રસ્તામાં જે મળે એની મદદ કરવા દોડી જવાનું શું એ આજના જમાનામાં ચાલે? (પીપલ-લાઇવ)

Published: 30th October, 2012 06:10 IST

આ પ્રશ્ન છે એક એવા પતિદેવનો જેને પત્નીના અતિ દયાળુ સ્વભાવની ચિંતા છે. બોરીવલીમાં રહેતાં નીલેશ અને સ્વાતિ દેસાઈ આ મામલે ક્યારેક લડી પણ પડે છે(પીપલ-લાઇવ - તૂતૂ-મૈંમૈં - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

બોરીવલી (વેસ્ટ)માં રહેતા નીલેશ અને સ્વાતિ દેસાઈ મૂળ ગોધરા પાસે આવેલા બાલાસિનોર ગામનાં દશા નિમા વાણિયા છે. તેમની ૧૯ વર્ષની દીકરી અદિતિ અત્યારે બીએમએસનો અભ્યાસ કરી રહી છે, જ્યારે ૧૬ વર્ષનો જશ હાલ અગિયારમા ધોરણમાં ભણી રહ્યો છે. ૨૦ વર્ષ પહેલાં અરેન્જ્ડ મૅરેજ કરેલા આ દંપતીએ પરસ્પર માટેના પ્રેમ અને સમજને જ લગ્નજીવનનો મૂળ પાયો બનાવ્યો છે, એથી તેમની વચ્ચે થતી નોંકઝોંકમાં કોઈ મોટી સમસ્યાઓ નહીં, પરંતુ સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો ચિતાર વધુ જોવા મળે છે.

સ્વભાવ ચિંતાનું કારણ


વાતની શરૂઆત કરતાં કમ્પ્યુટર ઍસેમ્બલિંગનું કામકાજ કરતા નીલેશભાઈ કહે છે, ‘સ્વભાવે સ્વાતિ ખૂબ સારી, અત્યંત સમજદાર અને મૅચ્યોર છે. વળી બધાને મદદરૂપ થવાની ભાવના પણ તેનામાં એટલી કે ઓળખીતા-અજાણ્યા સૌ કોઈને હેલ્પ કરવા દોડી જાય. જોકે, તેની આ જ આદતને કારણે ક્યારેક મારે તેને ટોકવી પડે. આજકાલ દુનિયામાં કેવું બધું ચાલે છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. કોઈના પર વિશ્વાસ કરવા જેવું રહ્યું નથી. એવામાં સ્વાતિ ક્યારેક સ્ટેશન પર અટવાઈ પડેલા કોઈ કપલને મદદ કરવા દોડી જાય કે પછી રસ્તા પર ક્રૉસ કરવા મથી રહેલી કોઈ જોઈ ન શકતી વ્યક્તિનો હાથ પકડી લે તો સ્વાભાવિક રીતે પતિ તરીકે મને ડર તો લાગે જને, પરંતુ આવી કોઈ પરિસ્થિતિ સામે આવે ત્યારે તે કોઈનું સાંભળે નહીં. પોતાનું ધાર્યું જ કરે. બલ્કે, તે તો મને કાયમ કહે છે કે જો કોઈ દિવસ તેની પાસે બહુ બધા પૈસા આવી જશે તો તે બને તેટલા વધુ લોકોનાં જીવન સુંદર બનાવવા દોડી જશે. તેની આ ભાવનાની હું કદર કરું છું, પરંતુ તેનું આમ સાવ અજાણ્યા લોકો પાસે પહોંચી જવું મને હંમેશાં ચિંતાજનક લાગે છે.’

ખૂબ ભુલકણા

બીજી બાજુ સ્વાતિને નીલેશભાઈ સામે સૌથી મોટી ફરિયાદ એ છે કે તેઓ ખૂબ ભુલકણા છે. એક તો કોઈ વસ્તુ ઠેકાણે ન રાખે અને પછી જ્યારે એ ન મળે ત્યારે ગુસ્સે થાય. હમણાં થોડા દિવસ પહેલાં મેં તેમને છોકરાંઓની દવા લાવવા ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું. તેઓ દવા તો લઈ આવ્યા, પરંતુ પ્રિસ્ક્રિપ્શન મને પાછું આપવાનું ભૂલી ગયા. પછી જ્યારે ફરી પાછી એની જરૂર પડી ત્યારે મારા પર જ ગુસ્સે થયા કે મેં તો તને પાછું આપી દીધું હતું. તેં જ ધ્યાન નહીં રાખ્યું, એમ કહીને આખું કબાટ મારી પાસે ફેંદાવ્યું. આખરે એ પ્રિસ્ક્રિપ્શન તેમના જ વૉલેટમાંથી નીકળ્યું.

આવું તો અમારે અવારનવાર બન્યા કરે. તેમની બૅન્કની સ્લિપબુક, પાસબુક બધું ગમે ત્યાં મૂકી દે અને પછી મારી પાસે શોધાવ્યા કરે. હું તેમને હંમેશાં કહું કે મારા માટે નહીં, પરંતુ બાળકો માટે તો વસ્તુઓ ઠેકાણે મૂકતાં શીખો. તમે જેવું કરશો, એવું તેઓ શીખશે. જોકે, આટલાં વર્ષ થયાં, હજી સુધી આ પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી.

બાળકોને બગાડે

નીલેશભાઈ સામે પોતાની બીજી કેટલીક ફરિયાદોની વાત કરતાં સ્વાતિ ઉમેરે છે, ‘પહેલાં પોતે જ દર વર્ષે બાળકોને નવા-નવા મોબાઇલ અપાવે અને કમ્પ્યુટર પર દુનિયાભરની ગેમ નાખી આપીને બગાડે અને પછી જ્યારે તેઓ ભણવામાં ધ્યાન ન આપે ત્યારે તેમનો ગુસ્સો મારા પર કાઢે. જોકે, મારી દીકરી એકંદરે ડાહી છે. તેને ભણવા માટે કહેવાની જરૂર પડતી નથી, પરંતુ જશ હજી અગિયારમામાં જ છે. આ ઉંમરે છોકરાંઓનું ધ્યાન આમ પણ મોજમજામાં વધુ હોય છે. વળી નીલેશે જ તેને આગ્રહ કરી સાયન્સમાં મૂક્યો છે, એથી તેને મોબાઇલ પર ગપ્પાં મારતાં કે કમ્પ્યુટરમાં ગેમ રમતાં જુએ તો તેમને ગુસ્સો આવી જાય. એવામાં હું ક્યાંક તેમને સમજાવવા જાઉં કે હજી એકાદ બે વર્ષ આમ રહેશે, થોડો મોટો થશે પછી જાતે જ પોતાની જવાબદારી સમજી ભણવા બેસી જશે, તો તેમને ગમે નહીં, બલ્કે હું બાળકોને ભણવા માટે આગ્રહ કરતી નથી એમ કહી મારા પર જ ગુસ્સે થઈ જાય.’

મારું ધ્યાન રાખતી નથી

જોકે નીલેશભાઈનું કહેવું છે કે તેમને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવે જ્યારે તેમને એવું લાગે કે સ્વાતિ તેમના પર જોઈએ એટલું ધ્યાન નથી આપતી. તેઓ કહે છે, ‘મારું કોઈ પણ કામ હોય, એક વારમાં તો ક્યારેય પતે જ નહીં. શર્ટનું બટન તૂટી ગયું હોય કે પૅન્ટની સિલાઈ ઊખડી ગઈ હોય તો જ્યાં સુધી તેને બે-ચાર વાર યાદ ન કરાવું ત્યાં સુધી સરખાં થાય નહીં.’

અહીં નીલેશભાઈની વાત વચ્ચે કાપતાં સ્વાતિ પોતાના બચાવમાં કહે છે, ‘તેમને તો એમ જ છે કે મારે ઘરમાં કોઈ કામ જ નથી. મારે ઘરનું, બાળકોનું, સાસુનું એમ બધાનું ધ્યાન રાખવાનું હોય. એમાં ક્યારેક કોઈ કામ રહી પણ જાય, છતાં હંમેશાં પ્રયત્ન કરું છું કે તેમનું બને તેટલું ધ્યાન રાખું. રોજ સવારે તેમને ચા-નાસ્તો તૈયાર કરીને આપું. તેમની બ્લડપ્રેશરની દવા હાથમાં રાખું. તે જેવા ઘરે આવે એવી ક્યાંય પણ ગઈ હોઉં તો પણ તરત ઘરે આવી તેમને જમવા બેસાડી દઉં. ટૂંકમાં હું મારા તરફથી બધા જ પ્રયત્નો કરું છું, છતાં ક્યારેક ૧૯-૨૦ થઈ પણ જાય.’

રૂટીનમાં જ રમ્યા કરે

નીલેશભાઈની સ્વાતિ સામે વધુ એક ફરિયાદ એ પણ છે કે તે ઘરે બેસી સમય બગાડે છે અને પોતાની ક્રિયેટિવિટીનો કોઈ ઉપયોગ કરતી નથી. તેઓ કહે છે, ‘સ્વાતિનું મગજ બહુ જ સારું છે, અત્યંત સર્જનાત્મક; કામ હોય કે કોઈ વસ્તુ, એને સરસ અને સુંદર કેવી રીતે બનાવવી એ તેને તરત સૂઝી જાય. તેથી જ તેને સીવણકામમાં બહુ રસ પડે. રસોઈ પણ ખૂબ સ્વાદિષ્ટ બનાવે. હું તેને કેટલા વખતથી કહી રહ્યો છું કે કોઈ નાનો કોર્સ કે ક્લાસિસ કરી તેની આ સર્જનશક્તિને યોગ્ય દિશામાં વાળે. એમાં તેનાં સમય અને શક્તિ બન્નેનો સદુપયોગ પણ થશે અને ઘરમાં પૈસાની આવક વધશે તો મને પણ થોડી રાહત થશે, પરંતુ તે તેના રૂટીનમાંથી જ બહાર આવતી નથીને.’

ટૂંકી નારાજગી

પરસ્પર અનેક ફરિયાદો છતાં આ દંપતી એકબીજાને ખૂબ ચાહે છે અને કદર પણ કરે છે. એથી સ્વાતિ જ્યારે નારાજ થાય ત્યારે નીલેશ દેસાઈ તેને બહાર ફરવા કે ડિનર પર લઈ જઈ તેમનો મૂડ સુધારવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સ્વાતિ તેમની ભાવતી વાનગી બનાવી ખવડાવે છે. સ્વાતિ કહે છે, ‘આમ પણ નીલેશનો ગુસ્સો બે-ચાર મિનિટનો જ હોય. પછી પાછા તરત શાંત પણ થઈ જાય. તેમ છતાં ક્યારેક તનાવ વધી જાય તો હું પ્રયત્ન કરું કે બહુ પકડીને ન રાખું. આમ પણ સાથે જ રહેવાનું છે તો પછી નાની-નાની બાબતોને પકડી રાખીને શું ફાયદો. વળી મને તેમની સાથે બોલ્યા વગર જરાય ચાલે નહીં, તેથી અમારા અબોલા વધુમાં વધુ કલાક કે બે કલાકના હોય, પછી મારાથી ન રહેવાય અને અમારી કિટ્ટા પાછી બુચ્ચામાં ફેરવાઈ જાય.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK