૧૦ દિવસ સુધી લગભગ રોજ ચા ઊભરાઈ હતી (પીપલ-લાઇવ)

Published: 2nd October, 2012 06:01 IST

કારણ કે બંદા પેપર વાંચવામાં મશગૂલ થઈ જતા. સી. પી. ટૅન્કમાં રહેતા દીપક મહેતાની વાઇફ પારુલ ૧૦ દિવસ માટે સંબંધીઓને ત્યાં રામેશ્વર ગઈ ત્યારની આ વાત છે(પીપલ-લાઇવ - પત્ની જાય જ્યારે બહારગામ - નીલા સંઘવી)

મૂળ નાગેશ્રીના કપોળ વણિક દીપક મહેતા હાલમાં પત્ની પારુલ અને એકમાત્ર પુત્રી કૃતિ સાથે સી. પી. ટૅન્કમાં રહે છે. પારુલનું પિયર મહુવા છે. દીપક પોતાનો બિઝનેસ કરે છે અને તેની ઑફિસ પણ સી. પી. ટૅન્ક પર જ છે. પારુલ ઍસ્ટ્રોલૉજીનું ભણે છે.

પિયર જતી

પારુલને પિયર મહુવા છે તેથી લગ્ન પછી પારુલ ઘણી વાર નાનકડી કૃતિને લઈને વેકેશનમાં મહુવા જતી. એ વિશે વાત કરતાં પારુલ કહે છે, ‘પણ એ વખતની વાત જુદી હતી. એ વખતે મારાં સાસુ હતાં અને કૃતિને તો હું સાથે લઈ જતી હતી તેથી દીપકને કંઈ તકલીફ પડતી નહોતી, કારણ કે ઘરમાં બધું સાસુ સંભાળી લેતાં હતાં.’

મુશ્કેલી શરૂ થઈ


૨૫ વર્ષના લગ્નજીવનમાં આમ તો મોટા ભાગે દીપક-પારુલ દીકરીને સાથે લઈને જ બહારગામ જતાં હોય છે, પણ હમણાં થોડા સમય પહેલાં પારુલ તેના સંબંધીઓ સાથે દસ દિવસ માટે રામેશ્વર ગઈ હતી ત્યારે દીપકને ખૂબ મુશ્કેલી પડી હતી.

એ વિશે વાત કરતાં પારુલ કહે છે, ‘દીપક મારા વગર એકદમ હૅન્ડિકેપ થઈ જાય છે. એકલો હોય ત્યારે તેને બહુ જ ટેન્શન થાય છે.’

ચા ઊભરાઈ જાય

પારુલ રામેશ્વર ગઈ ત્યારે જમવા માટે તો હું અને કૃતિ ટિફિન મગાવી લેતાં હતાં, પણ ચા તો મારે બનાવવી જ પડે એમ જણાવીને વાતની શરૂઆત કરતા દીપક કહે છે, ‘રોજ ગૅસ પર ચા મૂકીને હું પેપર વાંચવા બેસી જાઉં. મને ચા પીતાં-પીતાં પેપર વાંચવું બહુ ગમે. પારુલ જ્યારે ઘરે હોય ત્યારે તો હું પેપર વાંચવાની શરૂઆત કરું અને પારુલ હાથમાં ચાનો કપ આપી દે, પણ જ્યારે તે નહોતી ત્યારે ચા મૂકીને ભૂલી જાઉં ને રોજ ચા ઊભરાઈ જાય. તે દસ દિવસ રામેશ્વર ગઈ ત્યારે લગભગ રોજ જ આવું બનેલું.’

નળ ખુલ્લો રહી ગયો

દીપક પારુલ બહારગામ ગઈ ત્યારની દાસ્તાન વર્ણવતાં કહે છે, ‘અમારે ત્યાં સી. પી. ટૅન્કમાં સવારે જ પાણી આવે છે. મેં એકાદ-બે દિવસ પાણી ભર્યું અને પાણી તો એના સમયે બંધ થઈ ગયું. પછી નળ બંધ કરવાનું હું ભૂલી ગયો. બીજા દિવસે સવારે નિયત સમયે પાણી ચાલુ થઈ ગયું હશે અને આ બંદા તો ભર ઊંઘમાં. પાણી આખા રૂમમાં ભરાઈ ગયું. અચાનક આંખ ખૂલી અને ઊભો થયો. પલંગની નીચે પગ મૂક્યો તો પગ નીચે તો તળાવ. આખા રૂમમાં એ રીતે પાણી ભરાઈ ગયું કે બંધ બારણામાંથી બહાર પૅસેજમાં પણ પાણી-પાણી થઈ ગયું હતું. પાડોશીઓ દરવાજો ખખડાવતા હતા. હું તો હક્કો-બક્કો રહી ગયો. શું કરવું એની સમજ જ પડતી નહોતી. કૃતિને ઊઠવાનો સમય થઈ ગયો હતો. તેને કૉલેજ જવાનું હતું. મને તો કંઈ સમજ પડતી નહોતી. કૃતિને ઉઠાડી. પછી કૃતિના સૂચનથી અમે બન્ને જણે મળીને તપેલાથી પાણી ઉલેચ્યું. આટલુંબધું પાણી ઉલેચતાં અમારા બન્નેનો દમ નીકળી ગયો. હું તો પસીને રેબઝેબ થઈ ગયો હતો. ત્યારે મને થયું કે નો લાઇફ વિધાઉટ વાઇફ. ત્યાર પછી તો રોજ રાતે હું નળ બરાબર બંધ કર્યો છે કે નહીં એ ચેક કરીને જ સૂતો હતો.’

બહુ જ શિસ્તપ્રિય

પારુલ બહુ જ શિસ્તપ્રિય છે. તે દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકવાની આગ્રહી છે. તેને અસ્તવ્યસ્ત જરાયે ન ચાલે. પોતે રામેશ્વરથી આવી ત્યારે શું થયું એ  વિશે વાત કરતાં પારુલ કહે છે, ‘હું જ્યારે રામેશ્વરથી આવી અને ઘર જોયું તો ગભરાઈ જ ગઈ. ઘરમાં જ્યાં જુઓ ત્યાં પથારા. આખું ઘર અસ્તવ્યસ્ત. આખું ઘર સરખું કરતાં જ મને બે દિવસ લાગ્યા હતા. કૃતિ ફિઝિયોથેરપીનું નેરુલ કૉલેજમાં ભણતી હોવાને કારણે સવારે જાય અને રાત્રે આવે ત્યારે થાકીને ઠૂસ થઈ ગઈ હોવાથી તેની તો કોઈ અપેક્ષા રાખી જ ન શકાય.’

ભૂલી જાય

દીપકના ભુલકણા સ્વભાવ વિશે પારુલ કહે છે, ‘હું રામેશ્વર ગઈ ત્યારે એલઆઇસીનો ચેક તેમ જ ટેલિફોનનું બિલ ભરવાનું તેને કહીને ગઈ હતી, પણ આવીને પૂછ્યું તો તેણે એ કામ કર્યું નહોતું; ભૂલી ગયો હતો.’

રાતના મોડો આવે

પારુલ ઘરમાં ન હોય તો દીપકને ગમે નહીં એ વિશે વાત કરતાં દીપક કહે છે, ‘પારુલ ઘરમાં ન હોય તો સૂનકાર થઈ જાય. તે ઘરમાં હોય તો તેનું બોલ-બોલ કરવાનું ચાલુ જ હોય. કૃતિ તો તેના અભ્યાસમાં બિઝી હોય તેથી બહુ કંટાળો આવે. તેથી એ દરમ્યાન હું ઘરે મોડો જ આવતો. મિત્રો સાથે બહાર જાઉં કે પછી પિક્ચર જોવા જાઉં. એક વાત ચોક્કસ કહીશ, પત્ની વગર જીવનમાં મજા ન આવે. અરે ભાઈ, પારુલ રામેશ્વર ગઈ ત્યારે એટલી મુશ્કેલી પડી છે કે હવે તો હું ક્યારેય તેને એકલી બહારગામ જવા દેવાનો નથી.’

વીટી સ્ટેશને દોડવું પડ્યું

પારુલ રામેશ્વર ગઈ ત્યારે કેવો ગોટાળો થયો એ વિશે વાત કરતાં દીપક કહે છે, ‘કૃતિની મૉર્નિંગ્ા કૉલેજ અને રોજ નેરુલ જવાનું તેથી સવારે ધમાલ થઈ જાય. મારે પણ વહેલું ઊઠવું પડે. એક બાજુ પાણી આવે અને બીજી બાજુ કૃતિને જવાની ધમાલ. એ દિવસે કૃતિની પરીક્ષા હતી. તે ઉતાવળે-ઉતાવળે તૈયાર થઈને નીકળી ગઈ. મોડું થતું હતું તેથી દૂધ બનાવ્યું હતું એ પણ પીધું નહીં. કૃતિના ગયા પછી ‘હાશ’ કરીને બેઠો ત્યાં તો ફોન રણક્યો. કૃતિ રડમસ અવાજે ફોનમાં બોલતી હતી, ‘પપ્પા હોલ-કાર્ડ ઘરે જ રહી ગયું છે તમે જલદી મને વીટી સ્ટેશન પર આપી જાઓ.’ તરત જ જેમ તેમ તૈયાર થઈને કૃતિનું હોલકાર્ડ શોધીને મારે તેને સી. પી. ટેન્કથી વી. ટી. સ્ટેશન પર આપવા જવું પડ્યું. ત્યારે મને એટલું ટેન્શન થઈ ગયું હતું કે જો મોડો પડીશ અને કૃતિને મોડું થઈ જશે તો તેની પરીક્ષાનું શું થશે? જો પારુલ ઘેર હોય તો કૃતિને તેની બધી ચીજવસ્તુ લીધી છે કે નહીં એમ અચૂક પૂછે. તેથી જો કંઈ રહી ગયું હોય તો તરત જ લઈ લેવાય.’


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK