હું તો મારી વહુને પૂછ્યા વિના પાણીયે નથી પીતી (પીપલ-લાઇવ)

Published: 11th September, 2012 06:05 IST

પાછું એમ કહેવામાં કાંદિવલીમાં રહેતાં શોભા ઠક્કર ગર્વ અનુભવે છે. સુખ-દુ:ખમાં એકબીજાનો ટેકો બનનારાં આ સાસુમાની વહુ સેજલ પણ પોતાને ખૂબ લકી માને છે(પીપલ-લાઇવ - સાસ-બહૂ હો તો ઐસી - પલ્લવી આચાર્ય)

કાંદિવલી (વેસ્ટ)માં રહેતાં મૂળ સાવરકુંડલાનાં ઘોઘારી લોહાણા શોભા ઠક્કરનાં મોટા દીકરા મહેશનાં લગ્નને ૧૫ વર્ષ થયાં. ત્યારથી તે અને તેમની વહુ સેજલ કામકાજમાં અને ફાઇનૅન્શિયલ બાબતમાં પણ એકબીજાને ઍડ્જસ્ટ થઈને રહ્યાં છીએ. શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે આ સાસુ-વહુએ એકબીજાને ઘણો સર્પોટ કર્યો છે.’

શરૂઆતની અને આજની તેમની આર્થિક સ્થિતિ બદલાઈ, પણ સાસુ-વહુના સંબંધો એકધારા સુમેળભર્યા જ કાયમ રહ્યા છે એ વાત કરતાં શોભાબહેન કહે છે, ‘પહેલેથીજ વહુઓને મેં  મારી દીકરીઓ માની છે.’

એકબીજા વિના ન જમે

સાસુ-વહુ સાથે રહે એટલે ક્યારેક ઝઘડો પણ થાય એની વાત કરતાં સેજલ કહે છે, ‘અમે એકબીજા પર ગુસ્સે થઈએ, પણ તે મારા વિના ન જમે અને હું તેમના વિના ન જમું. એવું ઘણી વાર બન્યું છે કે મમ્મી ન જમ્યાં હોય એ દિવસે હું પણ ભૂખી રહી હોઉં અને હું ન જમી હોઉં એ દિવસે તે પણ ન જમે. મને ગુસ્સો આવ્યો હોય અને ન જમું તો મમ્મી કહે, પહેલાં જમી લો પછી આપણે શાંતિથી વાત કરીએ અને તેમની વાત માની હું જમી પણ લઉં. તો એવી જ રીતે તેમને ગુસ્સો હોય તો હું મમ્મીને જમવા કહું અને તેઓ જમી લે.’

 ગ્રેટ ઍડ્જસ્ટમેન્ટ 

શોભાબહેને સેજલ સાથે મળી ૧૩ વર્ષ પહેલાં થેપલાં બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો હતો જે આજે કેટરિંગમાં ફેરવાઈ ગયો છે. તેઓ હવે લગ્નના ઑર્ડર્સ લે છે. કામ બિઝનેસનું હોય કે ઘરનું, તેઓ એકબીજાને અનુકૂળ થઈને કરે છે એની વાત કરતાં શોભાબહેન કહે છે, ‘મારે ક્યાંક બહાર જવું હોય તો ઘરનાના ટાઇમ સાચવવા સહિતનું ઘરનું કામ, બિઝનેસનું કામ સાથે ઘરમાં પુષ્ટાવેલા ઠાકોરજી છે એની લાંબી સેવા સહિતનું બધું જ સેજલ સંભાળી લે છે. એ રીતે સેજલને બહાર જવું હોય ત્યારે આ બધું જ હું સંભાળી લઉં. ક્યાંય જવાનું હોય તો અમે પહેલેથી કહી દઈએ. મારો પૌત્ર ૩ મહિનાનો હતો ત્યારે તેને મૂકીને દીકરો-વહુ ફિલ્મ જોવા જતાં તો હું તેને સંભાળી લેતી હતી. તેને મેં જ મોટો કર્યો છે. મારી સાસુ વિના મેં એકલું જીવન ગાળ્યું છે તેથી મારાં બાળકોને અને મારી વહુને મારે એવું નથી થવા દેવું.’

બાળકો નાનાં હતાં ત્યારે થેપલાંના ઑર્ડર શોભાબહેન જ લેવા જતાં હતાં એટલું જ નહીં, સેજલ કહે છે, ‘દીકરો નાનો હોવાથી હું ન જઈ શકું તેથી કુકિંગ ક્લાસમાં શીખવા તે જતાં અને આવીને મને રેસિપી શીખવી દેતાં.’

દમણી ઢોકળાં, મકાઈના સમોસા, વટાણાના ઘૂઘરા જેવા ગરમ નાસ્તા સવારે સાત વાગ્યે દુકાનોમાં પહોંચાડવા બેય જણ સવારે ૪ વાગ્યે ઊઠી બનાવતાં હતાં. થેપલાં શોભાબહેન વણે અને ત્રણ તવી પર સેજલ ચોડવે.

સુખ-દુખનાં સાથી

શોભાબહેન અને સેજલને એટલું બને છે કે તેઓ પરસ્પર સુખદુ:ખની વાતો તો શૅર કરે જ, પણ પતિ સાથેની બોલાચાલી સહિતની બધી જ પર્સનલ વાતો પણ શૅર કરે છે. સેજલને પણ કુકિંગનો શોખ છે તેથી તેણે સાસુ સાથે રહીને બધું જ શીખવાની ધગશ રાખી અને શોભાબહેને પણ સેજલની ભૂલ થતી હોય ત્યાં ઍડ્વાઇઝ આપીને પર્ફેક્ટ બનાવી.

ટ્રેઇનિંગ આપી છે

દીકરાની વહુઓ પર શરૂઆતનાં બે વર્ષ મેં કોઈ જવાબદારી ન નાખી એમ કહેતાં શોભાબહેન કહે છે, ‘એ દરમ્યાન નાના દીકરાનાં પણ લગ્ન થઈ ગયાં હતાં. બે વરસ પછી મેં તેમને ઘરની રીતરસમની ટ્રેઇનિંગ આપી. હું દરેક કામમાં તેમની સાથે રહેતી. હું લોટ બાંધું તો તેઓ ભાખરી બનાવી દે. ઘણી વાર તેઓ ભાખરી વણે ને હું શેકી દઉં. હાલ તેઓ રસોઈમાં એક્સપર્ટ થઈ ગઈ છે. પહેલાં અમે મલાડમાં વન રૂમ-કિચનમાં રહેતાં હતાં અને બીજી પણ એક રૂમ હતી. એ પછી કાંદિવલીમાં આવ્યાં.’

તેમનો નાનો દીકરો કાંદિવલીમાં અલગ રહે છે. સાસુએ વહુને કંઈ કહ્યું હોય કે વહુએ સાસુને કંઈ કહ્યું હોય તો તેઓ ખરાબ ન લગાવે.

દીકરાઓ માટે ત્યાગ

શોભાબહેનના બે દીકરાઓ અને પતિ શશીકાન્ત ઠક્કર સાથે મળી જીન્સના મૅન્યુફૅક્ચરિંગનો બિઝનેસ કરે છે. મલાડમાં તેમની ફૅક્ટરી છે. શરૂઆતની ફાઇનૅન્શિયલ પોઝિશનને પહોંચી વળવા માટે શોભાબહેને પોતાનું જીવન સિમ્પલ કરી નાખ્યું એની વાત કરતાં તેઓ કહે છે, ‘દીકરા-વહુઓ ફરે અને અમે પણ ફરીએ તો બધો ખર્ચ પહોંચી ન વળાય તેથી અમે ફરવા જવાનું, હોટેલોમાં જવાનું અને ફિલ્મો જોવા જવાનું વગેરે છોડી દીધું. ફિલ્મ જોવા ગયે તો મને કેટલાંય વરસ થયાં અને હવે તો ઠાકોરજી ઘરે હોવાથી હું બહારનું પાણી પણ નથી પીતી.’

બંધન નહીં

શોભાબહેને તેમની વહુને જે પહેરવું હોય એ પહેરવાની છૂટ આપી છે એટલું જ નહીં, સેજલની સગાઈ થઈ ત્યારે જે કપડાં આપે એમાં તેમણે સ્કર્ટ વગેરે પણ આપ્યું હતું જેથી તેને કોઈ સંકોચ જ ન રહે. શોભાબહેન કહે છે, ‘મારા દીકરાને ગમે એવાં કપડાં તે ભલે પહેરે. આપણે તો દીકરાની ખુશી જ જોવાનીને!’

શોભાબહેન બહાર ગયાં હોય ને સેજલ માટે કંઈ ગમે તો લઈ આવે એવી રીતે સેજલ બહાર જાય તો શોભાબહેન માટે મોંઘી વસ્તુઓ લઈ આવે અને કહે કે મમ્મી પહેરો, હવે તમારા દિવસો છે.

સેજલ વાતને પૂરી કરતા કહે છે, ‘પહેલાં અમે બધું કામ જાતે કરતાં હતાં, હવે નોકર-ચાકર અને રસોઇયો છે. ઘર અને બિઝનેસ સંભાળીએ છીએ.’

- તસવીર : સુનીલ તિવારી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK