કપડાં બોળ્યાં વાસણ ઘસવાના પાઉડરમાં! (પીપલ-લાઇવ)

Published: 15th October, 2012 06:26 IST

વાઇફની ગેરહાજરીમાં આવા તો અનેક ગોટાળા કરનારા ભાંડુપમાં રહેતા બિઝનેસમૅન જયંતી ગાલા સાચા હૃદયથી કબૂલ કરે છે કે પત્ની છે તો જ જિંદગી છે, જીવનમાં હિંમત છે(પીપલ-લાઇવ - પત્ની જાય જ્યારે બહારગામ - પલ્લવી આચાર્ય)

૪૦ વર્ષથી પાપડ મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ કરતા બિઝનેસમૅન જયંતી જખુભાઈ ગાલા ભાંડુપ (વેસ્ટ)માં પત્ની નીતા તથા બે દીકરા ૨૧ વર્ષનો ભાવિન, જે એમબીએ કરે છે અને ૨૦ વર્ષનો સાગર, જે સીએનું ભણે છે, સાથે રહે છે. પતિના વ્યવસાય અને બાળકોની સંભાળને લઈને સામાન્ય રીતે તો નીતાબહેન લાંબો સમય ક્યાંય રોકાવા જવાનું પસંદ નથી કરતાં, પણ વીરપસલી કે રક્ષાબંધન પર તેઓ એકાદ દિવસ પિયરની લટાર મારી આવે છે. પરંતુ ગયા ફેબ્રુઆરીમાં કમરના દુખાવાને લઈને તેમને એક વીક માટે હૉસ્પિટલાઇઝ્ડ થવું પડ્યું હત ત્યારે જેને ગૅસ પેટાવવાના કામમાં પણ ગરબડ થઈ જાય છે તે જયંતીભાઈએ આ સમયમાં એકલા રહેવું પડ્યું ત્યારે કેવી ગરબડો કરી હતી એ જાણીને ભારે મજા આવશે.

કદી કશું નથી કર્યું

મૂળ મુન્દ્રા તાલુકાના રતાડિયા (ગણેશવાલા) ગામના સ્થાનકવાસી જૈન જયંતી ગાલા કહે છે, ‘નાનો હતો ત્યારે મારાં મમ્મી અને બે બહેનો હોવાથી મારે ઘરનું કામ કરવાનું તો કદી માથે આવ્યું જ નથી, તેથી જ મને તો ચા મૂકતાં શું, ગૅસ પેટાવતાં પણ નહોતું આવડતું. મમ્મી ઝવેરબહેન કોઈ વાર બહારગામ ગયાં હોય તો મારી બે બહેનો ઘર સંભાળી લેતી હતી. લગ્ન પછી નીતાએ ઘર સંભાળી લીધું. સામાન્ય રીતે તે મને કે મારા બે દીકરાઓને એકલા મૂકીને વધુ દિવસ માટે ક્યાંય બહાર જવાનું પ્રિફર કરતી નથી, તેથી એકાદ દિવસ પણ જો ઘર સંભાળવાનું આવે તો હું જબરો ક્ન્ફ્યુઝ થઈ જાઉં છું.’

ચા નાખી મુઠ્ઠી ભરીને

રક્ષાબંધન હોવાથી જયંતીભાઈનાં પત્ની નીતા તેમના પિયર ગયાં. રક્ષાબંધનના આગલા દિવસે રાતે તેઓ ગયાં અને બીજો આખો દિવસ ત્યાં રહ્યાં. આ એક દિવસમાં પણ જયંતીભાઈની હાલત કેવી થઈ એની વાત કરતાં નીતા ગાલા કહે છે, ‘તેમને પોતાને કંઈ બનાવતાં આવડતું નથી અને બહારનું ખાવાનું જરાય નથી ફાવતું. અમારા ઘરની આજુબાજુમાં જ ચાર હોટેલો છે, પણ તેઓ ક્યાંય જમવા ન જાય કે ઘરે પણ ન મગાવે અને આખો દિવસ ખાધા વિના રહે, ચા પણ ક્યાંય ન પીએ.’

એક વીરપસલીએ નીતાબહેન નહોતાં ત્યારે જયંતીભાઈને થયું કે લાવો ચા બનાવી જોઉં. તેમણે ગૅસ પર પાણી એક કપ મૂક્યું ને એમાં ચાની ભૂકી નાખી મુઠ્ઠી ભરીને! આ ચા એટલી કડવી બની ગઈ. માંડ-માંડ ચા બનાવ્યા પછી પણ તેઓ ચા પી તો ન જ શક્યા.

શાઇન ઇટ કપડાં

વીરપસલી પર એક વાર નીતાબહેન તેમના પિયર ગયાં હતાં. જતાં-જતાં નીતાબહેન કહેતાં ગયેલાં કે કામવાળી કપડાં ધોવા આવે એ પહેલાં ધોવાનાં જે કપડાં પડ્યાં છે એને ડીટરજન્ટ પાઉડર નાખી બોળી દેજો. જયંતીભાઈએ કપડાં સાબુના પાણીમાં બોળ્યાં ખરાં, પણ કપડાં ધોવાના પાઉડરને બદલે વાસણ ઘસવાનો પાઉડર નાખીને!

આ વાત કરતાં ૫૩ વર્ષના જયંતીભાઈ કહે છે, ‘વાસણ ઘસવાના પાઉડરની અને કપડાં ધોવાના પાઉડરની બરણીઓ બાજુ-બાજુમાં પડી હતી, મને શું ખબર કયો પાઉડર નાખવાનો હશે. મેં તો જે હાથમાં આવ્યો એ નાખી કપડાં બોળી લીધાં. પછી કામવાળાં બહેને આવીને મને પૂછ્યું કે કયો પાઉડર નાખ્યો હતો. મેં પાઉડરની બરણી બતાવી પછી તેમને આખી વાત સમજાઈ ગઈ અને ખડખડાટ હસવા લાગ્યાં.’

લાઇટ, પંખા ચાલુ

ઘરના કોઈ જ કામને જોવાની આદત નહીં હોવાથી નીતાબહેન ઘરે ન હોય તો જયંતીભાઈ ઘરેથી નીકળતાં હંમેશા લાઇટ, પંખા બંધ કરવાનું ભૂલી જ જાય છે. નીતાબહેન કહે છે, ‘એવું ઘણી વાર બને છે કે હું ઘરે આવું ત્યારે ઘરનાં લાઇટ, પંખા ચાલુ હોય. મને તો ગૅસ તેમનાથી ચાલુ ન રહી ગયો હોય એની બહુ ચિંતા થાય, કારણ કે એમને કોઈ વાર પણ જો ગૅસ બંધ કરવાનું કહ્યું હોય તો એ બંધ કરવાના બદલે તેમણે ધીમો કરી દીધો હોય. ગૅસ બંધ કરવા કહીએ તો પૂછે બટન રાઇટ સાઇડ ફેરવવાનું છે કે લેફ્ટ?’

દીકરા સંભાળે

ગયા ફેબ્રુઆરીમાં નીતાબહેનને આઠ દિવસ હૉસ્પિટલાઇઝ્ડ કરવાં પડ્યાં હતાં ત્યારે તો તેમના બે દીકરા અને જયંતીભાઈની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી.

એ સમયે દીકરાઓની એક્ઝામ હતી તો પણ તેમણે રસોઈ બનાવવી પડતી હતી એની વાત કરતાં નીતાબહેન કહે છે, ‘મારા દીકરાઓને બધી રસોઈ આવડે છે, પણ લોટ બાંધતાં કે રોટલી બનાવતાં નથી આવડતી, એથી એટલા દિવસ તેમણે રોટલીના બદલે ખાખરાથી ચલાવવું પડ્યું હતું.’

દીકરા સંભાળી લે એની વાત કરતા જયંતીભાઈ કહે છે, ‘નીતા ઘરે ન હોય, પણ દીકરા ઘરે હોય તો મને ચા-પાણી માટે કે ખાવાની તકલીફ ન પડે, પણ નીતા અને દીકરા બધાં જ ન હોય ત્યારે તો આખો દિવસ મને ચા પણ ન પીવા મળે કે ખાવા પણ ન મળે, આખો દિવસ ભૂખ્યો જ રહું.’

તૂ હી સબ કુછ...

પત્ની વિનાની કોઈ લાઇફ જ નથી એમ કહેતાં જયંતી ગાલા કહે છે, ‘પત્ની છે તો જિંદગી છે. બિઝનેસમાં અને જીવનમાં પણ એવી કેટલીક સિચુએશનો હતી, જેમાં હિંમત હારી જવાય ત્યાં પત્નીએ હિંમત આપી. મારા પિતાના મૃત્યુ પછી તેમનો ધંધો મેં સંભાળ્યો, પણ ધંધામાં જોમ આવ્યું નીતાની મદદના કારણે. તેની મદદથી હું બિઝનેસ વધારે સારી રીતે કરી શક્યો.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK