૮૦ની ઉંમર વટાવી ચૂકેલા આ દંપતીને હવે સતાવે છે સ્વાસ્થ્ય ને સુરક્ષાનો ભય (પીપલ-લાઇવ)

Published: 29th August, 2012 07:00 IST

એટલે જ સ્વેચ્છાએ સંતાન નહીં કરનારા માટુંગાના દિનેશ ભટ્ટ ને પત્ની કાન્તાબહેન હવે વધતી ઉંમરને કારણે બીમારીના ભયથી વૃદ્ધાશ્રમ શોધી રહ્યાં છે

dinesh-kantaben-bhatt(પીપલ-લાઇવ - ૬૦ પછીની લાઇફ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

માટુંગા કિંગ સર્કલમાં રહેતાં નાગર બ્રાહ્મણ દિનેશભાઈ અને કાન્તાબહેન ભટ્ટ ઉંમરના ૮૦ના દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે. મોટી ઉંમરે લગ્ન થયાં હોવાથી બન્નેએ સ્વેચ્છાએ બાળકો ન કરવાનો નિર્ણય લીધો હતો. ઈશ્વરકૃપાથી અત્યાર સુધીનું જીવન એકબીજાના સાથમાં, એકબીજાના સહયોગમાં ખૂબ સરસ રીતે વીત્યું છે, પરંતુ હવે ઉંમરનો એક એવો તબક્કો આવી ગયો છે, જ્યાં તેમને પોતાના ભવિષ્યની ચિંતા કોરી ખાય છે. તેઓ કહે છે, ‘અમે અમારું અત્યાર સુધીનું જીવન ખૂબ જ સ્મૂધલી જીવ્યાં છીએ. જીવનના ખાટામીઠા અનુભવોમાંથી પ્રેમપૂર્વક પસાર થયાં છીએ, પરંતુ હવે ઉંમરના એવા પડાવ પર આવ્યાં છીએ, જ્યાં મનમાં સતત એક ડર રહ્યા કરે છે. થાય છે કે અત્યારે તો આ શરીર ચાલે છે ત્યાં ઠીક છે, પરંતુ કાલે કોઈ બીમારી આવે તો શું કરીશું? કેવી રીતે એકબીજાને સાચવીશું? તેથી છેલ્લા થોડા સમયથી અમે એક એવા વૃદ્ધાશ્રમની શોધ કરી રહ્યાં છીએ, જ્યાં કોઈ પણ જાતના ભય વિના નિશ્ચિત થઈને રહી શકીએ.’

પ્રવૃત્તિસભર જીવન

દિનેશભાઈ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ કાન્તના પ્રપૌત્ર છે. સાહિત્ય માટેનો પ્રેમ વારસામાં મળ્યો હોવાથી તેઓ પોતે પણ ગુજરાતી ભાષામાં ગુજરાતી થિયેટર વિષય પર પીએચડી થયા છે. હવે તો જોકે તેઓ રિટાયર્ડ થઈ ગયા છે, પરંતુ વર્ષો સુધી તેમણે માટુંગાની જાણીતી રુઇયા કૉલેજમાં ગુજરાતી વિભાગના વડા તરીકેની જવાબદારી સંભાળી હતી. એ પહેલાં થોડો સમય તેમણે પોદ્દાર અને ખાલસા કૉલેજમાં પણ કામ કર્યું હતું. તે સિવાય તેઓ નાટકો અને વાર્તાઓ પણ લખતા રહે છે. સામે પક્ષે કાન્તાબહેન પણ બૉમ્બે સેન્ટ્રલની મહારાષ્ટ્ર કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં ગુજરાતી વિભાગનાં વડાં હતાં. એ પહેલાં તેમણે પણ પાર્લાની દહાણુકર કૉલેજ તથા પરેલની એમ. ડી. કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સમાં થોડો સમય કામ કર્યું હતું. હાલ બન્ને અમદાવાદની લોકલ ચૅનલ પર આવતી સિરિયલ ‘સાગર પારના સંબંધો’ પર સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં બન્નેએ સાથે મળી કેટલાંક નાટકો પણ લખ્યાં છે. કાન્તાબહેને તો નેવુના દાયકાનાં જાણીતાં નાટકો ‘સરસ્વતીચંદ્ર’, ‘ઢોલીડો’, ‘દેવદાસ’, ‘માનવીની ભવાઈ’, ‘સત્યના પંથે’ વગેરે જેવાં નાટકોમાં કામ પણ કર્યું છે.

નિશ્ચિત થઈ જીવવું છે

પોતાના દામ્પત્યજીવન વિશે વાત કરતાં કાન્તાબહેન કહે છે, ‘મારા મિત્રોમાંના કેટલાંક હવે નથી રહ્યા અને કેટલાંક સાસુ બની પથારીભેગાં થઈ ગયાં છે. પરંતુ ઈશ્વરકૃપાથી અમારું અત્યાર સુધીનું જીવન ખૂબ જ શાંતિ અને પ્રેમપૂર્વક પસાર થયું છે. હજી પણ હું ઘરનું બધું કામ જાતે કરી શકું એટલી સક્ષમ છું. મોટી ઉંમરે લગ્ન કર્યા હોવાથી અમે સમજી-વિચારીને બાળકો ન કરવાનો નિર્ણય લીધો હતો, જેનો અમને ક્યારેય કોઈ અફસોસ થયો નથી. જીવનભર વિદ્યાર્થીઓ તરફથી એટલો બધો પ્રેમ અને લાગણી મળ્યાં છે કે બાળકની ખોટ અનુભવી નથી. ટૂંકમાં કોઈ અભાવ કે ફ્રસ્ટ્રેશન નથી. અત્યાર સુધી સુંદર રીતે જીવ્યાં છીએ અને આગળ પણ એટલી જ સારી રીતે જીવવાનાં છીએ. માત્ર એટલું જ કે હવે પછી કંઈ થાય તો એકબીજાને કેટલું સાચવી શકાશે એનો થોડો ડર રહ્યા કરે છે, તેથી વિચારીએ છીએ કે કોઈ સારો વૃદ્ધાશ્રમ મળી જાય તો ત્યાં જઈ નિશ્ચિત થઈને જીવી શકાય.’

ભરોસો થાય એમ નથી

તબિયતની સાથે-સાથે આ દંપતીને હવે પોતાની સુરક્ષાનો પણ ડર થોડો સતાવી રહ્યો છે. એ વિશે વાત કરતાં દિનેશભાઈ કહે છે, ‘આમ તો અમારું બિલ્ડિંગ ઘણું મોટું છે અને પાડોશીઓ પણ બધા બહુ જ સારા છે. કંઈ પણ થાય તો એક પગે પડખે આવીને ઊભા રહે તેવા. છતાં સેફ્ટી ખાતર હમણાં થોડા સમય પહેલાં જ બારણાની બહાર વધુ એક જાળી નખાવી દીધી છે. મૅડમ પણ ક્યાંક એકલાં ગયાં હોય તો મનમાં જરા ભય રહ્યા કરે. એમાંય જો મોબાઇલ સાથે ન લઈ ગયાં હોય તો વધુ ડર લાગે. મને પોતાને પણ બ્લડપ્રેશરની તકલીફ રહ્યા કરે છે. એ સિવાય હજી ગયા વર્ષે જ ઘૂંટણનું ઑપરેશન પણ કરાવવું પડ્યું હતું, તેથી મને પોતાને પણ હવે ઘરની બહાર એકલા નીકળવાનો ડર લાગે છે. ક્યાંક કોઈ અથડાઈ ગયું તો, ક્યાંક પડી ગયો તો જેવા સવાલો મનમાં થયા કરે. વળી મુંબઈ જેવા શહેરમાં નોકરોની સમસ્યા પણ એવી છે કે ગમે ત્યારે ખાડા પાડી દે. જરાક કંઈ કહીએ એટલે સીધું કામ છોડીને જતાં રહેવાની ધમકી આપવા માંડે. પરિણામે તેમના ભરોસે તો જરાય રહી શકાય એવું નથી.’

એકબીજાના સાથમાં

આ બધાં કારણોસર બને ત્યાં સુધી આ દંપતી એકબીજાથી જરાય વિખૂટું પડતું નથી. રોજ સવારે લગભગ સાથે જ છએક વાગ્યે ઊઠી જવાનું. ચા-પાણી કરી દિનેશભાઈ યોગાસન કરવા બેસે અને કાન્તાબહેન ઘરનું રોજનું કામ પતાવે. પછી બારેક વાગ્યે જમીને બન્ને છાપાં વાંચવા બેસે. બપોરે થોડો આરામ કરી સાંજે ક્યાંક કોઈ સામાજિક કામે જવાનું હોય તો એ અથવા બજારમાં કંઈ લેવા જવાનું હોય તો એ પતાવી આવે. વળી પાછાં ઘરે આવી પોતપોતાના કામે લાગી જાય. દિનેશભાઈને ડૉક્ટર પાસે જવાનું હોય તો કાન્તાબહેન અચૂક તેમની સાથે જાય અને કાન્તાબહેન ક્યાંક એકલાં ગયા હોય અને પાછાં આવવામાં જરાક મોડું થાય તો દિનેશભાઈ અચૂક તેમની રાહ જોતાં બારીમાં ઊભા રહી જાય. પોતાની આ જીવનશૈલી વિશે વાત કરતાં મજાકમાં દિનેશભાઈ કહે છે, ‘અમે બન્ને એકબીજાનું ધ્યાન નથી રાખતા, પરંતુ સતત એકબીજાના ધ્યાનમાં જ રહીએ છીએ.’

બોજ નહીં બનવાનું

આમ તો આ દંપતીએ બધા સાથે પોતાનો વ્યવહાર પણ બહુ સરસ રીતે જાળવી રાખ્યો છે. કાન્તાબહેનનો એક ભાણેજ તેમના ઘરની સામે જ રહે છે, જે અઠવાડિયે એકાદ વખત ચોક્કસ આંટો મારી જાય. એ સિવાય તેમના મામાના બે દીકરા મુલુંડમાં જ રહે છે. બન્ને વ્યવસાયે ડૉક્ટર હોવાથી દિનેશભાઈ કે કાન્તાબહેનને તબિયતની નાની-મોટી કોઈ પણ તકલીફ થાય એટલે તેઓ સીધા ગાડી મોકલી બન્નેને પોતાની પાસે બોલાવી લે છે. વિદ્યાર્થીઓ પણ બધા એટલા સારા કે કોઈ તેમને પોતાની સાથે જબરદસ્તી પોતાના ખર્ચે પાલિતાણાની જાત્રાએ લઈ જાય તો વળી કોઈ ગોંડલ લઈ જાય.

કાન્તાબહેન નિખાલસતાપૂર્વક કબૂલાત કરતાં કહે છે, ‘છતાં મુંબઈ શહેરમાં બધા પોતાપોતાના જીવન અને પરિવારમાં વ્યસ્ત હોય. બધાને પોતપોતાના પ્રૉબ્લેમ્સ હોય. એવામાં આપણો રસ્તો આપણે જાતે કરી લીધેલો સારો. કોઈના પર આધાર નહીં રાખવાનો, કોઈના પર બોજ નહીં બનવાનું. તેથી જ છેલ્લા થોડા સમયથી આ વૃદ્ધાશ્રમવાળો વિચાર અમને સૌથી ઉચિત લાગે છે અને જો એ પણ ન થયું તો અમદાવાદમાં પણ અમારું એક ઘર છે ત્યાં અથવા અહીં શાંતિથી સરસ રીતે રહીશું.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK