(પીપલ-લાઇવ - પત્ની જાય જ્યારે બહારગામ - પલ્લવી આચાર્ય) ૧૪થી ૧૫ વર્ષ પહેલાંની વાત છે. મારી વાઇફે પિયર જવાનું કહ્યું ત્યારે મને મનમાં થયું, હાશ! હવે મજા આવશે. ઇંગ્લિશ મૂવી જોવા મળશે, ફાલતુ હિન્દી સિરિયલો ઘરમાં નહીં ચાલે, ક્રિકેટમૅચ જોવા મળશે, એન્જૉય કરીશ. તે ઓછી સાકર નાખીને ચા બનાવે છે તેથી હવે વધુ સાકરવાળી ચા પીવા મળશે, વધારે બટરવાળી બ્રેડ ખાઈ શકાશે. જશે તો મજા જ મજા પડશે... પરંતુ બે દિવસ માટે તે ગઈ ને મને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. જ્યારે પણ તે જાય છે ત્યારે એટલી મગજમારી થાય છે કે હું તો હેરાન-પરેશાન થઈ જાઉં છું. મને તો એ જ સવાલ થાય છે કે આ લોકો કેવી રીતે એકસાથે બધું મૅનેજ કરી લે છે. જાહેરમાં હું કબૂલું છું કે નો લાઇફ વિધાઉટ વાઇફ. પત્ની અને તેના પ્રેમ વિના જિંદગી નકામી છે!
મુલુંડમાં રહેતા અને કાપડ પ્રોસેસિંગનો બિઝનેસ કરતા અમર ભૂપેન્દ્ર સચદેના આ શબ્દો છે. પત્ની બહારગામ જાય તો તેમને એટલીબધી તકલીફ પડે છે કે તેઓ હેરાન-પરેશાન થઈ જાય છે. તેથી તેમણે વાઇફને કહી દીધું છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ એક દિવસથી વધુ નહીં.
પોતાનું કામ નથી થતુંમુલુંડ કૉલોનીમાં રહેતા જામનગર નજીકના જોડિયાના હાલાઈ લોહાણા અમર સચદેનું કહેવું છે કે ઘરે તેમનાથી પોતાનું કામ પણ નથી થતું. એની વાત કરતાં તે કહે છે, ‘મને તો મારા ખાનામાંથી મોજાં પણ નથી મળતાં, ક્યાં હશે એ ગોતવું પડે. ઘરેથી નીકળું ત્યારે પાકિટ, હાથરૂમાલ, મોજાં વગેરે બધું સ્નેહા જ તૈયાર કરી આપે. તેથી તે ન હોય ત્યારે એવું કેટલીયે વાર થાય કે બે દાદરા ઊતર્યા પછી વસ્તુ યાદ આવે ને લેવા આવવું પડે. ઘણી વાર તો બે-ત્રણ વાર ઘરે પાછા આવવું પડ્યું છે. કંઈ ને કંઈ ભુલાઈ જ ગયું હોય.’
ગીઝર બળી ગયું
સત્તર વર્ષ પહેલાં ૫૪ વર્ષના અમર સચદેનાં પત્ની સ્નેહા સચદેને કોઈક કારણસર પિયર જવું પડ્યું. દીકરો અને દીકરીની સ્કૂલ ચાલુ હતી તેથી તે તેમની પાસે હતાં. એ સમયની પોતાની હાલતને વર્ણવતાં અમર કહે છે, ‘દૂધવાળો આવે એટલે પહેલાં તો એ લેવું પડે અને બાળકોને સ્કૂલ જવા તૈયાર થતાં પહેલાં એ ગરમ કરીને આપવાનું હતું તેથી ગૅસ પર મૂકી મેં ગરમ પાણી માટે ગીઝર ચાલુ કયુંર્. ગરમ પાણીની બાલ્દી છલકાતી હતી તેથી નળ બંધ કરવા ગયો ત્યાં દૂધ ઊભરાવા લાગ્યું. એમાં નળ બંધ કર્યો, પણ ગીઝર બંધ કરવાનું ભૂલી ગયો ને એ બળી ગયું. છોકરાંને ગરમ નાસ્તો જોઈએ પણ એ આવડે નહીં તેથી ડબ્બામાંથી સૂકા નાસ્તા કાઢી આપ્યા. પણ એક કહે, મને પૂરી જોઈએ ને બીજાને વળી વેફર જોઈતી હોય. ભાવે ને ન ભાવેની મગજમારીમાં ચા ઊભરાઈ ગઈ ને સ્કૂલે જવાનું લેટ થયું કારણ કે છોકરીના વાળ મને ઓળતાં ન આવડે તેથી બાજુવાળાને રિક્વેસ્ટ કરવી પડે. આ બધું ચાલતું હોય ત્યાં વળી કચરો લેવાવાળો બેલ મારે. મારી વાઇફ એક વાર ગઈ ને મને સમજાઈ ગયું કે કેટલા વીસે સો થાય છે!’
પાણી આવે રાત્રેઅમરભાઈ રહે છે એ વિસ્તારમાં પાણી રાત્રે આવે છે. તેથી પાણી આવે ત્યારે તેમની કેવી હાલત થાય એની વાત કરતાં તે કહે છે, ‘૧૦ વાગ્યે પાણી આવે ને ૧૨ વાગ્યે જતું રહે તેથી પાણીના વધુ ઉપયોગવાળાં બધાં કામ ત્યારે કરવાં પડે. પાણી ભરવા સાથે કપડાં ધોવાનું મશીન પણ ચાલુ કરવું પડે. કામવાળી પણ ત્યારે આવે, તેથી વાસણો કાઢીને આપવાં પડે....હું તો ખરેખર પરેશાન થઈ જાઉં છું.’
મહેમાન આવ્યા
દિવાળીના સમયે સ્નેહા પિયર ગયાં હતાં. બાળકો પણ સાથે ગયેલાં. અમરભાઈ ઘરે એકલા હતા ને ઘરે તેમના મામાઓ અને તેમની ફૅમિલી આવી. હવે? તે કહે છે, ‘એક તો કયા ડબ્બાઓમાં નાસ્તા હશે એ જડે નહીં તેથી ભારે શોધ ચલાવવી પડી. પછી ચાપાણી વગેરે તો એમાં જે સ્ત્રીઓ હતી તેમણે જ બનાવી લીધાં. એ તો ઠીક, તેમને આવજો કયુંર્ ત્યાં મારા કાકાના લોકો આવ્યા. તેમને સૂકો નાસ્તો જ આપું કે ગરમ મગાવું? શું અને કેટલું મગાવવું વગેરે બાબતે ભારે મૂંઝવણ થઈ અને મહેમાનોની જ મદદથી તેમની પણ આગતા-સ્વાગતા કરી.’
દૂધ બગડી ગયું
એક વાર સ્નેહા દૂધ મેળવવાનું કહીને ગયેલાં એ અમર ભૂલી જ ગયા. દૂધમાં દહીં ન નાખ્યું તેથી દૂધ બગડી ગયું ને ફેંકી દેવું પડ્યું એટલું જ નહીં, છોકરાંને દહી ખાવું હતું તેથી દુકાનમાંથી લેવા જવું પડ્યું એ જુદું. અમર સચદે કહે છે, ‘તે ન હોય ત્યારે છોકરાંને તૈયાર કરી ટિફિન આપી સ્કૂલે મોકલવાં સહિતનું બધું કામ બહુ ડિફિકલ્ટ છે. મને મારાં કપડાં ક્યાં છે એની પણ ખબર નથી હોતી તો છોકરાંનાં કપડાં ક્યાં શોધવાં? ’
કંઈ કામ નથી
ઘરમાં બધાં કામ માટે કામવાળી છે તેથી અમર સચદેને થતું કે કામ તો બધું કામવાળી કરે છે, સ્નેહાને શું કામ છે? તેથી જે-તે સિરિયલો જોતાં હોય ત્યારે તેમને તેના પર ભારે ગુસ્સો આવતો અને થતું કે આને કંઈ કામ નથી. પણ તેમને પોતાને કામ કરવાનું આવ્યું ત્યારે સમજાઈ ગયું કે આ બધું મૅનેજ કરવું સરળ નથી. પત્ની આ બધું કેવી રીતે મૅનેજ કરી શકે છે? એટલું જ નહીં, રોજ સાંભળવું પણ પડે છે કે એક દિવસ પણ મૅનેજ નથી કરી શકતા તે ગીઝર બાળી નાખ્યું?