દીકરાને આગળ ભણવા વિદેશ મોકલવો કે નહીં? (પીપલ-લાઇવ)

Published: 20th August, 2012 06:00 IST

પતિ-પત્નીના જુદા મત હોવાને કારણે અત્યારે આ નિર્ણય લેવાનું મોકૂફ રાખ્યું છે. ૧૬ વર્ષનું લગ્નજીવન ધરાવતાં ‘સાથ નિભાના સાથિયા’નાં કોકિલા મોદી એટલે કે રૂપલ પટેલ અને ‘મહાદેવ’ સિરિયલમાં બ્રહ્માનો રોલ કરી રહેલા રાધા ક્રિષ્ન દત્તના ઘરમાં તો જોકે માનવતાનું જ રાજ ચાલે છે

kokila-modi(પીપલ-લાઇવ - ઘરમાં બૉસ કોણ? -  પલ્લવી આચાર્ય)

કોકિલા મોદી (‘સાથ નિભાના સાથિયા’)ના રોલથી વધુ જાણીતાં બનેલાં ગુજરાતી રૂપલ પટેલનાં બિહારના કાયસ્થ અને એનએસડી (નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા)ના સમયના તેમના મિત્ર રાધા ક્રિષ્ન દત્ત સાથે અરેન્જ્ડ મૅરેજ છે. રૂપલ તેમને આરકેના નામે સંબોધે છે. ૧૮ મેએ તેમનાં લગ્નને સોળ વર્ષ પૂરાં થયાં. તેઓ અંધેરી (ઈસ્ટ)માં રહે છે. તેમનો દીકરો હર્ષિત ટેન્થમાં છે. આરકે અત્યારે ‘મહાદેવ’ સિરિયલ ઉપરાંત ઑક્ટોબરમાં રિલીઝ થઈ રહેલી પ્રકાશ ઝાની ફિલ્મ ‘ચક્રવ્યૂહ’માં અને શિવા જોશીની ફિલ્મ ડાયરી ઑફ અ કૉમન મૅન’માં તથા દૂરદર્શન પર સ્ત્રી પરના અત્યાચારો પરની એક સિરિયલ ‘જમુનિયા’માં કામ કરી રહ્યા છે. તેમણે ‘ટીપુ સુલતાન’, ‘ચંદ્રકાન્તા’ જેવી પૌરાણિક કથાઓ પરની સિરિયલોમાં પણ કામ કયુંર્ છે. રેડિયો-અનાઉન્સર તરીકે પણ તેમણે કામ કર્યું છે.

પંદરેક વર્ષથી તેઓ પેનોરમા આર્ટ થિયેટર નામનું પોતાનું થિયેટર ગ્રુપ ચલાવી રહ્યા છે. એમાં તેઓ બાળકો માટેનાં નાટકો બનાવે છે. તેઓ જ નાટકો લખે છે, ડિરેક્ટ કરે છે અને પ્રોડ્યુસ કરે છે એ વિશે રૂપલ કહે છે, ‘સમાજ માટે કંઈક કરવાના આશયથી જ અમે સ્પેશ્યલ ચિલ્ડ્રન્સને અમારા ખર્ચે નાટકો બતાવી તેમનું મનોરંજન કરીએ છીએ.’

ફિફ્ટી-ફિફ્ટી

અમારા ઘરમાં કોઈ એક બૉસ નથી, અમારા બેઉનું ફિફ્ટી-ફિફ્ટી ચાલ એમ જણાવીને વાતની શરૂઆત કરતાં રૂપલ કહે છે, ‘હું અને આરકે આ બાબતમાં વેરી ક્લિયર છીએ. જે નિર્ણય સ્ત્રીએ લેવાનો હોય એ એટલે કે કોઈને ત્યાં પ્રસંગ હોય તો કેટલો ચાંલ્લો કરવો વગેરે જેવા ટિપિકલ સ્ત્રીએ લેવાના ડિસિઝન હું લઉં, એ મારી ડ્યુટી છે અને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કેટલું કરવું વગેરે ટાઇપના ડિસિઝન આરકે લે; કારણ કે આમેય ફાઇનૅન્સની બાબતમાં હું બહુ નબળી છું. એ જ રીતે ઘર ક્યાં લેવું, કેવું લેવું વગેરે અમે સાથે મળીને નક્કી કરીએ.’

મોટું ઘર

૧૯૯૫ની ૧૬ મેએ તેમણે લગ્ન કર્યા ત્યારે જ નક્કી કર્યું હતું કે ઘરમાંથી કોઈની મદદ લીધા સિવાય પોતાના પગ પર ઊભા રહીશું.એ સમયને યાદ કરતાં રૂપલ કહે છે, ‘આરકેનું ફૅમિલી બહુ ભણેલું-ગણેલું અને વેલ-સેટલ્ડ છે. તેના પિતા જગદીશકુમાર દત્ત સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડમાં ડાયરેક્ટર પર્સનલ હતા. મારા ફાધર નારણભાઈ પટેલની લેથ મશીન બનાવવાની ફૅક્ટરી હતી. તેઓ ઇન્ડિયાના વન ઑફ ધ ફાઇનેસ્ટ ડાઇમેકર હતા. લગ્ન પછી સાત વર્ષ અમે વન બેડરૂમ હૉલના ફ્લૅટમાં રહ્યાં. પછી મેં આરકેને કહ્યું કે હવે મોટું ઘર લઈએ. અમે લોન લેવામાં માનતાં નહોતાં અને બચત એટલી નહોતી તેથી રાધેની ઇચ્છા મોટું ઘર લેવાની નહોતી. છતાંય અમે ટાર્ગેટ ઓરિયેન્ટેડ છીએ. અમે સાથે મળીને નક્કી કર્યું, વધુ એકાદ વરસ રોકાઈ ગયાં અને અંધેરીમાં જ બે બેડરૂમનો મોટો ફ્લૅટ લીધો. એ પછી બીજા બે ફ્લૅટ લીધા. અમને બન્નેને કોઈ ખોટા શોખ નથી, પાર્ટીઓમાં જતાં નથી અને બચતની આદત છે.’

તેના અને મારા-બેઉના કેટલાક નિર્ણયો રૂપલ લે અને કેટલાક હું લઉં એ વાત કરતાં રાધા ક્રિષ્ન દત્ત કહે છે, ‘બધા નિર્ણયો અમે સાથે મળીને લઈએ એ મુશ્કેલ છે. ઘરને લગતી વાતો હોય તો તેનો જ નિર્ણય ઉચિત હોય અને ઇન્વેસ્ટમેન્ટ કે ફાઇનૅન્સને લગતા નિર્ણય હું લઉં એ તેને ગમે. છોકરાના ભણતરની વાત હોય, ઘર લેવાનું હોય, ઘરમાં કોઈ મોટો ખર્ચ કરવાનો હોય, સંપત્તિમાં ઇન્વેસ્ટ કરવાનું હોય તો અમે સાથે મળીને નક્કી કરીએ.’

મતભેદ થાય ત્યારે?

મતભેદ તો થવાના જ એમ ઉમેરીને આરકે કહે છે, ‘ઘણી વાર એવું બને કે તેની વાતમાં હું ઍગ્રી ન થાઉં કે મારી વાતમાં તે ઍગ્રી ન થાય ત્યારે જેને વાંધો છે તેને બીજાએ કન્વિન્સ કરવું પડે. મારી ઘણી વાત સાથે તે સહમત ન પણ થાય કે તેની વાત સાથે હું પણ સહમત નથી થતો. હમણાંની જ વાત છે. દીકરા હર્ષિતને તેણે વિદેશ ભણવા મોકલવો છે. હું એમાં નથી માનતો. દેશમાં જ જ્યારે આટલીબધી સારી સગવડો છે ત્યારે એકના એક દીકરાને વિદેશ શું કામ મોકલવાનો? હું ઇચ્છું છું કે માત્ર પૈસાને મહત્વ આપવું ન જોઈએ. એને બદલે તે દેશમાં રહી માતૃભૂમિ માટે જ કામ કરે. અમે આ મુદ્દે સહમત નથી તેથી એ નિર્ણય તાત્પૂરતો મુલતવી રહ્યો છે.’

સ્કૂલનો નિર્ણય

હર્ષિતને સ્કૂલમાં મૂકવાનો નિર્ણય તેમણે સાથે મળીને લીધો હતો. તેઓ ખોટો દેખાડો કરવામાં માનતાં નથી એટલે આઇસીએસઈ કે સીબીએસઈ ર્બોડને બદલે મહારાષ્ટ્ર ર્બોડની સ્કૂલમાં જ તેને મૂક્યો. રૂપલ કહે છે, ‘સ્કૂલ એટલી મહત્વની નથી, બાળકમાં નૂર હશે તો ઝળકશે જ. તેથી જ તેને ડિસિપ્લિન અને માનવતાના પાઠ ભણાવતી મિશનરી સ્કૂલમાં મૂક્યો.’

રૂપલ અને આરકે સૌથી વધુ માને છે માનવતાને. એનાથી વિરુદ્ધ હોય એવો કોઈ નિર્ણય તેઓ નથી લેતાં. રૂપલ કહે છે, ‘મેં દીકરાને પણ કહી રાખ્યું છે કે તું નાનો છે ત્યારે રાય તારી અને નિર્ણય અમારો રહેશે. તું મોટો થઈશ અને અમે વૃદ્ધ થઈશું ત્યારે રાય અમારી અને નિર્ણય તારો હશે.’

પોતાની વાત મનાવે

રૂપલ પટેલ પોતાના સ્વભાવની વાત કરતાં કહે છે, ‘હું સિંહ રાશિની હોવાથી મારામાં એનો પ્રભાવ (ઉગ્રતા) છે, પણ તેઓ બહુ શાંત છે. આરકેમાં સમજણ, પરિપક્વતા અને ધીરજ પુષ્કળ છે. તે હંમેશાં મને પોતાની વાત મનાવીને જ રહે, પૂરતી ધીરજપૂર્વક અને તોય મને કહે કે મૈં હમેશા આપકી બાત માનતા હૂં!’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK