હવે તો ઈશ્વર મૃત્યુરૂપે આ સાથ છોડાવી શકે, બાકી અમે સાથે ને સાથે (પીપલ-લાઇવ)

Published: 29th December, 2011 06:21 IST

વસઈનાં મુકુંદ અને સુશીલા મહેતા પોતાના લગ્નજીવનની ગોલ્ડન જ્યુબિલી ઊજવી ચૂક્યાં છે. નાની વયમાં લગ્નગ્રંથિથી જોડાનારા આ દંપતીની હૅપી મૅરેજલાઇફનું રહસ્ય જાણીએ(પીપલ-લાઇવ-એક દૂજે કે લિએ-હેતા ભૂષણ)


વસઈ ખાતે રહેતાં મુકુંદભાઈ હરિશંકર જોશી અને સુશીલા જોષીએ એપ્રિલ મહિનામાં લગ્નની ૫૦મી વર્ષગાંઠ ઊજવી છે. જીવનનાં ૫૦ વર્ષ એકબીજાની સાથે વિતાવનાર આ સામાન્ય દંપતી પોતાના અસામાન્ય પરિવાર અને પ્રેમ-સમર્પણની વાત કરે છે.

જીવનની શરૂઆત

રૂઢિચુસ્ત પરિવારમાથી આવતા મુકુંદભાઈ પોતાના લગ્નજીવન વિશે કહે છે, ‘૬ મહિના અમારી સગાઈ રહી અને ૨૮ એપ્રિલ ૧૯૬૧ના દિવસે લગ્ન થયાં. લગ્ન પહેલાં અમે એકબીજાનું મોઢું પણ જોયું નહોતું. લગ્ન બાદ જ એકબીજાને જોયાં. ગામ ભારજામાં લગ્ન થયાં હતાં અને અમે મુંબઈ આવી ગુલાલવાડીની દસ બાય દસની રૂમમાં અમારો સંસાર શરૂ કર્યો. લગ્ન થયાં ત્યારે મારી ઉંમર ૧૭ વર્ષની અને સુશીલા માત્ર ૧૫ વર્ષની જ. ખૂબ જ નાનકડી. અમે બન્ને લગ્નનો અર્થ પણ સમજતાં નહોતાં અને જીવન શરૂ થઈ ગયું.’

પોતાના એ દિવસોને યાદ કરતાં સુશીલાબહેન કહે છે, ‘લગ્ન થયાં ત્યારે સાસરું એટલે શું અને જવાબદારી કોને કહેવાય એની કંઈ સમજ નહોતી અને બધું માથે પડ્યું. ધીમે-ધીમે લોકોનું જોઈ, જાણી, પૂછીને શીખવા લાગી. મને તો શરૂઆતમાં એટલી જ સમજ હતી કે લગ્ન થયાં એટલે મોઢું ઢંકાય એટલી લાજ કાઢવાની અને જે કહે એ બધું જ કામ કરવાનું.’ અને આજે પણ પતિનું નામ ન લેતાં સુશીલાબહેન કહે છે, ‘તેમણે મને સંભાળી અને સાચવી લીધી.’

પરિવારને સમર્પિત

પરિવારનો સંયુક્ત ધંધો હતો. જોષી ટી હાઉસ નામની નાનકડી હોટેલ હતી. મુકુંદભાઈના પિતા એ ચલાવતા. ત્યાર બાદ મુકુંદભાઈએ જવાબદારી સંભાળી. વહેલી સવારે ઊઠી બરાબર ૬.૩૦થી તેઓ જાતે ચા બનાવવા બેસી જતા અને ગ્રાહકોને ચા પીવડાવતા. અન્ય નાના ભાઈઓ પણ પરણ્યા અને બધા જ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા.

એ સમયની વાત યાદ કરતાં મુકુંદભાઈ કહે છે, ‘મારાથી ત્રણ નાના ભાઈઓને ધંધામાં પલોટટ્યા-પરણાવ્યા બાદ સાથે હળીમળીને રહેતા ત્યારે સુશીલાએ નામ પ્રમાણે ગુણ દીપાવી શીલ જાળવી બધાને ખૂબ જાળવ્યા. 

ઘરમાં ખૂબ શરીર ઘસી નાખીને કામ કર્યું. માત્ર ચાર ધોરણ સુધી તેનો અભ્યાસ છે છતાં તેણે ઘરવ્યવહાર સૂઝથી જાળવ્યા છે. હંમેશાં ઘરમાં બીજા ગરમ થાય તો તે શાંત જ રહેતી. મેં તેને વધારે સુખ આપ્યું નથી; હરવા-ફરવાના શોખ પૂરા કર્યા નથી છતાં તેણે ક્યારેય ફરિયાદ કરી નથી અને હા, આ બધા ગુણોની સાથે-સાથે સુશીલા આજ સુધી ફસ્ર્ટક્લાસ રસોઈ બનાવે છે અને હંમેશાં હસીને બોલવાની તેની આદત છે.’

આ દિવસોને યાદ કરતાં સુશીલાબહેન કહે છે, ‘ઘરમાં બધાથી મોટાં એટલે અમારી જવાબદારી વધારે. બધા મોટા ભાઈ અને ભાભી કહેતા એટલે મારા દીકરાઓ પણ મને ભાભી જ કહેતા. ઘરના સભ્યો, દુકાનના માણસો માટે ખૂબબધી રસોઈ મેં કરી છે. રોજ ૧૦૦થી વધારે રોટલીઓ કરી છે.’

આગળ પોતાના પતિની વાત કરતા સુશીલાબહેન ઉમેરે છે, ‘તે ગુસ્સાવાળા ખરા, પણ થોડી વારમાં શાંત થઈ જાય અને શાંત થઈ જાય પછી દિલમાં કંઈ રાખતા નથી. મારા પર પણ ગુસ્સો કરે તો થોડી વારમાં પ્રેમથી મને મનાવી લે. પરિવારમાં ભાઈઓ માટે ખૂબ જ કુરબાની આપી બધાની બધી જવાબદારીમાં સાથે ઊભા રહ્યા અને મોટા ભાઈ તરીકેનું સ્થાન સાર્થક કર્યું છે એનો મને ગર્વ છે.’

હાલનું જીવન


મુકુંદભાઈ અને સુશીલાબહેનના કુટુંબમાં ત્રણ દીકરા કીર્તિ, કમલેશ અને કૈલાસ છે. તેમની ત્રણ પુત્રવધૂઓ રેખા, વીણા અને ગાયત્રી છે. બધાં જ જુદાં રહે છે. માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. બધાં પૌત્ર-પૌત્રીઓ પૂજા, શ્વેતા, જશ, દક્ષ, દીપ, વિરલ, આંચલ દાદા-દાદીનું વહાલ મેળવી રહ્યાં છે અને દાદા-દાદીને ખૂબ જ પ્રેમ કરે છે.

સૌથી નાના દીકરા કૈલાસ સાથે સુશીલાબહેન અને મુકુંદભાઈ રહે છે. પુત્રવધૂ ગાયત્રી તેમને ખૂબ જ માન અને પ્રેમ આપી જાળવે છે. સંસારના બે છેડા ભેગા કરવા, બાળકોનો ભણાવવાનો ખર્ચ પૂરો કરવા તેઓ રૂઢિચુસ્ત સમાજનાં હોવા છતાં પુત્રવધૂ ગાયત્રીને નોકરી કરવાની છૂટ આપી છે અને ગાયત્રીને ઘરનાં બધાં જ કામકાજમાં સુશીલાબહેન મદદરૂપ થાય છે. પુત્રવધૂ ગાયત્રી પણ સાસુ-સસરાના ઉદાર મન અને સાચી સમજણને માન આપે
છે.

હરહંમેશ સાથે ને સાથે

પોતાના પ્રેમસંસારની વાત કરતાં મુકુંદભાઈ કહે છે, ‘ખૂબ જ નાની ઉંમરથી તેની સાથે જોડાયો છું. સુશીલા જ મારું સર્વસ્વ છે. મુંબઈમાં અને અમારા ગામમાં પણ હંમેશાં સાથે ને સાથે રહ્યાં છીએ. હજી પણ જ્યાં રહીએ ત્યાં સાથે જ રહીએ છીએ. ૫૦ વર્ષોનો આ સાથ હજી સુધી છૂટ્યો નથી એના માટે ઈશ્વરનો આભાર માની જાતને નસીબવંતો માનું છું. આ સાથ હવે તો ભગવાન છોડાવશે ત્યારે જ છૂટશે, ત્યાં સુધી છૂટવાનો નથી.’

સાચા પ્રેમનું રહસ્ય

પ્રેમ એટલે શું એની ખબર નહોતી ત્યારથી, એ ઉંમરથી જેઓ એકબીજા સાથે જોડાઈ ગયાં હતાં તેવાં મુકુંદભાઈ અને સુશીલાબહેન કહે છે, ‘અમારા બે વચ્ચે ક્યારેય કોઈ પર્સનલ કારણે ઝઘડા થયા જ નથી. હા, બહોળો પરિવાર હોવાથી અમુક વાતે મતભેદ થયા હશે પણ એ પણ પરિવારની બાબતે જ. જીવનમાં જો આગળ વધવું હોય અને સુખી થવું હોય તો મનમાં કંઈ રાખવાનું જ નહીં. બધું ભૂલી જવામાં અને એકમેકને પ્રેમ કરવામાં જ જીવનનો સાર છે. અમે જીવનમાં આવેલાં દુ:ખો, સ્વજનોએ આપેલા ઘા એકમેકની સાથે મળીને ઝીલ્યા છે અને હિંમત આપી છે. એ જ અમારો પ્રેમ છે.’
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK