પાંખ વિનાનું પંખી (પીપલ-લાઇવ)

Published: 1st August, 2012 06:07 IST

છેલ્લાં પાંસઠ વર્ષથી પથારીવશ ૭૨ વર્ષનાં યશોદા પલણે જિંદગીને કોસવાને બદલે પોતાની એક જુદી દુનિયા વસાવી લીધી છે

yashoda-palane(પીપલ-લાઇવ – I Can  - પલ્લવી આચાર્ય)

નામ છે તેમનું યશોદા પલણ. બોંતેર વરસનાં આ કચ્છી મહિલા સાત વર્ષનાં હતાં ત્યારથી રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ નામની બીમારીને લઈને પથારીવશ છે, છતાં જિંદગી જીવવાનો જુસ્સો હજી બરકરાર છે. તેમની બેય આંખના રેટિના ખરાબ થઈ ગયા છે. હવે વધુ લખી નહીં શકાતું હોવાથી તેઓ કવિતાઓ લખે છે. તેમનો વાર્તાસંગ્રહ ‘ઑક્ટોપસ’ તથા નવલકથા ‘એકદંડિયો મહેલ’ પ્રસિદ્ધ થયાં છે. વિવિધ ગુજરાતી અખબારોમાં તેમની વાર્તાઓ છપાઈ છે. આકાશવાણીના મહિલા મંડળ માટે પણ તેમણે નાટકો લખ્યાં છે. ૫૦થી વધુ કવિતાઓ લખી નાખી છે. એક ફિલ્મ નિર્માતા માટે ‘પાંખ વિનાનાં પંખી’ નામે સ્ટોરી લખી હતી, પણ એ પ્રોડ્યુસરનું અચાનક અવસાન થતાં એ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો.

એકદંડિયો મહેલ

પોતાની સ્થિતિને હૂબહૂ બયાન કરતાં યશોદા પોપટલાલ પલણ કહે છે, ‘પ્રાચીન રાજાઓ તેમની રાજકુમારીઓને નજરકેદ રાખવા એકદંડિયા મહેલમાં રાખતા હતા જ્યાંથી તે ક્યાંય પણ છટકી ન શકતી. એકદંડિયા મહેલમાં રહેતી રાજકુમારી જેવી જ મારી હાલત છે. પથારીમાંથી હું ક્યાંય છટકી શકું એમ નથી.’

સાતમા વર્ષે તેમના સાંધા જકડાઈ ગયા. હલન-ચલન બંધ થઈ ગયું. શરીરે અસહ્ય પેઇન થતું. ખાઈ-પી નહોતાં શકતાં તેથી હાડપિંજર જેવાં થઈ ગયાં. મરવા પડ્યાં. બસ, ત્યારથી લઈને આજ સુધી તેઓ એ હદે પથારીવશ છે કે પડખું પણ ફેરવી નથી શકતાં. પગ ગોઠણથી વળી નથી શકતા. જમણો હાથ નકામો છે. ડાબો હાથ કોણીથી વળી નથી શકતો. સૂતાં-સૂતાં જ જમે છે અને લખે પણ છે. અંગૂઠો વળી ગયો છે. તેથી બે આંગળી વચ્ચે પેન રાખીને લખવાનું તેમણે શીખી લીધું હતું. તેમણે પોતાની કિશોરાવસ્થા, યુવાની, પ્રૌઢાવસ્થા પથારીમાં વિતાવ્યાં છે અને હવે વાર્ધક્ય પણ.

કદી રડવાનું નહીં

લાઇફનો આ ફન્ડા છે મૂળ અંજારનાં કચ્છી લોહાણા યશોદાબહેનનો. રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસનો ભોગ બન્યાં ત્યારે તેઓ અંજારમાં હતાં. મુંબઈ આવ્યા પછી સારવાર મળી એટલે તેઓ ઍટ્લીસ્ટ જીવી ગયાં. ડિપ્રેશનમાં સરી પડેલી, પતિ સાથે મુંબઈમાં રહેતી મોટી બહેનને બચાવવા મમ્મી લક્ષ્મીબહેન તેમને લઈ તાત્કાલિક મુંબઈ આવ્યાં ત્યારથી તેઓ મુંબઈમાં છે. જોકે એ બહેન સાવિત્રીને તેઓ બચાવી ન શક્યાં, તેણે આત્મહત્યા કરી લીધી. હાલ આ બહેનની વિધવા દીકરી જયા ઠક્કર તેમની સાથે રહી સેવા કરે છે.

યશોદાબહેનને કદી એવું લાગ્યું કે મને જ આવી જિંદગી કેમ મળી? કંટાળો આવે? તેઓ કહે છે, ‘વિકલાંગપણા માટે મેં કદી ઈશ્વરને દોષ નથી આપ્યો કે કોસ્યો નથી. મને ભરપૂર પ્રેમ મળ્યો છે. કંટાળો કોઈ વાર આવે તો રડવાનું નહીં, મનને મનાવી લેવાનું. વાંચુ, લખું ,સુંદર વિચારો કરું તો કંટાળો ક્યાંય જતો રહે છે.’

મા તે મા

૨૦૦૯માં એક મલ્ટિનૅશનલ કંપનીએ તેમને બ્રેવરી અવૉર્ડ આપ્યો. જ્ઞાતિજનોના નારીરત્ન, ક્ચ્છ શક્તિ વગેરે અવૉર્ડ મળ્યાં છે. યશોદાબહેનને જિંદગી આપવામાં તેમનાં માનું બહુ મોટું યોગદાન છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘જે થયું એ બાના આર્શીવાદથી. દીકરીની જિંદગી સુધારવા માટે તેમણે આખી જિંદગી તકલીફો વેઠી. મુંબઈમાં આવી બાએ ઘાટકોપરમાં એક ઝૂંપડી લીધી જેમાં ત્રણ બાજુ પતરાં અને ઉપર તાલપત્રી હતી. ચોમાસામાં પાણી પડે ત્યારે બા વાસણ ધરીને ઊભાં રહેતાં. મા-દીકરીનું પેટ ભરવા મારી માએ ખૂબ કામ કર્યું છે. એ પછી ઘાટકોપરની એક ચાલીમાં ઘર લીધું અને પછી જ્ઞાતિવાળાએ લોહાણા મહાજન પરિષદ બિલ્ડિંગ બનાવ્યું ત્યાં છ રૂપિયાના ભાડે રહેવા આવ્યાં ત્યારથી હાલ અહીં જ છીએ. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર જે કન્યાશાળા હતી એના પ્રિન્સિપલએ માને કહ્યું કે છોકરીને ભણાવો તો તેનું જીવન સુધરશે. મા મને ઊંચકીને સ્કૂલે મૂકતી. અહીં ક્લાસમાં બે પાટલીઓ ભેગી કરી મને સૂવડાવવાની વ્યવસ્થા કરી આપી. સાતમા સુધી આમ ભણી એટલું જ નહીં, ક્લાસમાં ફર્સ્ટ આવતી. બેસ્ટ સ્ટુડન્ટનો અવૉર્ડ પણ મળ્યો. બા કામ પર ગયાં હોય તો ક્લાસની ચાર છોકરીઓ શણની ગૂણીમાં મને ઊંચકીને લઈ જતી. મારાં બા ગુજરી ગયાને ૧૧ વર્ષ થયાં, ત્યાં સુધી તેમણે મને સાચવી.’

જિંદગી એક સફર

એસએસસી તેમણે એક્સટર્નલ પાસ કર્યું. ૧૯૭૦માં સાયકોલૉજી, સોશ્યોલૉજીમાં ગ્રૅજ્યુએશન કર્યું. બા થોડાં થાક્યાં હોવાથી તેમણે ઘરની જવાબદારી લેવાનું નક્કી કર્યું. ટ્યુશન્સ લેવા લાગ્યાં. સાથે વાર્તાઓ લખવા લાગ્યાં. ‘એકદંડિયો મહેલ’ એ નવલકથા તેમની આત્મકથા છે. તેમના પિતા ઝારખંડમાં એન્જિનિયર હતા, પણ બીજા વિશ્વયુદ્ધ વખતે લોકો વતન પાછા જતા રહ્યા હતા તેથી તેઓ કચ્છ આવી ગયા. પછી થોડા સમયમાં પિતાનું અવસાન થયું. સાત બહેનો ને એક ભાઈમાંથી ચાર ભાઈ-બહેન બચપણમાં જ ગુજરી ગયાં હતાં. બે બહેનો પરણાવ્યા પછી ગુજરી ગઈ. ૧૧ વર્ષ પહેલાં મમ્મી પણ ગુજરી ગયાં. તેઓ કહે છે, ‘હાલ હું એકલી છું.’

આંખ છે તો હું છું

બેય રેટિના ખરાબ થયા હોવાથી તેમને જોવામાં તકલીફ પડે છે. વાંચવા-લખવાનો તેમને બહુ શોખ છે. જોવાનું બંધ થાય એ તેમને નહીં ગમે. તેમને લાગે છે, આંખ નહીં રહે તો તે જીવી નહીં શકે. તે કહે છે, ‘આંખ છે તો હું છું.’ તેથી રેટિનામાં ઇન્જેક્શન લેવા દર બે મહિને મુલુંડથી બોરીવલી આવે છે. બોરીવલીની નેત્રમંદિર હૉસ્પિટલના ડૉક્ટર ગોરવ શાહ તેમને ૩૨ હજાર રૂપિયાનું ઇન્જેક્શન માત્ર પાંચ હજાર રૂપિયામાં આપે છે. ટ્યુશન્સ હવે નથી કરી શકતાં તેથી કોઈ ઇન્કમ નથી. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી જ્ઞાતિજનોએ ભરપૂર મદદ કરી છે. હવે બરડામાં ચાંદાં ન પડે માટે પથારીમાં પાઉડર છાંટી રાખવો પડે છે. ઊછળતો દરિયો અને ખળખળતાં ઝરણાં જોવાં તેમને બહુ ગમે છે, પણ તેઓ કહે છે, ‘કોણ લઈ જાય?’

એવાં સપનાં સાકાર નથી થવાનાં, તેથી જ તે નથી જોતાં.

- તસવીર : સૈયદ સમીર અબેદી

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK