મને સૌથી પ્રિય છે મારી સ્વતંત્રતા (પીપલ-લાઇવ)

Published: 23rd October, 2012 05:59 IST

એટલા માટે જ દીકરાઓનો આગ્રહ હોવા છતાં ૮૬ વર્ષનાં શારદા મોદીએ એકલાં રહેવાનું પસંદ કર્યું છે. ફ્રી ટાઇમમાં સાડીમાં ભરત ભરવું, પર્સ અને બટવા બનાવવાં, માઇક્રોવેવમાં અથાણાં બનાવતાં શીખવવું જેવાં કામો કરીને તેઓ મસ્તીથી જીવે છે(પીપલ-લાઇવ - ૬૦ પછીની લાઇફ - કિરણ કાણકિયા)


વિશ્વમાં વૃદ્ધોની વસ્તી વધી રહી છે. વૃદ્ધત્વ જીવન માટે વરદાન છે કે અભિશાપ એ તો વૃદ્ધોએ પોતે જ નક્કી કરવાનું હોય છે. કેટલાક વૃદ્ધો શરીરનાં રોદણાં રોતાં-રોતાં જીવતા હોય છે તો કેટલાક વૃદ્ધત્વને આનંદથી માણતા હોય છે. આવા આનંદી વૃદ્ધોને ક્યારેય વય નથી નડતી કે પરિસ્થિતિ નથી નડતી. તેઓ તો આનંદથી જીવન જીવે છે. પોતાની નિવૃત્તિને સભર બનાવી દે છે.

આવાં જ આનંદી, જીવનની પળ-પળને માણનારાં, સતત પ્રવૃત્ત રહેતાં માણસપ્રિય શારદાબાને મળવાનો લહાવો લેવા જેવો છે. મૂળ ખેડાનાં અને હાલ અંધેરી-વેસ્ટમાં રહેતાં ૮૬ વર્ષનાં શારદા બાબુભાઈ મોદીને મળો તો કેટલુંયે જાણવા અને શીખવા મળે.

આકરો જીવનસંઘર્ષ


૧૯૨૬ની ૨૬ ઑક્ટોબરે હિંમતનગર પાસે સાદરા ગામમાં શારદાબાનો જન્મ થયો. તેમનાં લગ્ન સોળમા વર્ષે બાબુભાઈ મોદી સાથે થયાં. મુંબઈ-ખેતવાડીમાં ડબલ રૂમ અને એમાં તેમનાં પાંચ સંતાનો, વિધવા નણંદ અને તેનો નાનો દીકરો સૌ સાથે રહેતાં. સંઘર્ષમય કટોકટીભર્યું જીવન હતું. પતિ એલએલબી ભણેલા. તેઓ નોકરી કરે. સવારે ચાર વાગ્યે પાણી આવતું તેથી શારદાબાનો દિવસ ચાર વાગ્યાથી શરૂ થતો. સીમિત આવકમાં સંઘર્ષથી રહી તેમણે સૌને પ્રેમથી સાચવ્યાં છે.

પ્રેમાળ પરિવાર

શારદાબાને ત્રણ દીકરાઓ અને બે દીકરીઓ છે. મોટો દીકરો વિદિત એન્જિનિયર છે અને એ તેની પત્ની કિરણ તથા દીકરો-વહુ નિકેત-સ્નેહા સાથે અમેરિકામાં રહે છે. બીજો દીકરો અશોક એન્જિનિયર જુહુમાં રહે છે. તેની પત્ની પલ્લવી પ્રોફેસર છે. તેમને ઋજુતા અને ઋતુ પરણેલી દીકરીઓ છે. સૌથી નાનો જય સીએ છે. પત્ની સ્મિતા અને બે દીકરા જીત-જિમિત સાથે પવઈમાં રહે છે. શારદાબાની મોટી દીકરી ડૉક્ટર છે - ડૉ. રેખા ઇન્દુ વસા અને તે વડોદરામાં રહે છે. તેને બે દીકરાઓ છે. નાની દીકરી કલ્પના ગિરીશ શાહ દુબઈ રહે છે. તેને બે દીકરીઓ છે. આખોય પરિવાર એજ્યુકેટેડ છે અને એનું શ્રેય શારદાબા અને તેમના પતિને જાય છે. પરિવાર વચ્ચે સંપ, પ્રેમ અને એકતા છે.

તંદુરસ્તી જોરદાર


શારદાબા તેમની દિનચર્યા અને તંદુરસ્તીનું રહસ્ય જણાવતાં કહે છે, ‘હું સવારે સાડાપાંચ વાગ્યે ઊઠી નાહી-ધોઈ છ વાગ્યે પ્રતિક્રમણ કરી દેરાસર દર્શન કરવા જાઉં. પછી ઘરે સાડાનવ વાગ્યે ચા-પાણી પીઉં. રસોઈ જાતે જ કરું છું. હા, આખા દિવસની બાઈ રાખી છે. તે મને મદદ કરે. બપોરે એક વાગ્યે જમું. ટીવી પર ‘રસોઈ શો’ અચૂક જોવાનો. બપોરે માત્ર અડધો કલાક સૂવાનું. સાંજે સાત વાગ્યે જમીને સાડાદસ વાગ્યે સૂઈ જાઉં.’

હું સવારે પ્રાણાયામ કરું છું. ભગવાનની કૃપાથી મારું સ્વાસ્થ્ય સારું છે. જોકે હમણાં થોડી પગની તકલીફ થઈ છે. આંખ, કાન, દાંત અને હાથ સારા છે. જીવનમાં નિયમિતતા, સાદું જીવન અને સ્વસ્થ વિચારો સાથે આનંદમય મન હોય તો સદાય સ્વસ્થ રહેવાય. અને હા, પૉઝિટિવ વિચારોથી મન ભર્યું-ભર્યું રહે. ક્યારેય હોટેલોમાં જતી નથી કે નાટક-સિનેમા જોતી નથી. હા, જાત્રાઓ બધી કરી છે અને ત્રણ વાર અમેરિકા અને દુબઈ જઈ આવી છું. ઉંમરનો ભાર રાખતી નથી.’

સ્વતંત્રતા મળે

તેઓ એકલાં કેમ રહે છે એવું પૂછતાં શારદાબા કહે છે, ‘મને એકલાં રહેવું બહુ ગમે છે. મને કલેશ-કંકાસ ન ગમે, ખટપટ ન ગમે. મને મારી રીતે જીવવું ગમે. બધા સાથે સંબંધો ખૂબ સારા છે. પાડોશ સારો છે. બધા મારી પાસે સલાહ, સૂચના અને શીખવા આવે છે. બધાનું કામ કરવું બહુ ગમે. બધા મારું બહુ ધ્યાન અને માન રાખે છે. બધા મને ‘બા’ તરીકે બોલાવે છે. મારા સંતાનો પણ મને ખૂબ પ્રેમથી રાખવા તૈયાર છે. ખૂબ પ્રેમથી બોલાવે પણ છે પરંતુ તેમનાં ઘરથી દેરાસર થોડું દુર છે. અને હું તો રોજ સવારે દર્શન કર્યા વગર પાણી પણ મોઢામાં નાખતી નથી. એટલે અહીં જ રહું છું.’

એકલતા નથી લાગતી?

‘સાચું કહું તો મેં કદી જીવનને નિવૃત્ત થવા જ નથી દીધું. કંઈક ને કંઈક કામ કરતી રહું છું. માટે એકલતા શેની લાગે?’ શારદાબા બેધડક કહે છે.

તેમને રસોઈ, ભરતગૂંથણ, ખાવા તથા ખવડાવવાનો શોખ છે. માઇક્રોવેવમાં તેઓ અથાણાં બનાવે છે. તેમનાં બા પાસેથી તેઓ ભરતગૂંથણ શીખ્યાં છે. કાશ્મીરી ભરતની સાડીઓ ભરીને અનેકને ભેટ આપી છે. વળી વુલેટ દોરીનાં પર્સ અને બૅગ બનાવે છે. બધાને ગિફ્ટ આપે છે. મોબાઇલ-કવર બનાવે છે. તેમની દોહિત્રીના લગ્નપ્રસંગે તેનાં સાસરિયાં માટે ૭૫ મોબાઇલ-કવર ગૂંથીને ભેટ આપ્યાં હતાં. તો તેમની પૌત્રીના લગ્નપ્રસંગે ૩૫ પર્સ-બટવા જાતે બનાવી સાસરિયાંમાં ભેટ આપ્યાં હતાં. તેમની આવડત જોઈ છેલ્લાં છ વર્ષથી ઑર્ડર લઈ બધું બનાવે છે. છ વર્ષ પહેલાં વડાલામાં તેમણે એક્ઝિબિશિન રાખ્યું હતું ત્યારે ૪૦ પર્સ અને ૧૭ બૅગ બનાવ્યાં હતાં. પુષ્કળ ઑર્ડર આવ્યા હતા. હમણાં વડોદરા ગયાં ત્યારે માઇક્રોવેવમાં બનતાં અથાણાનું ડેમોન્ટ્રેશન રાખ્યું હતું જેનો વડોદરાના અખબારે ફોટો સાથે રર્પિોટ છાપ્યો હતો. તેમના પરિવારનું પ્રોત્સાહન ખૂબ છે. તેમના પરિવારે તેમનાં ૭૫ વર્ષની ઉજવણી સગાં-સ્નેહીઓને બોલાવીને ધામધૂમથી કરી હતી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK