ગમેએટલી બોલાચાલી થઈ હોય, દીકરી સામે તો નૉર્મલી જ વર્તવાનું (પીપલ-લાઇવ)

Published: 23rd August, 2012 06:20 IST

આ અને આવા બીજા ઘણા નિયમો બોરીવલીમાં રહેતાં તેજસ અને રેખા શાહે લીધા છે. ૧૧ વર્ષ પહેલાં લવમૅરેજ કરનારું આ કપલ આજેય નાની-નાની વાતોમાં અવારનવાર બાખડી પડે છે

tejash-rekha-shah(પીપલ-લાઇવ - તૂતૂ-મૈંમૈં - ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

ખાટી-મીઠી તકારર, નાની-મોટી નોંકઝોક દરેકના લગ્નજીવનમાં જોવા મળતી હોય છે. પહેલી નજરે જોતાં એમ લાગે કે આવી બધી બાબતોમાં શું ઝઘડવાનું, પરંતુ હકીકતમાં આવી મીઠી મગજમારી જ સુખી દામ્પત્યજીવનનો પાયો હોય છે.

હાલ બોરીવલીમાં રહેતા મૂળ ભાવનગરના દેરાવાસી જૈન તેજસ શાહનું કહે, ‘દરેક પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદો થતા જ રહે છે, પરંતુ એ જરૂરી છે. આવા પ્રસંગોમાંથી જ એકબીજા પ્રત્યેની સમજદારી કેળવાતી હોય છે અને ભવિષ્યમાં પાછી આવી પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું એનો અનુભવ મળતો હોય છે.’

વધુપડતી ભાવુક

તેજસ અને રેખા શાહનાં લવમૅરેજ છે. ૨૦૦૨માં બન્નેએ ઘરવાળાઓની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યો હતાં. જોકે, આ દસ વર્ષના ગાળામાં રેખાએ પોતાના પ્રેમ અને સ્વભાવથી સાસરિયા પક્ષના સૌ કોઈનો વિશ્વાસ જીતી લીધો છે. પોતાના પરિવારજનો પ્રત્યે રેખાની લાગણી જોઈ આમ તો તેજસને બહુ ગર્વ થાય છે, પરંતુ કેટલીક વાર આ જ બાબતે બન્ને વચ્ચે ખટરાગ પણ થઈ જાય છે.

એની વાત કરતાં ૩૬ વર્ષનો તેજસ કહે છે, ‘સ્વભાવે રેખા બહુ લાગણીશીલ છે. તેને બધાને મળવું, બધાનું ધ્યાન રાખવું વગેરે બહુ જ ગમે, પણ એમાં જ્યારે તે વધુ પડતી ભાવુક થવા માંડે ત્યારે મને ન ગમે. દા. ત. કોઈનો બર્થ-ડે હોય અને તમે તે વ્યક્તિને ગિફ્ટ આપો ત્યાં વાત પતી જવી જોઈએ, પરંતુ રેખાનું એવું નહીં થાય. તે ગિફ્ટ આપતી વખતે પાછી કહેશે પણ ખરી કે તમને ન ગમે કે કોઈ બીજી તકલીફ થાય તો મને કહેજો, હું બદલાવી લાવીશ. મને એમ થાય કે તમે કોઈ માટે ગિફ્ટ લાવ્યા એ જ મોટી વાત છે. પછી તેને ગમે, ન ગમે કે નાનું-મોટું થાય તો વધારેમાં વધારે તમારે તેમને બિલ આપી દેવાનું હોય. ફરી પાછું તમારે જ બદલાવવા પણ જવાનું એવો તમારો કેવો નિયમ?’

દીકરીને બગાડે છે

એવી જ બન્ને વચ્ચે આવી નાની-મોટી બોલાચાલી તેમની સાત વર્ષની દીકરી હિયાના ઉછેરના મામલામાં થતી હોય છે. રેખાનું માનવું છે કે હિયા પ્રત્યે તેજસ વધુ પડતા જ સૉફ્ટ છે. તે કહે છે, ‘પિતા તરીકે હિયા માટેનો તેમનો પ્રેમ હું સમજી શકું છું, પરંતુ તમે તેને ક્યારેય કંઈ કહો જ નહીં અને માત્ર લાડ જ લડાવ્યા કરો એ કેવી રીતે ચાલે?’

અહીં તરત જ પોતાના ડિફેન્સમાં તેજસ કહે છે, ‘રેખા હિયા પર ગુસ્સે થતી હોય ત્યારે ખબર હોય કે તે હિયાના સારા માટે જ આમ કરી રહી છે, છતાં મારાથી તેનો સાથ ન અપાય. હું ક્યાં તો ત્યાં સાવ ચૂપ ઊભો રહું અને ક્યાં તો એ રૂમમાંથી બહાર નીકળી જાઉં. એનું મુખ્ય કારણ એ કે માત્ર હિયા જ નહીં, મારા પોતાનાથી તો કોઈ પણ બાળક પર ગુસ્સે નથી જ થવાતું, પરંતુ કોઈ થતું હોય તો એ જોવાતું પણ નથી. એથી રેખાને એવું લાગે કે હું હિયાને બગાડી રહ્યો છું.’

અપ-ટુ-ડેટ

સ્વભાવે પાછાં આ મિયાં-બીવી એકબીજા કરતાં ઘણાં અલગ છે. રેખાને થિયેટરમાં ફિલ્મો જોવાનું બહુ ગમે, જ્યારે તેજસ માટે ત્રણ કલાક એક જગ્યાએ બેસી રહેવું એ શિક્ષાસમાન છે. એવી જ રીતે રેખાને શૉપિંગનો ભયંકર શોખ છે તો તેજસને શૉપિંગના નામ માત્રથી નફરત છે. એથી બન્ને મૉલ્સમાં સાથે ગયાં હોય તો તેજસ મોટા ભાગે હિયાને લઈને ગેમ ઝોનમાં રમવા જતો રહે અને રેખાએ એકલા શૉપિંગ કરવું પડે. એટલું જ નહીં, રેખા પહેલેથી અતિશય બ્રૅન્ડ-કૉન્શિયસ છે. તેનો શૉપિંગનો ફન્ડા હંમેશાંથી એ જ રહ્યો છે કે ભલે એક લેવું, પરંતુ બ્રૅન્ડેડ લેવું. સામે પક્ષે તેજસ માટે કપડાં એ શરીર ઢાંકવાનું સાધન માત્ર  છે.

આ વિશે ચોખવટ કરતા રેખા કહે છે, ‘અમે તેમનું શૉપિંગ કરવા ગયાં હોઈએ તો પણ તે જરાય રસ ન લે. હું દુકાનની જે રૅકમાંથી જે કાઢું એ બધું જ તેમને ચાલી જાય. શૉપિંગના મામલામાં તેમનો એક જ જવાબ હોય, બહુ સરસ છે, જલદી પતાવ અને જલદી અહીંથી નીકળ. ઘરે પણ રોજ સવારે કબાટમાં જે પહેલું શર્ટ અને પહેલું પૅન્ટ હાથમાં આવે એ પહેરીને ચાલવા માંડે, જ્યારે મને ટૉપ ટુ બૉટમ બધું જ અપ-ટુ-ડેટ જોઈએ. અધૂરામાં પૂÊરું તેમને દાઢી કરવાનો બહુ કંટાળો આવે, બેચાર દિવસે માંડ એક વાર દાઢી કરે, એથી તેમના દેખાવના મુદ્દે અમારે અવારનવાર જીભાજોડી થયા કરે. છતાં અહીં મારે કબૂલાત કરવી જોઈએ કે પોતાના માટે તેજસ ક્યારેય કંઈ ન લે, પરંતુ અમારી ઍનિવર્સરી અને મારા બર્થ-ડે પર મને જે કંઈ આપે તે હંમેશાં બેસ્ટ જ હોય. શૉપિંગની બાબતમાં સાવ નીરસ આ માણસ મારા માટે આટલી સારી ગિફ્ટસ કેવી રીતે ઊંચકી લાવે છે એ મને હજી સુધી સમજાયું નથી.’

સમયનું ભાન જ નથી

રેખાને શૉપિંગની ફરિયાદ છે તો તેજસને સમયસૂચકતાની કમ્પ્લેન છે. તેને મન સમય સાચવવો ખૂબ જરૂરી છે. તેથી રાતના આઠ વાગ્યે કશે જવાનું નક્કી હોય તો તેની અપેક્ષા હોય કે રેખા ત્યાં સુધીમાં તૈયાર થઈને રેડી થઈ જાય, જ્યારે બને એવું કે રેખાનું તો તૈયાર થવાનું જ આઠ વાગ્યે શરૂ થાય. તેથી રેખાના તૈયાર થવાની સાથે બન્ને વચ્ચે બોલાચાલીનો દોર પણ શરૂ થાય. અહીં તેજસ કહે છે, ‘રેખાનું હંમેશાં એવું થાય કે મને દસ મિનિટમાં ફોન કરું છું કહીને કલાક સુધી ફોન ન કરે. મારે તેને કશેથી પિક-અપ કરવાની હોય તો પાંચ મિનિટનું કહીને અડધા કલાક સુધી આવે નહીં. એ દરમ્યાન હું જો પાછો ફોન કરું તો કટ કરી દે. એટલે છેલ્લે મારો પિત્તો જાય.’

કેટલાક નિયમો

આ બાજુ રેખાની પણ સવારે ઊઠવાથી માંડી નાહીને ટુવાલ એની જગ્યાએ મૂકવો, ચા પીને કપ કિચનમાં પાછો મૂકવો, રવિવાર મિત્રો સાથે ન ગાળવો જેવી અનેક નાની-મોટી બાબતોમાં તેજસ સાથે માથાકૂટ ચાલુ જ હોય, છતાં આટલાં વર્ષો હવે બન્ને ટેવાઈ ગયાં છે. તેથી આવી કચકચને ગંભીરતાથી લેતાં નથી. સાથે જ અંદરોઅંદરના ઝઘડા ક્યારેય બેડરૂમની બહાર ન લઈ જવા, ગમે તેટલી બોલાચાલી છતાં દીકરી હિયા સામે નૉર્મલી જ વર્તવું, ઘરના વડીલો સામે રકઝક કરવી નહીં જેવા કેટલાક નિયમો તેમણે જાતે જ ઊભા કર્યા છે. પરિણામે તેમની કોઈ નોંકઝોક ગંભીર સ્વરૂપ ધારણ કરતી નથી.

અહીં તેજસ વાત પુરી કરતા કહે છે, ‘લવમૅરેજમાં બન્ને વ્યક્તિ એકબીજા કરતાં અલગ હોય એટલે એકબીજાને ગમતી હોય છે. તેથી આવું કંઈ થાય ત્યારે મારો તો રેખાને એક જ જવાબ હોય, ડોન્ટ બી અ ફૂલ, બી કૂલ. આવું કહું એટલે તે પણ ગમે તેટલી ગુસ્સામાં હોય એક વાર તો હસી જ પડે છે અને વાત તરત હવામાં ઓગળી જાય.’

તસવીર : નિમેશ દવે

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK