ઘર છે ભાઈ ઑફિસ થોડી કે એમાં એક જ જણ બૉસ હોય (પીપલ-લાઇવ)

Published: 28th December, 2011 06:50 IST

શિલ્પા વ્યાસ સાથેના ૧૫ વર્ષના લગ્નજીવન બાદ આ વાતને વધુ જસ્ટિફાય કરતાં ઍક્ટર-રાઇટર દિલીપ રાવલ એમ પણ કહે છે કે અમારા ઘરમાં ‘સમજણ’ જ બૉસ છે(પીપલ-લાઇવ-ઘરમાં બૉસ કોણ?-હેતા ભૂષણ)

કાંદિવલી (ઈસ્ટ)માં ઠાકુર વિલેજમાં રહેતા નાટક-સિરિયલના રાઇટર, ઍક્ટર તથા સંચાલક અને કવિ દિલીપ રાવલ ઘણાં ક્ષેત્રોમાં બૉસની જેમ વર્તી શકે છે. ચાલો જાણીએ તેમના ઘરમાં બૉસ કોણ છે?

સાથે મળીને નિર્ણય


શિલ્પા વ્યાસ સાથે અરેન્જ્ડ મૅરેજ કરનારા દિલીપ રાવલના લગ્નને ૧૫ વર્ષ થવા આવ્યાં છે. પોતાના વ્યકિતગત અનુભવ વિશે તેઓ કહે છે, ‘અમારા ઘરમાં બૉસ ‘સમજણ’ છે. આ બૉસ શબ્દ બહુ સાપેક્ષ છે, કારણ કે ઘર ‘ઘર’ છે ઑફિસ નહીં જેમાં એક જણ જ બૉસ હોય. લગ્નજીવનમાં કોઈ એક વ્યક્તિ બૉસ હોઈ જ શકે નહીં. અમુક નિર્ણયો હું લઉં છું, અમુક શિલ્પા અને મોટા ભાગના મેજર નિર્ણયો અમે સાથે મળીને લઈએ છીએ.’

ઘરની રોજબરોજની વાતો

બધાં જ ઘરોની જેમ ઘરની નાની-નાની બાબતોમાં નિર્ણય શિલ્પા જ લે છે એમ જણાવીને દિલીપભાઈ કહે છે, ‘રોજની રસોઈમાં શું બનાવવું એ તો શિલ્પા જ નક્કી કરે; પણ ફ્રેન્ડ્સ, સ્વજનો, મહેમાન આવવાના હોય તો અમે સાથે મળીને વિચારીએ કે શું બનાવીએ જે સારું પણ લાગે અને શિલ્પાને બનાવવાનું પણ અનુકૂળ રહે.’

આ વાતમાં શિલ્પાબહેન કહે છે, ‘દિલીપ પોતે બહુ સારા કુક છે એટલે તેમનું સજેશન સરસ જ હોય અને હા, રસોઈમાં તેમની સમજ છે એટલે જો રસોઈમાં કોઈ વાનગી બરાબર ન બની હોય તો દિલીપ તરત ટોકે અને સરસ ટેસ્ટી વાનગી બની હોય તો વખાણ પણ ખૂબ જ કરે.’

ઘરની જરૂરિયાતની શૉપિંગની બધી જ જવાબદારી શિલ્પા પૂરી કરે છે, પણ દિલીપ એક ઇન્ટરેસ્ટિંગ યુનિક વાત કરે છે, ‘મને સરસ-સારું સસ્તું શાક ચૂંટી-ચૂંટીને લેવાનું ખૂબ જ ગમે છે એટલે જો હું ક્યાંય પણ સરસ શાક જોઉં તો અચૂક અઠવાડિયાભરનું ઘણુંબધું શાક ખરીદી લઉં એટલે શિલ્પાને અઠવાડિયાની નિરાંત થઈ જાય. ગમે ત્યારે શાકની ખરીદી કરી શકાય એ માટે કપડાની થેલી હું ગાડીમાં જ રાખું છું. મને આ શોખ છે. ઘર માટે બીજી ખરીદી અમે સાથે મળીને કરીએ છીએ. ચાર વર્ષ પહેલાં અમે નવું ઘર લીધું એમાં શિલ્પાની ઇચ્છા અને મંતવ્ય મારા માટે ઘણાં મહત્વનાં હતાં.’

આગળ શિલ્પા ઉમેરે છે, ‘દિલીપ બહુ જ સારા પેઇન્ટર છે એટલે રંગોની સમજ વધારે. અમારા નવા ઘરની કલરસ્કીમ તેમણે નક્કી કરી અને અન્ય ઇન્ટીરિયર, પડદા, ચાદર, તકિયાની ફ્રેમ વગેરે અમે સાથે મળીને વસાવ્યાં.’

બાળકોને રમવા દો

૧૧ વર્ષની છઠ્ઠા ધોરણમાં ભણતી નૂપુર અને છ મહિનાના ઘોડિયામાં ઝૂલતા મુંજાલનાં માતા-પિતા દિલીપ અને શિલ્પા બાળકોને લગતા નિર્ણયો સાથે મળીને લે છે.

સ્કૂલ પણ તેમણે સાથે મળીને નક્કી કરી હતી, એ વિશે દિલીપ કહે છે, ‘હું માનું છું કે બાળકોને જુદા-જુદા ક્લાસિસમાં મોકલવા કરતાં તેમને રમવા માટેનો સમય મળવો જોઈએ. એકાદ ક્લાસ ઓછા થશે તો કોઈ ફરક નહીં પડે. શિલ્પા નૂપુરને ભણવાના ટ્યુશનમાં

મોકલે, ભરતનાટ્યમના ડાન્સ-ક્લાસમાં મોકલે અને નૂપુરનું ડ્રૉઇંગ મારા જેવું સરસ છે એટલે તેને મઠારવા એલિમેન્ટરીની પરીક્ષા માટે ડ્રૉઇંગ-ક્લાસમાં મોકલે. હું સમજું છું કે શિલ્પા તેના ઓવરઑલ ડેવલપમેન્ટ માટે આ કરે છે, પણ એથી મારી નૂપુરને રમવા માટે સમય મળતો જ નથી એનું મને દુ:ખ છે.’

ધર્મસંકટભર્યો નિર્ણય

પોતાના જીવનના એક ખાસ નિર્ણયને યાદ કરતાં દિલીપભાઈ કહે છે, ‘૧૯૯૬માં હું નાટકો કરતો, પણ ત્યારે કોઈ સ્ટેબલ ઇન્કમ નહોતી. હું બીકૉમ તથા એમએ વિથ ગુજરાતી સાહિત્ય ભણેલો હોવાથી ચોપાટીની ભવન્સ કૉલેજમાં ગુજરાતી ભણાવતા પ્રોફેસરની એક સ્થિર નોકરી હતી, પણ ‘જેવા સાથે તેવા’ નાટકની અમેરિકાની ટૂર નક્કી થઈ અને મારી સામે ધર્મસંકટ આવ્યું ત્યારે નાટક અને નોકરી વચ્ચેની પસંદગીનો અને બે મહિનાનો પગાર જતો કરીને મેં નોકરી છોડવાનો અઘરો નિર્ણય કર્યો ત્યારે શિલ્પાએ મારા દરેક નિર્ણયમાં સાથ આપ્યો. એ પછી થોડા દિવસ સંઘર્ષનાં આવ્યા ત્યારે શિલ્પા પણ જૉબ કરતી અને એક વર્ષના આ રીતે તેણે મને ફાઇનૅન્શિયલી અને ઇમોશનલી સાચવી લીધો હતો. પછી ગાડી પાટે ચડી ગઈ. આજે એ નિર્ણયની મને ખુશી છે.’

દિલીપના સપોર્ટ વિશે શિલ્પા કહે છે, ‘દીકરી નૂપુરના જન્મ બાદ સિનિયર અકાઉન્ટન્ટ તરીકેની જૉબ છોડવાનો નિર્ણય બહુ વિચારણા બાદ મેં લીધો હતો. મને લાગ્યું હતું કે બાળકને સમય આપવામાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. દિલીપનો મારા નિર્ણયને પૂરો ટેકો હતો.’

હોમ-ફાઇનૅન્સ મિનિસ્ટર

દરેક ઘરમાં સ્ત્રી હોમ મિનિસ્ટર હોય છે અને અમારા ઘરે શિલ્પા હોમ મિનિસ્ટરની સાથે ફાઇનૅન્સ મિનિસ્ટરનો ર્પોટફોલિયો પણ સંભાળે છે એમ કહીને દિલીપ ઉમેરે છે, ‘મોટા ભાગનાં ઘરોમાં પતિ ઘર ખર્ચ કરવા અમુક રકમ પત્નીના હાથમાં આપે છે અને બાકીના પૈસાનો વ્યવહાર પોતે સંભાળે છે, પણ અમારે ત્યાં એવું નથી. હું મારી બધી કમાણી શિલ્પાના હાથમાં આપું છું અને એમાંથી તે મને જોઈતી રકમ આપે છે. હું માનું છું કે સ્ત્રી બધા વ્યવહારની સાથે પૈસાનો વ્યવહાર પણ બહુ વ્યવસ્થિત અને સુંદર રીતે સંભાળી શકે છે.’

ઘરના સભ્યો માટેની ખરીદીની વાત કરતાં શિલ્પાબહેન કહે છે, ‘બાળકોનાં અને અમારાં કપડાં અમે સાથે મળીને ખરીદીએ છીએ. દિલીપ ઘણી વાર મારા માટે સાડી કે ડ્રેસ લાવે અને મને એ ગમે જ, પણ મને દિલીપ માટે કંઈ પણ ખરીદી કરતાં બહુ જ ડર લાગે કે તેમને ગમશે કે નહીં? એનું કારણ એ કે તેઓ ખૂબ જ ચૂઝી છે.’

સાચો પણ મુશ્કેલ નિર્ણય


અમે પહેલાં જૉઇન્ટ ફૅમિલીમાં વસઈમાં રહેતાં હતાં એ વાતનો દોર સાંધતા શિલ્પા કહે છે, ‘મારાં જેઠ-જેઠાણી ડૉક્ટર તરીકે વસઈમાં પ્રૅક્ટિસ કરે છે. તેઓ વસઈ છોડી શકે એમ નહોતાં અને દિલીપનું કાર્યક્ષેત્ર એવું કે રાતે મોડું થાય એટલે છેલ્લી ટ્રેન પકડવા દોડાદોડ કરવી પડે. અપ-ડાઉનમાં પ્રૉબ્લેમ થતો એટલે તેમના ટાઇમની બચત અને તબિયતની જાળવણી માટે અમે કાંદિવલી શિફ્ટ થવાનો અઘરો નિર્ણય લીધો. એક તરફ કામની દૃષ્ટિએ નિર્ણય સાચો હતો, પણ પ્રેમાળ ફૅમિલી છોડવાનું અઘરું હતું.’

ત્યારે વાતનો ખુલાસો આપતા દિલીપ કહે છે, ‘અમે કલાકારો ખૂબ જ ઇમોશનલ હોઈએ. દિલથી વિચારીએ એટલે ક્યારેક ખોટા નિર્ણયો લેવાઈ જાય. અમારા કામમાં કલાકો ફિક્સ ન હોય, આવવાનો સમય નક્કી ન હોય અને ઇન્કમ પણ ફિક્સ ન હોય ત્યારે શિલ્પાએ મને સંપૂર્ણ સાથ આપ્યો છે. હું તો મારી જ નહીં, દરેક કલાકારની પત્નીને સલામ કરું છું. શિલ્પાએ મારા સંસારને અને મને સાચવી લીધો છે.’

પ્રોફાઇલ પર એક નજર


‘સથવારો રાધે શ્યામનો’ નામના કાર્યક્રમમાં ઉદ્ઘોષક તરીકે કાર્યરત, ‘હેરાફેરી’ અને ‘ગૉડ બ્લેસ યુ’ જેવાં નાટકોના લેખક દિલીપ રાવલે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સિરિયલના ૩૦૦થી વધુ એપિસોડ લખ્યા છે અને ખૂબ જ લોકપ્રિય થયેલું અરરર...નો દક્ષા ચાચીનો તકિયા-કલામ તેમના ભેજાની ઊપજ છે. તેમનાં પાંચ પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે.
Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK