૯૨ વર્ષના આ દાદા રોજ બેથી ત્રણ કલાક ચાલે છે (પીપલ-લાઇવ)

Published: 9th October, 2012 05:58 IST

વિલે પાર્લેમાં રહેતા ગંગાદાસ મહેતાએ હવે કામમાંથી તો નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ધર્મમાં જબરો રસ ધરાવે છે એટલે રોજ સવારે પોતાના એરિયામાં આવેલાં બધાં મંદિરોમાં દર્શન કરવા જાય છે(પીપલ-લાઇવ - Fit-n-fine @ 75+ - નીલા સંઘવી)

ઉંમરના નવ દાયકા પૂર્ણ કરીને આજે ૯૨મા વર્ષે પણ જેઓ સાગના સોટા જેવું પાતળું શરીર ધરાવે છે, રોજના બે-ત્રણ કલાક ચાલે છે અને સરસ રીતે વાંચી શકે છે તેવા ગંગાદાસ મહેતાને મળીએ તો ખુશ થઈ જવાય. ૧૯૨૧ની ૯ માર્ચે સૌરાષ્ટ્રના ડેડાણમાં જન્મેલા ગંગાદાસભાઈ પછી નાગેશ્રી શિફ્ટ થયા હતાં એથી તેઓ નાગેશ્રીને પોતાનું મૂળ વતન ગણાવે છે. હાલમાં તેઓ વિલે પાર્લે (વેસ્ટ)માં પોતાના નાના પુત્ર નલિન મહેતા સાથે રહે છે.

જીવનસફર

૯૨મા વર્ષે પોતાની જીવનસફર વિશે વાત કરતાં કપોળ જ્ઞાતિના ગંગાદાસભાઈ કહે છે, ‘મારું શિક્ષણ પાંચ ગુજરાતી ચોપડીનું. એ વખતે અમારા ગામમાં ભણવાનું બહુ મહત્વ નહોતું. બાપા ધંધો કરતા હોય તેમની સાથે ધંધામાં મદદ કરવાની. અમારી નાગેશ્રીમાં દેશી ઘી, અનાજ, ખોળ, કપાસિયાની દુકાન હતી. એ દુકાનમાં પિતાજી સાથે કામ કરતો હતો. ૪૦ વર્ષ નાગેશ્રીમાં રહ્યો. મારાં બે લગ્ન થયાં છે. પહેલાં લગ્ન હું ૨૧ વર્ષનો હતો ત્યારે વિમળા સાથે થયાં, જે ચાર વર્ષ ટક્યાં પછી તેમનું અવસાન થયું. એ લગ્નથી મને એક પુત્ર થયો હરકિસન, જેનું તાજેતરમાં જ અવસાન થયું. ત્યાર પછી પુષ્પા સાથે લગ્નગ્રંથિથી જોડાયો. અમારો મુખ્યત્વે તલ, શિંગ, જુવાર, બાજરાનો હોલસેલનો ધંધો હતો. ઘીવાળા તરીકે અમે ઓળખાતા.’

ગંગાદાસભાઈ વાત કરતા હતા એના અનુસંધાનમાં તેમના પુત્ર મહેન્દ્રભાઈ કહે છે, ‘બાપુજી ઘીવાળા તરીકે ફેમસ હતા ત્યારે ઘી વેચતા, જરાય ભેળસેળ નહીં કરવાની, પ્રામાણિકતાથી ધંધો કરવાનો. બાપુજીનો સ્વભાવ એટલો દયાળુ કે દુકાને કોઈ ગરીબ માલ લેવા આવે અને પૈસા ન હોય તોય બાપુજી સામાન આપી દે. તેમને ખબર હોય કે આ ખેડૂત પાસેથી પૈસા આવવાના જ નથી તોય માલ આપે. આજેય અમારા ગામમાંથી અમારે ઘણા લોકો પાસેથી પૈસા લેણા નીકળે છે, પણ હવે અમે બધા ભાઈઓ સુખી છીએ એથી બાપુજીએ સખત તાકીદ કરી છે કે હવે કોઈ પાસેથી પૈસા માગવા નહીં.’

મુંબઈ આવ્યા

ગંગાદાસભાઈ ઘણાં વષોર્ નાગેશ્રીમાં રહ્યા પછી ૧૯૮૭ની સાલમાં મુંબઈ આવ્યા. બધા દીકરાઓ મુંબઈ આવી ગયા પછી પણ તેઓ પત્ની સાથે થોડાં વષોર્ નાગેશ્રી રહ્યા, પણ પછી દીકરાઓના આગ્રહને વશ થઈને મુંબઈ આવી ગયા. બસ, ત્યારથી વડીલે કોઈ વ્યવસાય નથી કર્યો. પ્રભુભજનમાં ધ્યાન આપ્યું છે.

રોજની દિનચર્યા

ગંગાદાસભાઈ સવારે ૬ વાગ્યે ઊઠી જાય. ઊઠીને પોતાની અને પત્ની પુષ્પાબહેનની ચા બનાવે. એ વિશે પુષ્પાબહેન કહે છે, ‘પહેલાં તો સવારે હું ચા બનાવતી, પણ પગનો દુખાવો હોવાને કારણે વધારે વાર ઊભી નથી રહી શકતી એથી તેઓ હવે અમારા બન્નેની ચા બનાવે છે.’

ગંગાદાસભાઈ ચા સાથે નાસ્તો કરે અને પછી નિત્યક્રમ પતાવીને ટીવી પર શ્રીનાથજીનાં દર્શન કરે. સસરા વિશે વાત કરતાં પુત્રવધૂ સરલાબહેન કહે છે, ‘બાપુજી સવારે પોણાનવ વાગ્યે ઘરેથી નીકળી જાય. પાર્લાનાં બધાં જ મંદિરમાં દર્શન કરે. લક્ષ્મીનારાયણ મંદિર, સંતોષીમાતા મંદિર વગેરે જગ્યાએ જાય. પાર્લા ઈસ્ટની હવેલીમાં પણ જાય. આ બધી જગ્યાએ ચાલીને જ જાય. અમે કેટલું કહીએ તોય રિક્ષામાં ન જાય. પછી બાપુભાઈ વશી રોડ પર આવેલા જ્યોતિ બંગલોમાં તેમના જેવા વડીલો ભેગા થાય ત્યાં જાય અને એક કલાક સત્સંગ કરે. રામાયણ-ભાગવતનું વાંચન બાપુજી જ કરે. સાડાઅગિયાર વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરીને બપોરે બાર વાગ્યે ઘરે આવી જાય. સાડાબારે જમી લે અને પછી બપોરે આરામથી ઘરમાં આવતાં ત્રણ-ચાર ગુજરાતી અખબાર વાંચે. ‘મિડ-ડે’માં કોઈ સ્નેહી-ઓળખીતાનો ઇન્ટરવ્યુ આવ્યો હોય તો કટિંગ કાપી રાખે. બધાં કટિંગ તેમણે સાચવીને રાખ્યાં છે. પછી ચાર વાગ્યે પાછા ચા નાસ્તો કરીને મંદિરે જાય. સત્સંગ કરે અને સાંજે સાત વાગ્યે પાછા આવે. ટીવીસિરિયલ જોવામાં બહુ રસ લેતા નથી. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં જીલ કામ કરતી હોવાથી એ સિરિયલ જુએ. વહેલા સૂઈ જાય.’

બીમારી વળી કેવી?


૯૨ વર્ષે પણ ગંગાદાસભાઈને કોઈ મોટી બીમારી નથી. આંખો મોતિયો ઊતરાવ્યો છે, ઉંમરને કારણે થતી તકલીફ, કાને ઓછું સંભળાય એ જ. એ સિવાય કોઈ તકલીફ નથી. મોતિયો ઊતરાવ્યા પછી આંખ તો ખૂબ સરસ કામ આપે છે.

તંદુરસ્તીનો રાઝ પૂછતાં ગંગાદાસભાઈ કહે છે, ‘સાદું ભોજન લેવાનું, બહારનું નહીં ખાવાનું. કોઈ વાર અગવડસગવડે ચાલે, પણ મોટા ભાગે ઘરનાં દાળ-ભાત, શાક-રોટલી જમવાનાં. સવારે ચામાં ઘી નાખીને પીવાની વષોર્થી આદત છે.’

પોતાના બાપુજી વિશે વાત કરતાં પુત્ર નલિનભાઈ કહે છે, ‘બાપુજીનું નિયમિત જીવન. ફિક્સ ટાઇમે જ સૂવા-ઊઠવાનું, જમવાનું, ઉપરાંત તેમનું ધાર્મિક પુસ્તકોનું વાંચન, ધાર્મિક વૃત્તિ, સાદું અને સરળ જીવન, પ્રામાણિકતા આ બધાં કારણોએ તેમની તંદુરસ્તી બરકરાર રાખી છે. બાપુજી ચાલે પણ ઘણું છે. બધી જગ્યાએ ચાલીને જ જાય. પાર્લાથી મુંબઈ મુંબાદેવીનાં દર્શને પણ એકલા જાય. દર વર્ષે શ્રાવણ મહિનામાં બાબુલનાથનાં દર્શને પણ જાય. મોરારીબાપુની કથા બોરીવલીમાં હોય તો ત્યાં પણ એકલા જાય. હમણાં અધિક માસમાં વાશીની હવેલીમાં તેમના મિત્રો સાથે દર્શન કરી આવ્યા. હમણાં થોડા સમયથી તેમને ચાલવામાં લાકડીનો ટેકો લેવો પડે છે. અમે બધા ભાઈઓ અલગ રહેતા હોવાને કારણે જ્યારે આખો પરિવાર ભેગો થાય છે ત્યારે તેમને ખૂબ આનંદ આવે છે. જોકે તેઓ તો અવારનવાર બધાના ઘરે આંટો મારી જ આવતા હોય છે.’

અંગત-સંગત

ગંગાદાસ મહેતાનો બહોળો પરિવાર છે. પહેલા પત્ની વિમળાબહેનથી થયેલા સ્વ. હરકિસનદાસભાઈ અને બીજાં લગ્નથી થયેલા ચાર પુત્ર મળીને તેમને કુલ પાંચ પુત્ર અને બે પુત્રીઓ. પુત્રોમાં મહેન્દ્રભાઈ, શૈલેશભાઈ, શશિકાન્તભાઈ, નલિનભાઈ અને પુત્રીઓ ભારતીબહેન અને રમીલાબહેન. ૮૦ વર્ષનાં પત્ની પુષ્પાબહેન પણ તંદુરસ્ત. તેમને ફક્ત ની પ્રૉબ્લેમ હોવાને કારણે વધારે ચાલી નથી શકતાં. પુત્રવધુઓ ઇન્દિરા, સરલા, હષાર્, રૂપા અને લતા બધાંને દાદા પ્રિય છે. પૌત્ર-પૌત્રીઓ ઝરણા, જીલ, સ્નેહા, વીણા, તનય, રોનક, હિમાંશુ, ભૌમિક, જીમિત, માનસ, નીતિન, જિગરથી હર્યોભર્યો ગંગાદાસભાઈનો સંસાર છે. બધાં જ પૌત્રપૌત્રીઓ હાયર એજ્યુકેશન લઈ રહ્યાં છે. પૌત્રી જીલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ભીડે માસ્ટરની પુત્રી સોનુનો રોલ ભજવતી હતી. આ વર્ષે એસએસસીમાં હોવાને કારણે તેણે હમણાં સિરિયલ છોડી છે. તેમની ૫૦ જણની ફૅમિલી છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK