જ્યારે સ્ટેજ પર પર્ફોર્મ કરતો કલાકાર પ્રેક્ષક તરીકે બેઠેલી યુવતીના પ્રેમમાં પડી જાય છે (પીપલ-લાઇવ)

Published: 30th December, 2011 05:58 IST

નાટકનું નામ છે ‘માસ્તર મેસ્ત્રો સ્વામી’, તખ્તો : પૃથ્વી થિયેટર. ગુજરાતી રંગભૂમિ પર પહેલી વાર એક મૂંગું નાટક ભજવાઈ રહ્યું હતું, જેમાં કલાકારોએ ફક્ત પોતાના અભિનય દ્વારા પ્રેક્ષકો સુધી વાર્તાનો મર્મ પહોંચાડવાનો હતો.(પીપલ-લાઇવ- પ્યાર કી યે કહાની સુનો-ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

નાટકનું નામ છે ‘માસ્તર મેસ્ત્રો સ્વામી’, તખ્તો : પૃથ્વી થિયેટર. ગુજરાતી રંગભૂમિ પર પહેલી વાર એક મૂંગું નાટક ભજવાઈ રહ્યું હતું, જેમાં કલાકારોએ ફક્ત પોતાના અભિનય દ્વારા પ્રેક્ષકો સુધી વાર્તાનો મર્મ પહોંચાડવાનો હતો. નાટકનો એક કલાકાર પ્રતિક ગાંધી નાચતાં-નાચતાં સેન્ટરસ્ટેજ પર આવે છે અને પછી જિમ્નેસ્ટિક્સ તથા ઍક્રોબેટિક્સનાં કેટલાંક સ્ટેપ્સ કરી છેલ્લે બેસી જાય છે. એકાએક તેની નજર પ્રેક્ષકગણમાં બેઠેલી યુવતી ભામિની ઓઝા પર પડે છે. અને પછી શરુ થાય છે તેમની જિંદગીનું વાસ્તવિક નાટક.

‘આ પાર કે પેલે પાર,’ ‘અપૂર્વ અવસર,’ ‘અમરફળ,’ ‘સાત તરી એકવીસ’ તથા ‘છ ચોગ ચોવીસ’ જેવાં નાટકોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર એન્જિનિયર પ્રતીક ગાંધી સુરતથી મુંબઈ આવીને બહુ ટૂંક સમયમાં એક અચ્છા અભિનેતા તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી દીધી છે. અને ભામિની સાથેની તેની લવસ્ટોરી એક ફિલ્મનું મથાબીજ બની શકે એવી છે.

પહલી નઝર મેં

નાટકો, ફિલ્મો કે સિરિયલોમાં સાથે કામ કરતા કલાકારો એકબીજાના પ્રેમમાં પડે એવા કિસ્સા તો અનેક છે; પરંતુ સ્ટેજ પર પર્ફોર્મ કરતો કલાકાર પ્રેક્ષકગણમાં બેઠેલી કોઈ યુવતીના પ્રેમમાં પડી જાય એવો કિસ્સો કદાચ આ એકમાત્ર જ હશે.

પોતાના આવા અવનવા કિસ્સા વિશે વાત કરતાં મૂળ સુરતની આગળ આવેલા કડોદ ગામનો વૈષ્ણવ પ્રતીક કહે છે, ‘ભામિનીને મેં પહેલી વાર જોઈ ત્યારે મારી ઉંમર લગભગ ૨૭ વર્ષની હશે. ત્યાં સુધી આમ તો હું અઢળક છોકરીઓના પરિચયમાં આવી ચૂક્યો હતો, પરંતુ પ્રેમ નામના શબ્દોમાં મને જરાય વિશ્વાસ બેસતો નહોતો. મને એ બધી વાતો નરી ટાઇમપાસ લાગતી, કારણ મારા મનમાં મારા જીવનનું ધ્યેય એકદમ સ્પષ્ટ હતું. મારે એન્જિનિયરિંગ કરી અહીં નોકરી કરવી હતી અને સાથે-સાથે નાટકો કરવાં હતાં. એ બધાની વચ્ચે પ્રેમ માટે મારી પાસે કોઈ સમય નહોતો, પરંતુ ભામિનીને જોતાંની સાથે જ મને કંઈક થઈ ગયું અને એ જે કંઈ થયું એ એટલું સ્ટ્રૉન્ગ હતું કે પછી મારી પાસે તેને પૂરેપૂરું સમજ્યા સિવાય બીજો કોઈ છૂટકો ન રહ્યો.’

વો કૌન થી...

પરિણામે સૌથી પહેલાં તો પ્રતીકે એ છોકરી કોણ હતી એ જાણવાના પ્રયત્નો શરૂ કર્યા. તપાસ કરતાં ખબર પડી કે એ છોકરી બીજું કોઈ નહીં, પરંતુ ‘એક છોકરી સાવ અનોખી’ની મુખ્ય અભિનેત્રી ભામિની ઓઝા હતી. પોતાને ગમી ગયેલી છોકરી પોતાના જ રસના ક્ષેત્ર સાથે પણ જોડાયેલી છે એ જાણીને પ્રતીકની હિંમત વધી ગઈ.

ધીરે-ધીરે મિત્રો પાસેથી નંબર મેળવી તેને ફોન કરવાના શરૂ કર્યા અને તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે મિત્રતા કેળવી તેની પાસેથી ભામિની વિશે વધુ માહિતી કઢાવવાના પ્રયત્નો ચાલુ થયા, પરંતુ ભામિની પણ કંઈ નાસમજ તો હતી નહીં. ફોન પર આમતેમની વાતો સુધી ઠીક છે, પરંતુ જેવું પ્રતીક મળવાનું કહે કે તરત જ હાથતાળી આપી જતી. એમ છતાં કેટલીક વાર મિત્રોની હાજરીમાં મળવાનું પણ થયું, એકાદ-બે નાટકમાં સાથે કામ કરવાની તક પણ મળી; પરંતુ વાત આગળ વધી નહીં. આમ-આમ કરતાં દિવસો, અઠવાડિયાંઓ અને મહિનાઓ વીતતાં ગયાં. એક બાજુ પ્રતીકની લાગણીઓનો રંગ વધુ ને વધુ ઘેરો બનતો જતો હતો ત્યાં બીજી બાજુ ભામિની તરફથી ‘નૉટ ઇન્ટરેસ્ટેડ’નાં સિગ્નલ્સ જ આવ્યાં કરતાં હતાં. પ્રતીક કહે છે, ‘હવે તો મારી પણ ધીરજનો બંધ તૂટી રહ્યો હતો એટલે મેં મારી જાતને બને એટલી વધુ કામમાં વ્યસ્ત કરી દીધી. એવામાં અચાનક એક દિવસ બોરીવલીના પ્રબોધન ઠાકરેમાં મારો શો ચાલી રહ્યો હતો એ દરમ્યાન તેનો ફોન આવ્યો અને આ વખતે તેણે સામેથી મને મળવા બોલાવ્યો.’

બાત આગે બઢી

ધીરે-ધીરે બન્ને વચ્ચે મળવાનો સિલસિલો શરૂ થયો. વાતચીતની, વિચારોની આપ-લે શરૂ થઈ. બન્ને પક્ષે હવે વસ્તુસ્થિતિ સ્પષ્ટ હતી, પરંતુ પહેલ કરે કોણ? એવામાં ભામિનીનો એક માનેલો ભાઈ સુજિત ઉપાધ્યાય મસ્કતથી આવવાનો હતો. સુજિત પહેલાં ગુજરાતી રંગભૂમિ પર લાઇટ-ડિઝાઇનિંગનું કામ કરતો હતો.

એ વાતનો દોર સાંધતા પ્રતીક કહે છે, ‘અમારા કેટલાક કૉમન ફ્રેન્ડે તેને ભામિની વિશે મારી લાગણીઓની વાત કરી હતી એટલે ભારત આવતાં જ તે સૌથી પહેલાં મને મળ્યો. અમે બન્નેએ નક્કી કર્યું કે સુજિત પહેલાં ભામિનીને મારી વાત કરશે અને પછી હું ભામિનીને મારા હૃદયની વાત જણાવી દઈશ.’

ભામિનીએ પણ એ સમય દરમ્યાન હાથ લાગેલી એક તકનો લાભ લઈને પોતાનાં માતાપિતાને પ્રતીક દેખાડી દીધો અને તેમની મરજી જાણી લીધી. આખરે અઢી વર્ષની મહેનત બાદ પ્રતીકે હાથમાં હીરાના એક પેન્ડન્ટ સાથે પોતાના ઘરે કૅન્ડલ-લાઇટમાં ભામિનીને પ્રપોઝ કર્યું. આ વખતે ભામિની પાસે પણ કોઈ બહાનું ન બચતાં તેણે પ્રતીકનો પ્રસ્તાવ સ્વીકારવો જ પડ્યો.

એકદમ પારદર્શક વ્યક્તિ

આખરે ૨૦૦૮ના ડિસેમ્બરમાં બન્ને લગ્નગ્રંથિથી બંધાઈ ગયાં. હવે આ દંપતી પ્રતીકનાં માતાપિતા તથા નાના ભાઈ ચિન્ટુ સાથે સુખેથી પોતાનો સંસાર માણી રહ્યાં છે.

પ્રતિકના પરિવારની ખાસિયત વિશે ભામિની કહે છે, ‘નાના-મોટા દરેક પ્રસંગને ઉત્સવ ગણી એન્જૉય કરવાનો પ્રતીકના પરિવારજનોનો ચેપ હવે મને પણ લાગી ગયો છે. હું પણ તેમની જેમ કોઈના બર્થ-ડે જેવી સામાન્ય બાબતમાં પણ ખૂબ ઉત્સાહમાં આવી જાઉં છું. એમાં પણ તેના નાના ભાઈ સાથે તો મારું ટ્યુનિંગ ખૂબ જ સારું છે. પ્રતીક પણ મારું ખૂબ ખ્યાન રાખે છે. તેમના જેટલી પારદર્શક વ્યક્તિ મેં આજ સુધી નથી જોઈ. તેમનાથી ગોળ-ગોળ વાત ક્યારેય થતી નથી. જે મનમાં હોય એ જ કાયમ હોઠ પર. વળી દરેક વ્યક્તિના પોતાના ગમા-અણગમા હોય એ તેઓ બરાબર સમજે છે અને એને માન પણ આપે છે. તેમનો આ ગુણ મારા જેવી દરેક બાબતમાં પોતાનો અલગ જ મત ધરાવતી વ્યક્તિ માટે ખૂબ ઉપકારક છે.’

હંમેશનો ગોટાળો

પ્રતીક ગાંધી નાટકો ઉપરાંત રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાના કામમાં વ્યસ્ત છે ત્યાં જ ભામિની આજકાલ ‘મીરાં’ તથા ‘વેઇટિંગ રૂમ’ વગેરે જેવાં પોતાનાં નાટકોમાં બિઝી છે. છતાં એક બાબત એવી છે જે માટે થઈને આ દંપતી અવારનવાર બાખડી પડે છે અને એ છે ભામિનીને મળતો પ્રતીકનો બહુ સીમિત સમય.

પ્રતીક હસતાં-હસતાં કહે છે, ‘હું મારા કામ અને ફૅમિલી લાઇફ વચ્ચે બૅલેન્સ જાળવવાનો ખૂબ પ્રયત્ન કરું છું, પરંતુ દરેક વખતે કંઈ ને કંઈ ગરબડ થઈ જાય છે. ક્યારેક તેના માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરતો હોઉં અને તેને ખબર પડી જાય, ક્યારેક ઑફિસથી વહેલા નીકળી ઘરે પહોંચી જવાનું નક્કી કર્યું હોય અને કંઈ કામ આવી જાય તો વળી ક્યારેક ફિલ્મ જોવા જવાનું વિચાર્યું હોય અને મહેમાન આવી જાય.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK