(પીપલ-લાઇવ - ગુજરાતી weds બિનગુજરાતી - પલ્લવી આચાર્ય)
વસઈમાં રહેતી અને પબ્લિક રિલેશન ફીલ્ડમાં કામ કરતી માનુની નરેન્દ્ર શાહ મલાડની સરાફ ગલ્ર્સ કૉલેજમાં બીએમએમ (બૅચલર ઇન માસ મિડિયા)ના પહેલા વર્ષમાં હતી ત્યારે કૉલેજમાં રિક્રૂટમેન્ટ માટે એક ન્યુઝપેપરની ટીમ આવી હતી. આ સમયે પહેલી વાર માનુની અને જાણીતા ન્યુઝપેપરમાં માર્કેટિંગ વિભાગમાં ડેપ્યુટી મૅનેજર તરીકે કામ કરતો નિખિલ પિતળે મળ્યાં, કારણ કે રીક્રૂટમેન્ટ માટે જે ટીમ આવી હતી એનો હેડ નિખિલ હતો. આ પહેલી જ મુલાકાતમાં બન્નેને કંઈક તો ક્લિક જરૂર થયું. ત્રણ મહિના પછી માર્કેટિંગ સબ્જેક્ટ હોવાથી માનુનીને આ જ ન્યુઝપેપરમાં આર્ટિકલશિપ મળી. એક જ ઑફિસમાં હોવાથી બન્ને રોજ મળવા લાગ્યાં ત્યારે બન્નેને સમજાઈ ગયું કે તેઓ એકબીજાને પસંદ કરે છે.
૨૦૦૫માં ચારેક મહિના પછી માનુનીએ નિખિલને પ્રપોઝ કર્યું તો ત્યારે નિખિલે કંઈ જવાબ ન આપ્યો એ વાત કરતાં માનુની કહે છે, ‘ મને હા કહેવામાં તેણે એક અઠવાડિયું લગાવ્યું. તેને લાગતું હતું કે તે આ રિલેશન માટે શ્યૉર નથી. તેણે મને કહ્યું કે તું હજી નાની (કૉલેજના પહેલા જ વર્ષમાં હું હતી) છે. હું તને પસંદ કરું છું, પણ તારો કોઈ ફાયદો લેવા નથી માગતો, એથી આપણે થોડો સમય લઈએ. તેની આ વાત મને બહુ ગમી ગઈ.’
બૅન્ડ બાજા બારાત
નિખિલને હતું કે આ ઉંમરે હોય છે એમ આ માનુનીનું આકર્ષણ જ માત્ર હોઈ શકે છે એટલે તે માનુનીને થોડો સમય લેવા માટે કહી રહ્યો હતો, પણ માનુની કહે છે, ‘હું હાથ ધોઈને પાછળ પડી ગઈ હતી.’
છ મહિના નિખિલની ટીમમાં કામ કર્યા પછી માનુનીની આર્ટિકલશિપ પણ પૂરી થતી હતી અને તેમના રિલેશન કન્ફર્મ થયા તેથી નિખિલનું માનવું હતું કે માનુનીએ ત્યાં કામ ન કરવું જોઈએ. બન્નેએ પોતાની કરીઅર સેટ કરવાની હતી અને બીજું નિખિલને હતું કે તેના પેરન્ટ્સ આ રિલેશન માટે તૈયાર નહીં થાય એથી તેણે ઘરે કહ્યું પણ નહોતું. માનુની કહે છે, ‘નિખિલ દેખાવે સરસ અને ગોરો તથા ફૅમિલી ખાનદાની. તેના પેરન્ટ્સને મરાઠી છોકરી જોઈતી હતી. ઘણી છોકરીઓ તેમણે નિખિલને બતાવી, પણ તેણે એક પણ ન જોઈ. એક વાર તે મને તેના ઘરે લઈ ગયો. એ સમયે મેં તેનાં મમ્મીને કહ્યું, નિખિલને એક છોકરી ગમે છે. તમને ચાલશે? તેમણે હા કહી. જોકે ત્યારે તેમને આ છોકરી હું જ હોઈશ એવો અંદાજ આવી ગયો હતો અને હું તેમને ગમી હતી.’
માનુનીના પેરન્ટ્સને વાંધો નહોતો, કારણ કે તેમનાં પણ લવમૅરેજ છે, મમ્મી અસ્મિતા અમદાવાદ નજીક તલોદની છે અને પપ્પા નરેન્દ્ર રાજસ્થાની છે. મે મહિનામાં સગાઈ અને ૩ ડિસેમ્બર ૨૦૦૯માં મુંબઈમાં જ મહારાષ્ટ્રિયન અને ગુજરાતી વિધિથી તેમનાં લગ્ન થયાં.
મરાઠી માટે ફોર્સ નહીં
માનુનીનાં સાસુ અશ્વિની મરાઠી બોલે છે, પણ તેમણે માનુનીને મરાઠી બોલવા માટે કદી ફોર્સ નથી કર્યો. માનુનીને મરાઠી વધુ નથી ફાવતું એટલે તે નિખિલ સાથે હિન્દીમાં વાત કરે છે. ભાષા બરાબર નહીં આવડતી હોવાથી માનવાચક શબ્દોના બદલે તુંકારે તેનાથી કોઈ વાર બોલાઈ જાય જેવું ઘણું થાય. સાસુએ તેને મરાઠી રીતરસમો ધીમે-ધીમે શીખવી દીધી છે. પ્રસંગ કે વારતહેવાર હોય તો તે લીલી સાડી પહેરે છે. સત્યનારાયણની પૂજામાં તેણે નવવારી સાડી પહેરી હતી. માનુની કહે છે, ‘આ સાડી રેડીમેડ હતી એટલે પહેરવાની ઝંઝટ નહોતી.’
વાતમાં જોડાતાં નિખિલ કહે છે, ‘અમારી ફૅમિલીમાં તે બધા સાથે બહુ હળીમળી ગઈ છે એથી તે બહારની છે એવું કોઈને લાગતું જ નથી. ઊલટાનું ફૅમિલીમાં કંઈ હોય તો બધા તેની રાય લે છે.’
ગરબા, કઢી મિસિંગ
લગ્ન કરીને માનુની ગરબા મિસ કરે છે, તેને ગરબા રમવા જવા નથી મળતું, કારણ કે નિખિલને શોખ નથી, એટલું જ નહીં, નિખિલની બે બહેનો કે ફૅમિલીમાં પણ કોઈને ગરબાનો શોખ નથી એથી ત્રણ વર્ષથી તેનું ગરબા રમવાનું બંધ થઈ ગયું છે.
મરાઠી ખાણી-પીણી સાથે માનુની આજે પણ ઍડજસ્ટ નથી થઈ શકી. વરણ દાળ અને રોજ સવાર-સાંજ દાળ-ભાત-રોટલી-શાક તેને ખાવાં નથી ગમતાં. ગુજરાતીઓની ખાટી-મીઠી દાળ તથા કઢી તે કેમ મિસ કરે છે એની વાત કરતાં કહે છે, ‘વરણ દાળ જ બને અને અહીં કઢી બનતી જ નથી એથી ખીચડી સાથે કઢી ખાવી હોય તો મારી એકલીની જ બને, જેમાં મને મજા નથી આવતી. મહારાષ્ટ્રિયન ખાણું મને હજી નથી ભાવતું.’
માનુની લસણ નથી ખાતી અને ચોમાસામાં કાંદા-બટેટા પણ નથી ખાતી. એના કારણે ઘરનાં બધાંએ લસણ ખાવાનું બંધ કર્યું છે. નિખિલ તથા તેની ફૅમિલી નૉન-વેજ ખાય છે, પણ વીકમાં બે જ દિવસ અને એ પણ સાસુ બનાવી લે છે. માનુની વેજિટેરિયન હોવાથી હોટેલમાં કે ક્યાંય બહાર જાય ત્યારે નિખિલે વેજિટેરિયન જ ખાવું પડે છે.
ગુડ ફ્રેન્ડ્સ
માનુની અને નિખિલ પતિ-પત્ની તો છે જ, પણ સાારાં ફ્રેન્ડ પણ છે. તેમનું રિલેશન બહુ ટ્રાન્સપરન્ટ છે. એકબીજાથી કશું છુપાવતાં નથી. ગુજરાતી ફૅમિલીનું બોન્ડિંગ વધુ હોવાથી ફૅમિલીમાં બધે જવું પડે વગેરે થોડું નિખિલને અકળાવે એની વાત કરતાં તે કહે છે, ‘માનુનીની ફૅમિલી જે ખાતિરદારી કરે છે એમાં મજા આવે. હા, ભાષા ન સમજાય અને ક્યારેક ખાવાનું ન ભાવે, પણ ચાલે.’