દુખ અડધું ને સુખ બમણું (પીપલ-લાઇવ)

Published: 24th October, 2012 06:03 IST

ઘાટકોપરમાં રહેતા ૧૦ જણના ખોખાણી પરિવારના મતે આ છે ભેગા રહેવાનો મુખ્ય ફાયદો. કુટુંબને બાંધી રાખનાર મોભી હવે હયાત નથી છતાં તેમનાં સંતાનોએ સંપ જાળવી રાખ્યો છે(પીપલ-લાઇવ - બડા પરિવાર સુખી પરિવાર - કિરણ કાણકિયા)

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતા મોરબીના દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન પ્રાણલાલભાઈ હરખચંદ ખોખાણીનો સંયુક્ત પરિવાર મિસાલરૂપ છે. સ્નેહ, સેવા અને સમર્પણનો જીવનમંત્ર અપનાવનાર આ પરિવારના દરેક સભ્ય સંયુક્ત પરિવારનાં ગુણગાન ગાતાં કહે છે કે સંયુક્ત પરિવાર એટલે સુખનો સરવાળો અને દુ:ખની બાદબાકી.

ઘરના મોભી પ્રાણલાલભાઈ ખોખાણી તથા ચંપાબહેન ખોખાણી હયાત નથી. પ્રાણલાલભાઈ ખોખાણી મુંબઈ-કાંદાવાડી જૈન ક્લિનિકમાં ટ્રસ્ટી હતા અને ઘણાં વર્ષો સુધી તેમણે ઑનરરી સેવા આપી.

સાધુ-સંતોની ખૂબ સેવા કરી. તેમને કોઈ પોસ્ટનો મોહ નહોતો. ‘સેવા’ જ તેમનો ઉદ્દેશ હતો. પહેલાં તેઓ શૅરબજારમાં હતા, પછી પ્રિન્ટિંગ પ્રેસના ધંધામાં જોડાયા. ફૉર્ટમાં ૪૦ વર્ષથી તેમનું પ્રેસ આવેલું છે.

પ્રેમાળ પરિવાર


આ પરિવારની વિશિષ્ટતા એ છે કે ઘણાં વર્ષોથી સાસુ-સસરા હયાત ન હોવા છતાં બે ભાઈઓનો-દેરાણી-જેઠાણીનો પરિવાર ખૂબ પ્રેમથી સાથે રહે છે. સૌથી મોટા ચંદ્રકાન્તભાઈ અને પત્ની અરુણાબહેનને બે પુત્રો છે. બન્ને પુત્ર પરણેલા છે. મોટો પુત્ર જિનેશ તથા પુત્રવધૂ જસ્મીના અને પૌત્રી બિનિશા છે. નાનો પુત્ર મેહુલ તથા પુત્રવધૂ જલ્પા છે. બન્ને પુત્રવધૂઓ વર્કિંગ છે.

નાનો ભાઈ જયકાન્ત તથા પત્ની કિરણબહેનને એક પુત્ર છે. એની પણ સગાઈ પણ થઈ ગઈ છે. બન્ને ભાઈની લાડલી બહેન ચિત્રાબહેનનાં લગ્ન અશ્વિનભાઈ દોશી સાથે થયાં છે અને તે પણ ઘાટકોપરમાં રહે છે.

આમ, કુલ ૧૦ જણનો પરિવાર છે અને ડિસેમ્બરમાં લગ્ન થતાં પુત્રવધૂ નિધિ આવતાં કુલ ૧૧ જણનો પરિવાર થશે. વહુને દીકરી માનનારો આ પરિવારનું માનવું છે કે ‘પ્રેમ આપશો તો પ્રેમ મળશે’ અને સાચે જ આ પરિવારમાં પ્રેમની સરવાણી વહે છે.

ફરવાના શોખીન


પ્રેસ, કમ્પ્યુટર સ્ટેશનરી અને કેમિકલનો બિઝનેસ ધરાવતા આ પરિવારે જૈન ધર્મની બધી જ યાત્રા કરી છે. તેઓ કુળદેવીમાં ખૂબ માનતા હોવાથી દર નવરાત્રિમાં કુળદેવીના સ્થાનકે અચૂક જાય છે. વળી દિવાળીના વેકેશનમાં બહારગામ બધા સાથે જાય છે. બધે સાથે જવાનું જ તેઓને ગમે છે. ઉપરાંત સમય મળે ત્યારે વારાફરતી કપલ જુદાં-જુદાં સ્થળે ફરવા જાય છે.

ઘરનો વહીવટ


ઘરનો બધો વહીવટ સંભાળતા અરુણાબહેન કહે છે, ‘ઘરના પુરુષો નિિત રકમ દર મહિને મને આપે છે. ઘરની ચીજવસ્તુઓ લાવવી, બિલો ભરવાં, વ્યવહાર કરવો વગેરે આ પૈસામાંથી થાય છે. કોઈ પણ સભ્ય ઘર માટે કોઈ વસ્તુ લાવે, પણ હિસાબ પાઈ-પાઈનો આપવાનો રહે છે. વહુઓના પૈસા તેમની પાસે રહે છે. ઘરમાં મારા-તારાની ભાવના જ નહીં, સૌનું સહિયારું છે. કોઈ પણ નવા ડ્રેસ કે સાડી આવે એના પર સૌનો હક. આવી જ રીતે નવાં શર્ટ-પૅન્ટ પણ બધાનાં જ બની રહે અને અમે સ્ત્રીઓ અને પુરુષોનાં માપ લગભગ સરખાં જ હોવાથી બધાં કપડાં બધાં પહેરી શકે છે. જે બહારગામ જાય તે બધા માટે વસ્તુ લાવે. અને હા, ક્યાંય પણ જવું હોય, કોઈ વ્યવહાર કરવાનો હોય એ બધું જ મને પૂછીને થાય. મારાં સાસુજીની એટલી સરસ ટ્રેઇનિંગ અમને મળી છે કે અમે દેરાણી-જેઠાણી કોઈ પણ જાતના ભેદભાવ વગર ન્યાયથી, સંપ અને એકતા સાથે રહીએ છીએ. સાચવેલું કામ લાગે એ રીતે ઘર ચલાવીએ તો કદી વાંધો ન આવે.’

ફરજ સમજી સૌ કામ કરે

ઘરમાં કામ-કાજને લઈને પણ વાસણ કેમ નથી ખખડતા એનું કારણ આપતા અરૂણાબહેનના દેરાણી કિરણબહેન કહે છે, ‘અમારા ઘરમાં ખૂબ સંપ છે, પ્રેમ છે. બધા જ એકમેકની કૅર કરે છે. અમારા ત્રણેય દીકરા ઘરનાં મોટાં ડિસિઝન લે છે અને પછી ભાઈઓને જણાવે છે. ભાઈઓ કદી માથું મારતા નથી, કેમ કે ઘરમાં સૌ પોતપોતાની ફરજ સમજી કામ કરે છે. વળી, રસોઈમાં અને કામના પણ વારા નથી. બન્ને વહુઓ વર્કિંગ હોવાથી ઘરમાં હોય ત્યારે ઘરનું બધું જ કામ કરે છે. કોઈને ચીંધવું પડતું નથી. હમણાં જ મારાં જેઠાણીને ૬૦ વર્ષ પૂરાં થયા તો અમે તેમની વર્ષગાંઠ ધામધૂમથી ઊજવી. ૬૦ જણને બસ કરી રિસૉર્ટમાં લઈ ગયા. અવનવી ગેમ રમાડી બધાને જલસા કરાવ્યા અને આ બધું અમારા ત્રણેય દીકરાઓએ મૅનેજ કર્યું.’

સંયુક્ત કુટુંબના ફાયદા

દસ વર્ષથી પરણીને આવેલી મોટી પુત્રવધૂ જસ્મીના કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલીમાં ઘણાં ફાયદા છે, કેમ કે બધું કામ ડિવાઇડ થઈ જાય. મારી છ વર્ષની દીકરી ક્યાં મોટી થઈ ગઈ એની મને ખબર નથી પડી. મેં કદી ઉજાગરા નથી કર્યા. બધા જ તેને લાડ-પ્રેમ કરે છે. અમારી આખી ફૅમિલી અન્ડરસ્ટૅન્ડિંગ છે. અમે એકમેકને સાચવી લઈએ છીએ. સુખ-દુ:ખ સૌનાં બની રહે છે. એક વર્ષ પહેલાં મારા પતિનો ઍક્સિડન્ટ થયો. મારા બન્ને દિયર તથા ઘરનાએ બધું સંભાળી લીધું. પગમાં પ્લાસ્ટર આવ્યું. તેનો ટાઇમપાસ બધા કરાવે. ન ચિંતા કે ન ફિકર... વળી, અમારા ઘરમાં છાનુંછપનું કે કાનાફૂસી નથી. બધાને સરખું મળે. કદાચ કોઈ ભૂલ થાય તો માફી માગી લેવાની, અને હા, બધાના બર્થ-ડે ધામધૂમથી ઊજવાય.’

- તસવીર : દત્તા કુંભાર

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK