(પીપલ-લાઇવ - 100 નોટ આઉટ - પલ્લવી આચાર્ય)આ દાદાજી લાકડી વિના ચાલે છે. એટલું જ નહીં, એક દાઢ સિવાય તેમના બધા દાંત મોજૂદ છે. મોડી રાત્રે પણ પેપર વાંચી શકે છે, બરાબર સાંભળી શકે છે, પણ ફોન પર થોડું ઓછું સાંભળે અને પાણીપૂરી, પીત્ઝા ને આઇસ્ક્રીમ બધું જ ખાઈ શકે છે.
લોકલ ટ્રાવેલ
અડાલજ નજીકના ઉવારસદ ગામના સત્તાવીસ દશા પોરવાડ વાણિયા ચંદુલાલ જમનાદાસ શાહ તાડદેવમાં સોનાવાલા બિલ્ડિંગમાં રહે છે. આજે પણ તેઓ ઇન્શ્યૉરન્સ કન્સલ્ટન્સીનું પોતાનું કામ કરે છે, વીકમાં એક દિવસ તે જાય છે. એટલું જ નહીં, તેઓ ભીડ ન હોય એ સમયે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રાવેલ પણ કોઈની મદદ લીધા સિવાય કરે છે, મુંબઈની લોકલ ટ્રેનમાં અને બેસ્ટની બસમાં પણ ટ્રાવેલ કરે છે.
પરિવાર
ચંદુલાલ શાહને બે દીકરા અને બે દીકરીઓ છે એમાંથી મોટો દીકરો શકુંત ૨૪મા વરસે મડ આઇલૅન્ડ પર પિકનિક ગયો હતો ત્યારે દરિયામાં ડૂબી ગયો હતો. અત્યારે તેઓ તેમના બીજા દીકરા જયદેવના ફૅમિલી સાથે તારદેવમાં રહે છે. જયદેવભાઈને ૩ દીકરીઓ છે. મોટી દીકરી જિજ્ઞા અમદાવાદમાં કોટક સિક્યૉરિટિઝ કંપનીમાં સિનિયર મૅનેજર છે. તે પછી સોનાલી અને રૂપાલી ટ્વિન્સ છે. સોનાલી સીએસ (કંપની સેક્રેટરી) પછી હવે ન્યુ ઝીલૅન્ડમાં એમબીએ કરી રહી છે અને રૂપાલી જૉબ કરે છે. દાદાજીનાં મોટી દીકરી નંદિની જે ૭૨ વર્ષનાં છે તે પૂનામાં અને નાની દીકરી દર્શનિકા અમદાવાદમાં રહે છે. ૩ ભાઈઓમાં ચંદુલાલ સૌથી નાના છે અને એકમાત્ર તે હયાત છે. તેમનાં પત્ની કાન્તાબહેન ૧૯૯૯ની સાલમાં ૮૩ વર્ષની વયે અવસાન પામ્યાં હતાં.
સોમું સેલિબ્રેશન
૨૦૧૨ની ૯ ઑક્ટોબરે ચંદુલાલ શાહે સો વર્ષ પૂરાં કર્યા અને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિત્તે તેમના પરિવારે અમદાવાદમાં સી. જી. રોડ પર આવેલી તેમની જ્ઞાતિની વાડીમાં સેલિબ્રેશન રાખ્યું હતું, જેમાં નાતના ૨૭ ગામના મુખ્ય લોકોને બોલાવ્યા હતા અને એક લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો, અત્યાર સુધીના તેમની જિંદગીના પ્રસંગોની ઝલક ઝીલતી જે મૂવી ફૅમિલીએ ઉતારી હતી એ લોકો સમક્ષ બતાવી અને પછી કેક કટિંગ તથા ડીજે સાથે ડાન્સ અને પછી ભોજનનો કાર્યક્રમ હતો. સવારે ૯ વાગ્યે શરૂ થયેલો કાર્યક્રમ રાત્રે ૧૧ વાગ્યે ખતમ થયો. બીજા દિવસે દાદાનું આખું ફૅમિલી ડાકોર તથા ઉવારસદ તેમનાં કુળદેવી ઈશ્વરી માતાનાં દર્શને ગયા હતાં.
શરીરે નીરોગી
ચંદુલાલ શરીરે નીરોગી છે. લગભગ એક વરસથી જ તેઓ જૉબ પર નથી જતા એમ કહેતાં તેમના પુત્ર અને પુત્રવધૂ કહે છે, ‘તેમણે રિલાયન્સ અને યુનાઇટેડ કાર્બન જેવી કંપનીઓ સાથે ઇન્શ્યૉરન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું છે. ૬૦ વર્ષે રિટાયર્ડ થયા પછી પણ તેમણે કન્સલ્ટન્ટ તરીકેનું કામ ચાલુ રાખ્યું. ગયા વરસથી જ તેમણે કામે જવાનું બંધ કર્યું છે. જોકે આજે પણ વીકમાં એક દિવસ તેઓ કામે જાય છે અને ચર્ચગેટ સુધી ટ્રેનમાં ટ્રાવેલ પણ કરે છે, એ પણ એકલા જ...’
તેમને બ્લડપ્રેશર કે ડાયાબિટીઝ કાંઈ નથી. એકદમ ફિટ છે.
ટેન્શન નહીં લેનેકા
ચંદુભાઈ આખું ભારત ફર્યા છે, યુએસ પણ ગયા છે. તેઓ લાયન્સ ક્લબના વલ્ર્ડમાં ઓલ્ડેસ્ટ મેમ્બર છે.
વાંચનનો તેમને બહુ શોખ છે. એની વાત કરતાં તેમનાં પુત્રવધૂ કહે છે, ‘તેઓ રોજ બધાં પેપર વાંચે છે. પુસ્તકો વાંચે છે. રાત્રે વાંચ્યા પછી જ સૂઈ જાય છે. બ્રિટિશ લાઇબ્રેરીના તે મેમ્બર છે. તેમનામાં નૉલેજ બહુ છે.’
દાદાજીએ પોતાના જીવનમાં એક બાબત જાળવી રાખી છે અને તે એ કે જીવવાનું ટેન્શન વિના. આ વાત કરતાં તેઓ પોતે જ કહે છે, ‘ટેન્શન વિના જીવવામાં હું માનું છું. રોજ બે કલાક વાંચું છું. નૉર્મલ અને કુદરતી જીવન જીવો તો નીરોગી અને લાંબું જીવી શકાય.’
પ્રેયર ૧૦ મિનિટ
ચંદુભાઈની વયના લોકો આખો દિવસ ભગવાનને ભજ્યા કરે એવું સામાન્યપણે બને છે, પરંતું ચંદુભાઈનું એવું નથી તેઓ રોજ ૧૦ મિનિટ જ ભગવાનની પ્રાર્થના કરે છે. તેમની દિનચર્યા ફિક્સ છે. રોજ સવારે સાત વાગ્યે તેઓ ઊઠી જાય છે, ચાલવા જાય, પછી નાહી-ધોઈ પ્રાર્થના કરીને આઠ વાગ્યે નાસ્તો કરે. વાંચન કરે, બહારનું કામ હોય એ કરે, એક વાગ્યા સુધીમાં જમી લે. બપોરે થોડો આરામ કરે. સાંજે ચાર વાગ્યે ચા પીએ અને ચાલવા જાય. સાડાસાત વાગ્યા સુધીમાં ઘરે આવી જાય. આઠ વાગ્યે જમી લે. રોજ બધાં જ પેપરો વાંચે, એમાં બાકી હોય એ રાત્રે વાંચે અને અગિયાર સાડાઅગિયારે સૂઈ જાય.
બધું ખાઈ શકે
દાદાજીના બધા દાંત સાબૂત છે તેથી તેઓ બધું જ ખાઈ શકે છે. આઇસ્ક્રીમ પણ ટેસથી ખાય છે. ઇનફૅક્ટ તેમને આઇસક્રીમ બહુ ભાવે છે. પાણીપૂરી, પીત્ઝા, પાસ્તા અને ઢોસા વગેરે જે બન્યું હોય એ ખાઈ લે. તેમના માટે જુદું બનાવવાની જરૂર નથી પડતી. કેક અને સ્વીટ તો તેમને બહુ ભાવે છે. હા, દરેક ચીજ તેઓ લિમિટમાં જ ખાય છે. ભાવે છે તેથી અકરાંતિયાની જેમ ખાઈ લીધું એવું નથી. શિયાળામાં ચ્યવનપ્રાશ પણ તેઓ લે છે અને રોજના ખોરાકમાં મધનો ઉપયોગ તેઓ વધુ કરે છે. તેમને પાચનની પણ કોઈ તકલીફ નથી. સામાન્ય રીતે તેઓ સાકર બહુ ઓછી ખાય છે, પણ એવુંય નથી કે સાકર સાવ ખાતા જ નથી. સ્વીટ તેમને વધુ ભાવે છે. મોતિયાનું ઑપરેશન કર્યું છે, પણ આંખો બરાબર છે. શરીરે પાતળા છે, ચરબીના થર નથી. તેઓ સવાર-સાંજ થોડું મેડિટેશન પણ કરે છે અને ચાલવાનું બહુ રાખે છે. શરૂઆતથી જ તેઓ ચાલવાને મહત્વ આપે છે. જૉબ પર જતા હતા ત્યારે પણ નરીમાન પૉઇન્ટથી વિલ્સન કૉલેજ સુધી રોજ ચાલીને જતા હતા. ચંદુલાલભાઈની વાતોમાં જીવનને સારી રીતે જીવવાનો સંતોષ વર્તાય છે.