અનોખી દોસ્તી (પીપલ-લાઇવ)

Published: 25th December, 2012 07:08 IST

એ પણ સાસુ-વહુ વચ્ચેની. થાણેમાં રહેતાં મીરા દાવડા અને તેમની વહુઓ વચ્ચેનો પ્રેમ જોઈને તેમના દીકરાઓ પણ ક્યારેક અકળાઈ જાય છે(પીપલ-લાઇવ - સાસ-બહૂ હો તો ઐસી - પલ્લવી આચાર્ય)

થાણેમાં રહેતા દાવડા પરિવારની પુત્રવધૂઓને તેમની સાસુ મીરા દાવડાને કારણે પોતાનું સાસરિયું ગેંદાનું નહીં ગુલાબનું ફૂલ લાગે છે. આ પરિવારમાં સાસુ કે તેમની બેઉ વહુઓને પરસ્પર કોઈ ફરિયાદ નથી, ઊલટાનું તેઓ એકબીજાની ગેરહાજરીમાં પરસ્પરને મિસ કરે છે.

મીરાબહેનના પતિ જયંત દાવડા અને તેમના બે દીકરા મોટો હિમાંશુ અને નાનો કૃણાલ છે. આ ત્રણેય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. થાણા અને વાશીમાં તેમની ઑફિસ છે. તેઓ મૂળ દ્વારકા નજીકના નંદાણા ગામના હાલાઈ લોહાણા છે. મીરાબહેનના બેઉ દીકરાઓનાં લવ-મૅરેજ છે. મોટી પુત્રવધૂ નંદિતા મહારાષ્ટ્રિયન છે અને નાની જિનલ કચ્છી લોહાણા છે. મોટા દીકરાનાં લગ્નને છ વર્ષ પૂરાં થયાં. તેમને ૩ વર્ષનો દીકરો કાર્તિક છે. નાના દીકરાનાં લગ્નને પણ દોઢ વરસ થયું.

સાસુ સગી મા

પોતાની વહુઓ વિશે વાત કરતાં મીરાબહેન કહે છે, ‘મારે બે દીકરા જ છે, દીકરી નથી. મારી વહુઓ જ મારી દીકરીઓ. તેમને મારે કાંઈ શીખવવું નથી પડ્યું, મારી સાથે તેઓ કરતાં ગયાં અને તેમને બધું ફાવી ગયું.’

મોટી નંદિતા મહારાષ્ટ્રિયન છે, પણ લાગે નહીં. તેની વાત કરતાં મીરાબહેન કહે છે, ‘નંદિતા ફ્લુઅન્ટ ગુજરાતી બોલે છે. એટલું જ નહીં, ગુજરાતી રસોઈ પણ સરસ બનાવે છે. પૂજાપાઠ અમારી જેમ કરે, ગુજરાતી રીતભાત તે બરાબર શીખી ગઈ છે.’

સાસુ સાથે વાતમાં જોડાતાં નંદિતા કહે છે, ‘મારાં મમ્મી તેમના દીકરા કરતાં અમને વધુ લાડ લડાવે છે. તેથી તેમના દીકરા ક્યારેક તેમને મહેણું પણ મારે કે વહુઓ જ તારી છે, અમે તો તારા છીએ જ નહીં. અને હા, બને છે પણ એવું જ. હમણાં તે દુબઈ ગયાં હતાં તો મારા અને જિનલ માટે જ વધુ શૉપિંગ કર્યું છે. તેઓ સગી માના લેવલ પર છે. એવું નથી કે ડિફરન્સ ઑફ ઓપિનિયન અમારે નથી થતો. થાય, એ મારી મમ્મી સાથે પણ થાય છે, પણ ત્યારે અમે ડિસ્કસ કરી લઈએ.’

ભણવા માટે પ્રોત્સાહન

નંદિતા કૉમર્સમાં પોસ્ટ ગ્રૅજ્યુએટ છે. મ્યુચ્યુઅલ ફન્ડને લગતો એક ર્કોસ તેણે લગ્ન પછી કર્યો. એ સમયની વાત કરતાં નંદિતા કહે છે, ‘હું ભણતી હતી ત્યારે મને તૈયારી માટે પૂરતો સમય આપવા બધું જ કામ તે પોતે સંભાળી લેતાં હતાં. અત્યારે પણ અમારે ક્યાંય પણ જવું હોય તો તે અમને કામ પૂરું કરીને જવા પ્રેશર ન કરે, પોતે સંભાળી લે.’

નંદિતાની વાતમાં સૂર પુરાવતાં જિનલ કહે છે, ‘લગ્ન થયાં ત્યારે મારે આર્ટિકલ શિપ ચાલતી હતી અને ૮ મહિના જેટલી જ બાકી હતી, પણ ઘરનાએ જ મને કહ્યું કે મારે એ પૂરી કરી લેવી તેથી લગ્ન પછી હું ઑફિસ જતી હતી અને ક્યારેક તો ઘરે આવવાનું લેટ પણ બહુ થઈ જતું તો પણ ઘરનાએ સપોર્ટ કર્યો. એટલું જ નહીં, સીએ (ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)ની ફાઇનલ એક્ઝામ હું ઘરના અને એમાંય ખાસ મારાં સાસુ અને જેઠાણીના સપોર્ટના કારણે જ આપી શકી. તેઓ મને વાંચવા પૂરતો સમય આપતાં, એટલે સુધી કે નાસ્તો ટેબલ પર સર્વ થઈ જાય પછી મને બોલાવે. આખો દિવસ વાંચીને હું પરીક્ષા આપતી હતી. આટલાં સારાં સાસુ અને જેઠાણી તથા ઘરના લોકો મેં જોયા નથી. હું મારાં મમ્મીના ઘરે જાઉં અને કોઈ કામ ન કરું તો મારાં મમ્મી મને કહે, હા...અમને ખબર છે કે તારાં સાસુ તને બહુ લાડ કરે છે. તેઓ અમને અમારી મમ્મીની જેમ રાખે છે. અમે તેમની સાથે મસ્તી પણ કરી શકીએ.’

ટેન્શન લેવાનું નહીં


મીરાબહેન તેમની વહુઓનાં વખાણ કરતાં થાકતાં નથી. તેઓ કહે છે, ‘મારે બેમાંથી કોઈને કદી ટોકવાં નથી પડ્યાં. હું ન હોઉં તો તેઓ ઘર બરાબર સંભાળી લે છે. એક વાર અધિક માસમાં મેં તુલસી પત્ર ભગવાનને ચઢાવાનો પ્રોગ્રામ મારા ઘરે રાખ્યો હતો ને એ દિવસે મારા નણદોઈ ગુજરી જવાથી મારે ગામ જવું પડ્યું. હું કોઈને ફોન કરીને ના કહી શકું એમ નહોતું તો નંદિતાએ બધું સંભાળી લીધું.’

મીરાબહેનનો એક જ મંત્ર છે કે કામનું કોઈએ ટેન્શન લેવાનું નહીં. તેઓ ઘરમાં કાંઈ તૂટે, ફૂટે, ઢોળાય કે ગમે એ થાય કદી કોઈને ન વઢે કે ન ગુસ્સે થાય. તેમની પુત્રવધૂઓથી કોઈ ભૂલ થાય તો કદી ગુસ્સે ન થાય. કોઈ પણ કામ આમ જ કરવું પડશે એમ ન કહે, એને બદલે કહે, આપણે આમ કરીએ છીએ...

મજબૂત સપોર્ટ

સામાન્ય રીતે સગર્ભા સ્ત્રી મૃતકનો ચહેરો ન જુએ. એની વાત કરતાં નંદિતા કહે છે, ‘મારા કાકાનો સ્વર્ગવાસ થયો ત્યારે હું પ્રેગ્નન્ટ હતી, પણ મારા કાકા પ્રત્યેની મારી ફીલિંગ્સને સમજી મમ્મી ખુદ મને તેમની પાસે લઈ ગયાં. એટલું જ નહીં, સમાજની બધી વાતોને અવગણીને તેમનાં અંતિમ દર્શન કરાવ્યાં. તેઓ અમારી સાથે એટલાં ફ્રેન્ડલી છે કે કોઈ ભાર ન લાગે. અમે ત્રણે જણ સાથે મૂવી જોવા જઈએ, ફરવા જઈએ અને શૉપિંગ પણ કરીએ.’

જિનલ પણ વાતમાં સૂર પૂરાવતા કહે છે, ‘મારે જ્યારે પણ શૉપિંગ પર જવું હોય મમ્મી અને ભાભી તૈયાર જ હોય.’

નંદિતાએ તેના પતિ સાથે ક્યાંય બહાર જવું હોય તો તે દીકરાને સાચવી લે.

કમાલનો નાતો

મીરા અને તેમની બે વહુઓ વચ્ચે સરસ દોસ્તી છે. મીરા તેમની વહુઓને કોઈ વાતે રિસ્ટ્રિક્ટ કરતાં નથી. કપડાં પહેરવાની બાબતે પણ નહીં. જેને જે પહેરવું હોય એ પહેરવાની છૂટ છે. જિનલ અને નંદિતાનું એક સૂરે કહેવું છે કે તેમને અહીં સાસરા જેવું લાગતું નથી, માવતર જ લાગે છે. અમે તેમની સાથે ફરીએ તો ફ્રેન્ડ જેવું જ લાગે અને ફ્રેન્ડ્સ સાથે અમારે જવું હોય તો ઘરનું કામ બધું તે પોતે સંભાળી લે, કદી ક્યાંય જવાની ના ન કહે. આખું ફૅમિલી સવારના નાસ્તાથી લઈને બેઉ ટંકનું જમવાનું સાથે જ જમે છે.

મીરા દાવડા કોઈ વાર મોટા દીકરાના ફૅમિલી સાથે વિદેશ ફરી આવે તો કોઈ વાર નાના દીકરા સાથે. તેઓ કહે છે, મારે વહુઓ એટલી સારી છે કે કદી કોઈને કશું કહેવું જ નથી પડ્યું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK