અમારું ઘર ભલે નાનું રહ્યું, રહેનારાનાં મન છે મોટાં (પીપલ-લાઇવ)

Published: 26th November, 2012 06:38 IST

દાદરમાં રહેતા ૧૩ જણના સંઘવી પરિવારના સભ્યોને પરિવારના સાથ સામે ઘરની સંકડાશ કોઈ વિસાતમાં નથી તેથી જ તેઓ અલગ રહેવા જવા તૈયાર નથી(પીપલ-લાઇવ - બડા પરિવાર સુખી પરિવાર - પલ્લવી આચાર્ય)

દરેકને પોતાના અલગ બેડરૂમ, અલગ ટીવીસેટ સહિતની બધી જ ફૅસિલિટી સાથે એક જ રસોડે જમતા બહોળા ઘણા પરિવારો વિશે આ વિભાગમાં અવારનવાર લખાયું છે, પણ આ પરિવાર યુનિક એ રીતે છે કે ચાલીની ચાર રૂમોમાં રહેતા ૧૩ના પરિવારમાં મોટા ભાઈને બેડરૂમ નથી, રસોડું તેમનો બેડરૂમ છે. એવું નથી કે આ ફૅમિલીએ ફાઇનૅન્શિયલ તંગ સ્થિતિને લઈને સાથે રહેવું પડે છે, તેમને અલગ રહેવું હોય તો ફ્લૅટ છે જ, પણ ત્યાં અલગ કોઈએ રહેવા જવું નથી, બધાએ રહેવું તો છે સાથે જ!

પરિવાર બહોળો

કચ્છના ભચાઉ તાલુકાના ઝંગી ગામના મૂળ દશા શ્રીમાળી જૈન, રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કરતા રસિકલાલ જીવરાજભાઈ સંઘવી તથા તેમનાં પત્ની ભાનુબહેનને ત્રણ દીકરા છે. મોટા વિમલ, પત્ની જાગૃતિ તથા ૧૨ વર્ષની દીકરી મૈત્રી અને ૯ વર્ષનો દીકરો જિત. બીજા નંબરનો દીકરો આશિષ, પત્ની સેજલ તથા સાત વર્ષની દીકરી ટીશા અને બે વર્ષનો દીકરો ધ્યાન. ત્રીજા નંબરના શ્રીપાલ, પત્ની મીનલ તથા છ વર્ષનો દીકરો આગમ. રસિકભાઈ તથા તેમના ત્રણે દીકરા રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ સાથે મળીને કરે છે. દાદરમાં જ તેમની ઓફિસ અને ફૅક્ટરી છે અને પોટુર્ગીઝ ચર્ચ સામેની ચાલીમાં ચાર રૂમોમાં સાથે રહે છે.

કામ કરે વહેંચીને

આ પરિવારમાં કોઈ મહિલા વર્કિંગ નથી, હાઉસવાઇફ છે. ઝાડુ-પોતાં, વાસણ અને કપડાં કરવા કામવાળો છે અને બાકીનું કામ ઘરની સ્ત્રીઓ વારાફરતી વહેંચીને કરે છે. આજે કોણે શું કામ કરવું એ શેડ્યુલ કરેલું હોય છે, એટલું જ નહીં, એ શેડ્યુલ બે દિવસ પછી બીજા ભાઈની પત્ની ફૉલો કરે એની વાત કરતાં મોટી વહુ જાગૃતિ કહે છે, ‘આજે પાણી ગાળવાનું કામ અને દાળ-શાકનો વઘાર મેં કર્યો તો બે દિવસ પછી એ મીનલ અથવા તો સેજલ કરે. અગાઉ આ સિસ્ટમ નહોતી, પણ બે વરસથી અમે આ સિસ્ટમ રાખી છે.’

ઘરકામ માટે ૩૦૦૦ રૂપિયાના પગારે કામવાળો છે, નાસ્તા-પાણી, રસોઈ તથા બીજાં નાનાં-મોટાં કામ વહુઓ કરે. કરિયાણું અને બહારની ખરીદી મોટા ભાગે ભાનુબહેન કરે. ઘરના કામમાં પણ તે સાથોસાથ મદદ કરે. તેઓ ધર્મ-ધ્યાન વધુ કરે છે. સાસુ અને વહુઓ સાડાપાંચ વાગ્યે ઊઠી જાય. ચારેમાંથી કોઈને પણ બહાર જવાનું થાય તો બાકીનાં કામ સંભાળી લે.

ઘરકામમાં બધાની તત્પરતા વિસે ભાનુબહેન કહે છે, ‘દેવદર્શનના કારણે માસિક ધર્મને પણ પાળતાં હોવાથી દરેક એકબીજાનું કામ કરી લે. છોકરાંને સ્કૂલે મોકલવા તૈયાર પણ જે હાજર હોય તે કરી લે છે. બધાં છોકરાંની સવારની સ્કૂલ છે.’

મોટા ભાઈનો દીકરો ઉકાળેલું જ પાણી પીએ છે તેથી સ્કૂલે જતાં પહેલાં પાણી ઉકાળી ઠંડું કરી બૉટલમાં આપવાનું હોય એ એની મમ્મી હાજર ન હોય તો બેય કાકીમંાથી કોઈ પણ તૈયાર કરી દે.

ગુડ મૅનેજિંગ

ઘરમાં કઠોળ સહિતનું અનાજ બારેમાસનું ભરી લેવાય છે અને ઘી તથા તેલ ૧૫ કિલોના ડબ્બામાં લેવાય છે. રોજ સવારે ગરમ નાસ્તો સાડાઆઠ વાગ્યે બને અને ૧૧ વાગ્યે રસોઈ તૈયાર થઈ જાય. દેરાસર ગયા સિવાય ઘરમાં કોઈ પાણી પણ નથી પીતું. ઘરની સ્ત્રીઓ ચા-નાસ્તો સાથે કરે. પુરુષો બપોરે જમવા વારાફરતી આવે, કારણ કે બધા સાથે એક જ બિઝનેસમાં છે. સાંજે સાત વાગ્યે તેમનું રસોડું બંધ થઈ જાય. ઘરમાં બધા રોજ ચોવિયાર કરે છે. દર રવિવારે સવારે નાસ્તો ન બને, કારણ કે રવિવારે રસિકલાલ સૌ માટે ફાફડા જલેબી નાસ્તામાં લઈ આવે. દર રવિવારે સાંજે પણ રસોડું બંધ રહે, રવિવારે સાંજે ત્રણે ભાઈ તેમના પરિવારને લઈને બહાર ડિનર કરે. દાદા-દાદી બહારનું નથી ખાતાં તેથી તેઓ ઘરમાં જ બનેલા સૂકા નાસ્તા ખાઈ લે અથવા તેમના માટે કંઈક બનાવી લેવાય.

કોઈ બંધન નહીં

ઘરનું અને ઑફિસનું ફાઇનૅન્સ બધું રસિકલાલ સંભાળે. ઘરનો દરેક ખર્ચ સહિયારા અકાઉન્ટમાંથી થાય, એ જ રીતે બધા માટે બચત પણ એકસરખી જ થાય. ઘરમાં જેને જે લાવવું હોય કે જ્યાં જવું હોય કે જેટલા પૈસા વાપરવા હોય તેટલા વાપરે, કોઈ બંધન નહીં. આ વાત કરતાં જાગૃતિ કહે છે, ‘ઘરમાં જેને જ્યારે અને જેટલી પણ વસ્તુઓ લેવી હોય એટલી લેવાની છૂટ છે તેથી ઘરમાં કોઈ કશી વસ્તુઓનો સંગ્રહ નથી કરતું. મારે બે સાડી લેવી હોય તો હું બે લઉં અને મીનલને ચાર લેવી હોય તો ચાર સાડી લે. ઘરમાં કોઈ ચીજ કે પૈસાનો હિસાબ કદી ન મગાય. ’

ઘરમાં ચૉકલેટ પણ એક કદી ન આવે, પાંચ માટે પાંચ જ આવે. એક ચૉકલેટ બહારથી આવી હોય તો પણ પાંચેય છોકરાં વહેંચીને જ ખાય. મીનલ અને સેજલનું કહેવું છે કે તેમને સાથે રહેવામાં વધુ મજા આવે છે. છોકરાંને પણ એકબીજા વિના નથી ગમતું. તેમને લાગે છે કે સંયુક્ત પરિવારના કારણે તેમને પોતાનાં સંતાનો ઉછેરવામાં તકલીફ ન પડી; અરે, માંદાં -સાજાં હોય ત્યારે એકબીજાની હૂંફ મળી રહે છે.

ફાઇનલ ડિસિઝન

હંમેશાં આખરી નિર્ણય પપ્પા જ લે છે એની વાત કરતાં વિમલભાઈ કહે છે, ‘બિઝનેસમાં પણ નવી પેઢીના વિચારો ઘણી વાર જુદા પડે ત્યારે અમે ચારે સાથે મળીને ડિસ્કસ કરી લઈએ, પછી ફાઇનલ ડિસિઝન પપ્પાની સંમતિ સાથે લઈએ. બિઝનેસમાં ઑફિસ રસિકલાલ સંભાળે, વિમલભાઈ માર્કેટિંગ, શ્રીપાલ પૅકિંગ અને આશિષ પ્રોડક્શન સંભાળે છે.’

- તસવીર : નેહા પારેખ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK