(પીપલ-લાઇવ – Fit-n-fine @ 75 - નીલા સંઘવી)
કેટલાક લોકો શારીરિક રીતે વૃદ્ધ થતા હોય છે. તેમની ઉંમર વધતી હોય છે પણ માનસિક રીતે યુવાન રહેતા હોય છે એટલે આવા લોકો શારીરિક રીતે પણ ફિટ ઍન્ડ ફાઇન હોય છે.
૧૯૩૧ની ૧૧ મેએ જન્મેલા આજે ૮૨ વર્ષના શશિકાંત મહેતા પણ આવું જ થનગનતું, મસ્ત અને મોજીલું વ્યક્તિત્વ છે. તેમને મળવાથી એવું લાગે જ નહીં કે તમે કોઈ વૃદ્ધજનને મળી રહ્યા છો.
આમ તો મુંબઈકરમૂળ દ્વારકાના દશા સોરઠિયા વણિક જ્ઞાતિના ચર્ચગેટમાં રહેતા શશિકાંત મહેતાના દાદા ૧૮૯૨થી મુંબઈમાં સ્થાયી થયા હતા એટલે શશિકાંતભાઈ પોતાને મુંબઈકર ગણાવે એમાં કશું ખોટું નથી. શશિકાંતભાઈના દાદા ઘોડાની ટ્રામમાં જે સાધનોની જરૂર પડે એનો વ્યવસાય કરતા હતા. તેમનો ઘોડાની લગામ, હૅન્ડલ અને બીજાં ફિટિંગ્સનો વ્યવસાય હતો. એ વખતે ભારતમાં કંઈ ખાસ બનતું નહોતું એટલે શશિકાંતભાઈના પિતાજીએ ઇમ્ર્પોટનો વ્યવસાય શરૂ કર્યો અને ખૂબ કમાયા. પછી બીજું વિશ્વયુદ્ધ થયું અને સેટબૅક આવ્યો. ત્યાર બાદ શશિકાંતભાઈ અને તેમના ભાઈઓએ મળીને પ્લાસ્ટિકનો ધંધો શરૂ કર્યો. કંપનીનું નામ હરિદાસ સોમચંદ ઍન્ડ સન્સ. પછી ભાઈઓ છૂટા પડ્યા અને શશિકાંતભાઈએ હૅરિસન્સ નામ હેઠળ સૉફ્ટ લગેજ બનાવવાનું શરૂ કર્યું. આજે આ વ્યવસાય તેમનાં પુત્ર અને પુત્રવધૂ સંભાળે છે.
પ્રભુતામાં પગલાંપોતાનાં લગ્ન વિશે વાત કરતાં શશિકાંતભાઈ કહે છે, ‘હું નાનો હતો ત્યારથી જ મારી એવી ઇચ્છા હતી કે કંઈક અલગ કરવું છે અને કંઈક અલગ કરવાની ધૂનને કારણે મને લગ્ન કરવાનું મન નહોતું. હું લગ્ન કરવાની ના પાડતો હતો, પણ માતા-પિતાના ર્ફોસને કારણે ઇન્દિરાને જોવા ગયો અને મને પહેલી નજરમાં જ તે ગમી ગઈ. જો માતા-પિતાની વાત ન માની હોત તો હું ઇન્દિરા જેવી સ્નેહાળ પત્નીથી વંચિત રહી ગયો હોત.’
શોખીન સ્વભાવશશિકાંતભાઈ સ્વભાવે શોખીન વ્યક્તિ છે. તેઓ ખૂબ લાઇવલી છે. તેમને ફોટોગ્રાફીનો, ગાવાનો, ગરબા રમવાનો શોખ છે. એ વિશે વાત કરતાં તેમનાં પત્ની ઇન્દિરાબહેન કહે છે, ‘તે ગરબા તો એટલા સરસ રમે છે કે દર વર્ષે નવરાત્રિમાં ઇનામ જીતે. વાંચન અને લેખનનો પણ શશિકાંતને જબરદસ્ત શોખ છે. તે કાવ્યો પણ લખે છે. કોઈ ને કોઈ ગિફ્ટ આપે તો સાથે કાવ્યપંક્તિ લખીને આપે છે. એ ઉપરાંત તેને મિત્રો બનાવવાનો પણ શોખ છે.’
માનસરોવરની યાત્રાશશિકાંતભાઈએ ૧૯૫૮માં માનસરોવરની જાત્રા કરી હતી. એ વખતે તો લોકોને માનસરોવર વિશે ખાસ ખબર પણ નહોતી. આજે જેટલી સગવડો મળે છે એ વખતે એટલી સગવડો પણ મળતી નહોતી. ખૂબ કઠિન યાત્રા હતી. પોતાની પત્ની અને નાનકડી પુત્રીને ઘરે મૂકીને શશિકાંતભાઈ માનસરોવરની યાત્રાએ ગયા હતા. તેમની કૈલાસયાત્રાનાં સંસ્મરણો એક મૅગેઝિનમાં સાત હપ્તામાં પ્રકાશિત થયાં હતાં. ત્યાર બાદ શશિકાંતભાઈનું ‘કૈલાસ-મારા રોમાંચક અનુભવો’ નામનું પુસ્તક પણ પ્રકાશિત થયું જેને લોકોનો બહુ સારો રિસ્પૉન્સ મળ્યો. ૭૮ વર્ષની ઉંમરે પોતાના અનુભવો લખીને પુસ્તક તૈયાર કરવું એ કંઈ ખાવાના ખેલ નહોતા, પણ શશિકાંતભાઈએ એ કર્યું. એ પહેલાં ૨૦૦૬માં પોતે કરેલા ફોટોગ્રાફીનું પુસ્તક પણ તેમણે પ્રકાશિત કર્યું. આ પુસ્તકની નવીનતા એ હતી કે એમાં ફોટોગ્રાફીને અનુરૂપ કાવ્યો મૂકવામાં આવ્યાં. આ પુસ્તકનું નામ ‘ક્લોઝ-અપ’. આ અનોખા પુસ્તકના લોકાર્પણ પ્રસંગે જાણીતા કવિઓએ ફોટોગ્રાફી અને તસવીર પરનાં કાવ્યો રજૂ કયાર઼્ હતાં.
દિનચર્યા કેવી?શશિકાંતભાઈ આ ઉંમરે પણ આખો દિવસ કાર્યરત રહે છે. સવારે દસથી બપોરે દોઢ વાગ્યા સુધી તેઓ ઑફિસમાં જાય છે. રોજ સવારે નિયમિત વૉક લેવા જવાનું જ. જમીને થોડી વામકુક્ષિ બાદ લેખન, વાંચન, ફોટોગ્રાફી કે કોઈ વ્યાવહારિક કે સામાજિક કામે જવાનું. હાલમાં તેઓ હાર્મોનિયમ અને પેઇન્ટિંગ શીખે છે. એ માટે ટીચર તેમના ઘરે આવે છે. શશિકાંતભાઈ રવિશંકર મહારાજના પટ્ટશિષ્ય કાર્તિકકુમાર પાસે ત્રણ વર્ષ સિતાર પણ શીખ્યા છે.
બીમારી વળી કઈ બલા?શશિકાંતભાઈને આપણે બીમારી વિશે પૂછીએ તો તેઓ કહે છે, ‘બીમારી વળી કઈ બલાનું નામ છે? બીમારી તો આવે અને જાય. બીમારી કી તો ઐસી કી તૈસી. બીમારીને કંઈ પકડીને થોડું બેસી રહેવાય? હાર્ટનો પ્રૉબ્લેમ છે, સ્ટેન્ટ બેસાડ્યા છે, બાયપાસ કરાવ્યું છે તેથી શું થઈ ગયું? બીમારીનો ઇલાજ કરાવી લેવાનો અને મજાથી જીવવાનું. જોકે બીજી કોઈ બીમારી નથી. સાંભળવાનું, ચાલવાનું અને આંખ બધું જ વ્યવસ્થિત છે.’
તંદુરસ્તીનું રહસ્યઆ ઉંમરે તંદુરસ્ત જીવન જીવતા શશિકાંતભાઈ તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં કહે છે, ‘નિયમિત ચાલવાનું અને ખાવામાં સંયમ. ખાવાનું બધું જ, પણ લિમિટેડ માત્રામાં. જીવનમાં વાંચવા, લખવા, ફોટોગ્રાફી, સંગીત વગેરેનો શોખ છે જેને કારણે મન સદા આનંદિત રહે છે અને મન પ્રફુલ્લિત હોય તો તન પણ તંદુરસ્ત રહે છે.’