ફરિયાદ જ ન હોય એનો અર્થ એ કે તમને સામેવાળામાં રસ નથી (પીપલ-લાઇવ)

Published: 4th October, 2012 06:30 IST

માટે ફરિયાદો અને ફાઇટિંગ કરતા રહેવાનું. એવી સલાહ આપતાં કાંદિવલીના ફાલ્ગુન અને સોનલ ગાંધી પોતાની વચ્ચે થતી નાની-મોટી બોલાચાલીને ભરપૂર એન્જૉય કરે છે(પીપલ-લાઇવ - તૂતૂ-મૈંમૈં - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)


કાંદિવલી (વેસ્ટ)માં રહેતા ફાલ્ગુન ગાંધી અને તેમનાં પત્ની સોનલ ગાંધી મૂળ રાજકોટ પાસેના જેતપુર ગામનાં દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન છે. સંતાનોમાં તેમને એક દીકરી અને એક દીકરો છે. દીકરી ઉન્નતિ હાલ એમબીએનો અભ્યાસ કરી રહી છે, જ્યારે દીકરો કરણ બારમા ધોરણમાં છે. 

આમ તો આ દંપતીએ આજથી બાવીસ વર્ષ પહેલાં અરેન્જડ મૅરેજ કર્યા હતાં, પરંતુ તેમની વચ્ચેનો પ્રેમ લવમૅરેજ કર્યા હોય તેવા કપલ જેવો જ મીઠોમધુરો છે, એથી રોજિંદા જીવનમાં તેમની વચ્ચે થતી નોંક-ઝોંક પણ કોઈ મોટા ઇશ્યુ નથી હોતા એ વિશે વાત કરતાં સ્ટૅમ્પ-ડ્યુટી રજિસ્ટ્રેશનની કન્સલ્ટન્સી ચલાવતા ૪૭ વર્ષના ફાલ્ગુનભાઈ કહે છે, ‘હું તો બહુ દૃઢપણે એવું માનું છું કે દરેક દંપતી વચ્ચે નાના-મોટા ખટરાગ તો થવા જ જોઈએ. તમને કોઈ ફરિયાદ જ ન હોય એનો અર્થ એવો થાય કે ખરેખર તો તમને સામેવાળામાં કોઈ રસ જ નથી.’

તમે કેમ ગુસ્સે થતાં નથી?

કદાચ આ જ કારણસર સોનલબહેન પણ છાને ખૂણે બન્ને વચ્ચે થતી નાની-મોટી બોલાચાલીનો બરાબર હિસાબ રાખે છે, એની વાત કરતાં તેઓ કહે છે, ‘આમ તો અમારી વચ્ચે અઠવાડિયે-દસ દિવસે એકાદ વાર ચકમક ઝરી જ જાય, પરંતુ કેટલાંક વર્ષો પહેલાં એવું બન્યું હતું કે આખો મહિનો વીતી ગયો છતાં અમારી વચ્ચે કંઈ બોલાચાલી થઈ નહીં. હું એ વાતે એટલી બધી ગભરાઈ ગઈ કે મેં તો તેમને મોઢામોઢ પૂછી જ લીધું કે આજકાલ તમે મારી કોઈ વાતે ગુસ્સે થતા નથી, ક્યાંક તમારું બીજું કોઈ લફરું તો નથીને? સ્વાભાવિક રીતે ફાલ્ગુન મારી આ વાત સાંભળી ખડખડાટ હસી પડ્યા હતા, પરંતુ એ મહિનો મેં કેવી રીતે કાઢ્યો એ તો મારું જ મન જાણે છે.’

પરિણામે હવે આ દંપતી રેગ્યુલર બેસિસ પર ઝઘડ્યા કરે છે અને એ દ્વારા પોતાના ગમા-અણગમા સહિત પરસ્પર માટેનો પ્રેમ પણ વ્યક્ત કરી દે છે.

ફરિયાદોની લાંબી યાદી

ફાલ્ગુનભાઈની ન ગમતી બાબતોની યાદીની શરૂઆત કરતાં સોનલબહેન કહે છે, ‘સ્વભાવે ફાલ્ગુન એકદમ ડાઉન ટુ અર્થ. અત્યંત મહેનતુ અને પોતાના પરિવારને પારાવાર પ્રેમ કરનારા. એક તેમનો ગુસ્સો બાદ કરી દઈએ તો પાક્કા જેન્ટલમૅન, પરંતુ મગજ એવું કે સતત ધડકતા હૈયે તલવારની ધાર પર રાખે. ઘર હોય કે ઑફિસ, તેમને બધું એકદમ પર્ફેક્ટ જોઈએ. ક્યાંય કશું જરાય આઘુંપાછું થાય તો તરત તેમનું છટકે. બાળકોને પણ પ્રેમ બહુ કરે, પરંતુ તેમનાં વખાણ ક્યારેય ન કરે. તેમને બસ એમ જ કે મારાં બાળકોએ તો સતત આગળ વધવા તરફ જ મહેનત કરવી જોઈએ. કશે બહાર જવાનું હોય અને ઑફિસેથી આવતાં તેમને મોડું થાય તો વાંધો નહીં, પરંતુ જો ત્યાં સુધીમાં હું રેડી ન થઈ હોઉં તો મારું આવી બને. એટલું જ નહીં, કોઈ માંદું પડે એ પણ તેમનાથી તો ન જોવાય. તમે બીમાર પડો અને એકાદ દિવસ આરામ કરો એટલે બસ. જો ક્યાંક બીજા દિવસ પણ આરામ કરવા ગયા તો તેમનો પિત્તો જાય. તેમની હંમેશાં એક જ વાત હોય કે શો મસ્ટ ગો ઓન. થોડાં વર્ષો પહેલાં મારે ગોલ્ડ-બ્લેડરનું ઑપરેશન કરાવવું પડ્યું હતું. અઠવાડિયું તો તેઓ માંડ-માંડ મને પથારીમાં જોઈ શક્યા. આઠમા દિવસે તેમનું બગડેલું મોઢું જોઈને જ હું સમજી ગઈ કે હવે મારે ઊભા થયા વિના છૂટકો નથી.’

ધર્મેન્દ્ર અને જિતેન્દ્ર

બીજી બાજુ સોનલબહેન પ્રત્યે પોતાની ફરિયાદોનો ખજાનો ખોલતાં ફાલ્ગુનભાઈ કહે છે, ‘મને બધું કામ ફટાફટ પૂરું થયેલું જોઈએ, જ્યારે સોનલ બધું ઠંડે કલેજે કરે. તેની ધીમી ગતિ મને બહુ અકળાવે. અરે, અમારે તો ટીવી અને ફિલ્મો જોવાની બાબત પણ ખૂબ બોલાચાલી થાય. મને સિરિયલો જોવી ગમે, જ્યારે તેને ફિલ્મો. ફિલ્મોમાં પણ તેને જિતેન્દ્ર જેવા રોમૅન્ટિક હીરો ગમે, જ્યારે મને સની દેઓલ અને ધર્મેન્દ્ર જેવા બૉડીબિલ્ડર. તે એવી દલીલ કરે કે આવા પઠ્ઠા જેવા હીરોની ફિલ્મો શું જોવાની. હવે તેને કેવી રીતે સમજાવું કે પુરુષો તો આવા જ સારા લાગે?’

ભોજન માટે પણ ઝઘડે

ભોજન વધુ એક એવી બાબત છે જે માટે આ બન્ને વચ્ચે અવારનવાર ચડસાચડસી થઈ જાય છે. સોનલબહેન કહે છે, ‘ફાલ્ગુનને જરા બ્લડપ્રેશરની તકલીફ છે, એથી રસોઈમાં મીઠું નાખતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે. ભૂલથી પણ કોઈ ડિશમાં મીઠું વધારે નખાઈ ગયું તો સીધું ભરેલી થાળીમાં હાથ ધોઈ ઊભા થઈ જાય. બાકી રહી ગયું તો અમારા બન્નેના ટેસ્ટ પણ એટલા બધા અલગ છે કે સતત એકબીજાને વાંકું પડ્યા જ કરે. મને ભેળપૂરી ને પાણીપૂરી જેવી કચરપટ્ટી ખાવા જોઈએ, જ્યારે તેને સીધાસાદા ઘરના બનેલાં

દાળ-ભાત-શાક રોટલી. વળી બહાર કશે ગયાં હોઈએ તો તેનો એવો આગ્રહ કે જે મળે એ ખાઈ લેવાનું. વધુ અપેક્ષા રાખવી નહીં. મને બરાબર યાદ છે કે અમારા હનીમૂન પર સાઉથમાં ફરવા ગયાં હતાં. ત્યાં બધે મદ્રાસી સ્ટાઇલના જાડા ભાત મળે, જે કેમેય કરીને મારા ગળે ઊતરે નહીં. જ્યારે તે તો પ્રેમથી જે મળે એ આરોગી જાય. એમાં મેં વળી ચીઝ સૅન્ડવિચની માગણી કરી. એ વાતે તેમને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેઓ મને હોટેલની રૂમમાં એકલી મૂકી ક્યાંક ફરવા જતા રહ્યા. હવે તમે જ કહો, આવું તે કંઈ કરાય?’

મનાવવાની અવનવી રીત

આ દંપતીએ આટલાં વષોર્માં એકબીજાને મનાવવાની અક્સીર દવાઓ પણ શોધી રાખી છે. સોનલબહેનને કોઈ વાતે વાંકું પડે એટલે ફાલ્ગુનભાઈ તેમને સીધાં શૉપિંગ કરાવવા ઊપડી જાય, જ્યારે ફાલ્ગુનભાઈને મનાવવા સોનલબહેન પોતાનું બ્રહ્માસ્ત્ર જેવી દીકરી ઉન્નતિને પપ્પા પાસે મોકલી આપે. 

ઉન્નતિને ફાલ્ગુનભાઈની દુખતી નસ ગણાવતાં સોનલબહેન કહે છે, ‘ઉન્નતિ દસમાં ધોરણમાં હતી ત્યારે તેણે સ્કૂલની પિકનિકમાં અઠવાડિયું કેરળ ફરવા જવાનું હતું. પહેલાં તો તેને મોકલવા બરાબર તૈયાર થઈ ગયા, પરંતુ જેવી તેને બસમાં ચઢાવી ઘરે આવ્યા કે જાણે દીકરીને સાસરે વળાવીને આવ્યા હોય એમ ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યા. એ અઠવાડિયું ઉન્નતિ પાછળ તેમનું અને તેમની પાછળ અમારું એટલું ઉચાટમાં ગયું કે મને તો ડર છે કે દીકરી જ્યારે ખરેખર પરણીને સાસરે જશે ત્યારે શું થશે?’

સોનલબહેનની વાતમાં સૂર પુરાવતાં તરત જ ફાલ્ગુનાભાઈ કહે છે, ‘એટલે જ તો તેનું સાસરું આ જ બિલ્ડિંગમાં શોધ્યું છે. મન થશે ત્યારે બે દાદરા ચઢી તેને જોવા જતો રહીશ.’

પણ એમ તે કંઈ દીકરીના સાસરે વારંવાર જવાતું હશે, સોનલબહેન સામી દલીલ કરે છે અને બન્નેની તકરાર ફરી ચાલુ થઈ જાય છે.

એમબીએ = માસ્ટર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK