(પીપલ-લાઇવ – 100 નોટ આઉટ - પલ્લવી આચાર્ય) વરહ હૉ (સો) ઉપર ત્રણ કે ચાર તો નક્કી. આ તો બધી ભગવાનની દયા છે તે ફરીએ છીએ.
વસઈ (વેસ્ટ)માં રહેતાં ૧૦૩ વર્ષનાં વાલીબહેન જોધાભાઈ કાતરિયાના આ શબ્દો બા, તમને કેટલાં વરસ થયાં એવું પૂછ્યું એના જવાબમાં છે. વાલીબહેન પાસે જન્મનો દાખલો નથી, પણ તેમનાં સાત સંતાનોમાં સૌથી મોટાં દીકરી અત્યારે ૭૭ વર્ષનાં છે, જેમને પણ છ દીકરા અને ત્રણ દીકરીઓ છે.
બહોળો પરિવાર સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવા આગરિયા ગામનાં આહિર વાલીબહેન તેમના પાંચમા નંબરના દીકરા મોહનભાઈ સાથે મુંબઈમાં રહે છે. બે દીકરા અને પાંચ દીકરીઓ, પૌત્રો, પરપૌત્રો મળીને લગભગ દોઢસો જણનો તેમનો બહોળો પરિવાર છે. મોહનભાઈ કાતરિયા અને તેમની સૌથી નાની બહેન જ મુંબઈમાં છે, બાકીની ચાર બહેનો અને એક ભાઈ ગુજરાતમાં છે. મોટા ભાઈ વતનના ગામ મોટા આગરિયામાં ખેતી સંભાળે છે.
દાદરા ચડે-ઊતરેવાલીબહેનના દીકરા મોહનભાઈ ૩૫ વર્ષથી મુંબઈમાં છે. તેમનું ઘર ત્રીજા માળે છે એથી રોજ સવાર-સાંજ મંદિર જવા માટે વાલીબહેન દિવસમાં બે વાર આ દાદરા ચઢે-ઊતરે છે. તેઓ રોજ દિવસમાં બે વાર મંદિર જાય છે, એટલું જ નહીં, પોતાની દીકરીના ઘરે પણ કોઈ વાર જાય છે. આ બધી ભગવાનની લીલા છે એવું તે દૃઢપણે માને છે. તેથી જ તેમનું કહેવું છે કે એની મરજી વિના તો પાંદડું પણ ન હાલી શકે.
સોયમાં દોરો પણ પરોવે બટન ટાંકવું હોય કે ફાટ્યું-તૂટ્યું કંઈ સીવવું હોય તો વાલીબહેન સીવી લે એ તો ખરું જ, પણ સોયમાં દોરો પણ તે જાતે પરોવે છે. ૧૮ વર્ષ પહેલાં તેમને બન્ને આંખે મોતિયાનું ઑપરેશન કરાવીને લેન્સ મુકાવ્યા છે. તેમને દાંત નથી, પણ ચોકઠું પહેરતાં નથી. તેમને કોઈ જ રોગ નથી, બ્લડપ્રેશર પણ નથી કે નથી રોજ કોઈ દવા લેવી પડતી. તેમના કાન સાબૂત છે. ફોન પર વાત સરળતાથી કરી શકે છે. સ્ટૅન્ડિંગ કિચનમાં ઊભાં રહી રાંધી શકે છે. મોહનભાઈ કહે છે, ‘અમે વૃદ્ધ થઈ ગયા છીએ, પણ તે નહીં.’
મોહનભાઈ અને તેમનાં પત્ની માલુબહેને દીકરી પરણાવી દીધી છે અને દીકરો ટ્વેલ્થમાં ભણે છે.
રોજ સવારે ચમચી ઘી વાલીબહેનના દીકરા મોહનભાઈને રિપોર્ટમાં કૉલેસ્ટરોલ આવવાથી ડૉક્ટરે ઘી બંધ કરાવી દીધું છે. જ્યારે વાલીબહેન રોજ સવારે ચામાં એક ચમચી દેશી ઘી લે છે. ઘી લેવાનું કારણ શું એ પૂછતાં તેઓ કહે છે, ‘સવારે ચમચી ઘી લેવાથી મને આખો દિવસ સ્ફૂર્તિ લાગે છે અને આંખો બળતી હોય તો એમાં રાહત રહે છે. ઘીથી તંદુરસ્તી સારી રહે છે.’
તેઓ ઘરકામ બધું જ કરી શકે છે. ઘરમાં બધાંનાં કપડાં ધોવાય ત્યારે તો તેમના કપડાં સુકાઈ પણ ગયાં હોય. પોતાનાં કપડાં તે જાતે ધોઈને સૂકવી દે છે. રસોઈ કરવી હોય તો એ કરી લે અને બીજા કામમાં પણ મદદ કરે છે. વાલીબહેન ભણ્યાં નથી, પણ રોજની તેમની પ્રાર્થનાઓ ઘરનાંને પણ શીખવી દીધી છે. તેઓ સ્વાધ્યાયી છે.
સાત્વિક ને નિયંત્રિત
વડાપાંઉ, પાંઉભાજી કે ભજિયાં વગેરે વાલીબહેન નથી ખાતાં. સાત્વિક ભોજન જ લે છે. સવારે રોટલી, દાળ-ભાત, શાક અને સાંજે કઢી-ખીચડી કે દૂધ-રોટલા. તેઓ દરેક ચીજ લિમિટેડ ખાય છે. રોટલી બે જ ખાય છે. મીઠાઈ બધી ખાય છે, પરંતુ એ પણ લિમિટમાં. સવારે નાસ્તામાં અડધી ભાખરી જ ખાય છે. બાવીસમા વર્ષે વાલીબહેનનાં લગ્ન થયાં હતાં અને લગ્ન પછી ત્રણ વર્ષે દીકરીને સાસરે વળાવવાનો તેમનામાં રિવાજ છે એથી લગ્ન પછી ત્રણ વર્ષ પછી તેઓ સાસરે આવ્યાં એ વાત કરતાં મોહનભાઈ કહે છે, ‘તે સમયે ગાયકવાડના રાજમાં કાયદો હતો કે છોકરીનાં લગ્ન બાવીસ વર્ષે કરવાં એથી તેમનાં લગ્ન બાવીસમા વર્ષે થયાં હતાં.’
તેમના પતિ જોધાભાઈએ પાંચ વર્ષ અમદાવાદ નોકરી કરી, પણ પિતા ગુજરી ગયા પછી ગામમાં ખેતી સંભાળવા લાગ્યા. વાલીબહેને પણ ગામમાં ખેતીકામ કયુંર્ છે.
દિર્ઘાયુનું રહસ્યજીવન પ્રેમથી જીવવું, કંકાસ ઘરમાં કદી ન કરવો અને જીવો છો તો જીવી જાણવું એ વાલીબહેન કાતરિયાનો લાઇફ મંત્ર છે. તેઓ કહે છે, ‘અમે સાસુ-વહુ મા-દીકરીની જેમ રહીએ છીએ. અને જે કામ કરો એ પ્રેમથી કરો. મગજ શાંત રાખો.’
ખોટું બોલવું તેમને ગમતું નથી. ઓટલે બેસીને નિંદા કરવામાં પણ તે નથી માનતાં. ઓટલે ડોસીઓ સાથે બેસે ખરાં, પણ ર્કીતન કરે. તેમને દેવમંદિર જવું વધુ ગમે છે. ભગવાનમાં તેમને અપાર શ્રદ્ધા છે. આટલાં વરસે તેઓ જે હરીફરી શકે છે એને તે ભગવાનની મરજી ગણાવે છે.