૮ મહિનામાં ઘટાડ્યું ૩૫ કિલો વજન (પીપલ-લાઇવ)

Published: 22nd October, 2012 06:36 IST

ઘાટકોપરના ૧૨૮ કિલોના અલ્પેશ શાહે કોઈ પણ જાતની સર્જરી કે ડાયેટિશ્યનની મદદ વગર માત્ર નિયમિત કસરત અને ખાવા-પીવામાં થોડી પરેજી દ્વારા આવું કરી બતાવ્યું છે(પીપલ-લાઇવ - રુચિતા શાહ)

ઘાટકોપર (વેસ્ટ)માં રહેતો ૩૮ વર્ષનો અલ્પેશ રસિકલાલ શાહ અત્યાર સુધી હેલ્થ કૉન્શિયસ જ હતો, પણ છેલ્લા આઠ મહિનામાં તે વેઇટ કૉન્શિયસ પણ બની ગયો અને એનું પરિણામ એ આવ્યું કે તેણે માત્ર આઠ મહિનામાં ૩૫ કિલો વજન ઘટાડી દીધું. એમાં પણ મજાની વાત તો એ છે કે એમાં તેણે કોઈ વેઇટ લૉસ સેન્ટર કે કોઈ ડાયાટિશ્યનની મદદ લીધી નથી. માત્ર કસરત અને ખાવા-પીવામાં કેટલીક સ્વૈચ્છિક તકેદારી રાખીને આ પરિણામ હાંસલ કર્યું છે.

વિચાર જ નહોતો આવ્યો

મૂળ વિરમગામનો ઝાલાવાડી સ્થાનકવાસી જૈન અલ્પેશ ઘાટકોપરમાં જ એક પેથોલૉજી મેડિકલ સેન્ટરમાં મૅનેજર તરીકે કામ કરે છે. જોકે તેનું વજન વધારે છે એવો તેને ક્યારેય અહેસાસ જ નહોતો થયો. એની વાત કરતાં તે કહે છે, ‘૨૦૦૦ની સાલમાં મારાં લગ્ન થયાં ત્યારે મારું વજન લગભગ ૯૫ કિલોની આસપાસ હતું. પરંતુ એ પછી તો વધતું જ ચાલ્યું. મારા વધેલા વજન માટે મારી પત્ની, મિત્રો, પેથોલૉજી સેન્ટરના ડૉક્ટરો, ત્યાં આવતા પેશન્ટ એમ બધા જ કહ્યા કરતા, પણ મેં ક્યારેય ધ્યાન આપ્યું જ નહોતું, પરંતુ છેલ્લી વાર મૅરથૉનમાં દોડવા ગયો ત્યારે ખૂબ હાંફી જવાતું હતું અને સમય પણ થોડો વધારે લાગ્યો માટે મારા ડૉક્ટરે કહ્યું કે હવે વજન ઘટાડ નહીં તો શરીરના બીજા અવયવો પર ભાર આવશે, એને વધારે ઘસારો પહોંચશે તો લાંબા ગાળે મોટી તકલીફ થશે.’

ધીરેન છેલ્લાં આઠ વર્ષથી મૅરથૉનમાં દોડે છે. એ સિવાય તે દસેક વર્ષથી રોજ સવારે એક કલાક મૉર્નિંગ વૉક પર પણ જાય છે. તેલ-ઘી પ્રમાણમાં ઓછું ખાય છે. છતાં તેનું વજન ૧૨૮ કિલો હતું. જેને ઉતારવાની વાત તેના મગજમાં ડૉક્ટરની વાત સાંભળીને બેસી ગઈ હતી.

નક્કી કર્યું


મારા વજનની સ્વાસ્થ્ય પર ગંભીરતા જાણીને મને પણ મનમાં થઈ ગયું હતું કે હવે વજન ઘટાડવું જ છે એમ જણાવતાં અલ્પેશ કહે છે, ‘ખાવા-પીવાનો મને શોખ છે પણ હેલ્થની પણ એટલી જ પરવા છે માટે મેં મારી રીતે જ વજન ઘટાડવાનો માસ્ટર પ્લાન બનાવ્યો. સૌથી પહેલા હું જે રાજાવાડી ગાર્ડનમાં વૉક પર જતો હતો એની નજીક જ એક જિમ છે. ત્યાં એક વર્ષની મેમ્બરશિપ લઈ લીધી. ખાવા-પીવામાં પહેલેથી જ થોડી તકેદારી રાખતો હતો પરંતુ પછી તો ઘી, તેલ, બટર, ચીઝ બંધ કરી દીધાં. હું ભૂખ્યો નહોતો રહેતો. પેટ ભરીને જે ભાવે એ ખાવાનું પણ કૅલરી ઓછી લેવાની. પીત્ઝા, પાંઉભાજી, પાસ્તા જેવું બધું જ ખાઉં છું, પણ સાથે કૅલરી વધે નહીં એની ચોકસાઈ પણ રાખું છું.’

રોજનું શેડ્યુલ

આટલી મોંઘવારીમાં મારા જેવા લોકોને ડાયેટિશ્યનની ફી તો પરવડે નહીં માટે મેં પોતે જ ફેબ્રુઆરી, ૨૦૧૨થી મારો ડાયટ પ્લાન બનાવ્યો, જે આજ સુધી અકબંધ છે એ વિશે અલ્પેશ કહે છે, ‘રોજ સવારે પાંચ વાગે ઊઠી જવાનું. રૂટીન પતાવીને સાડાપાંચ સુધી જિમમાં પહોંચી જાઉં. જિમ જતાં પહેલાં એક ઍપલ ખાઈને જાઉં છું. એ પછી પોણાબે કલાક વર્કઆઉટ કરું. જિમમાંથી આવીને ગાયનું દૂધ અને એક વાટકી ભરીને કૉર્નફ્લેક્સ, ઓટ્સ, વ્હીટ ફ્લેક્સ વગેરે ખાઉં. નાઈધોઈને તૈયાર થઈને પછી ઑફિસ. બે અઢી વાગ્યે જમવાનું. જેમાં શાક, દાળ, ચાર પાતળી રોટલી, સૅલડ અને છાશ હોય. એમ સંપૂર્ણ ભોજન જ લેવાનું.  શાક અને સૅલડ ખૂબ ખાઉં છું. મારા ઘરમાં જો ૫૦૦ ગ્રામ શાક બનતું હોય તો ૪૦૦ ગ્રામ તો હું જ ખાઈ જતો હોઇશ. વચ્ચે ફ્રૂટ અને જૂસ પીઉં. બપોરે ફાઇવ ગ્રેઇન, બિસ્કિટ, મમરા, પૉપકૉર્ન, શેકેલા પૌંઆ જેવો નાસ્તો કરું. તળેલો નાસ્તો તો સાવ જ બંધ કરી દીધો છે. સાકર ઓછી લઉં છું. સાંજે સાત પહેલાં જમી લઉં છું. એ પછી પણ ભૂખ લાગે તો ફળ કે હળવો નાસ્તો ખાઉં છું’

આસાં નહીં થા

સાંભળનારને કદાચ આ બધું બહુ સહેલું લાગતું હશે, પરંતુ મારા માટે ખૂબ કઠિન હતું એમ જણાવીને અલ્પેશ કહે છે, ‘જિમમાં શરૂઆતનો એક મહિનો તો જાણે ખૂબ જ દુષ્કર હતો. સવારે કસરત કરીને એટલો થાકી જાઉં કે ઑફિસમાં બગાસાં જ આવે. સાથે આખું શરીર દુખે. ક્યારેક ગરદનમાં દુખે, તો ક્યારેક કમરમાં દુખાવો ઊપડે. ઘણી વાર મન વિચલિત થઈ જતું અને જિમ છોડી દેવાની ઇચ્છા થતી, પણ પાછું મારા ડૉક્ટર કે જિમના ઇન્સ્ટ્રક્ટર આવીને મારી હિંમત વધારી દેતા. જિમ જૉઇન કર્યાના પહેલા જ મહિને મારું છ કિલો વજન ઊતર્યું હતુ. એથી મારી હિંમત ઓર વધી. એમાં પછી તો શરીર પણ સાથ આપવા લાગ્યું. પહેલાં કરતાં વધુ સ્ફૂર્તિલો બન્યો. એટલે સિલસલો ચાલુ જ રાખ્યો.’

કેટલાનો માનું આભાર


અલ્પેશનું માનવું છે કે લોકો ડગલે ને પગલે તેને પ્રેરણા ન આપતા હોત તો કદાચ તેના માટે આ રાહ પાર કરવાનું શક્ય ન બનત. તે કહે છે, ‘પોતાના નાના ભાઈની જેમ મારી સાથે પ્રેમાળ વ્યવહાર રાખનારા ડૉ. ધીરેન શાહ, તેમનાં વાઇફ ડૉ. મીતા શાહે જ મને વજન ઉતારવા માટે ઉત્સાહિત કર્યો. મારા પિતાનો ઇલાજ કરી રહેલા ડૉ. ચેતન શાહ અને તેમનાં પત્ની કીર્તિદા પણ મને અવારનવાર જરૂર પડે ત્યારે ગાઈડ કરી દેતાં. હું થાકીને જ્યારે જિમ છોડવાની વિસાતમાં હતો ત્યારે આ લોકોએ જ મને ન છોડવા માટે કન્વીન્સ કરેલો અને મારો પરિવાર પણ આમાં સૌથી વધુ મારી પડખે રહ્યો. મારી વાઇફ ભક્તિ જે બહુ જ સારી કૂક છે એ પણ મારા માટે અલગ રસોઈ બનાવી દે છે. મારો મોટો દીકરો સ્મિત પણ મને હું કંઈ ખાતો હોઉં કે મારી પત્ની મને આગ્રહ કરીને ખવડાવતી હોય તો તેને રોકે છે. મારી નાની દીકરી યશ્વી પણ હવે મારી જેમ ડાયટ ફૂડ ખાતાં શીખી ગઈ છે.’

લોકો માટે આશ્ચર્ય

અલ્પેશનું ઊતરેલું વજન લોકો માટે આશ્ચર્ય છે તે પોતે જ એ વિશે કહે છે, ‘ખરેખર હું ગાર્ડનમાં કે બહાર ફરવા ગયો હોઉં તો લોકો મને જોઈને શૉક થઈ જાય છે. ઘણા લોકો મને પૂછે છે સર્જરી કરાવી? ઘણા લોકો ડાયેટિશ્યનનો નંબર માગે છે. કોઈ માનવા તૈયાર નથી કે માત્ર જીવનશૈલીમાં થોડા ફેરફાર લાવીને અને કસરત દ્વારા વજન ઉતાર્યું છે. હમણાં મારું વજન ૯૩ કિલો છે, પરંતુ હજી પાંચ કિલો ઉતારવાનો વિચાર છે. મારી હાઇટ ૬.૨ ઇંચ છે. માટે એટલું વજન મારા માટે આઇડિયલ છે. જોકે એ પણ હું કરી શકીશ. મારા પોતાના જીવન પરથી જ હું શીખ્યો છું કે ઇમ્પૉસિબલ ઇઝ નથિંગ, કારણ કે ઇમ્પૉસિબલનો સ્પેલિંગ પોતે જ કહે છે કે આઇ ઍમ પૉસિબલ.’

- તસવીર : સૈયદ સમીર અબેદી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK