(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - ફાલ્ગુની જડિયા-ભટ્ટ) સોનીની જાણીતી સિરિયલ ‘કુછ તો લોગ કહેંગે’માં ડૉ. મલ્લિકાનું પાત્ર ભજવનાર રુખસાર રહેમાનનો ચહેરો નાના અને મોટા બન્ને પડદે જાણીતો છે. સામાન્ય રીતે નાની ભૂમિકામાં, પણ પોતાની સરળ અભિનયક્ષમતા દ્વારા સુંદર છાપ છોડી જતી રુખસારે પોતાની કારકિર્દીની શરૂઆત આદિત્ય પંચોલી સાથેની ફિલ્મ ‘યાદ રખેંગી દુનિયા’થી કરી હતી. આગળ જતાં તેણે ‘અલ્લાહ કે બંદે’, ‘નૉકઆઉટ’, ‘ગૉડ તુસ્સી ગ્રેટ હો’, ‘સરકાર’, ‘શૈતાન’ અને ‘ડી કંપની’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. નાના પડદે પણ ‘કુછ તો લોગ કહેંગે’ પહેલાં તે ‘ભાસ્કર ભારતી’ નામની સિરિયલમાં જોવા મળી હતી. અંગત જીવનમાં રુખસારે ‘અલ્લાહ કે બંદે’ ફિલ્મના મુખ્ય હીરો તથા દિગ્દર્શક ફારુક કબીર સાથે લગ્ન કર્યા છે.
બાળપણની મિત્રતામૂળ દિલ્હીની, પરંતુ મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં મોટી થયેલી રુખસારની મૂળભૂત ઇચ્છા પોતાના પિતાની જેમ આઇએએસ ઑફિસર બનવાની હતી, પરંતુ નિયતિએ તેના માટે કંઈક બીજું જ વિચાર્યું હતું. પરિણામે તેની એન્ટ્રી ફિલ્મોમાં થઈ ગઈ.
ફારુક સાથેની પોતાની ઓળખાણની વાત કરતાં રુખસાર કહે છે, ‘ફારુક અને હું મૂળ એક જ ગામનાં છીએ. તેની મમ્મી સાબિહા એટલે જાણીતા આર્ટિસ્ટ રઝા મુરાદની બહેન. અમારા પરિવાર વચ્ચે પહેલેથી ઘર જેવો સંબંધ. પરિણામે ફારુક અને હું આમ તો બાળપણનાં મિત્રો, છતાં વચ્ચેનાં અનેક વર્ષો અમારો સંપર્ક છૂટી ગયો હતો. પરિણામે કારકિર્દીના પગલે જ્યારે મેં મુંબઈ આવી સેટલ થવાનું વિચાર્યું ત્યારે ફરી એક વાર અમે એકબીજાના ટચમાં આવ્યાં અને એકાદ વર્ષમાં તો અમને સમજાઈ ગયું કે અમારો સંબંધ હવે મિત્રતાથી આગળ વધી ગયો છે.’
ખેલ-ખેલ મેંફારુક સાથે પોતાનું અફેર ક્યાં અને કેવી રીતે થયું એની વાત કરતાં રુખસાર કહે છે, ‘ખરેખર તો પહેલેથી મિત્રો હોવાના પગલે હું અને ફારુક એટલાં ફેન્ડ્લી હતાં કે અમારી મજાકમસ્તી સતત ચાલ્યા જ કરતી. તમે એને કેટલેક અંશે ફ્લર્ટિંગ પણ કહી શકો. અમે એકબીજાને સતત એસએમએસ કર્યા કરતાં, જેમાં જોક્સથી માંડી શેર, શાયરી, કવિતાની પંક્તિઓ બધું જ શૅર કરતાં. એમ કરતાં-કરતાં મૈત્રી ક્યાં પ્રેમમાં પલટાઈ ગઈ એનો અમને પોતાને પણ ખ્યાલ ન રહ્યો.’
જોકે પ્રેમનો એકરાર પહેલવહેલો ફારુકે કર્યો હતો એની કબૂલાત કરતાં રુખસાર કહે છે, ‘આમ તો હું પોતે પણ ફારુકને ચાહવા માંડી હતી, છતાં તેના તરફથી પહેલની રાહ જોઈ રહી હતી. કારણ મને ખબર હતી કે જ્યાં સુધી પોતે ચોક્કસ નહીં થાય ત્યાં સુધી તે આ શબ્દો બોલશે નહીં. એવામાં એક દિવસ ફારુકે જ વાત-વાતમાં ‘આઇ લવ યુ’ કહી દીધું અને સાથે લગ્ન માટે પ્રપોઝ પણ કરી દીધું. અલબત્ત, આઇ લવ યુ સુધી ઠીક છે, પરંતુ એ સમયે હું હજી લગ્ન માટે તૈયાર નહોતી. ત્યારે મારું ધ્યાન મારી કારકિર્દી અને અન્ય કામો પર વધારે કેãન્દ્રત હોવાથી મને લગ્નગ્રંથિથી બંધાઈ જવું યોગ્ય ન લાગ્યું, એથી ત્યારે તો મેં ના પાડી દીધી અને થોડા સમય પછી અમે લિવ-ઇન રિલેશનમાં સાથે રહેવાનું પસંદ કર્યું.’
હવે નહીં તો ક્યારેય નહીંજોકે, રુખસાર અને કબીર બન્ને માટેલિવ-ઇન રિલેશન લગ્ન જેવું જ હતું. એક જ ઘરમાં સાથે રહેવું, એકબીજાની નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું, બન્નેના પરિવારજનોને ખુશ રાખવા વગેરે જેવી એક પરિણીત યુગલ દ્વારા નિભાવાતી દરેક જવાબદારીઓ તેમણે પૂરી કરી, એમ કરતાં છ વર્ષ નીકળી ગયાં. આખરે એક દિવસ રુખસારે સામેથી ફારુકને કહી દીધું કે આ વર્ષે તેમણે લગ્ન કરી લેવાં જોઈએ. હવે નહીં થાય તો ક્યારેય નહીં કરી શકાય.
પોતાના વિચારોમાં અચાનક આવેલા આ બદલાવ વિશે વાત કરતાં રુખસાર કહે છે, ‘આટલાં વર્ષોમાં અમે એકબીજા સાથે અને એકબીજાના પરિવારજનો સાથે એટલો બધો સમય વિતાવી ચૂક્યાં હતાં કે એક પરિણીત યુગલ જેવાં જ બની ગયાં હતાં. ધીરે-ધીરે મને સમજાયું કે ફારુક મારા જીવનનો એક એવો હિસ્સો બની ગયો હતો, જેના વગર હવે મને ચાલે એમ નહોતું, એથી આ સંબંધને એક યોગ્ય નામ આપી દેવું જ બહેતર હતું.’
એકદમ સિમ્પલ લગ્નગ્લૅમર-વર્લ્ડ સાથે સંકળાયેલું હોવા છતાં કોઈ પણ પ્રકારના દેખાડામાં ન માનતું આ કપલ પોતાના મિત્રો અને પરિવારજનોમાંથી માત્ર છ માણસોની હાજરીમાં સાડાત્રણ હજાર રૂપિયાના ખર્ચે ૨૪ માર્ચ ૨૦૧૦ના રોજ લગ્નગ્રંથિથી બંધાઈ ગયું.
લગ્ન પાછળ આડેધડ ખર્ચો કરવો મને હંમેશાંથી પૈસાનો વેડફાટ લાગ્યો છે એમ જણાવીને રુખસારનું કહે છે, ‘એના કરતાં એ જ પૈસામાંથી તમે કોઈ સારી જગ્યાએ હનીમૂન પર જઈ શકો છો. પોતાના ભવિષ્ય માટે પ્લાનિંગ કરી શકો છો અને એવું પણ કંઈ ન કરવું હોય તો કોઈને મદદ પણ કરી શકો છો. વળી, અમારા મુસલમાનોમાં તો લગ્ન કરવા માત્ર એક કાઝી અને બે સાક્ષી સિવાય અન્ય કોઈની આવશ્યકતા પણ હોતી નથી. એમ છતાં અમે તો છ માણસોને બોલાવ્યા હતા. એનાથી વધારે બીજા કેટલા જોઈએ?’
આદર્શ પતિહાલ આ દંપતી ફારુકની બહેન અને માતા સાથે તેમના અંધેરીમાંના ઘરમાં રહે છે. પોતાની સાસુ અને નણંદ સાથે રુખસારનો સંબંધ એટલો સરસ છે કે ત્રણ સાથે હોય ત્યારે આખું ઘર આનંદ-ઉલ્લાસથી ભરાઈ જાય. બલ્કે, રુખસાર તો બધાને એમ જ કહેતી ફરે છે કે ફારુક સાથે લગ્ન ખરેખર તો તેણે તેની બહેન સાથેની પોતાની મિત્રતાને કારણે જ કર્યા છે.’
છેલ્લે પતિ તરીકે ફારુકનાં વખાણ કરતાં રુખસાર કહે છે, ‘એક તેનો ગરમ મિજાજ છોડી દઈએ તો ફારુકમાં એક આદર્શ પતિમાં હોવા જોઈએ એ બધા જ ગુણ છે. સ્વભાવે તે અત્યંત પ્રેમાળ, સમજદાર, સંવેદનશીલ અને પ્રોટેક્ટિવ છે. વળી રોમૅન્ટિક પણ એટલો કે ઈદ, વૅલેન્ટાઇન્સ-ડે, ઍનિવર્સરી વગેરે જેવા અવસરોએ સતત મને કંઈક ને કંઈક સરપ્રાઇઝ આપ્યા જ કરે. છતાં રોજ સવાર-સાંજ નહાવામાં તે જે ૪૫ મિનિટનો સમય લે છે એ ક્યારેક માત્ર મને જ નહીં, અમને બધાને ખૂબ અકળાવી દે છે. એવી જ રીતે ફિલ્મ જોવા જતાં હંમેશાં મોડા પડી જવું અને પછી આડેધડ ગાડી ચલાવવાની તેની આદત મને હંમેશાં ચિંતામાં મૂકી દે છે. આવા એકાદ-બે દુગુર્ણ બાદ કરી દઈએ તો ફારુક જેવો પતિ, પ્રેમી, મિત્ર અને સલાહકાર મળવો મુશ્કેલ છે.’
પોતાનું ધ્યાન નથી રાખતીબીજી બાજુ ફારુક પણ રુખસાર માટે પોતાના પ્રેમનો એકરાર કરતાં કહે છે, ‘મારા માટે રુખસાર માત્ર મારી પત્ની જ નહીં, પરંતુ મારી તાકાત છે. હું જ્યારે હજી એક લેખક તરીકે સંઘર્ષ કરી રહ્યો હતો અને મારી જાતને શોધી રહ્યો હતો ત્યારે તેણે મારી ટૅલન્ટ અને ફિલ્મો માટેના મારા પૅશનને ઓળખી કાઢ્યાં અને જીવનના દરેક ઉતાર-ચડાવમાં મારો સાથ આપ્યો. એથી મારા માટે તે અણમોલ છે. પરંતુ જ્યારે તે પોતાનું બરાબર ધ્યાન નથી રાખતી અને યોગ્ય સમયે જમી નથી લેતી ત્યારે મને ખૂબ ગુસ્સો આવે છે.’
આઇએએસ = ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ