પરેશ રાવલ-સ્વરૂપ સંપટની લાજવાબ લવ-સ્ટોરી (પીપલ-લાઇવ)

Published: 23rd November, 2012 06:12 IST

સાડી પહેરીને રવીન્દ્ર નાટ્ય મંદિરની બહાર પૅમ્ફ્લેટ્સ વહેંચી રહેલી એક સુંદર  યુવતીને જોઈને પરેશ રાવલે તેના મિત્રને આવું કહેલું અને ૧૨ વર્ષ પછી તે જ છોકરી એટલે કે સ્વરૂપ સંપટ સાથે જ લગ્ન કર્યાં(પીપલ-લાઇવ - પ્યાર કી યે કહાની સુનો - પલ્લવી આચાર્ય)

‘એસએસસી પત્યું અને કૉલેજ હજી શરૂ થઈ નહોતી. જૂનમાં સ્ટાર્ટ થવાની હતી.’ ધીમા સ્વરે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા તથા ‘યે જો હૈ જિંદગી’માં રેણુના રોલથી લોકોમાં અત્યંત જાણીતાં બનેલાં ઍક્ટ્રેસ સ્વરૂપ સંપત વાતની શરૂઆત કરે છે. ૩૮ વર્ષ પહેલાનાં ફ્લૅશબૅકમાં સરી જઈ રહેલા તેમના અવાજમાં એ સમયનો રોમાંચ વર્તાઈ આવે છે. આગળ તે કહે છે, ‘મને કૉલેજ શરૂ કરવામાં રસ પણ નહોતો, કારણ કે મારે થિયેટરમાં કામ કરવું હતું. ત્યારે હું સોળ વર્ષની હતી.’

તુમ મિલે...

મહારથી ઍક્ટર પરેશ રાવલની ઓળખાણ આપવાની જરૂર નથી. યુવાન પરેશભાઈની નજર સૌપ્રથમ સ્વરૂપ પર ક્યારે પડી એ સમયને તાદૃશ્ય કરતાં સ્વરૂપ કહે છે, ‘થિયેટર પર્સનાલિટી (બંગાળી) શંભુમિત્રના નાટકનો દાદરના રવીન્દ્ર નાટ્ય મંદિર થિયેટરમાં શો હતો. ધ ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટે (પર્ફોર્મિંગ આર્ટની વર્લ્ડવાઇડ સંસ્થા) એ ઑર્ગેનાઇઝ કર્યો હતો. મારા ડૅડી (બચુભાઈ સંપત) આ સંસ્થાના ચીફ હતા એટલે આ શો માટેનાં પૅમ્ફ્લેટ્સ હું વહેંચી રહી હતી. મેં એ દિવસે સાડી પહેરી હતી. કઈ સાડી પહેરી હતી એ તો યાદ નથી, પણ આ શો જોવા માટે આવેલા પરેશે અહીં મને પહેલી વાર જોઈ હતી.’

લવ ઍટ ફર્સ્ટ સાઇટ

પરેશભાઈ વાતમાં જોડાતાં કહે છે, ‘થિયેટર બહાર પૅમ્ફ્લેટ વહેંચી રહેલી તે છોકરી કોણ છે, શું છે એની મને કંઈ જ ખબર નહોતી, પણ તેને જોતાં જ મેં મનમાં નક્કી કરી લીધું કે હું આ છોકરી સાથે જ લગ્ન કરીશ.’

પરેશભાઈના મિત્રે ત્યારે એવી કૉમેન્ટ પણ કરી કે એવું થોડું થાય... પછી ચાલુ થયું આ છોકરી કોણ છે એ ફાઇન્ડઆઉટ કરવાનું કામ. છેવટે તેઓ શોધીને જ રહ્યા કે આ તો ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટના ચીફ પ્રોડ્યુસર બચુભાઈ સંપતની દીકરી છે.

તુઝે દેખા તો યે...

પરેશભાઈ અને તેમના મિત્રોની આ બધી વાતથી સ્વરૂપ સંપત અજાણ હતાં, પણ પરેશભાઈને તેમણે પહેલી વાર જોયા ત્યારે તેમણે જે ફીલ કર્યું હતું એ અત્યારે પણ તેમના અવાજમાં છલકી રહ્યું હતું. તેઓ કહે છે, ‘ડૅમ ગુડ યાર... ઑસમ ઍક્ટર. કૉલેજ ડેથી જ પરેશ રાવલનાં નાટકો લોકો જોવા આવતા, હું પણ ગયેલી. એન. એમ. કૉલેજમાં ઇન્ટર-કૉલેજિયન પ્લે હતું ‘એન ઘેન’. પહેલી વાર મેં આ પ્લેમાં તેમને જોયા.’

વાત કરવી હતી

પરેશ રાવલને જોયા તો ખરા, પણ સ્વરૂપની ઇચ્છા હવે તેમની સાથે વાત કરવાની હતી. સ્વરૂપ કહે છે, ‘થિયેટરમાં મારે ઍક્ટિંગ તો કરવી જ નહોતી. મને સેટ-ડિઝાઇનિંગમાં વધુ રસ હતો. એથી હું શફીભાઈ (શફી ઇનામદાર) સાથે બેસતી અને બધું જોતી હતી, નાની-મોટી મદદ કરતી. પરેશ શફીભાઈ સાથે ‘મીન પિયાસી’ અને પછી ‘તોખાર’ નાટકો કરી રહ્યા હતા.’

પરેશ રાવલની ઍક્ટિંગને લઈને તેમનામાં ઇન્ટરેસ્ટ પડી રહ્યો હોવાથી સ્વરૂપની ઇચ્છા હતી કે એક વાર તેમની સાથે વાત કરું. નાટક ‘મિન પિયાસી’ દરમ્યાન એક દિવસ તે પરેશ જ્યાં હતા ત્યાં તેમની સાથે વાત કરવા માટે તેમની પાસે ગઈ. આ સમયે પરેશભાઈ માટે તો મોંમાં પતાસા જેવી ખુશી થઈ આવી હશે નહીં? જવાબમાં સ્વરૂપ કહે છે, ‘હા. તેમણે ચોક્કસ ઓળખી લીધી હશે કે આ પેલી જ છોકરી છે....’

પરેશની હિરોઇન


સ્વરૂપ લગભગ રોજ શફી સાથે સેટ પર જ રહેતી હતી. શફીનું ‘તોખાર’ નાટક તૈયાર થઈ રહ્યું હતું. એક દિવસ પરેશની હિરોઇનનો રોલ કરી રહી હતી તે ઍક્ટ્રેસ ન આવી. શફીએ સ્વરૂપ સામે જોઈ પરેશને પૂછ્યું, ‘ઇસકો હમ લે સકતે હૈ.’ પરેશે તેમને કહ્યું, ‘ઇસકો પૂછો. તેને કામ કરવું હોય તો આપણે લઈ શકીએ.’

પરેશભાઈ માટે ભાવતું હતું ને વૈદે કહ્યું જેવું થઈ ગયું! પરેશની હિરોઇન તરીકે સ્વરૂપે આ નાટકમાં કામ કર્યું, એટલું જ નહીં, વાતને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવતાં સ્વરૂપ કહે છે, ‘ત્યારથી અમે ફ્રેન્ડ બન્યાં.’

તોખાર નિર્ણય

સાથે કામ કરતાં-કરતાં બન્નેને એકબીજાની પસંદ-નાપસંદની ખબર પડવા લાગી, એમ કહેતાં સ્વરૂપ કહે છે, ‘પરેશ પહેલેથી ડિસન્ટ પર્સન છે. હંમેશાં સારી રીતે બિહેવ કરે. ઇન્ટેલિજન્ટ અને ફુલ ઑફ લાઇફ! અમારી મસ્તી ચાલતી રહેતી. તેમની આવી ઘણી વાતો મને અટ્રૅક્ટ કરતી. અમે ફ્રેન્ડ્સ હતાં, પણ કોઈ છોકરી સાથે તે ખાલી ટાઇમપાસમાં માનતા નહોતા.’

હા, ‘તોખાર’ નાટક ચાલતું હતું ત્યારે જ તેમણે સ્વરૂપને પ્રપોઝ કર્યું, એની વાત કરતાં પરેશભાઈ કહે છે, ‘મેં સ્વરૂપને પહેલાં જ કહી દીધું કે હું લગ્ન માટે સિરિયસ છું. તું જો એ માટે સિરિયસ હોય તો જ આપણે રિલેશનશિપ આગળ વધારીશું, નહીં તો અહીં જ અટકી જઇશું. કોઈ છોકરી સાથે ફાલતુ ટાઇમપાસ કરવામાં હું નથી માનતો.’

સ્વરૂપ વાતમાં જોડાતાં કહે છે, ‘અમારું રિલેશન આગળ ચાલ્યું. અમે સાથે કામ કરતાં ગયાં ને એકબીજાને ઓળખતાં ગયાં. ૧૨ વર્ષ પછી અમે લગ્ન કર્યાં, કારણ કે અમે મળ્યાં ત્યારે તો હું સોળ વર્ષની હતી. અત્યારે અમારા લગ્નને ૨૫ વર્ષ થઈ ગયા છે.’

તેમનાં લગ્ન સામે બન્નેમાંથી કોઈ જ ફૅમિલીને પ્રૉબ્લેમ નહોતો, કારણ કે બન્ને ફૅમિલી બ્રૉડ-માઇન્ડેડ હતી. સ્વરૂપનાં પેરન્ટ્સ, તેનાં માસી વગેરેનાં તો લવમૅરેજ હતાં. લગ્નની વાત કરતાં સ્વરૂપ કહે છે, ‘તેજપાલ નજીકના લક્ષ્મીનારાયણ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અમારાં લગ્ન થયાં. પરેશના મામા વિદ્વાન પંડિત હોવાથી સાતેય ફેરા તથા લગ્નનો અર્થ અમને સમજાવ્યો. લગ્નના એક વીક પછી કૉકટેલ પાર્ટી થઈ કારણ કે સેકન્ડ સન્ડે થિયેટરમાં કામ ન થતું.’

અંગત-સંગત

પરેશભાઈ-સ્વરૂપને બે દીકરા છે, આદિત્ય અને અનિરુદ્ધ. ૧૯૭૯માં મિસ ઇન્ડિયાનો તાજ જીત્યા પછી ફિલ્મોની અનેક ઑફરો ઠુકરાવી સ્વરૂપે ‘યે જો હૈ જિંદગી’ સિરિયલ સ્વીકારી. સંતાનો અને ઘર સંભાળવા તેણે ઍક્ટિંગ ફીલ્ડ છોડી દીધું અને પછી એજ્યુકેશનમાં ડૉક્ટરેટ કર્યું. બે વર્ષ ગુજરાત કાઉન્સિલ ફૉર એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ સાથે કામ કર્યું. અત્યારે ગુજરાતમાં જ યુનિસેફ સાથે મળીને કામ કરે છે. પરેશભાઈનું આંગિકમ નામનું પ્રોડક્શન હાઉસ છે, જે ‘મહારથી’ જેવાં નાટકો બનાવે છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK