હી માઝી ફિક્સ (પીપલ-લાઇવ)

Published: 21st September, 2012 05:19 IST

એવું શિવસેનાના વિધાનપરિષદના સભ્ય ડૉ. દીપક સાવંતે કૉલેજમાં પ્રવેશતી ગુજરાતી છોકરીને જોઈને કહ્યું. પછી જે રીતે તેને ભગાવીને લગ્ન કર્યા એ સ્ટોરી ફિલ્મના પ્લૉટનેય ટક્કર મારે એવી જબરદસ્ત છે(પીપલ-લાઇવ -  પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)

મહારાષ્ટ્રની વિધાનપરિષદમાં ગ્રૅજ્યુએટ મતદાર સંઘમાંથી ત્રણ ટર્મ જીતીને આવેલા શિવસેનાના  ડૉ. દીપક સાવંત પુણેની બીજે મેડિકલ કૉલેજથી ડૉક્ટર છે. અંધેરીમાં સહાર રોડ પર આવેલી પોતાની ઑફિસમાં તેમણે ૩૪ વર્ષ ફ્લૅશબૅકમાં જઈ સંસ્મરણો તાજાં કર્યા.

આતી ક્યા? 

કૉલેજ ડે પર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગરબામાં એક છોકરી ચક્કર આવવાથી પડી ગઈ. ડૉ. દીપક સાવંત વાતની શરૂઆત કરતાં કહે છે, ‘હું કૉલેજમાં કલ્ચરલ સેક્રેટરી હતો તેથી તેના માટે કૉફી લઈ આવ્યો.’

આ વાત છે ૧૯૭૭ માર્ચની. ૩૪ વર્ષ પહેલાંની એ વાતોમાં જોડાતાં કચ્છી વીસા ઓસવાળ જૈન વીણા હંસરાજ વીરા જે આજે ડૉ. અનિલા દીપક સાવંત છે તે કહે છે, ‘સેકન્ડ માર્ચે કૉલેજનો પ્રોગ્રામ હતો, થર્ડ અને ર્ફોથે રજા હતી અને ફિફ્થે અમારી પિકનિક હતી. સિક્સ્થે હું કૉલેજ ન ગઈ. બીજા દિવસે મારી ફ્રેન્ડ્સ મને કહેવા લાગી કે દીપક રોજ ગેટ પર ઊભો રહી તારી રાહ જોતો હતો એટલું જ નહીં,

હું ક્યાં છું એ ફ્રેન્ડ્સને પૂછી લીધેલું. કૉલેજમાં મને જોતાં જ તેણે બન્ક મારવા કહ્યું. મને ખબર નહોતી, પણ ફ્રેન્ડ્સે કહ્યું કે તેનો બર્થ-ડે છે. બન્ક મારવાનું કારણ પૂછતાં તે કહે કે બહાર જમવા જવાનું છે. પુણેના રસરાજમાં અમે બધા ગયા. લંચ પૂરું થયા પછી તે કહે કે બધાને જવા દે; તું વેઇટ કર, ફિલ્મ જોવા જઈએ. મેં એકલી જવાની ના કહી તો બધા ફ્રેન્ડ્સની ટિકિટ લઈ આવ્યો! રાજેશ ખન્નાનું ‘અનુરોધ’ પિક્ચર અમે જોયેલું.’

બીજા દિવસે તેમણે વીણાને પ્રપોઝ કર્યું કે હું તારામાં ઇન્ટરેસ્ટેડ છું, વૉટ અબાઉટ યુ?

કમિંગ... કૉલેજ અને લાઇફમાં

વીણાએ જે કૉલેજમાં ઍડ્મિશન લીધું એ કૉલેજના લાસ્ટ યરના બૅચમાં ડૉ. દીપક સાવંત હતા. પ્રપોઝ કર્યું એ સમયને યાદ કરતાં ડૉ. અનિલા કહે છે, ‘સાત-આઠ મહિનાથી દીપક મને ઓળખતા હતા. તેણે મને કહેલું કે કમિંગ બૅચ કૉલેજમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ તને જોઈને મેં નક્કી કરી લીધું હતું કે હી માઝી ફિક્સ. જોકે એ સમયે તેમના ઘણા દોસ્તોએ આવું કહેલું, પણ એમાંથી એક અમે જ આગળ વધ્યા. બાકીનાઓ માટે ટાઇમપાસ હતું. તે કૉફી લઈ આવ્યો એ પરથી મને લાગ્યું કે તે કૅરિંગ બહુ છે. તે મહત્વાકાંક્ષી પણ બહુ હતો અને પઝેસિવ પણ બહુ... હું કોઈ સાથે વાત કરું તે ન ગમતું. મારાં સગાં મને છોકરાઓ બતાવતા હતા. તે બાપાનો જ સિમેન્ટ, રેતી કે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતા હતા.’

જુદા ના હોના...

કૉલેજમાં સાથે હતાં ત્યાં સુધી તો રોજ બપોરે ત્રણથી સાંજે છ વાગ્યા સુધી સાથે રખડતાં, પણ એ દીપકભાઉનું છેલ્લું વર્ષ હતું. મુંબઈમાં તેણે ઇન્ટર્નશિપ શરૂ કરી એટલે વીણાબહેને પણ કૂપર કૉલેજમાં ટ્રાન્સફર લઈ લીધી. બેઉ જણે પેરન્ટ્સને પટાવવાનું નક્કી કર્યું. ત્યારે બેઉ ફૅમિલીનો જબ્બર વિરોધ હતો. ડૉ. દીપક એકના એક દીકરા તેથી તેમના પેરન્ટ્સની ઇચ્છા એ કે તેઓ મરાઠી છોકરીને જ પરણે. વીણાના પેરન્ટ્સ જૈન. તેમને હતું કે મહારાષ્ટ્રિયન છોકરો તો દારૂ પીતો હશે. એની વાત કરતાં ડૉ. અનિલા કહે છે, ‘દીપકને કદી પાન કે સોપારીનું પણ વ્યસન નથી.’

તેમની વાતમાં સૂર પુરાવતાં

ડૉ. દીપકભાઉ કહે છે, ‘અમે ક્ષત્રિય અને માંસાહારી, તેઓ જૈન તેથી સખત વિરોધ થાય. મારા પિતા રામચંદ્રનો બહુ વિરોધ, પણ મમ્મી પ્રમોદિનીનો સપોર્ટ. આમ છેવટે બેઉએ પેરન્ટ્સને કન્વીન્સ કર્યા. ૧૯૮૦ની ૨૩ માર્ચે મહારાષ્ટ્રિયન સ્ટાઇલમાં પ્રૉપર સગાઈ થઈ અને ૧૮ એપ્રિલે લગ્ન નક્કી થયાં.’

છોકરી ના કહી ગઈ

કોઈ બાબતે બે ફૅમિલી વચ્ચે કંઈક સમજફેર થઈ અને સગાઈના બીજા જ દિવસે છોકરી તેના કાકા સાથે દીપકના ક્લિનિક પર આવી અને ના કહી ગઈ કે આપણે લગ્ન નહીં કરી શકીએ. દીપક કહે છે, ‘મને ખબર હતી કે આ ના છોકરીની નહીં કાકાની છે અને ડ્રામા છે એટલે મેં કહ્યું કે કોઈ વાંધો નહીં. પછી ફ્રેન્ડ્સ થ્રૂ હું તેને મળ્યો અને કહ્યું કે આપણાં લગ્ન થશે જ. લગ્નના ૧૫ દિવસ પહેલાં જ મેં તેને થાણેમાં રહેતી મારી એક ફ્રેન્ડના ઘરે બોલાવી લીધી. પછી એક વીક બોરીવલીમાં રહેતી મારી બહેનના ઘરે રાખી જેથી કોઈને ખબર ન પડે કે તે ક્યાં છે. લગ્નનાં કાર્ડ્સ પણ વહેંચાઈ ગયાં હતાં તેથી પછી પિતાનું પણ કહેવું હતું કે આ લગ્ન થઈને રહેશે.’

 બિનધાસ્ત શાદી...

થોડા દિવસ પછી તેમણે વીણાબહેનની શોધ બંધ કરી. તે લગ્ન કરશે એવી ખબર પડી ગયેલી. લગ્ન પહેલાં ડૉ. દીપકના પેરન્ટ્સે વીણાને તેમના ઘરે કુળદેવીનાં દર્શન કરવા મોકલી ત્યારે સાવચેતીરૂપે  ડૉ. દીપકે સો-બસો ફ્રેન્ડ્સની ટીમ તૈયાર રાખી હતી. દીકરી દર્શન કરવા આવી તો તેઓ કંઈ બોલ્યા નહીં. જોકે તેમના ઘરમાંથી, બિલ્ડિંગમાંથી કે સગાંમાંથી કોઈ લગ્નમાં ન આવ્યું. ડૉ. દીપક કહે છે, ‘રંગશારદા (પાર્લા)માં થયેલાં અમારાં લગ્નમાં ૨૦૦૦ લોકો અમારા હતા અને તે એકલી.’

ડૉ. અનિલા કહે છે, ‘કન્યાદાન પણ અમારા એક ફ્રેન્ડે કર્યું. લગ્ન પછી મેં હૉસ્ટેલમાં રહીને ફાઇનલ એક્ઝામ આપી એટલું જ નહીં, રિઝલ્ટ આવ્યું ત્યારે હું પ્રેગ્નન્ટ હતી. જીવનની શરૂઆત બહુ ટફ હતી. સાન્તાક્રુઝમાં સુખાનંદ વાડીની ચાલની રૂમમાં અમે રહેતાં હતાં. દર ચોમાસે છાપરામાંથી પાણી પડે. આઠ વર્ષ ત્યાં રહ્યાં, પણ મારી મમ્મીનું એક વાક્ય મારી જિંદગીને અહીં સુધી લઈ આવ્યું કે જ્યાં પરણી છે તેના જેવી થઈને રહેજે. નૉનેવેજ તે ખાય છે, તને તો ખાવા નથી કહેતા. તું જ તેને બનાવીને આપજે. દીપકને સી-ફૂડ ભાવે છે. હું બહુ જ સુખી છું, પૈસો નહોતો ત્યારે અને છે અત્યારે પણ!’

લાડલી વહુ


ડૉ. દીપકના ઘરમાં વીણાનું નામ અનિલા દીપક સાવંત થયું. તેને ભરપૂર પ્યાર અને માન મળ્યાં. દીપકભાઉ કહે છે, ‘મારા ઘરમાં તેના વિના કોઈને ન ચાલે. મરાઠી રસમો, ખાણીપીણી, રસોઈ બધું અમારા કરતાં પણ સારી રીતે અપનાવી લીધું. ૧૧ દિવસના ગણપતિ મારા ઘરે આવે છે. એ પૂજા બધી જ તેને ખબર છે. એ જ રીતે જૈન સમાજે ત્રણ વાર જીતી આવવા બદલ કચ્છના બાંડા ગામમાં મારું સન્માન કર્યું. અમારા સિંધુદુર્ગ જિલ્લામાં પણ બીજા ધર્મમાં લગ્ન મારાં પહેલાં હતાં.’

ડૉ. અનિલા કૉસ્મેટોલૉજિસ્ટ છે. તેમનું ક્લિનિક સાન્તાક્રુઝમાં છે. તેમના રેટિના સ્પેશ્યલિસ્ટ દીકરા સ્વપ્નેશે એમબીએ ભણેલી મહારાષ્ટ્રિયન અનુષ્કા સાથે લવ-મૅરેજ કર્યા છે. તેમને દોઢ વર્ષની દીકરી રિયા છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK