પ્રેમ તો હતો પણ લગ્ન પછી આઝાદ પંછી નહીં રહેવાય એનો ડર હતો (પીપલ-લાઇવ)

Published: 30th November, 2012 06:53 IST

આવી સ્થિતિ હોવા છતાં પ્રેમિકાનું મન ન દુભાય એ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો તેમ જ સિરિયલના કલાકાર ઉત્કર્ષ મઝુમદારે પંજાબી કુડી નિશ્ચિંત હોરાને પહેલી જ વારમાં લગ્ન માટે હા પાડેલી(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - નીલા સંઘવી)


ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો તેમ જ સિરિયલના કલાકાર ઉત્કર્ષ મઝુમદારના કંઠે જૂની ગુજરાતી રંગભૂમિનાં ગીતો સાંભળવા એ એક લહાવો છે. અત્યારે તેઓ ‘મારો પિયુ ગયો રંગૂન’માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અસંખ્ય નાટકોમાં કામ કરનારા ઉત્કર્ષનો પ્રથમ પ્રેમ રંગભૂમિ છે. અસંખ્ય નાટકોમાં તેમણે અદાકારીનો જાદુ પાથર્યો છે. ઉત્કર્ષ અભિનીત ‘સપ્તપદી’ ફિલ્મ તાજેતરમાં ‘મામી’ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ હતી. ‘સત્યા’ અને ‘યે હોતા તો ક્યા હોતા’ જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. ઉત્કર્ષ ડૉક્યુમેન્ટરી પણ બનાવે છે અને તેમની ડૉક્યુમેન્ટરી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવે છે.

વડનગરા નાગર જ્ઞાતીના ઉત્કર્ષ જેવાં ક્રિએટિવ કલાકારની શીખ યુવતી નિશ્ચિત હોરા સાથેની લવસ્ટોરી કોઈ હિન્દી ફિલ્મની માફક ટ્વિસ્ટ અને ટન્ર્સથી ભરપૂર નથી. સરળ અને સંઘર્ષ વિનાની પણ છતાંય મજેદાર છે.

અલગ છે

૨૬ વર્ષનું લગ્નજીવન ધરાવતાં ઉત્કર્ષ-નિશ્ચિંતની લવસ્ટોરીમાં સંઘર્ષ નથી, પણ એ અલગ જરૂર છે. એ વિશે વાત કરતાં ઉત્કર્ષ કહે છે, ‘મેં બીએ વિથ ઇંગ્લિશ લિટરેચર અને પછી ઝેવિયર્સમાંથી માસ કમ્યુનિકેશન કર્યું છે. નિશ્ચિંતે પણ બીએ વિથ ઇંગ્લિશ લિટરેચર અને સોફિયામાંથી માસ કમ્યુનિકેશન કર્યું છે. હું ભણીને દૂરદર્શનમાં જોડાયો, નિશ્ચિંત પણ દૂરદર્શનમાં જોડાઈ. અમે બન્ને સાથે કામ કરતાં હતાં. એ વખતે અમે બધાં યંગસ્ટર્સ સમાન વિષયો પર ક્રિએટિવ ચર્ચા કરતા. અમારા બન્નેનાં રસ અને રુચિ અને મૂલ્યો સમાન હતાં. બન્ને વચ્ચે દોસ્તી થઈ, ઘનિષ્ઠતા વધતી ગઈ. અમે બન્ને સમજતાં હતાં કે અમે પરસ્પરને પસંદ કરીએ છીએ. હું ફિલ્મ સોસાયટીનો મેમ્બર હતો. એને કારણે દુનિયાભરની સારી ફિલ્મો જોવા મળે. એથી મેં નિશ્ચિંતને પણ મેમ્બર બનાવી દીધી. પછી અમે બન્ને સાથે ફિલ્મો જોવા જતાં, પણ ચીલાચાલુ નહીં; ફિલ્મ સોસાયટીની ફિલ્મો. મ્યુઝિક કૉન્સર્ટમાં જતાં. ચોપાટી જઈને ભેળપૂરી ખાવા નહીં. આ રીતે અમારી લવસ્ટોરી અલગ છે. ક્રિયેટિવ ફીલ્ડને કારણે અમે મળ્યાં અને વધારે હળવા-મળવાનું પણ એ જ ક્ષેત્રમાં થતું.

લગ્નની વાત

પોતાનાં લગ્ન વિશે વાત કરતાં ઉત્કર્ષ કહે છે, ‘હું તો યાયાવર પંખી જેવો. બંધાવું ગમે નહીં. લગ્નજીવનમાં ઝંપલાવવાનો ભય પણ ખરો એટલે નિર્ણય લેવાથી ડરતો હતો. વળી, મારા કારણે હું જેને પ્રેમ કરું છું તે દુ:ખી તો નહીં થાયને એવો ભય પણ ખરો, પણ એક દિવસ નિશ્ચિતે જ મને પૂછ્યું કે તારી શું ઇચ્છા છે? મેં હા પાડી.

ઉત્કર્ષની વાતનો દોર સાંધતાં નિશ્ચિંત કહે છે, ‘અમારા બન્નેના પરિવાર મૉડર્ન તેથી વિરોધનો સવાલ નહોતો, પણ મને થોડો ડર લાગતો હતો. હું નૉન-વેજિટેરિયન અને આ ગુજરાતી પરિવાર, પણ પછીથી ખબર પડી કે આ લોકો પણ નૉન-વેજ ખાય છે. તેમના ઘરમાં મારાં સાસુ, જેમને અમે બધાં પ્રેમથી મીના કહીએ છીએ તેમના સિવાય બધા જ નૉન-વેજ ખાય છે અને મીના પોતે ન ખાય, પણ બીજા બધા ખાય એનો તેમને કોઈ પ્રૉબ્લેમ નહોતો. વળી દૂરદર્શનમાં ઉત્કર્ષના ઘેરથી ટિફિન આવતું હતું એ હું જમતી ત્યારે તેનાં દાળ-શાક ખાતી. તેઓ તેમાં ગળપણ નથી નાખતા તેથી એ પણ વાંધો નહોતો. હા, રોટલી જાડી-પાતળીનો ફરક હતો. ગુજરાતી પંજાબી કાસ્ટનો ફરક હતો. થોડી મુશ્કેલીઓ જરૂર હતી, પણ પ્રેમ હોય ત્યાં બધું જ ઍડજેસ્ટ થઈ જાય.’

સિવિલ મૅરેજ

નિશ્ચિતનો પરિવાર મૂળ પેશાવરનો. તેના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને ફિલ્મ ફાઇનૅન્સર હતા. લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં ભણેલા દિલીપ કુમાર અને એ. કે. ગુજરાલ જેવા પરિવાર સાથે તેમનો ઘરોબો.

લગ્નની વાતને આગળ વધારતાં ઉત્કર્ષ કહે છે, ‘અમે બન્નેએ અમારી રીતે લગ્નનું નક્કી કરી લીધા પછી નિશ્ચિતના ઘરે સિવિલ મૅરેજ કર્યા. અમે બન્ને જણ ક્રિયા, કર્મ, જ્ઞાતિમાં માનતાં નથી. અમારા બન્નેને મન એક જ ધર્મ છે અને તે માનવધર્મ. માનવધર્મની વચ્ચે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ જે ધર્મ આવે એની બાદબાકી કરવાની. આમ ખૂબ સાદાઈથી કોઈ પણ વિધિ-વિધાન કર્યા વિના અમે ૨૨ ડિસેમ્બર ૧૯૮૫માં પરણી ગયાં.’

સાસુ નહીં, મા

ઉત્કર્ષના પરિવારમાં પરણીને આવ્યા પછી કોઈ ઍડજેસ્ટમેન્ટ કરવા પડ્યાં?’ આ પ્રશ્નના ઉત્તરમાં નિશ્ચિત કહે છે, ‘જરાય નહીં. આ લોકો એટલા સરળ અને સજ્જન છે કે કોઈ તકલીફ નથી પડી. મારી પ્રસૂતિ સમયે મારી મમ્મી તો મારી સાથે રહેતાં ડરતી હતી એટલે મેં મીનાને જ કહ્યું કે તમે મારી સાથે રહેજો. અને તેઓ સતત મારી સાથે રહ્યાં. પુત્રના જન્મ પછી મારી મમ્મી મને મળવા આવી અને પુત્રને જોઈને જતી રહી. પછી મારી બાજુના ખાટલામાં જે સ્ત્રી હતી તેણે પૂછ્યું કે આ ગયાં તે તમારાં સાસુ હતાં? મેં કહ્યું કે તે મારી મમ્મી હતી અને જે આખો વખત મારી સાથે રહીને મારી સંભાળ રાખે છે તે મારાં સાસુ છે. આ વાત સાંભળીને પેલી સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.’

નિશ્ચિતની વાત પૂરી થતાં જ ઉત્કર્ષ કહે છે, ‘નિશ્ચિંત દૂરદર્શનની નોકરી પર જતી ત્યારે અમારા પુત્ર શમથને મીના પાસે મૂકીને જતી, પણ પછી કદી ફોન કરીને પૂછતી નહીં કે મારા દીકરાએ ખાધું કે નહીં? તેને મીના પર પૂર્ણ ભરોસો કે મા મારા દીકરાને બરાબર સંભાળશે.’

વળી પાછું વાતમાં ઝંપલાવતાં નિશ્ચિત કહે છે, ‘હું કામ પરથી આવું ત્યારે સાંજે મીના મને ચા બનાવીને આપે. જેમ એક દીકરીને રાખે એ રીતે સાસુએ મને સાચવી છે.’

ભાષાને શું વળગે ભૂર?

ભાષા વિશે વાત કરતાં ઉત્કર્ષ કહે છે, ‘અમારો ઉછેર કૉસ્મોપોલિટન વિસ્તારમાં થયો છે અને અમે તો વસુધૈવ કુટુંબકમ્ની માન્યતા ધરાવીએ છીએ. અમારે ત્યાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, પંજાબી બધી ભાષાઓ બોલાય. જેને જ્યારે જે ભાષામાં વાત કરવાનું મન થાય એ ભાષામાં વાત કરે. નિશ્ચિત પણ બહુ સારું ગુજરાતી બોલે છે. તે તો ગુજરાતીમાં મારી પણ ભૂલ કાઢી શકે તેટલી હોશિયાર થઈ ગઈ છે.’

અંગત-અંગત

સ્લમમાં રહેતી છોકરીઓના વેલ્ફેર માટે કામ કરતી વાચા નામની સંસ્થા સાથે નિિંત કાર્યરત છે. તેમનો દીકરો શમથ સ્ટાર-પ્લસ પર માર્કેટિંગ અસિસ્ટન્ટ મૅનેજર તરીકે કામ કરે છે. દીકરી સમોતીએ બીએની પરીક્ષા આપી છે. મોરનાં ઈંડાંને ચીતરવાની જરૂર ખરી? એ અનુસાર આ બન્ને નાટકો પણ કરે છે

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK