ઝઘડો કદી લાંબો ચલાવવાનો નહીં (પીપલ-લાઇવ)

Published: 31st October, 2012 06:18 IST

એ ફન્ડા છે લગ્નજીવનની અડધી સદી વટાવી ચૂકેલા અને એકબીજાના સહારે સ્વતંત્ર રહેતાં પ્રવીણભાઈ અને ઇન્દિરા ચોકસીની ખુશખુશાલ લાઇફનો(પીપલ-લાઇવ - એક દૂજે કે લિએ - પલ્લવી આચાર્ય)


ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા ૮૩ વર્ષના પ્રવીણ સૂરજલાલ ચોકસી તથા તેમનાં ૭૩ વર્ષનાં પત્ની ઇન્દિરા ચોકસીનાં લગ્નને બાવનમું વર્ષ ચાલે છે. સ્વાભાવિક છે, અત્યાર બન્ને રિટાયર્ડ છે અને એકબીજાના સહારે સ્વતંત્ર જિંદગી જીવી રહ્યાં છે. તેમને બે દીકરા છે, મોટો દીકરો ડૉ. પરેશ ચોકસી ગાયનેકોલૉજિસ્ટ છે અને તેમનાં પત્ની નીલા પણ ડૉક્ટર છે. તેઓ કાંદિવલીમાં રહે છે. બીજો દીકરો દર્શન ચોકસી એક્સપોર્ટ-ઇમ્ર્પોટ કરતી એક કંપનીમાં મૅનેજર છે અને તેની પત્ની મનીષાએ કૉમર્સમાં માસ્ટર્સ કર્યું છે. તે હાઉસવાઇફ છે. તેઓ થાણેમાં રહે છે. લગ્ન પછી ત્રણેક વર્ષ તેમના દીકરાઓ તેમની સાથે હતા, પણ ઘર નાનું થતું હોવાથી તેમણે બન્ને દીકરાઓને કહી દીધું કે તમે તમારી રીતે રહો. વાતની શરૂઆત કરતાં ઇન્દિરાબહેન કહે છે, ‘મારા દીકરાઓ અને વહુઓ સારાં છે. મોટા દીકરાનો દીકરો મેડિકલના છેલ્લા વર્ષમાં છે ને દીકરી ટેન્થમાં છે, તો નાના દીકરાનો દીકરો ઇલેવન્થમાં છે. છોકરાં ભણવામાં હોશિયાર છે.’

તેરા સાથ હૈ તો...

તદ્દન સ્પષ્ટ શબ્દોમાં કન્ફેસ કરતાં પ્રવીણચંદ્ર કહે છે, ‘કરોડરજ્જુને લગતી એક બીમારીને લીધે અત્યારે હું પગે ચાલી નથી શકતો, તેથી ઘરનું અને બહારનું બધું જ કામ ઇન્દિરા પર છે. શાકભાજીથી લઈને બૅન્કમાં જવા સહિતનું બધું જ કામ તેને કરવું પડે છે. અત્યારની મારી જિંદગી તો તેના આધાર પર છે જ, પણ અત્યાર સુધી હું જે કંઈ છું એ તેના લીધે જ, તેના સાથના લીધે તો હું મારું ઘર લઈ શક્યો, મારાં બાળકોને ભણાવી શક્યો અને જે કંઈ જીવનમાં થઈ શકયું છે એ તેના સાથને લઈને જ.’

હમે ક્યા કમી હૈ...

પોતાની જિંદગીથી ખુશખુશાલ ગુરુકુળ સ્કૂલનાં ટીચર ઇન્દિરાબહેન જિંદગીમાં પોતાને જે કંઈ મળ્યું છે એનો યશ પ્રવીણભાઈને આપતાં કહે છે, ‘આજે હું જે કંઈ છું એ તેમના (પતિ) તથા સાસુના કારણે.’ હું ભણવામાં બહુ હોશિયાર હતી, પણ વધુ ભણીશ તો એવું ભણેલું સાસરું નહીં મળે એ બીકે મારા પિતાને મને ભણાવવી નહોતી. નવમામાં હતી ત્યારે મારી સગાઈ કરી દેવાઈ અને પાંચ વર્ષ પછી લગ્ન થયાં ત્યારે હું ૨૦ વર્ષની હતી.

પ્રવીણભાઈ ૧૦ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી જવાથી ઇન્ટર-આટ્ર્સ સુધી ભણી તેઓ સુરતના તેમના કોસંબા ગામથી મુંબઈ નોકરી માટે આવ્યા. બે વર્ષ પછી તેમનાં લગ્ન થયાં. ઇન્દિરાબહેન કહે છે, ‘લગ્ન પછી હું પહેલી વાર મુંબઈ આવી ત્યારે અમે ચેમ્બુરમાં ભાડેથી રહેતાં હતાં. એક જ વર્ષમાં પહેલો દીકરો આવ્યો, પણ અમે નક્કી કર્યું કે ભણવું જરૂરી છે. મોટો દીકરો આવ્યા પછી મેં બીએ કર્યું અને બીજો દીકરો આવ્યા પછી બીએડ.’ ગુરુકુળ સ્કૂલમાં ૩૧ વર્ષ ટીચર તરીકે કામ કરી રિટાયર્ડ થયાં એ સમયે સ્ટેજ પરથી તેમણે કહ્યું કે ‘આજે હું જે છું એ સૌપહેલાં મારાં સાસુ અને પછી મારા પતિને આભારી છે. પતિને વધુ ભણવું હતું, પણ તે ન ભણી શક્યા અને મને ભણવાની તક પૂરી પાડી, એથી હું અહીં સુધી પહોંચી શકી.’

સાડી તેમની ચૉઇસની જ

શરૂઆતથી લઈને આજે પણ ઇન્દિરાબહેને કોઈ ફંક્શનમાં જવું હોય તો સાડી પ્રવીણભાઈ ચૉઇસ કરી કબાટમાંથી કાઢી આપે એ જ પહેરે છે. ઇન્દિરાબહેને કદી પોતાની સાડીની ખરીદી કરી જ નથી, પ્રવીણભાઈ જ ખરીદે, એ વાત કરતાં ઇન્દિરાબહેન કહે છે, ‘તેમને બે બાયપાસ સર્જરી થઈ છે. બાયપાસ સર્જરી સાથે જીવવું બહુ અઘરું છે. ૧૮ વર્ષ પહેલાં બીજી બાયપાસ થઈ ત્યારે તો ડૉક્ટરે કહ્યું હતું કે આ માણસ વધુ નહીં જીવી શકે. તેઓ હરતાફરતા છે તો હું શાંતિથી જીવી શકું છું.’ પત્નીની કાળજી પ્રેમ અને વિfવાસથી તેઓ અત્યારે હરેફરે છે. ચાલી નથી શકતા, પણ ઇન્દિરાબહેન હાથ પકડી રોજ નજીકના બગીચામાં ફરવા લઈ જાય છે.

ઉપવાસ કરે તો બન્ને સાથે


તાજેતરમાં નવરાત્રિના નવ દિવસ ઇન્દિરાબહેને ઉપવાસ કર્યા હતા, એથી પ્રવીણભાઈએ પણ કર્યા. ઇન્દિરાબહેન જેટલા ઉપવાસ કરે એટલા તે કરે છે. ઇન્દિરાબહેનને ગરબા રમવાનો પણ બહુ શોખ છે. હમણાંથી તેમને fવાસની તકલીફ થાય છે તો પણ ગરબાના પાંચ આંટા તો મારી જ આવે. પોતાની કમાણી પર આજ સુધી તેમણે પોતાનો અધિકાર નથી માન્યો, કારણ કે તેમનું કહેવું છે કે આજે મને પેન્શન આવે છે કે નોકરી કરીને જે કમાયાં છે એ પતિએ તેમને ભણવાની તક આપી તો શક્ય બની શક્યું. તેથી તેઓ પોતાની કમાણી બાબતે પણ પોતાનો હક કદી નથી કરતાં, તેથી જ સોમૈયા કૉલેજના રિટાયર્ડ રજિસ્ટ્રાર પ્રવીણભાઈ કહે છે, ધર્મપત્ની તો આવાં હોવાં જોઈએ.’

રાત સુધીમાં ઝઘડો સમાપ્ત

ઇન્દિરાબહેન કહે છે, ‘અમારો ઝઘડો બહુ લાંબો કદી ન ચાલે. બેમાંથી કોઈએ નમતું જોખી લેવાનું. અમારો ઝઘડો કદી રાત સુધી ન ચાલે. થોડો સમય ઝઘડીને પછી ગુસ્સો હસીને કાઢી નાખવાનો. કોઈ વાર હું કહું તો કોઈ વાર તે કહે, ચાલ હવે જમી લઈએ! ઝઘડાના કારણે ભૂખ્યા રહ્યા હોઈએ એવું અમારી સાથે કદી નથી બન્યું. તેમને ફરવાનો બહુ શોખ છે તેથી અમે બહુ ફર્યા છીએ. શરૂઆતના દિવસોમાં તો રોજ ચોપાટી પર જતાં હતાં. પ્રવીણભાઈ સુરત નજીકના કોસંબાના દશા બાજ વણિક છે.

- તસવીર : સુનીલ તિવારી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK