ઉંમર વધવાની સાથે પ્રેમ પણ વધ્યો જ છે (પીપલ-લાઇવ)

Published: 22nd November, 2012 06:18 IST

લગ્નનાં ૫૦ વર્ષ પૂરાં કરનારા નવનીત વોરાને પોતાને કાને ઓછું સંભળાય છે છતાં પત્ની નિરંજનાબહેનના શોખને પૂરો કરવા તેને ફિલ્મો-નાટકો જોવા લઈ જાય છે(પીપલ-લાઇવ - એક દૂજે કે લિએ - પલ્લવી આચાર્ય)


પાંચેક વર્ષથી તેમને કાને સંભળાવાનું ઓછું થઈ ગયું છે પણ છતાં જો મારે ફિલ્મ જોવી હોય તો તે લઈ જ જાય. ગયા મહિને જ અમે નાટક જોવા ગયાં હતાં. મને ડાયાબિટીઝની તકલીફ છે તેથી આજે પણ મારે ક્યાંય પણ જવું હોય તો તે મને હાથ પકડીને લઈ જાય છે.

આ શબ્દો છે મુલુંડ (વેસ્ટ)માં રહેતા ૭૫ વર્ષના નવનીતભાઈ ગોવિંદજી વોરાનાં પત્ની નિરંજના વોરાના. સામાન્ય રીતે પત્નીઓને તેમના પતિ પ્રત્યે અઢળક ફરિયાદો જ હોય છે, પણ નિરંજનાબહેનના વાણી-વર્તન-વ્યવહારમાં નવનીતભાઈ સાથે ગાળેલી ૫૦ વર્ષની જિંદગીનો ભરપૂર સંતોષ છલકાય છે. નવનીતભાઈ અને નિરંજનાબહેનને પરસ્પર કોઈ ફરિયાદ નથી એમ જિંદગી સામે પણ કોઈ ફરિયાદ નથી.

નાનો પરિવાર, મોટી ખુશી

પાંચ બહેનો અને ત્રણ ભાઈઓના પરિવારમાં એડનમાં ઊછરેલા અને ભણેલા નવનીતભાઈએ ૧૯૬૨ની ૧૦ જૂને ૨૪ વર્ષની વયે લગ્ન કર્યાં હતાં. એસએસસી સુધી ભણીને તેઓ પિતા સાથે કાપડના બિઝનેસમાં જોડાયા. લગ્નનાં આઠ વર્ષ પછી તેમનું આખું ફૅમિલી એડન છોડી મુંબઈમાં સેટલ થયું. મુંબઈ આવી નવનીતભાઈ ઝવેરીબજારમાં નોકરી કરતા હતા. દસેક વર્ષથી રિટાયર્ડ છે. તેમનો દીકરો હાર્દિક, પુત્રવધૂ જાગૃતિ, પૌત્રો ક્રિના તથા વીર સાથે મોજથી રહે છે. દીકરાને કેમિકલનો બિઝનેસ છે. તેના લગ્નને ૧૦ વર્ષ થઈ ગયાં.

એની વાત કરતાં નવનીતભાઈ કહે છે, ‘પુત્રવધૂ જાગૃતિએ આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. પૌત્રીને રોજ દાદી પાસેથી વાર્તા સાંભળીને જ સૂવાની ટેવ છે.’ 

નવનીતભાઈની દીકરી સંગીતા તથા જમાઈ હિતેશને દીકરી નમ્રતા તથા દીકરો રેનિલ છે. તેઓ મુંબઈમાં રહે છે.  

પાણીનો રેલો

વોરા દંપતીને લાગે છે કે તેમની જિંદગી પાણીના રેલાની જેમ વહી ગઈ છે. પોતાનાં ૫૦ વર્ષના સહજીવનનાં લેખાંજોખાં કરતાં નવનીતભાઈ કહે છે, ‘જિંદગી અમે પૂરી સ્વસ્થ્ાતાથી જીવ્યા છીએ. લાગણીઓ કોઈ વાર દરિયાનાં મોજાંની જેમ ઊછળી પડે છે તો કોઈ વાર સ્થિરતા આવે છે. અમારા સંસારની વાડી લીલીછમ છે, વહાલી પૌત્રી ક્રિના અને પૌત્ર વીરાંશને પ્યારથી ઉછેરી રહ્યા છીએ. હવે દુનિયામાં બીજું શું જોઈએ?’

આ દંપતી જિંદગી એટલી ખુશહાલ જીવ્યાં છે કે તેમને ક્યાંય જિંદગીનો બોજ નથી લાગ્યો.

પગલે ચાલી


નવનીતભાઈને જિંદગીમાં એક વાતનો ભારે સંતોષ છે કે તેમની જીવનસંગિની તેમના પગલે ચાલી છે. તેઓ કહે છે, ‘જીવનની દરેક પળે તે મારી સાથે રહી છે. ૫૦ વર્ષથી તે મારા પગલે ચાલી તેની સાથે જિંદગીમાં સોનામાં સુગંધ ભળી છે. દરેક નર્ણિયો અમે સાથે મળીને જ લઈએ છીએ. દરેક વખતે અમારા મત મળે એવું ન થાય, પણ મત જુદા પડે ત્યારે એકમત ન થઈએ ત્યાં સુધી અમે ચર્ચા કરીએ છીએ. દીકરા-દીકરીનાં લગ્ન પણ અમે સાથે મળીને જ ઊજવ્યાં છે.’

મોટો ઝઘડો ક્યારેય નહીં


ઉંમર વધવા સાથે આ દંપતી કબૂલે છે કે તેમના પ્રેમમાં પણ વધારો થતો ગયો છે. કોઈ વાર નાની-મોટી વાતે થોડીઘણી જીભાજોડી પણ થઈ જાય. એની વાત કરતાં ૬૮ વર્ષનાં નિરંજનાબહેન કહે છે, ‘સંસાર છે કોઈ વાર થોડી ખટપટ થઈ જાય, પણ બેમાંથી એક નમતું જોખી લે એટલે પતી જાય. એવું નથી કે હું જ નમતું જોખું કોઈ વાર તે પણ નમતું જોખે. બહુ મોટો ઝઘડો અમારે કદી નથી થયો.’

નવનીતભાઈ વાતમાં જોડાતાં કહે છે, ‘કોઈ વાર એકબીજા પર ગરમ થઈ જઈએ પણ સાંજ સુધીમાં તો બધું થાળે પડી જાય.’

ના ઉમ્ર કી સીમા...

પત્નીના સથવારે નવનીતભાઈની જિંદગી બેહદ સુંદર પસાર થઈ છે. એનો એકરાર કરતાં તે કહે છે, ‘અમારા પ્રેમને ક્યાંય ઉંમર નથી નડી, એને કોઈ સીમા પણ નથી. લગ્ન પછીનું મારું જીવન ફિલ્મની પેલી પંક્તિ ‘એક થા ગુલ ઓર એકથી બુલબુલ’ જેવું સુંદર રહ્યું છે. લગ્નનાં ૫૦ વર્ષ પૂરાં થતાં નવનીતભાઈએ ગોલ્ડનું એક સરસ પેન્ડન્ટ નિરંજનાબહેનને ગિફ્ટ કર્યું હતું અને એ પણ સરપ્રાઇઝ ગિફ્ટ હતી! નિરંજનાબહેનને ફિલ્મો જોવાનો, ફરવાનો અને ટીવી જોવાનો શોખ છે તેથી આજે પણ તેમને જ્યાં જવું હોય ત્યાં નવનીતભાઈ લઈ જાય છે. નિરંજનાબહેનને સોના તથા હીરાના દાગીનાનો પણ શોખ છે તેથી એ પણ નવનીતભાઈ લાવી દે છે.

વાતમાં જોડાતાં નિરંજનાબહેન કહે છે, ‘ફરવા કદી હું એકલી નથી ગઈ. જ્યાં જઈએ ત્યાં સાથે જ જઈએ છીએ. હોટેલમાં જવું હોય તો પણ તે સાથે આવે જ. તેમનું ધાર્યું ન થાય તો કોઈ વાર ગુસ્સો કરે, પણ તેમણે મને કદી હેરાન નથી કરી અને તો જ ૫૦ વર્ષ સાથે જાયને! ’

તંદુરસ્તી બરકરાર

નવનીતભાઈ વોરાને કાને સંભળાતું નથી. બાકી સારી રીતે હરીફરી શકે છે. નિરંજનાબહેનને ડાયાબિટીઝની તકલીફ છે. ડાયાબિટીઝને લઈને એક વાર તેમની તબિયત ગંભીર થઈ ગઈ હતી. એ સમયે નવનીતભાઈએ બાધા લીધી હતી કે તેમને કાંઈ નહીં થાય તો હવેથી તે મરણ પાછળનું નહીં જમે. આ પ્રસંગ કહેતાં નવનીતભાઈ કહે છે, ‘એ સમયે હારેલી બાજી અમે જીતી ગયા હતા. અમારી જિંદગીનાં ૫૦ વર્ષમાં આ બહુ મોટો ચમત્કાર પણ અમને થયો છે. એ સિવાય દીકરાના પરિવાર સાથે અમે પ્યાર અને ઉમળકાથી રહીએ છીએ. ઉરના ઉમળકાથી એકબીજાને ચાહીએ છીએ, કેમ કે ઝિંદગી ના મિલેગી દોબારા...જિંદગી જીવવી હોય તો માનવજીવનમાં જ જીવી શકાય!’

- તસવીર : અતુલ કાંબળે

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK