આ ટ્વિન્સ ભાઈઓને ઓળખવામાં તેમની મમ્મી પણ થાપ ખાઈ જાય છે (પીપલ-લાઇવ)

Published: 24th December, 2012 06:44 IST

ખાસ કરીને ત્યારે જ્યારે તેમણે હેરકટ કરાવી હોય. મળીએ માટુંગામાં રહેતા ત્રણ વર્ષના એકદમ ક્યુટ અને ચબરાક આઇડેન્ટિકલ ટ્વિન્સ દર્શ અને દક્ષને(પીપલ-લાઇવ - પૈચાન કૌન? - પલ્લવી આચાર્ય)

માટુંગામાં રહેતા અને શૅરબજારમાં કામ કરતા દર્શન ચંદ્રકાન્ત દોશી તથા તેમની પત્ïની હેતલને ૩ વર્ષના બે દીકરા છે, જે આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. આ ફૅમિલીમાં કે હેતલના પિયરના ફૅમિલીમાં પણ સાત પેઢીએ કોઈને આઇડેન્ટિકલ તો શું ટ્વિન્સ પણ નથી તેથી દર્શ અને દક્ષ એ ટ્વિન્સનું ઘરમાં ભારે આકર્ષણ છે. દર્શનભાઈના ફૅમિલીમાં ભલે ક્યાંય ટ્વિન્સ ન હોય પણ તેઓ જ્યાં રહે છે એ બિલ્ડિંગમાં ચારેક ટ્વિન્સ છે. હેતલે ત્રીજા મહિને જ્યારે જાણ્યું કે તેને ટ્વિન્સ છે ત્યારે તેને બહુ શૉક એટલે લાગ્યો હતો કારણ કે તેણે સાંભળેલું કે ટ્વિન્સ હોય ત્યારે ડિલિવરીમાં બહુ કૉમ્પ્લીકેશન્સ હોય છે. પરંતુ હેતલે નૉર્મલ ડિલિવરીમાં આ બે ટ્વિન્સને જન્મ આપ્યો છે.

છી-છી, પી-પી સાથે

દક્ષ કરતાં દર્શ ૩ મિનિટ મોટો છે. બેઉને દરેક ચીજ સાથે જ કરવા જોઈએ. જમવા પણ તેઓ સાથે જ બેસે છે. એની વાત કરતાં હેતલ કહે છે, ‘સૂ-સૂ બેઉને સાથે આવે એમ છી-છી પણ બેઉને સાથે જ આવે, તેથી અમે બેઉને મોઢા ફેરવી સાથે જ બેસાડીએ. દેશી ઢબનું અમારું ટૉઇલેટ છે તેથી એ શક્ય બની શકે છે.’

ઊઠે પણ સાથે

દર્શ અને દક્ષ રોજ સાથે જ સૂએ છે. એની વાત કરતાં ચંદ્રકાન્તભાઈનાં મોટાં પુત્રવધૂ ફાલ્ગુની કહે છે, ‘આ બેઉ જણ ઊઠે છે પણ સાથે. કોઈ વાર બેમાંથી એક ન ઊઠી શક્યો હોય તો બીજો તેને ઉઠાડી દે છે. બેઉ જણને એવી ટેવ છે કે ઘરમાં જે જમવા બેસે તેની સાથે બેસે અને તેની થાળીમાંથી કાંઈક તો ખાય. બે જણ આટલા નાના છે પણ ઘરમાં જે રસોઈ બને છે એ ખાય છે. તેમના માટે જુદું કશું કાઢવું નથી પડતું. એટલું જ નહીં, કડવા કાઢા પણ તેઓ પીવામાં આનાકાની નથી કરતા.’

ચંદ્રકાન્તભાઈના બે દીકરા તેમની સાથે જ રહે છે. તેથી જ હેતલ કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલી હોવાને લીધે દર્શ અને દક્ષ ક્યાં મોટા થઈ ગયા એની ખબર ન પડી.’

મસ્તીખોર

દર્શ અને દક્ષ છે બહુ મસ્તીખોર. એની વાત કરતાં હેતલ કહે છે, ‘એક વાર બેઉ જણે સાથે મળીને બાલ્કનીમાંથી કચરા સાથેનું ડસ્ટબિન બહાર ફેંકી દીધું હતું. એક વાર બેઉ જણ કમ્પ્યુટર પર શૅરના સોદા કરી રહેલા દાદાની બાજુમાં બેઠા હતા. દાદા કંઈક લેવા ફર્યા તો તેમણે કમ્પ્યુટર પર ક્લિક કરી દીધું તો તેમના શૅર સેલ થતા રહી ગયા.’

એક વાર ડાઇનિંગ ટેબલ પર હેતલ ચા પીવા બેઠી હતી અને તેને કોઈને ફોન આવ્યો તો એ લેવા ગઈ એટલામાં દર્શ ખુરસી પર ચડી ચાનો ભરેલો કપ પડ્યો હતો, એ તે પી ગયો.

નામ પછી કામ

આ બે બચ્ચાં નર્સરીમાં જાય છે. સ્વાભાવિક છે તેમને ઓળખવામાં ટીચરને ભારે કન્ફ્યુઝન થાય. દર્શનું કામ હોય તો પહેલાં ટીચર દર્શનું નામ બોલે, તેને ઊભો કરે અને પછી જ તેને જે આપવાનું હોય એ આપે, એવું જ દક્ષ માટે પણ કરે. આમ ટીચર દર્શ અને દક્ષને પહેલાં નામ બોલે અને પછી કામ આપે.

મમ્મી પણ કન્ફ્યુઝ

સગાંસંબંધી, પડોશીઓ તથા બિલ્ડિંગવાળા લોકો તો દર્શ કોણ ને દક્ષ કોણ તે ઓળખી નથી શકતા એ તો સમજ્યા, પણ આ બન્નેએ હેરકટ કર્યા હોય ત્યારે બે-ચાર દિવસ તેની મમ્મીને પણ ઓળખવામાં તકલીફ થાય છે. એની વાત કરતાં હેતલ કહે છે, ‘ત્યારે મારે થોડું ધારીને જોવું પડે કે દર્શ કોણ છે અને દક્ષ કોણ. આ બે નાના હતા ત્યારે ઓળખી શકાતા હતા, કારણ કે મોટા દર્શનું વજન થોડું ઓછું હતું. પાતળો હતો, પણ મોટા થયા પછી બેઉ સાવ સરખા થઈ ગયા છે.’

એક બીમાર, બીજાને દવા

દર્શ અને દક્ષને એક વર્ષ સુધી હેલ્થમાં નાની-મોટી તકલીફો ચાલતી હતી, પણ કોઈ મોટી બીમારીને લઈને તેમને હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય એવું ભગવાનની કૃપાથી નથી થયું, એમ જણાવીને હેતલ કહે છે, ‘પણ તાવ કે શરદી એકને થાય તો તરત બીજાને થાય જ તેથી એકને તાવ આવે તો બીજાને હું થોડી દવા પીવડાવી જ દઉં.’

સ્કૂલમાં પણ સાથે જ

એક સ્કૂલમાં ન જાય તો બીજો ન જ જાય અને પરાણે જો સ્કૂલમાં મોકલે તો તે રડીને ઘરે પાછો આવે. આવું એક વાર થયું હતું. તેને સ્કૂલેથી ઘરે પાછો લાવવો પડ્યો હતો. તેથી હવે એક સ્કૂલે ન ગયો હોય તો તેઓ બીજાને મોકલતા જ નથી. એટલું જ નહીં, બેઉને સરખાં જ રમકડાં જોઈએ અને કપડાં પણ સરખાં જ જોઈએ. અલગ હોય તો એકબીજાના જેવું પહેરવાની જીદ કરે.

યોગ કરે

દર્શ અને દક્ષ તેમનાં મોટાં કાકી ફાલ્ગુની સાથે રોજ યોગનાં આસનો કરે છે. હવે તેમને કેટલાંક આસનો આવડી ગયાં છે. દર્શ થોડોક ભોળો છે અને દક્ષ વધુ સ્માર્ટ, કારણ કે દર્શને ઘરની ચીજો બહાર ફેંકી દેવા માટે ચડાવે દક્ષ અને દર્શ ફેંકી દે પછી દક્ષ ઘરનાને કહી દે જુઓ, દર્શે આ ફેંકી દીધું.

આ બે એટલા મસ્તીખોર છે એમ જણાવીને ફાલ્ગુની કહે છે, ‘તેઓ શાંત બેઠા હોય તો જોવું જ પડે કે તેઓ શું કારસ્તાન કરી રહ્યા છે.’

રામ-શ્યામ

ઘરના સિવાય કોઈ આ ટ્વિન્સને અલગ નથી ઓળખી શકતું તેથી તેમને રામ-શ્યામ, રામ-લખન અને લવ-કુશ વગેરે નામથી લોકો બોલાવે. રોજ રાત્રે દાદા પાસેથી ચકીબહેન-ચકીબહેન મારી સાથે રમવા આવશો કે નહીં એ બાળગીત સાંભળ્યાં પછી જ તેઓ સૂએ છે.

- તસવીરો : સમીર માર્કન્ડે


Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK