પહેલી નજરે ગમેલી છોકરીને પ્રપોઝ કર્યું છેક સાત વર્ષ પછી (પીપલ-લાઇવ)

Published: 10th August, 2012 09:03 IST

સ્ટાર પ્લસ પરની ‘દિયા ઔર બાતી હમ’માં નેગેટિવ રોલ કરતી મીનાક્ષી એટલે કે કનિકા મહેશ્વરીએ ચૂડીઓની દુકાન કહીને ચીડવતા છોકરાની જ ચૂડી પહેરી લીધી

 

 

 

(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)

 

બસો એપિસોડ પૂરા કરનારી ‘દિયા ઔર બાતી હમ’ની મીનાક્ષી એટલે કે કનિકા મહેશ્વરી કૉમર્સ ગ્રૅજ્યુએશન સાથે દિલ્હીની જે એશિયન ઍકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝનનો ર્કોસ કરી રહી હતી એ જ ઍકૅડેમીમાં દિલ્હીના જાણીતા ડેવલપરનો નાનો દીકરો અંકુર ઘઈ પણ હતો.

 

તુઝે દેખા તો યે...

 

કૉમર્સમાં ગ્રૅજ્યુએશન પછી દિલ્હીના જાણીતા ડેવલપરના બીજા નંબરના દીકરા અંકુર ઘઈએ ઍક્ટિંગ શીખવા માટે એશિયન ઍકૅડેમીમાં ઍડ્મિશન લીધું, કારણ કે એ સમયે તે સ્ટેટ બૅન્ક, તાતા ઇન્ડિકોમ, હોર્લિક્સ વગેરેની જાહેરાતો પ્રિન્ટ પણ કરતો હતો. તેને ઍક્ટિંગનો પણ શોખ હતો.

 

પોતાના ક્લાસમાં ભણતી કનિકાને જોઈ એ દિવસથી જ અંકુર ઘઈને તે ગમી ગઈ હતી એની વાત કરતાં દિલ્હીમાં ફાધરનો બિઝનેસ સંભાળતો અંકુર કહે છે, ‘મારો લવ ઍટ ફસ્ર્ટ સાઇટ છે. ક્લાસમાં પહેલી વાર જોતાં જ કનિકા મને પસંદ આવી ગઈ હતી, પણ તેને બોલાવવી કેવી રીતે?

 

તંગ કરતો હતો

 

કૉલેજના એ દિવસોમાં ખોવાઈ જતાં કનિકા કહે છે, ‘કૉલેજમાં હું કોઈ વાર બહુ બધી ચૂડીઓ પહેરીને જતી હતી. મારા વાળ પણ બહુ લાંબા હતા. શરૂઆતના દિવસોમાં અંકુર સાથે મારે બહુ ઝઘડો થતો, કારણ કે જે દિવસે મેં વધુ ચૂડીઓ પહેરી હોય એ દિવસે મને જોતાં જ તે બોલતો, લો આ ગઈ ચૂડિયાંકી દુકાન! એટલું જ નહીં, મેં જ્યાં ગાડી પાર્ક કરી હોય ત્યાં જ પોતાની ગાડી લઈને આવે અને મને કહે, ગાડી પીછે લગા દો. આ રીતે મને બહુ તંગ કરતો, એથી અમારો ઝઘડો થતો હતો.’

 

અંકુર કહે છે, ‘પહેલાં તો તે મને પસંદ નહોતી કરતી, મસ્તી કરતો તો તે સિરિયસ થઈ જતી, તેની સાથે વાત કરવા હું તેને ચીડવતો એથી અમારો ઝઘડો થતો હતો.’

 

મળ્યાં અને છૂટાં પડ્યાં

 

એશિયન ઍકૅડેમીનો ર્કોસ ત્રણ મહિનાનો હતો. ત્યાં સુધીમાં તો અંકુર કનિકા વચ્ચે માંડ હાય-હલ્લો થયું, પણ એ પછી શૉર્ટ ફિલ્મ સાથે કરતાં હતાં ત્યારે વાતો થવા લાગી અને થોડી દોસ્તી થઈ. આ સમય હતો ૨૦૦૩નો, પણ એ પછી કનિકા મુંબઈ આવી ગઈ અને અંકુરને તો પોતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોવાથી તે દિલ્હીમાં હતો. છ મહિના ફોન પર વાતચીત ચાલી પછી એ પણ બંધ થઈ ગઈ...

 

અજબ ઇત્તેફાક

 

હવે રીલ ફાસ્ટ-ફૉર્વર્ડ કરીએ... સાત વર્ષ પછી એક વાર અંકુરને અચાનક કનિકાનો ફોન આવ્યો. અંકુર મૉડલિંગ કરતો હોવાથી તેની એક જાહેરાતનો ફોટો કનિકાને બહુ ગમી ગયો એથી તેણે ફોન કર્યો. ફરી વાતો થવા લાગી. વાતમાં જોડાતાં અંકુર કહે છે, ‘સિરિયલમાં હું તેને જોતો હતો, પણ ઘણાં વર્ષો સુધી અમે વાત નહોતી કરી. કનિકાનો ફોન આવ્યો અને ફરી વાતો થવા લાગી એટલે મેં મનોમન વિચાર્યું કે લોહા ગરમ હૈ, માર દો હથોડા, અબ માન જાયેગી, હા હો જાયેગી ..’

 

મિલે સૂર મેરા તુમ્હારા...

 

પ્યાર પાંગરવાના શરૂઆતના એ દિવસોને યાદ કરતાં કનિકા કહે છે, ‘અમે વાતો કરતાં ગયાં એમ એકબીજાને પસંદ પડવા લાગ્યાં. તેની લાઇફમાં પણ કોઈ નહોતું અને મારી લાઇફમાં પણ કોઈ નહોતું. મારો મૂડ ઠીક છે કે નહીં એ જોઈ તે મારા માટે ગિફ્ટ્સ, ફલાવર્સ, ચોકલેટ્સ લઈ આવતો.’

 

કનિકાની વાતમાં સૂર પુરાવતાં અંકુર કહે છે, ‘મારે અરેન્જ મૅરેજ નહોતા કરવા. ફરી વાતો થવા લાગી એના બેથી ત્રણ મહિનામાં મેં પ્રપોઝ કર્યું. ’

 

કનિકા કહે છે, ‘યુ આર ધ ગર્લ... આઇ વૉન્ટ ટુ મૅરી... તેણે કહ્યું ત્યારે શરૂઆતમાં તો મેં તેને કહ્યું કે ‘મેં તને આવી રીતે નથી જોયો. વિચારીશ...’ છ મહિના પછી મેં તેને હા કહી.’

 

પ્યાર નહીં આસાન...

 

અંકુર પંજાબી, કનિકા મારવાડી. એમાંય અંકુરનો બિઝનેસ અને કનિકા ટેલી-ફીલ્ડમાં. બન્નેનાં કામનાં સ્થળ પણ જુદાં. અંકુરના પેરન્ટ્સ બ્રૉડ-માઇન્ડેડ છે એની વાત કરતાં કનિકા કહે છે, ‘મારા પેરન્ટ્સને હતું કે એક તરફ મારી કરીઅર છે અને બીજું તેઓ પંજાબી છે. તેમને મારવાડી જોઈતો હતો. તેમનું માનવું હતું કે પોતાની કાસ્ટ હોય તો ખાના-પીના, રહન-સહન સેમ હોય. મેં અંકુરને તેમને મળાવ્યો તો ગમી ગયો.’ કનિકાના પિતા રાકેશ મહેશ્વરી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.

 

૧૮ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ તેમણે લગ્ન કયાર઼્. હવે કનિકા મુંબઈ-દિલ્હી વચ્ચે અપ-ડાઉન કરે છે. એક અઠવાડિયું તે મુંબઈ અને એક અઠવાડિયું દિલ્હીમાં હોય છે. સિરિયલનું બે અઠવાડિયાંનું કામ એક અઠવાડિયામાં ખતમ કરે છે એની વાત કરતાં તે કહે છે, ‘મારા કારણે ડેટ્સ ઓછી થવાથી ઘણા લોકોને ઇન્કમ વગેરેમાં પ્રૉબ્લેમ થાય છે છતાં બધાએ મને સાથ આપ્યો છે.’

 

રોમૅન્ટિક સફર

 

અંકુરના રોમૅન્સની વાત કરતાં કનિકા કહે છે, ‘અમારાં લગનને છ મહિના પૂરા થયા ત્યારે તે મને આગ્રા લઈ ગયો હતો. કોઈ વાર ગીતો રેકૉર્ડ કરી એના વિડિયો મોકલે. મારા બર્થ-ડે પર આખું ઘર તેણે સજાવ્યું હતું. મને હોળી બહુ ગમે, તેને કલર જરાય ન ગમે તો પણ મારા માટે હોળી રમ્યો. કેટલીયે વાર સરપ્રાઇઝ આપવા મુંબઈ આવી જાય છે, અને ક્લાઇમૅક્સ તો એ છે કે મને બેસ્ટ ફીમેલ નેગેટિવ રોલ માટે ઇન્ડિયન ટેલી અવૉર્ડ મળ્યો ત્યારે તેના મિત્રો સાથે બેન્ડવાજાં લઈને ઍરર્પોટ પર મને રિસીવ કરવા આવ્યો હતો ત્યારે તો હું બહુ ખુશ થઈ ગઈ હતી. ’

 

અંકુરને એવી પત્ની જોઈતી હતી, જેની પોતાની ઓળખ હોય એ વાત કરતાં તે કહે છે, ‘કનિકાના પ્રોફેશનનો મને જરાય વાંધો નથી, બહુ ખુશ છું. તેની ઓળખ છે. માણસની પોતાની ઓળખ ન હોય તો કંઈ નથી. મુંબઈમાં રોજ હજારો લોકો પોતાનું લક અજમાવવા આવે છે, પણ બધાને મોકો થોડો મળે છે? હું તેને એન્કરેજ કરું છું.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK