જુદા જાય તો પણ બે ભાઈઓ એકસરખાં કપડાં ખરીદી લાવે (પીપલ-લાઇવ)

Published: 11th October, 2012 06:41 IST

કારણ કે તેમના દેખાવની જેમ તેમની પસંદ અને વિચારોમાં પણ એટલું જ સામ્ય છે. કાંદિવલીમાં રહેતા જશ ને જિગર ગોરડિયા જોકે સરખા દેખાવનો મિત્રોની ઉડાવવામાં ભરપૂર ઉપયોગ કરે છે(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)

દહાણુકરવાડીમાં રહેતો બાવીસ વર્ષનો જશ જયેશ ગોરડિયા એક મૉલમાં ફરતો હતો ત્યાં યંગસ્ટર્સના એક ગ્રુપે હાય કર્યું. જશ તેમને ઓળખતો નહોતો એથી તેણે સામે હાય ન કર્યું. થોડી વારમાં એ જ ગ્રુપ તેને પાછું મળ્યું તો એ લોકોએ ફરી જશને હાય કર્યું. ત્યારે પણ જશે તેમને સામે હાય ન કર્યું એથી એમાંના કેટલાક અકળાઈને જશને કહે, ‘તું કેમ અમારી સાથે બોલતો નથી? તને શું થયું છે?’

ત્યાં સુધીમાં જશને થોડુંક સમજાઈ ગયું હતું કે આ લોકો તેના જેવા જ દેખાતા ટ્વિન્સ ભાઈ જિગરના મિત્રો હશે. એથી જશે તેમને પૂછ્યું કે ‘તમે જિગરના મિત્રો છો?’

એ લોકોએ હા કહી એટલે તેણે તેમને કહ્યું, ‘હું જશ છું, જિગર મારો ટ્વિન્સ ભાઈ છે.’

પછી યંગસ્ટર્સના આ ગ્રુપે સ્પષ્ટતા કરી કે તેઓ જશને જિગર જ સમજતા હતા અને તને આટલું બોલાવીએ છીએ તો પણ બોલતો કેમ નથી એ બાબતે કન્ફ્યુઝ થઈ ગયા હતા. જશ અને જિગર જુદી-જુદી કૉલેજમાં હતા અને તેમના ફ્રેન્ડ્સ પણ અલગ હતા એટલું જ નહીં; તેઓ એકબીજાના ગ્રુપમાં ઇન્ટરફિયર કરતા નહોતા એથી આવા ગોટાળા તેમની સાથે ઘણી વાર થતા હતા.

તૂ જા, મૈં આયા....

કાંદિવલી (વેસ્ટ)માં રહેતા જાફરાબાદના કપોળ વૈષ્ણવ જયેશ ગોરડિયા તથા દીપ્તિ જયેશ ગોરડિયાને બાવીસ વર્ષના બે દીકરા છે : જશ અને જિગર. તેઓ આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. જશ જિગરથી બે મિનિટ મોટો છે એની વાત કરતાં તેની મમ્મી દીપ્તિ કહે છે, ‘જશ અને જિગર પ્રી-મૅચ્યોર બેબી છે, આઠમા મહિને આવ્યા છે. જિગર જન્મથી જ થોડો પાતળો, વીક અને જશથી લંબાઈમાં ઓછો હતો એથી હૉસ્પિટલમાં તેમને ઓળખવામાં તકલીફ નહોતી થતી. મોટા થયા પછી તેથી જ અમે ઘરના તેમને બરાબર ઓળખી જતા હતા, પણ સગાં-સંબંધી અને તેના ફ્રેન્ડ્સને ભારે ગોટાળા થતા હતા. ૧૦ દિવસનો હતો ત્યારે જિગરને હૉસ્પિટલાઇઝ્ડ કરવો પડ્યો. તેને ન્યુમોનિયા થઈ ગયો હતો. એના થોડા દિવસ પછી જશને પણ હૉસ્પિટલાઇઝ્ડ કરવો પડ્યો. હંમેશાં એવું જ થતું હતું કે એક માંદો પડે એના થોડા દિવસ પછી બીજો માંદો પડે જ.’

કાચ એક ફોડે ને...

જશ અને જિગર બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં રમતા હોય ત્યારે ઘણી વાર એવું બન્યું છે કે જિગરે અથવા તો જશે બૉલ ફટકારીને કોઈની બારીનો કાચ તોડી નાખ્યો હોય ત્યારે જશે તોડ્યો હોય ને વઢ જિગરને પડી હોય અને જિગરે કાચ તોડ્યો હોય ને વઢ જશને પડી હોય! જશ અને જિગરના ફ્રેન્ડ્સ હજી પણ તેમને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. સોસાયટીના લોકો, મિત્રો અને ઘણી વાર સગાં જશ સાથે કરવાની વાત જિગર સાથે કરી લે તો જિગર સાથે કરવાની વાત જશ સાથે કરી લે છે.

જશ અને જિગરને તેમનાં સગાં-સંબંધી નથી ઓળખતાં એથી બન્નેને જશજિગર નામથી જ બોલાવે છે. એવું જ પાડોશીઓનું પણ છે.

યે નહીં તૂ... તૂ નહીં યે...

ટેન્થ સુધી જશ અને જિગર કાંદિવલીની નરવણે સ્કૂલમાં સેમ ક્લાસમાં હતા. ક્લાસમાં ટીચર તેમને આગળ-પાછળ બેસાડતા હતા અને તેમના નામમાં કેવા ગોટાળા થતા હતા એની વાત કરતાં જશ કહે છે, ‘અમે ભણી રહ્યા ત્યાં સુધી ટીચર કન્ફ્યુઝ્ડ હતા કે જશ કોણ અને જિગર કોણ. હંમેશાં તેઓ જિગરને કહેવાની વાત મને પૉઇન્ટ આઉટ કરીને કહેતા અને મને કહેવાની વાત જિગરને પૉઇન્ટ આઉટ કરીને કહેતા. અત્યાર સુધી અમને ટીચરોએ કહેલી એકેય વાતમાં તે સાચા નથી પડ્યા!’

સેમ-સેમ

જશ અને જિગર દેખાવે સેમ છે એમ વિચારો પણ તેમના સેમ છે. જિગર કહે છે, ‘હું અને ભાઈ અલગ-અલગ જગ્યાએથી અલગ સમયે અલગ જઈને જીન્સ કે ટી-શર્ટ લાવીએ તો પણ ઘણી વાર એવું બને છે કે બન્નેની ખરીદી સેમ હોય. ઘરે લાવ્યા પછી અમે એ ચીજ જોઈએ તો એટલી હદે તે સેમ હોય કે અમને પણ ઘણી વાર આશ્ચર્ય થઈ આવે છે. બહારનું ખાવા-પીવાનો અને ફિલ્મો જોવાનો અમને બન્નેને શોખ છે. રેડ કલર બન્નેનો ફેવરિટ છે.’

બહારના સાથે ઝઘડો થાય તો બન્ને જણ એક થઈ જાય અને સામેવાળાનો સામનો કરે. એકબીજા વિના તેમને ચાલતું નથી. કોઈ એક ન હોય કે બહારગામ જાય તો બીજાને ન ગમે. ભણવામાં બન્ને જણ સામાન્ય છે. તેઓ હળીમળીને રહે છે. એકને કોઈ ચીજ અપાવવી હોય તો બીજો એવી જ ચીજ લેવા માટે જીદ નથી કરતો કે ઝઘડા નથી કરતો. જશ અને જિગર કહે છે, ‘ભાઈએ કંઈ લીધું તો એવું મારે પણ જોઈએ એવું અમને નથી. જેને જે મળે તે અમે સમજીને લઈએ.’

જુદા ખરા

જશ લેફ્ટી અને જિગર રાઇટી છે. જશ જમવા સહિત લખવામાં પણ લેફ્ટી છે તો જિગર લખવામાં રાઇટી છે, પણ જમે છે ડાબા હાથે. જશને શાકમાં ભીંડા અને બટાટા ન ભાવે તો જિગરને બહુ ભાવે. જશને દૂધમાંથી બનતી આઇટમ બરી બહુ ભાવે, જિગરને જરાય ન ભાવે. જશને ગુસ્સો જલદી આવે, જિગરને એટલો જલદી ગુસ્સો ન આવે. જશ બીકૉમ થઈ ગયો છે અને જિગર બાકી છે. જશ કાંદિવલીની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી કૉલેજમાં ભણતો હતો તો જિગર બાલભારતીમાં. બન્નેનું ફ્રેન્ડ્સ ગ્રુપ અલગ છે. કૉલેજથી એ ચેન્જ થઈ ગયું હતું. જશ સિરામિક બનાવતી કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે જૉબ કરે છે તો જિગર લોખંડબજારની ફર્મમાં કામ કરે છે. હજી પણ તેમણે સગાંમાં કહેવું પડે છે કે તે જશ છે કે જિગર છે. જશ અને જિગરના પપ્પા જયેશભાઈ સુરતમાં જૉબ કરે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK