(પીપલ-લાઇવ – I Can - હેતા ભૂષણ) મૂળ કચ્છ - નવીબંદરના વતની અને હાલાઈ લોહાણા જ્ઞાતીના ૬૦ વર્ષના યોગેશ જગમહોનદાસ ઠક્કર આઠ વર્ષ પહેલાં ૨૦૦૪માં ખિસ્સાકાતરુ સાથેની ઝપાઝપીમાં ટ્રેન-ઍક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતાં. મૃત્યુ સાથેના યુદ્ધમાં વિજય મેળવી અત્યારે પાંચથી છ ઇંચ ટૂંકા થઈ ગયેલા તેમના ડાબા હાથ સાથે તેઓ જીવન જીવી રહ્યા છે. જાણીએ તેમની અનેરી હિંમત અને કુટુંબના સંપની વાત.
જખમવાર ઘટના
દહિસર (ઈસ્ટ)ના આનંદનનગરમાં રહેતા યોગેશભાઈનું કૉપર અને ઍલ્યુમિનિયમના સ્ક્રૂ બનાવવાનું કારખાનું હતું. આઠ વર્ષ પહેલાં તેઓ પેમેન્ટ લઈને મલાડથી ટ્રેન પકડી ગોરેગામ જતા હતા ત્યારે તરત જ ઊતરવાનું હોવાથી દરવાજા પાસે જ ઊભા હતા, અંદર ન ગયા. જાણકાર ખિસ્સાકાતરુઓએ તેમને ઘેરવાની કોશિશ કરી અને સામેથી કહ્યું કે અંદર આવી જાય. ત્યારે યોગેશભાઈએ જવાબ આપ્યો મારે ગોરેગામ ઊતરવું છે. ખિસ્સાકાતરુને થયું કે હવે આ શિકાર હાથમાંથી છટકી જશે તેથી તેણે હિંમત કરી યોગેશભાઈના ખિસ્સામાં હાથ નાખ્યો. યોગેશભાઈ સજાગ હતા, તેમણે તરત તેનો સામનો કર્યો અને ત્યારે ઝપાઝપીમાં કમનસીબે તેમણે બૅલેન્સ ગુમાવ્યુ અને ચાલુ ટ્રેને તેઓ નીચે ટ્રૅક પર પડ્યા.
આજુબાજુમાં કામ કરતા કામદારોએ તેમને જોયા. યોગેશભાઈ અતિશય ગંભીર હાલતમાં હતા. જમણા હાથમાં ફ્રૅક્ચર હતું. ડાબા હાથના પંજાથી કોણી સુધી હાડકાના સાત ટુકડા થઈ હાથ વળી ગયો હતો. ખોપરીમાં લાંબો ઘા પડ્યો હતો. આગળના દાંત પડી ગયા હતા. આટલી ગંભીર ઈજા છતાં યોગેશભાઈએ ભાન ગુમાવ્યું નહોતું. રેલવે-પોલીસને તેમણે ઘરનો નંબર આપ્યો. તેમને ભગવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે ઘરેથી તેમનાં માતા-પત્ની અને પુત્ર આવ્યા, ત્યાર પછી તેઓ બેહોશ થયા ત્યાં સુધી લોહી નીકળતી હાલતમાં ભાન જાળવી રાખ્યું હતું.
એ ઘટનાના દિવસને યાદ કરતાં યોગેશભાઈનાં મમ્મી હંસાબહેન કહે છે, ‘અમને સમાચાર મળ્યાં. ઘરમાં જે પૈસા હતા એ લઈને હું મારા પૌત્ર અને પુત્રવધૂ ચેતના સાથે હૉસ્પિટલ પહોંચી. યોગેશની હાલત જોઈને અમે બધાં હલબલી ઊઠ્યાં, જાણે લોહીનો અભિષેક થતો હોય એમ લોહી વહી જતું હતું. ડાબો હાથ ટુકડો થઈ લટકી રહ્યો હતો. ડૉક્ટરોએ સાથ આપ્યો. અમે ફોન કરી મારાં દીકરી, જમાઈને બોલાવ્યાં અને ભગવાનને પ્રાર્થના કરી. શ્રીનાથજીની કૃપાથી જ યોગેશ મૃત્યુના દરવાજેથી પાછો ફર્યો છે.’
હૉસ્પિટલના દિવસો યોગેશભાઈ પોતાના જીવનની કપરી પળોને યાદ કરતાં કહે છે, ‘એક મહિનો હૉસ્પિટલમાં રહેવું પડ્યું, જમણા હાથમાં ફ્રૅક્ચર આવ્યું, ખોપરીની ઈજામાં ૨૧ ટાંકા આવ્યા હતા. જ્યાં સુધી ખોપરીની ઈજા સાજી ન થાય, એમઆરઆઇ રિપોર્ટ સારો ન આવે ત્યાં સુધી ડૉક્ટરે ડાબા હાથનું ઑપરેશન કરવાની ના પાડી હતી. મારા આગળના દાંત પડી ગયા હતા. નસીબજોગે ખોપરીની ઈજા ઊંડી નહોતી. મગજને નુકસાન થયું નહોતું. એમઆરઆઇ રિપોર્ટ સારો આવ્યો પછી મારા ડાબા હાથનું ઑપરેશન થયું, સળિયો અને પ્લેટ નાખી ડૉક્ટરોએ એને જોડી તો દીધો, પણ એ હંમેશ માટે પાંચથી છ ઇંચ ટૂંકો અને થોડો વાંકો થઈ ગયો, પણ સંતોષ ખાતર હાથ બચી ગયો.’
હેમખેમ બચી ગયેલા યોગેશભાઈનાં પત્ની કહે છે, ‘ભગવાનની કૃપા છે, તેમનો હાથ બચી ગયો. તેઓ પોતાનાં નાનાં-નાનાં કામ કરી શકે છે. વજન એ હાથથી ઉપાડવાની તેમને બિલકુલ મનાઈ છે અને ઍક્સિડન્ટના દોઢ વર્ષ પછી સળિયો કાઢી લેવામાં આવ્યો છે, પણ પ્લેટ તો છે જ અને ડૉક્ટરોનું કહેવું છે કે હવે આ હાથને ધક્કો વાગશે કે ઈજા થશે તો હાથ હવે કાપવો જ પડશે, માટે એની ઉપર સેફ ગાર્ડ માટે પ્લાસ્ટિકનો હાથ તેઓ પહેરે છે, જે બેથી ત્રણ વષેર્ નવો કરાવવો પડે છે.’
મુશ્કેલીમાં સાથ યોગેશભાઈ ઍક્સિડન્ટ પછી એક મહિનો હૉસ્પિટલમાં અને ત્યાર પછી સાતથી આઠ મહિના ઘરે રહ્યા. મુશ્કેલીની આ ઘડીઓમાં સ્વજનોનો સાથ મળ્યોની વાત જણાવતાં યોગેશભાઈ કહે છે, ‘મારાં મોટાં બહેન જયશ્રીબહેન દેસાઈ અને બનેવી હસમુખભાઈ દેસાઈ, મીનાબહેન અને સુરેશભાઈ રાજાણીએ તન, મન અને ધનથી મદદ કરી. મારો નાનો દીકરો મેહુલ ભણતો હતો. મોટા દીકરા મિતુલે હજી નોકરીની શરૂઆત કરી હતી, એથી ઘરની મુખ્ય બધી ફાઇનૅન્શિયલ જવાબદારી મારી હતી અને જ્યારે ઘરનો મુખ્ય આધાર ઘરમાં રહે તો કેટલી મુશ્કેલીઓ આવે એની તો કલ્પના જ કરવી રહી. મારો એક હાથ કામ કરતો બંધ થયો, પણ મારા કુટુંબના બધા સભ્યો મારો હાથ બની ઊભા રહ્યા. મારો હાથ સાત ઇંચ ટૂંકો થયો, પણ ભગવાને મને ભાઈ રાજેશ, પુત્ર મિતુલ-મેહુલ, પત્ની ચેતના, મમ્મી હંસાબહેન, બહેન-બનેવીના સાથ દ્વારા વધુ હાથનો ટેકો આપી દીધો અને આ ન પાર થઈ શકે એવી કસોટીમાંથી પાર ઊતર્યો.’
યોગેશભાઈનાં મમ્મી હંસાબહેને મક્કમતા જાળવી કપરી પળોમાં બધાને હિંમત આપી. તેઓ કહે છે, ‘ઓપરેશન, સારવારના અધધધ ખર્ચા પછી પણ યોગેશ કામ પર જઈ શકે નહીં, તેથી ઘર ચલાવવામાં મુશ્કેલી પડી. અમે બહુ ભણેલાં નહીં પણ હિંમત ન હાર્યા ; રસોઈ કરતાં આવડે, એથી નાસ્તા, ટિફિન, અથાણાં કરી અમે સાસુ-વહુએ ઘરે રહીને ઘણું કામ કર્યું અને ઘર ચલાવ્યું. મુશ્કેલીઓ હતી, પણ એકબીજાના સાથસહકારથી પાર ઊતરી ગયાં.’