હું નૉન-વેજ નથી ખાતી, પણ પતિને ભાવે છે એટલે બનાવતાં શીખી ગઈ છું (પીપલ-લાઇવ)

Published: 25th September, 2012 05:51 IST

કોંકણી મહારાષ્ટ્રિયન સંદીપ માંદ્રેકર સાથે ૧૬ વર્ષ પહેલાં લવ-મૅરેજ કરનારી લોહાણા જ્ઞાતિની માધવી તન્નાને જોકે પ્રેમ હોય ત્યાં આવાં સમાધાનો ખૂબ સામાન્ય લાગે છે(પીપલ-લાઇવ - ગુજરાતી બિનગુજરાતી - નીલા સંઘવી)

આજના જમાનામાં જ્ઞાતિમાં જ લગ્ન કરવાં જોઈએ એવો હઠાગ્રહ ઓછો થતો ગયો છે. આંતરજ્ઞાતીય લગ્નો તો આસાનીથી સ્વીકારવામાં આવે છે. જોકે નૉન-ગુજરાતી સાથેનાં લગ્નને પણ થોડી આનાકાની, થોડા વિરોધ પછી આપણા સમાજમાં સ્વીકૃતિ મળે છે.

આ શબ્દો છે માધવી તન્ના-માંદ્રેકરના જેણે ગોવાના સારસ્વત મહારાષ્ટ્રિયન સંદીપ માંદ્રેકર સાથે લગ્ન કર્યા છે.

લવ હો ગયા

૪૧ વર્ષની લોહાણા જ્ઞાતિની ગ્રૅજ્યુએટ માધવી પોતાની લવસ્ટોરી સુણાવતાં કહે છે, ‘હું અને સંદીપ વિલ્સન કૉલેજમાં ભણતાં હતાં. હું ગિરગામ (ઠાકુરદ્વાર) રહેતી હતી અને મારાથી થોડે જ દૂર સંદીપ રહેતો હતો. સંદીપ કૉલેજમાં મારાથી એક વર્ષ આગળ હતો, પણ તેણે એક વર્ષ ડ્રૉપ લીધો અને એસવાયબીએસસીમાં અમે બન્ને એક જ ક્લાસમાં આવ્યાં. સાથે જ ગ્રેજ્યુએટ થયાં. મિત્રતા હતી. ગ્રૅજ્યુએટ થયા પછી મેં સાંતાક્રુઝમાં કમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ ગ્રૅજ્યુએશનનો ડિપ્લોમા ર્કોસ જૉઇન કર્યો અને સંદીપે જૉબ લીધી. તે મને ઘણી વાર સાંતાક્રુઝ લેવા આવતો. પછી મને ચર્ચગેટ જૉબ મળી અને સંદીપને નાગપુરમાં. એટલે ફોન દ્વારા વાતચીત થતી. તે રજામાં ઘરે આવતો ત્યારે અમે મળતાં. એકબીજાને ગમવા લાગેલાં. દૂર હોઈએ ત્યારે હું તેને બહુ મિસ કરતી. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ શું છે અને સમજમાં આવ્યું કે ‘અરે, યે તો લવ હો ગયા.’ પછી સંદીપે મને પ્રપોઝ કર્યું, પણ હું ડરતી હતી કે ઘરમાં મારી મમ્મી આ વાત સ્વીકારશે કે નહીં તેથી ના પાડતી હતી; પરંતુ સંદીપે પીછો છોડ્યો નહીં. મારે પરિવારના વિરોધ વચ્ચે કે ભાગી જઈને લગ્ન કરવાં નહોતાં. સંદીપે કહ્યું, ‘મમ્મીને કન્વિન્સ કર.’ મને ડર લાગતો હતો. સંદીપે કહ્યું, ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’ અને હિંમત ભેગી કરીને મમ્મીને વાત કરી.’

મમ્મીનો વિરોધ

‘મમ્મી તો વાત સાંભળીને ભડકી જ ગઈ,’ માધવી કહે છે અને પછી વાત આગળ વધારતાં કહે છે, ‘મમ્મીને લાગતું હતું કે આપણા રીત-રિવાજ, ખાણી-પીણી બધું અલગ છે; હું કેવી રીતે ઍડ્જસ્ટ કરીશ? એ લોકો નૉન-વેજિટેરિયન છે. પણ મારી મક્કમતા જોઈને મમ્મીએ કહ્યું કે ઠીક છે, તું ઍડ્જસ્ટ કરી શકે તો મને શું વાંધો છે? સામે પક્ષે સંદીપના ઘરમાં ખાસ વિરોધ નહોતો.’

ર્કોટમાં લગ્ન

બન્ને પક્ષ માની ગયા પછી ૧૯ ઑગસ્ટ ૧૯૯૪ના રોજ આ પ્રેમી પંખીડાનો પ્રેમ પરિણયમાં પરિણમ્યો. ર્કોટમાં લગ્ન કર્યા અને માધવીનાં સાસુ, જેઓ ટૂર ઍન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે, તેમણે ઘરે પૂજા રાખી હતી. આ કપલ પછી તો નાગપુર, દિલ્હી, મસ્કત રહ્યા બાદ હાલમાં દહિસરમાં રહે છે. તેમને ૧૫ વર્ષની શિવાની અને ૯ વર્ષની અદિતિ બે દીકરીઓ છે.

ઍડ્જસ્ટમેન્ટ જરૂરી

મહારાષ્ટ્રિયન પરિવારમાં લગ્ન થતાં માધવીએ શું ઍડ્જસ્ટમેન્ટ કરવું પડ્યું એ વિશે વાત કરતાં માધવી કહે છે, ‘આમ તો મને ગુજરાતી અને મરાઠી કલ્ચર વચ્ચે બહુ ફરક નથી લાગતો, કારણ કે હું ગિરગામમાં મરાઠીઓ વચ્ચે જ મોટી થઈ છું. તેથી ફેસ્ટિવલ્સ તો બધા ખબર જ હોય. ફૂડનો ફરક પડે, પરંતુ મારાં સાસુએ મને નૉનવેજ બનાવતાં શીખવ્યું. સાયન્સનો અભ્યાસ કર્યો હોવાને કારણે દેડકાનું ડિસેક્શન કરેલું તેથી મને ચીતરી ચડવાનો પ્રૉબ્લેમ નહોતો. મારા પતિ ખાય છે અને તેને ભાવે છે તેથી હું બનાવતાં શીખી ગઈ. એ લોકોએ મને કદી ર્ફોસ નથી કર્યો. હું નૉનવેજ નથી ખાતી, મારી નાની દીકરી ખાય છે. મારાં સાસુ નિખાલસ છે, જે તેમને ન ગમે એ કહી દે કે આમ નહીં કરવાનું અને હું એ પ્રમાણે મારામાં ફેરફાર કરી લેતી. થોડુંઘણું ઍડ્જસ્ટમેન્ટ તો ગુજરાતી સાથે લગ્ન કર્યા હોય ત્યારેય કરવું પડે. જોકે બન્ને બાજુથી કોશિશ હોય તો વાંધો નથી આવતો. આજે મારાં સાસુ મારાં વખાણ કરે છે.’

સાદગી પર ફિદા

૪૨ વર્ષના સંદીપને પોતાના અઢાર વર્ષના લગ્નજીવનથી પૂર્ણ સંતોષ છે. સંદીપ માંદ્રેકર માધવી સાથે પ્રેમમાં પડવાનું કારણ જણાવતાં કહે છે, ‘મૈં તો ઉસકી સાદગી પર મર ગયા. લગ્નજીવનમાં જ્ઞાતિ-જાતિથી કોઈ ફરક પડતો નથી. તમે કઈ વ્યક્તિ સાથે જોડાઓ છો એ મહત્વનું છે.’

ભાષાને શું વળગે ભૂર?

સંદીપની ભાષા કોંકણી છે, પણ વર્ષોથી મુંબઈમાં રહેતા હોવાને કારણે તે મરાઠી જ બોલે છે. ગુજરાતી સમજી શકે છે. માધવીને મરાઠી ભાષા આવડે છે. તેથી બન્ને દીકરીઓ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષા જાણે છે. માધવી દીકરીઓ સાથે ગુજરાતીમાં જ વાત કરે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK