ તરીકે કામ કર્યું અને એ પછી ઍરહૉસ્ટેસને ટ્રેઇન કરવાની જૉબ પણ કરી.

ઇન્ટરેસ્ટિંગ લવસ્ટોરી


દહિસરમાં રહેતી સોનલ મધુસૂદન ભટ્ટ સાઇકોલૉજીમાં ગ્રૅજ્યુએશન પછી હોટેલ મૅનેજમેન્ટ કરી જે. ડબ્લ્યુ મૅરિયટમાં ઇન્ટર્નશિપ કરતી હતી. એ સમયે કુનાલ ત્યાં સુનીલ શેટ્ટી સાથે કામ કરતો હોવાથી એક શૂટ માટે લોકશન જોવા આવ્યો હતો, પણ ત્યાં એક હાઇ-પ્રોફાઇલ વેડિંગની તૈયારીઓ ચાલી રહી હોવાથી કોઈ ત્યાં અલાઉડ નહોતું અને આ બાબતે કુનાલ અને સોનલ ઝઘડી પડ્યાં. એ પછી અંધેરીમાં મૅક્ડોનલ્ડ્સ આગળ ફરી તેઓ એકબીજાને ભટકાઈ ગયાં તો પેલા ઝઘડા બાબતે સૉરી કહ્યું અને નંબર્સ એક્સ્ચેન્જ કર્યા. પછી કુનાલ સોનલને રોજ ફોન કરતો. છ મહિના પછી બાંદરાના કૅફે કૉફી ડેમાં તેઓ મળ્યાં.

સોનલ આ વાત યાદ કરતાં કહે છે, ‘મેં તો કદી વિચાર્યું પણ નહોતું કે અમે મળીશું ને ડેટિંગ કરીશું. ફોન પર અમે રોજ આખી રાત વાત કરતાં. આઠેક મહિના પછી ટૅક્સીમાં તેણે મને પ્રપોઝ કર્યું. અમે મળતાં ત્યારે દર વખતે તે મને દહિસર ટૅક્સીમાં મૂકી જતો હતો.’

કુનાલ નેપિયન સી રોડ પર રહેતો હતો અને તેની ઑફિસ મરીન ડ્રાઇવ પર હતી. સોનલે પ્રપોઝલ ન સ્વીકારી, કારણ કે તે મોટો હતો એવું કહેતાં સોનલ કહે છે, ‘મેં ના કહી તો તે તેની ટેરેસ પર જઈ રડતાં-રડતાં મને કહે, તું હા નહીં કહે તો હું અહીંથી કૂદી જઈશ, તેથી મેં હા કહી દીધી, પણ મને નહોતું લાગતું કે આ જામશે, કારણ કે તેઓ પૈસાવાળા અને અમે સામાન્ય, વળી તેની મમ્મીએ મને બોલાવી ત્યારે એવી વાત થઈ કે તેમને તેમના છોકરાનાં લગ્ન કરી લેવાં છે અને મારે હજી વાર હતી, કારણ કે ત્યારે હું માંડ ૧૯ વર્ષની હતી. તેઓ એટલાં વરસ રોકાઈ શકે એમ નહોતું.’ 

જોકે કુનાલે પણ ઘરે કહી દીધું હતું કે તેને હમણાં લગ્ન નથી કરવાં, બિઝનેસ સેટલ થાય પછી કરશે. ત્રણ વર્ષ સુધી કુનાલે પણ કોઈ છોકરી ન જોઈ. તેઓ સાથે ફર્યો, એટલું જ નહીં, કુનાલે સોનલના પેરન્ટને કહી દીધેલું કે તે લગ્ન કરશે તો સોનલ સાથે જ. સોનલના પેરન્ટ્સનાં લવમૅરેજ છે, તેમને કોઈ વાંધો નહોતો.

બધો ખર્ચ

કુનાલનાં મમ્મી અમિતાએ સોનલનાં મમ્મીને ફોન કરી કહ્યું કે સગાઈ માટે દિવસ અને જગ્યા નક્કી કરી લીધાં છે. સોનલ કહે છે, ‘મફતલાલ બાથ નજીક (ગીરગામ ચોપાટી પરનું વોટર સ્પોર્ટ્સ સેન્ટર)જે મારી ફેવરિટ જગ્યા હતી ત્યાં બીચ પર એન્ગેજમેન્ટ થયા. ચાર મહિના પછી લગ્ન થયાં અને બધો જ ખર્ચ મારાં સાસરિયાંએ કર્યો, એટલું જ નહીં, મારાં પેરન્ટ્સે જ કર્યો છે એવું તેમના સમાજમાં કહ્યું. મારા પેરન્ટ્સનું તેમણે માન જાળવ્યું. લગ્ન પછી અમે એક આખો મહિનો યુરોપ ફર્યો. નેપિયન સી રોડ પર જૉઇન્ટ ફૅમિલીમાં હતાં, લગ્ન પછી અમે મારાં સાસુ-સસરા સાથે મલાડ રહેવા આવ્યાં.’ કુનાલના પપ્પા અનિલ કેડિયાનો સ્ટૉક માર્કેટમાં બિઝનેસ છે.

બધી જ સ્વતંત્રતા

સોનલનું કહેવું છે કે મારવાડી પરિવારમાં પણ તેમણે મને શૉર્ટસ પહેરવા દીધાં, મારે જે કામ કરવું હોય એ કરવા દીધું, દીકરીની જેમ રાખી. વહેલી ન ઊઠી શકતી તો ચલાવી લીધું. મિસિસ ગ્લૅડરૅગ્સમાં જવા દીધી. ઍરહૉસ્ટેસ તરીકે કામ પણ કરવા દીધું. તેમનું માનવું છે કે ક્યાંય જબરદસ્તી નહીં કરવાની અને દરેકે કામ ખુશીથી કરવાનું. સોનલનો ઍક્સિડન્ટ થયો હતો ત્યારે તેનાં સાસુ જમાવાનું પણ મોંમાં મૂકી આપતાં હતાં એટલી સેવા કરી.

બધું સંભાળી લેતા

લગ્ન પછી શરૂઆતના દિવસોમાં પોતાનાથી થતી ભુલોને સાસુ સંભાળી લેતા એની વાત કરતાં સોનલ કહે છે, ‘મારા ઘરે તો સ્ટીલનાં વાસણ હતાં અને અહીં ક્રોકરી વધુ એથી વધુ સંભાળવાની બીકમાં વાસણ ફૂટી જતાં તો સાસુ ભડકી જતાં, પણ પછી કંઈ ન બોલે. કોઈ વાર કુનાલ સાથે મારે ઝઘડો થાય તો પણ તે મારી સાઇડ લઈ મામલો સંભાળી લેતાં. રસોઈ સહિત બધી રીતરસમ શીખવી. પતિ સાથે કેવા સંજોગોમાં કેવી રીતે વર્તવું વગેરે પણ શીખવ્યું. તેમણે મને બધું જ શીખવ્યું. એક વાર પૂજામાં હું લગ્નની ચૂંદડી ઓઢવી ભૂલી ગઈ તો ત્યાં પણ મને કોઈ કહે નહીં એમ બધું સંભાળી લીધું.’

ફની-ફની


એક વાર સોનલ કેડિયા પાસે તેનાં સાસુ અમિતાબહેને સાણસી માગી તો સોનલ ડઘાઈ ગઈ. તેને નહોતી ખબર કે સાણસીને મારવાડીમાં સંડાસી કહેવાય છે. એવી રીતે એક વાર તેમણે સોનલ પાસે કઢીપત્તાં માગ્યાં તો સોનલે તેજ પત્તાં આપી દીધાં. કુનાલને પણ ગુજરાતી નથી આવડતું એની વાત કરતાં તે કહે છે, ‘ગુજરાતી શીખવા મેં ટ્રાય કરી, પણ ન શીખી શક્યો. સોનલ અને તેની ફ્રેન્ડસ મળે ત્યારે ગુજરાતીમાં મારી મજાક ઉડાવે છે. મને નથી આવડતું એથી તેમને મજા પડે છે’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK