૮૦ વર્ષના આ અંકલ ઘરનું બધું જ કામ જાતે કરે છે (પીપલ-લાઇવ)

Published: 3rd September, 2012 06:08 IST

આજના યુગમાં ૭૫ કે એનાથી વધારે વર્ષ લોકો જીવે છે. સંશોધનો અનુસાર વૃદ્ધોની સંખ્યા વધી રહી છે.

yogesh-patel(પીપલ-લાઇવ Fit-n-fine @ 75+ - નીલા સંઘવી)

આજના યુગમાં ૭૫ કે એનાથી વધારે વર્ષ લોકો જીવે છે. સંશોધનો અનુસાર વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. થૅન્ક્સ ટુ મેડિકલ સાયન્સ, પણ જીવવું અને સ્વસ્થતાથી તંદુરસ્ત જીવન જીવવું એ અલગ બાબત છે. ૭૫ની વય વટાવ્યા પછી પણ જો વ્યક્તિ સ્વસ્થતાથી તંદુરસ્ત જીવન જીવતી હોય તો તે પ્રશંસાને પાત્ર છે.   

૧૯૩૨ની ૨૦ મેના રોજ સુરતમાં જન્મેલા ૮૦ વર્ષના સુરતી દશા નાગર વણિક યોગેશ પટેલ હાલમાં બોરીવલી (વેસ્ટ)માં સાવ એકલાં રહે છે અને પોતાનું બધું કામ જાતે કરે છે.

પહેલેથી જ મુંબઈમાં

પોતાના જીવનની પ્રાથમિક વાતો કરતા યોગેશભાઈ કહે છે, ‘મૂળ અમે સુરતના, પણ વર્ષોથી મુંબઈમાં જ વસેલા. મારા દાદા અને પિતા પણ મુંબઈમાં નોકરી કરતા હતા. મારો બધો અભ્યાસ પણ મુંબઈમાં જ થયેલો. મેં બીકૉમ, એમએ, એલએલબી, સાહિત્ય વિશારદ ઉપરાંત હિન્દી અને સંસ્કૃતની બધી પરીક્ષાઓ આપેલી છે.’

પટેલ અટક વિશે ફોડ પાડતાં

તેઓ કહે છે, ‘આમ તો અમે સુરતી દશા નાગર વણિક છીએ, પણ પરદાદાઓની પાંચ ગામની પટલાઈ અમારી પાસે હોવાથી પટેલ કહેવાઈએ છીએ.’

આકરો જીવનસંઘર્ષ

જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે એની વાત કરતા યોગેશભાઈ કહે છે, ‘ચાર-પાંચ વર્ષ પ્રાઇવેટ નોકરીઓ કરી. એમ લાગે કે શોષણ થાય છે એથી નોકરી બદલી નાખું. છેલ્લાં ૧૮ વર્ષ દેના બૅન્કમાં નોકરી કરીને ૧૯૯૦માં રિટાયર્ડ થયો. ૩૧મે વર્ષે બિન્દુ સાથે લગ્ન કર્યા પછી પુત્ર આનંદના જન્મ બાદ ઘરમાં પ્રૉબ્લેમ થતાં ઘર છોડ્યું. રહેવા માટે જગ્યા પણ નહોતી. પિતા અને સસરા કરોડપતિ હોવા છતાં કોઈની મદદ લીધી નથી. સેલ્ફ-મેઇડ મૅન છું. લોકોને મદદ કરી છે. ૨૦૦૧માં પત્નીનું અવસાન થતાં એકલતા ઘેરી વળી, પણ સદ્વાંચનને કારણે સમય પસાર થઈ રહ્યો છે.’

બધુ જ કામ જાતે

યોગેશ પટેલની દિનચર્યા આ ઉંમરે પણ પ્રવૃત્તિઓથી સભર હોય છે. સવારના સાત વાગ્યે ઊઠીને રાત્રે ૧૨.૩૦ વાગ્યે સૂએ છે. બપોરે એક-દોઢ કલાક આરામ કરે. પહેલાં તેઓ કામવાળી રાખતા હતા, પણ છેલ્લાં ત્રણ વર્ષથી બધાં કામ જાતે જ કરે છે. પોતાનાં કપડાં જાતે ધૂએ, ચાપાણીના અને દીકરાને ત્યાંથી ટિફિન આવે એ વાસણ જાતે જ સાફ કરે. બે-ચાર દિવસે ઘરમાં ઝાડુપોતાં પણ કરીને ઘરને ચકચકિત રાખે. તેમનું કહે છે, ‘પહેલેથી જ કામ કર્યું છે એથી ભારે લાગતું નથી. અને આ રીતે મારી એક્સરસાઇઝ પણ થઈ જાય છે.’

આ બધા ઉપરાંત યોગેશભાઈનો સમય વાંચન, લેખન, ભણવા, ભણાવવામાં જાય છે. તેમની પાસે ૧૦-૧૨ હજાર પુસ્તકો છે. ભગવદ્ગીતા પર હજારથી બારસો પુસ્તકો છે. ઘણાં રેર પુસ્તકો યોગેશભાઈ પાસેથી મળે. સંસ્કૃતના વિદ્યાર્થીઓ યોગેશભાઈ પાસે શીખવા આવે છે. કેટલીયે બહેનોને કંઈ શીખવું હોય કે કોઈ પુસ્તકમાંથી રેફરન્સ જોઈતા હોય તો યોગેશભાઈ પાસે આવે છે.

યોગેશભાઈએ ૧૫ પુસ્તકો લખ્યાં છે. એમાંથી ગીતા-ગૌરવને ગુજરાત સાહિત્ય ઍકૅડેમીનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. નવ પરિચય-પુસ્તિકા લખી છે. ઘણા લેખો પણ તેમણે લખ્યા છે.

તંદુરસ્તીનું રહસ્ય

આજે પણ યોગેશભાઈ મુંબઈમાં કે મુંબઈની બહાર ક્યાંય પણ જવું હોય તો એકલા ટ્રેન કે બસમાં જાય છે. તેમની તંદુરસ્તી વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘નિયમિતતા, ખાવા-પીવા-ઊંઘવામાં સંયમ રાખું છું. ખાવાનો વધુ શોખ. બધું ખાવાનું, પણ પ્રમાણસર ખોરાક લઉં. સમત્વ, સુખથી ફુલાઈ નહીં જવાનું અને દુ:ખથી ગભરાઈ નહીં જવાનું. સંયમ, સદ્વિચાર, સદ્ભાવના અને કોઈને પણ મદદરૂપ થવાની ઉત્કંઠા રાખવાં. ગીતાના નિયમો જીવનમાં ઉતાર્યા છે.’

યોગેશભાઈને આજે આ ઉંમરે કાનમાં સાંભળવાની તકલીફ સિવાય કોઈ જ બીમારી નથી.

- તસવીર : મહેશ ચાફે

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK