ઘોડાની રેસ જોવાના શોખીન ૧૦૦ વર્ષના દાદાજી આયખાની રેસમાં પણ આગળ (પીપલ-લાઇવ)

Published: 27th November, 2012 06:50 IST

માટુંગામાં રહેતા પ્રવીણચંદ્ર ચુનીલાલ કોઠારીએ હજી ગઈ કાલે જ ૧૦૦ વર્ષ પૂરાં કરીને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. જાણીએ તેમના આ દીર્ઘાયુનો ફન્ડા(પીપલ-લાઇવ - પલ્લવી આચાર્ય)

ખાવા-પીવા અને વ્યવહારમાં સાદાઈ એ છે માટુંગામાં રહેતા ૧૦૦ વર્ષના પ્રવીણચંદ્ર ચુનીલાલ કોઠારીના જીવનનો મંત્ર. ૨૫ નવેમ્બરે તેઓ ૧૦૦ વર્ષ પૂરાં કરી રહ્યા હોવાથી એ નિમિત્તે તેમના પરિવારે માટુંગાની રામવાડીમાં સેલિબ્રેશન રાખ્યું હતું. ચેતન ગઢવીના મ્યુઝિકનો પ્રોગામ પછી કેક કટિંગ અને જમવાનો કાર્યક્રમ હતો.

ચલતે રહના...

મૂળ ગોંડલના દશા શ્રીમાળી જૈન પ્રવીણચંદ્ર કોઠારી અગાઉ કાપડબજારમાં કામ કરતા હતા અને એ પછી ચાંદીબજારમાં જોડાયા. સિલ્વર માર્કેટમાં તે બ્રોકરેજ વિભાગમાં હતા. અમૂલખ અમીચંદના ત્યાં આ વિભાગના ક્લાયન્ટ લાવવાનું કામ હું કરતો હતો. એની વાત કરતાં તે કહે છે, ‘દસેક વર્ષથી જ મેં આ માર્કેટમાં જવાનું બંધ કર્યું છે. ત્યાં સુધી હું રોજ પ્રૉપર મુંબઈમાં જતો હતો. હવે રિટાયર્ડ છું.’

આજે તેઓ ચાલે છે રોજ પણ પોતાના એરિયામાં જ. હમણાંથી તેમને પગ અકડાઈ જવાની થોડી તકલીફ થતી હોવાથી તેઓ વધુ લાંબે ક્યાંય જતા નથી.

સાદગી ગમે

પ્રવીણચંદ્રે પોતાની જિંદગીને સાદગીમાં ઢાળી છે. બહુ બચપનમાં કદાચ તેમણે ફિલ્મ જોઈ હશે. એ સિવાય ફિલ્મ જોવાથી અને હોટેલમાં જમવાથી તેઓ કાયમ દૂર રહ્યા છે. આ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, ‘સિલ્વર માર્કેટમાં જ્યાં હું કામ કરતો હતો એની પાસે જ ખાઉ ગલી છે, પણ હું કદી ત્યાં ખાવા નથી ગયો. વધુમાં વધુ કોઈ વાર મેં ભેળ ખાધી હશે. બાકી કશું જ નથી ખાતો. ખાવા-પીવા અને પહેરવામાં મેં હંમેશાં સાદગી રાખી છે.’

બહોળો પરિવાર


પ્રવીણચંદ્રભાઈના સો વર્ષની ઉજવણી માટે તેમનો આખો પરિવાર મુંબઈ આવેલો છે. તેમની છ દીકરીઓ અને એક દીકરામાંથી બે દીકરીઓ જ ભારતમાં છે, ચાર દીકરીઓ અમેરિકામાં સેટલ છે, જે અમેરિકાથી ખાસ આવી છે. પ્રવીણચંદ્રનાં પત્ની ૮૬ વર્ષની વયે ૨૦૦૩માં ગુજરી ગયાં હતાં. એ પછીથી તેમનાં સૌથી મોટાં દીકરી કુસુમબહેન તેમની સાથે રહે છે. દીકરો રમેશભાઈ, લીલમબહેન, ઊર્મિલા બહેન, હર્ષદાબહેન અને સૌથી નાનાં વીણાબહેન તેમના પરિવાર સાથે અમેરિકા રહે છે. જોકે લીલમબહેન, હર્ષદાબહેન અને વીણાબહેન તો તેમના પિતાના બર્થ-ડે પર દર વર્ષે અમેરિકાથી અહીં આવે છે. એમાંય તેમની મમ્મીના અવસાન પછી તેઓ ખાસ આવે છે. હર્ષદાબહેન અને વીણાબહેનનું કહેવું છે કે વરસમાં એક વાર અહીં આવવાનું મન થાય છે અને આ સમય અમને આવવા માટે વધુ સારો લાગે છે. વળી, પપ્પાના બર્થ-ડે પર આવીએ તો તેમને પણ વધારે સારું લાગે. અમારી એક બહેન ઊર્મિલા પંડ્યા છે, જે બોલી નથી શકતી તે અમેરિકામાં જ સેટલ છે.

રેસનો શોખ


આ દાદાજીએ સાદગીને જીવનમાં ભલે આત્મસાત્ કરી પણ તેમને ઘોડાની રેસ જોવાનો બહુ શોખ છે. હવે નથી જતા, પરંતુ પહેલાં તેઓ આ રેસ જોવા જતા હતા. એટલું જ નહીં, ટર્ફ ક્લબના મેમ્બર પણ હતા.

દીકરી સાથે રહે

દાદાજીનાં મોટાં દીકરી કુસુમબહેન તેમના પતિના સ્વર્ગવાસ પછી દાદાની કાળજી રાખવા તેમની સાથે રહે છે. દાદજીનાં સાત સંતાનોનો મળીને ૩૦ જણનો પરિવાર છે, એમાં એક ભાઈ અને ૪ બહેન અમેરિકા. એક બહેન રાજકોટ અને એક બહેન મુંબઈમાં તેમની સાથે રહે છે. દાદાજીને નથી ડાયાબિટીઝ કે નથી રોજ બીપીની ગોળી લેવી પડતી. તેમને દાંતનું ચોકઠું છે, પણ જોઈ અને સાંભળી બરાબર શકે છે, ફોન પર પણ વાત કરી શકે છે. જિંદગીની આટલી લાંબી ઇનિંગ્સ માટે તેઓ ભગવાનનો જ આભાર માને છે. એની મરજી વિના કશું શક્ય ન બને એમ તેઓ કહે છે, પણ છતાં તેમનું કહેવું છે કે મોહ, માયા, ક્રોધ અને લોભ પર અંકુશ જરૂરી છે.

નિયમિતતા જરૂરી

પ્રવીણચંદ્ર જીવનમાં નિયમિતતાને બહુ મહત્વ આપે છે. તેઓ રોજ સવારે છથી સાડાછ વાગ્યા સુધીમાં ઊઠી જાય છે. ચા-પાણી તથા નિત્યક્રમ પતાવી બિલ્ડિંગની લૉબીમાં ચક્કર લગાવે છે. આવી છાપું વાંચે, નાહી-ધોઈ સામયિક કરે. રોજ ૧૦ વાગ્યે કોઈ પણ એક જૂસ કે શરબત લે છે. બપોરે લંચમાં દાળ-ભાત શાક અને રોટલી ખાય છે. જમીને સૂઈ જાય, આરામ કરે પછી સાંજે ચાર વાગ્યે એક સફરજન ખાય છે. અગાઉ પ્રતિક્રમણ કરવા દેરાસર જતા હતા હવે નથી જતા, જઈ નથી શકતા તેથી ઘરે જ પ્રતિક્રમણ કરે છે. સાંજે રોજ મોડામાં મોડા સાત વાગ્યે જમી લે છે. સાંજના જમવામાં થેપલાં અથવા તો રોટલો અને છાશ ખાય છે. નાનાં થેપલાં ચાર અને રોટલો હોય તો અડધો જ રોટલો અને છાશ એમ લિમિટેડ જ તેઓ ખાય છે. અગાઉ ઢોકળાં વગેરે ખાતા હતા, પણ હવે તે ખાઈ નથી શકતા, પચવામાં પ્રૉબ્લેમ થાય છે. સાંજે કોઈ વાર કેસર-પિસ્તા આઇસક્રીમ ખાઈ લે છે. એ પછી પાછું પ્રતિક્રમણ કરે, વાંચે અથવા તો ટીવી જુએ અને રાત્રે ૧૧ વાગ્યે સૂઈ જાય છે.

પોતાની તંદુરસ્તી વિશે તેઓ કહે છે, ‘હું હંમેશાં સાદગીથી રહેવામાં માનું છું. કોઈ જ લક્ઝરી નહીં, ખાવા-પીવા ને રહેવાનું સાદાઈથી અને ધર્મધ્યાન કરવાનું.’

- તસવીર : શાદાબ ખાન

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK