એકને વઢે તો બીજી મમ્મીને મારવા દોડે (પીપલ-લાઇવ)

Published: 31st July, 2012 05:43 IST

અઢી વર્ષની આઇડેન્ટિકલ ટ્વિન્સ પલક ને પ્રિયલ ભાનુશાલી આ રીતે એકબીજાનો ખૂબ પક્ષ લે છે

palak-priyal(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)

જોગેશ્વરી (ઈસ્ટ)માં રહેતા અને એલ ઍન્ડ ટી કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા પ્રશાંત ભાનુશાલી અને તેમની પત્ની દીપાલીને અઢી વર્ષની આઇડેન્ટિકલ ટ્વિન્સ દીકરીઓ છે. પ્રિયલ કરતાં પલક બે મિનિટ મોટી છે. મૂળ કચ્છના અબડાસા જિલ્લાના સાંધાણ ગામના કચ્છી ભાનુશાલી આ પરિવારમાં હજી ઘણા બધાને કન્ફ્યુઝન છે કે પ્રિયલ કઈ અને પલક કઈ?

આ બે બહેનો એકબીજાની કેટલી સાઇડ લે છે એની વાત કરતાં દીપાલી કહે છે, ‘બેમાંથી કોઈ એકને જો હું વઢું કે મારું તો તરત બીજી તેને બચાવે, એટલું જ નહીં, સામેથી મને મારવા લાગે...!’

સાજી-માંદી એકસાથે

અઢી વર્ષની પ્રિયલને ગયા વીકમાં તાવ આવ્યો એ પહેલાં જ તેની મમ્મી દીપાલીને ખબર પડી ગઈ હતી કે તેને તાવ આવશે, કારણ કે એ પહેલાંના વીકમાં પલક તાવમાં પટકાઈ હતી. પલક અને પ્રિયલ આઇડેન્ટિકલ ટ્વિન્સ છે અને દરેક વખતે એવું જ થાય છે કે એક બીમાર થાય તો થોડા દિવસમાં બીજી થાય છે જ.

તેઓ ચૌદ મહિનાની હતી ત્યારે બન્નેની સાથે બીમારીને લઈને પોતાની હાલત કેવી થઈ હતી એની વાત કરતાં દીપાલી કહે છે, ‘પાણી અથવા તો કંઈ ખાવાના કારણે એક વાર પલકને લૂઝ મોશન ચાલુ થઈ ગયા એના થોડા જ સમયમાં પ્રિયલને પણ લૂઝ મોશન થવા લાગ્યા. તેમને દિવસમાં તીસથી ચાલીસ મોશન થયા હતા. એ દિવસે મારી હાલત બહુ પતલી થઈ ગઈ હતી, કારણ કે એકને સાફ કરું ત્યાં બીજીનું બગડે... આમ આખો દિવસ ચાલ્યું.’

ઓળખ માર્ક

પ્રિયલ બહુ મસ્તીખોર છે. તોફાન કરવામાં એક વાર તેને કપાળમાં કિચનનું સ્ટૅન્ડ વાગી જવાથી માર્ક આવી ગયો છે, એથી હવે એના પરથી ઘરના કેટલાક લોકો બન્નેને જુદી ઓળખી શકે છે એની વાત કરતાં દીપાલી કહે છે, ‘તેના પપ્પા પણ શરૂઆતમાં તેમને ઓળખવામાં બહુ કન્ફ્યુઝ થતા હતા. દાદાજી મેઘજીભાઈ તથા મારા પપ્પા તથા મારા કેટલાક કઝિન્સ તેમને હજી નથી ઓળખી શકતા, ગૂંચવાઈ જાય છે.’

ફૂટબૉલ સ્ટાઇલ

પલક, પ્રિયલ જન્મી ત્યારે બે મહિના સુધી સતત આખી રાત સૂતી નહોતી એની વાત કરતાં દીપાલી કહે છે, બન્નેને સાથે ભૂખ લાગતી અને રડવા લાગતી હતી, એથી મારે બન્નેને સાથે જ ફીડિંગ કરાવવું પડતું હતું. બન્નેને સાથે ફીડિંગ કેવી રીતે કરાવવું એ ગાયનેકોલૉજિસ્ટએ મને શીખવ્યું હતું. બન્નેને સાથે ફીડિંગ કરાવવાની આ સ્ટાઇલને ફૂટબૉલ સ્ટાઇલ ફીડિંગ કહેવાય છે. બન્નેને સાથે ફીડ કરાવતી ત્યારે બન્ને શાંત થતી.’

પપ્પા શીખી ગયા

પલક અને પ્રિયલ જન્મી ત્યારે શરૂઆતના દિવસોમાં બહુ તકલીફ પડતી હતી એની વાત કરતાં દીપાલી કહે છે, ‘બન્ને સાથે રડવા લાગતી, એટલું જ નહીં, આખી રાત સૂતી જ નહોતી. એ સમયે અમે જૉઇન્ટ ફૅમિલીમાં હતાં એથી દિવસે મારાં સાસુ અને જેઠાણી બન્નેને સંભાળી લેતાં હતાં, પણ રાત્રે બન્ને સાથે રડે ત્યારે પ્રશાંત સંભાળી લેતા હતા, એટલું જ નહીં, લંગોટ બદલાવાનું પણ તેમને શીખવી દીધું હતું એથી તે મદદ કરતા હતા.’

પહલીવાલી?

પાડોશીઓ અને સોસાયટીના લોકો પલક અને પ્રિયલને પહલીવાલી ઔર દૂસરીવાલી કહીને બોલાવે છે તો કેટલાક લોકો નાની-મોટી અને કેટલાક લોકો બન્ને નામ સાથે બોલાવે છે.

કૉપીકૅટ

બીજાની કૉપી કરવામાં બન્ને માહેર છે એની વાત કરતાં દીપાલી કહે છે, ‘એક જે ચીજ લે એ બીજીને જોઈએ જ. પેન અને નોટબુક લઈને લખવા બેસી જવું બન્નેને બહુ ગમે છે, એથી એકને એ આપ્યું તો બીજીને પણ એ આપવું જ પડે. તેઓ એકબીજાની કૉપી તો કરે જ છે, પણ આજુબાજુવાળા કે બીજા કોઈ પાસે કંઈ હોય તો એવું તેમને પણ જોઈએ. બન્ને જણની સોસાયટીમાં દાદાગીરી પણ બહુ છે.’

સરખી ને જુદી

કેટલીક વાતમાં બે સરખી છે તો કેટલીક વાતમાં જુદી. બન્નેને ચૉકલેટ અને એમાંય જેમ્સ બહુ ભાવે છે. જેમ્સ સાથે તેઓ કલર ઓળખતાં શીખી રહી છે. ચોકલેટ-ક્રેઝી આ ઢીંગલીઓને રડતી ચૂપ ચૉકલેટથી જ કરી શકાય છે. બન્નેને મારાપણું બહુ છે. કોઈને પોતાની ચીજ ન આપે. કપડાં, રમકડાં સહિતની જે કોઈ ચીજો ઘરમાં આવે એમાંથી તેઓ પોતાની પસંદની લઈ લે પછી પોતાની ચીજ જ યુઝ કરે. બન્ને મસ્તીખોર બહુ જ છે.

પલક થોડી કૅરિંગ નેચરની છે અને પ્રિયલ કૅરલેસ. પલકનો ફેવરિટ કલર પિન્ક છે અને પ્રિયલનો બ્લુ. હમણાં તેમના માટે તેમના પેરન્ટ્સ જે ચૅર લાવ્યા છે એનો તેમણે એ જ કલર પસંદ કર્યો છે. જોકે દીપાલીનું કહેવું છે કે હમણાંથી બન્નેને પિન્ક કલર બહુ ગમવા લાગ્યો છે.

એક માંદી પડે તો થોડા દિવસમાં બીજી પડે જ છે એથી જો એકને તાવ આવ્યો હોય તો પ્રિકૉશન રૂપે તેમની મમ્મી બીજીને આયુર્વેદિક કાઢો કે શરદી-કફ થયો હોય તો દૂધ સાથે હળદર વગેરે આપવાનું શરૂ કરી દે છે. બને ત્યાં સુધી ઍલોપથી દવાઓ નથી આપતાં. ન છૂટકે જ આપે છે.

સામાન્ય રીતે રોજ સાથે ને સાથે રહેવા ટેવાયેલી બન્ને જણ ગયા મહિને મૉલમાં છૂટી પડી ગઈ હતી તેથી થોડો સમય પેરન્ટ્સના જીવ ઊંચા થઈ ગયા હતા.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK