આ તે સાસુ-વહુ છે કે ફ્રેન્ડ્સ? (પીપલ-લાઇવ)

Published: 18th October, 2012 05:59 IST

ભાઇંદરમાં રહેતાં નિરૂપા ઘેલા અને તેમની પુત્રવધૂ માનસી હરે-ફરે, શૉપિંગ કરે, મૂવી જોવા પણ સાથે જ જાય એટલું જ નહીં; તેઓ બિઝનેસ પણ કરે છે સાથે મળીને(પીપલ-લાઇવ - સાસ-બહૂ હો તો ઐસી - પલ્લવી આચાર્ય)

માનસીને કોઈ વાર કામનો કંટાળો આવે તો તે ધરાર કામ ન કરે અને સૂઈ જાય કે ટાઇમ પાસ કરે ત્યારે બધું કામ તેનાં સાસુ નિરૂપાબહેન સંભાળી લે, જરાય મોઢું ન બગાડે. માનસીનાં ભાઈંદર (વેસ્ટ)માં રહેતા કમર્શિયલ આર્ટિસ્ટ હિમાંશુ ઘેલા સાથે લવ-મૅરેજ છે. માનસી પરણીને આવી એ દિવસથી તેને સાસરામાં સાસરિયા જેવું લાગતું નથી. માનસી તથા તેનાં સાસુ નિરૂપાબહેન પરસ્પરનાં વખાણ કરતાં થાકતાં નથી, એટલું જ નહીં, તેઓ એકબીજાને મળીને પોતાને નસીબદાર માને છે.

અમે મા-દીકરી


મૂળ કચ્છના માંડવી નજીકના બ્રહ્મક્ષત્રિય ૬૨ વર્ષનાં નિરૂપાબહેન વસંતભાઈ ઘેલા વાત શરૂ કરતાં કહે છે, ‘અમે સાસુ-વહુ એકબીજાના મનની વાત સમજી લઈએ, અમારા રિલેશન મા-દીકરી જેવા છે. મને કામનો કંટાળો આવે તો માનુ (પુત્રવધૂ માનસીને તેઓ લાડમાં આમ કહે છે) કામ સંભાળી લે અને તેને કંટાળો આવે કે ક્યાંય બહાર જવું હોય તો હું સંભાળી લઉં.’

નિરૂપાબહેનને બે દીકરા છે. મોટો દીકરો વિશાલ ભાઈંદર (વેસ્ટ)માં રહે છે અને નાનો દીકરો હિમાંશુ તેની પત્ની માનસી તથા અઢી વર્ષના દીકરા વેદાન્ત સાથે નિરૂપાબહેન અને વસંતભાઈ સાથે રહે છે. વસંતભાઈ અગાઉ ઇન્ટીરિયરનું કામ કરતા હતા, હવે રિટાયર્ડ છે.

નિરૂપાબહેનને તેમનાં સાસુએ બહુ સપોર્ટ કર્યો હતો એની વાત કરતાં તેઓ કહે છે, ‘બાળકો નાનાં હતાં અને આવક ઓછી હતી એથી હું ટિફિન બનાવી આપતી, રોટલીઓ બનાવતી, સિલાઈ કરતી, ગોદડાં સીવવા સહિતનાં અનેક કામ કરતી હતી એમાં મારાં સાસુ મને બહુ સપોર્ટ કરતાં હતાં.’

૧૯૮૮માં તેમણે થેપલાં, વડાં, અથાણાં વગેરે બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો, જેને હવે તેઓ અને તેમની વહુ માનસી સાથે મળીને કરે છે.

મૉડર્ન સાસુમા

માનસીનાં લગ્ન ૨૦૦૭માં થયાં ત્યારથી લઈને તેને કદી આ ઘરમાં કોઈ પ્રૉબ્લેમ નથી થયો એની વાત કરતાં તે કહે છે, ‘મને અહીં મમ્મીના ઘર જેવું લાગે છે. મમ્મીના ઘરે હું વધારે નથી જતી, બે-ત્રણ દિવસ જાઉં ત્યારે હિમાશું પણ મારી સાથે ત્યાં આવે. અમારા ઘરે એવું નથી કે છોકરાએ સાસરે રહેવા ન જવાય, ઊલટાનું મારાં સાસુ જ હિમાંશુને કહે કે તું પણ બે દિવસ જઈ આવ. પિયર જવું હોય તો તેમને સવારે કહી દઉં. જવા માટે કદી ના ન પાડે. ઊલટાનું તે તો કહે, અત્યારે તમારો સમય છે, હરો-ફરો ખાઓ-પીઓ અને જલસા કરો. હજી દીકરો નાનો છે ત્યાં સુધી બધે જઈ શકશો.’

લગ્ન થયાં ત્યારે હું પંજાબી ડ્રેસ પહેરતી હતી તો મને કહે, સ્કર્ટ પહેરો, જીન્સ પહેરો, જે ગમે એ પહેરો. શા માટે નથી પહેરતાં?

રસોઈ રાખે રેડી

લગ્ન પહેલાં માનસી જૉબ કરતી હતી એ લગ્ન પછી તેનાં સાસુએ ચાલુ રાખવા દીધી, એટલું જ નહીં, દીકરો આવ્યો ત્યાં સુધી એટલે કે બે વરસ તેણે જૉબ કરી. તેઓ પોતાના બિઝનેસ સાથે ઘર પણ સંભાળી લેતાં હતાં, એટલું જ નહીં, વહુ નોકરીથી આવે ત્યારે રસોઈ પણ રેડી રાખતાં હતાં એની વાત કરતાં માનસી કહે છે, ‘હું ઘરે આવું ત્યારે મમ્મી જમવાનું તૈયાર રાખે. રોજ સવાર-સાંજ રસોઈ તે જ બનાવે છે. કંઈ વરાઇટી બનાવવાની હોય તો જ હું બનાવું.’

સાસુ-વહુ ને પાણીપૂરી

સાસુ-વહુ બન્નેને પાણીપૂરી બહુ ભાવે છે, એથી કોઈ વાર તેઓ પાણીપૂરી ખાવા ખાસ ઊપડી જાય, શૉપિંગ સાથે કરે, મૉલમાં સાથે જાય, ફિલ્મનો બન્નેને બહુ શોખ નથી, પણ કોઈ વાર ફિલ્મ જોવી હોય તો સાથે જ જાય. માનસી કહે છે, ‘ડિનર પર અમે જઈએ ત્યારે સાથે જ જઈએ. તેઓ અમને કહે કે તમે યંગ છો, ફરો, ઘરનું કામ હું પતાવી લઈશ, પણ અમે તેમને સાથે લઈ જઈએ છીએ. શૉપિંગ પર જઈએ ત્યારે મારે જે લેવું હોય એ અપાવે. કદી વઢે નહીં. મારાથી ભૂલ થઈ હોય તો પણ કદી બોલે નહીં. મારે જે ખાવું હોય એ બનાવવા કહે. અમારે કદી ઝઘડો નથી થતો. થાય છે સારી એવી હસીમજાક.’

મારી વહુ ડાહી

પોતાની વહુના સારા સંસ્કારની વાત કરતાં નિરૂપાબહેન કહે છે, ‘મારી વહુ બહુ ડાહી છે. મારું મોઢું કોઈ વાર ઊતરેલું હોય તો તરત પૂછે કે મમ્મી શું થયું છે? તેના સંસ્કાર એટલા સારા છે કે તેને કંઈ કહેવું નથી પડતું. તે એક દિવસ પણ ઘરમાં ન હોય તો મને ન ગમે. ઘરમાં ઍડજસ્ટ થતાં તેને થોડી વાર લાગે એથી તેની ભૂલ હોય તો પણ હું તેને કંઈ ન કહું, જેથી તેને દુ:ખ ન લાગે. તે ગુસ્સો કદી નથી કરતી કે ઝઘડતી નથી. ઘર બરાબર સજાવીને રાખે છે. તેને જે ચીજ રાખવી હોય એ રાખે અને ફેંકવી હોય એ ફેંકે, હું કંઈ ન બોલું. તેને હળીમળીને રહેવું ગમે છે. બધાં સાથે જમવા બેસે એ તેને બહુ ગમે છે એથી હવે અમે બધાં સાથે હૉલમાં જમવા બેસીએ. બધાં કામ અમે સાથ મળીને કરીએ છીએ ને મજા કરીએ છીએ.’

સાસુને શીખવે વહુ

મારી વહુ મને ઘણું શીખવે છે એમ કહેવામાં ગર્વ અનુભવતાં નિરૂપાબહેન કહે છે, ‘ઘરના ઇન્ટીરિયરમાં કંઈ સારું ન લાગતું હોય એ મને શીખવે અને કહે કે મમ્મી આમ કરીએ.’ માનસીના આવ્યા પછી જ તેઓ પંજાબી ડ્રેસ કે મેક્સી વગેરે પહેરતાં થયાં. એ પહેલાં તેઓ સાડી જ પહેરતાં હતાં. માનસી કહે છે,

‘નેઇલ-પૉલિશ કરવાની તેઓ આ ઉંમરે ન સારું લાગે એમ કહી ના પાડે છે, પણ હું તેમને કહું કે, ‘મમ્મી નેઇલ-પૉલિશ વગેરે કરવાનાં, આપણે આપણી મહેનતનું કમાઈએ છીએ. એટલે પાછાં તે કરે પણ ખરાં. પહેલાં તેઓ ક્યાંય બહાર નહોતાં જતાં, ઘરમાં જ રહેતાં હતા. હવે હું કહું છું એટલે તે હવેલીમાં જાય, કિટી પાટી ર્કરે. તેમનું ગ્રુપ થઈ ગયું છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK