ઘણી વાર તો કન્ફ્યુઝ થઈ જાઉં છું કે ગુજરાતી હું છું કે મારાં સાસરિયાં? (પીપલ-લાઇવ)

Published: 19th December, 2012 06:24 IST

૩૦ વર્ષ પહેલાં મૅન્ગ્લોરિયન સતીશ રાવ સાથે લવ-મૅરેજ કરનારી ઘાટકોપરવાસી મીના ગણાત્રાનાં સાસુ અને પતિ કર્ણાટકી હોવા છતાં ફાંકડું ગુજરાતી બોલે છે. ગુજરાતી ગીતો ગાવામાં ને ગરબા રમવામાં પણ તેઓ એક્સપર્ટ છે(પીપલ-લાઇવ - ગુજરાતી બિનગુજરાતી)


ફાંકડું ગુજરાતી બોલતા, ગુજરાતી ગીતો ગાતા અને દાંડિયા રમવામાં એક્સપર્ટ જે છોકરાને ગુજરાતી છોકરી મીના દિલ દઈ બેઠી હતી તે મૅન્ગલોરિયન નીકળ્યો, પણ તેના ઘરમાં ગુજરાતી વાતાવરણ હતું. એટલું જ નહીં, ખાણું પણ રોજ ગુજરાતી બનતું હતું, દાળ-ભાત-શાક અને રોટલી. આ ફૅમિલીના લોકોની સારપને કારણે તેણે ઘરમાં ખાસ કાંઈ ઍડજસ્ટ કરવાનું ન આવ્યું.

કીડીબાઈની જાન...

ઇન્ટિરિયરનું કામકાજ કરતા ૬૦ વર્ષના સતીશ રાવ ઘાટકોપરમાં જે બિલ્ડિંગમાં રહેતા હતા એ બિલ્ડિંગમાં મીના ગણાત્રાની ફોઈનું ઘર હોવાથી તે ત્યાં આવતી હતી.

વાતની શરૂઆત કરતાં મીના રાવ કહે છે, ‘સતીશ રાવ પોતાની સોસાયટીમાં નવરાત્રિનું બધું જ આયોજન કરતા હતા. એટલું જ નહીં, દાંડિયા એટલા સરસ રમતો...આજેય એમાં તે ફસ્ર્ટ પ્રાઇઝ લઈ આવે છે. ગુજરાતી ગીતો તે સરસ ગાતો. એમાંય ચાલોને કીડીબાઈની જાનમાં ગીત તો તે એટલું સરસ ગાતો...કીડીબાઈની જાન ગાવામાં તેને તેની પોતાની જાન મળી ગઈ. તે આજે પણ મારા કરતાં સરસ ગુજરાતી બોલે છે.’

મીનાને તે ગમી ગયો. તેને હતું કે આ છોકરો ગુજરાતી જ છે. મીના જ નહીં સતીશને પણ મીના ગમી ગઈ અને નજર મળ્યાંના બે જ દિવસમાં સતીશે તેને સીધું જ પ્રપોઝ કર્યું કે ‘વિલ યુ મૅરી મી?’

પોતાના રોમૅન્સની એ ક્ષણોને યાદ કરતાં મીના કહે છે, ‘સુપર ફાસ્ટ મારો તે હીરો કમલ હાસન હતો. તેના જેવા હેરકટ પણ રાખતો હતો.’

તે સમયે મીના ૧૯ વર્ષની અને સતીશ ૨૨ વર્ષનો હતો. મીનાએ ત્યારે તો જવાબ આપવામાં સમય માગ્યો.

ભૂલી જાઓ

તેમનો અફેર સાતથી આઠ વરસ ચાલ્યો. એ પછી એક દિવસ મીનાના પપ્પાને તેમના અફેરની જાણ થઈ ગઈ. મીનાના પપ્પા સતીશના ઘરે પહોંચી ગયા. એ વાત કરતાં સતીશ રાવ કહે છે, ‘ તેઓ કહે, તમે સાઉથ ઇન્ડિયન અને અમે ગુજરાતી- આપણો મેળ જામશે જ નહીં તેથી મીનાને ભૂલી જા.’

તે સમયે સતીશની રેડીમેડ કપડાંની દુકાન હતી. વાતમાં જોડાતાં મીના કહે છે, ‘મને પણ હતું કે સતીશ એસ્ટાબ્લિશ થાય, મારે મારાં મા-બાપ આગળ દેખાડવું હતું કે છોકરામાં દમ છે.’

એકબીજાને ભૂલી જવું મીના અને સતીશ માટે શક્ય નહોતું, કમિટમેન્ટ હતું. છેવટે ઘરનાએ જોયું કે મીના કોઈમાં રસ નથી લેતી, તેમને સમજાઈ ગયું કે આ લોકો માનવાના નથી. મીનાના પિતા સતીશના ઘરે પ્રપોઝલ લઈને આવ્યા. સતીશના પેરન્ટને તો કોઈ વાંધો નહોતો, કારણ કે તેમનું કહેવું હતું કે તેમના ચાર દીકરામાંથી એક દીકરો લવ-મૅરેજ કરશે તો કોઈ વાંધો નથી.

ગુજરાતી વિધિથી મીનાના પેરન્ટ્સે  લગ્ન કરાવી આપ્યાં અને મીના કહે છે, ‘પછી તો સતીશને તેમણે પોતાના દીકરાની જેમ રાખ્યો.’

બીજું ઘર

લગ્ન પછી મને સાસરે આવી છું એમ લાગ્યું જ નહીં, આજે પણ નથી લાગતું મને તો એ પણ મારું પિયર જ લાગે છે એમ કહેતાં મીના કહે છે, ‘મને લાગે છે હું એક ઘરેથી બીજા ઘરે આવી. ઘરમાં મારાં જેઠ-જેઠાણી, દિયર અને સાસુ-સસરા વગેરેએ પોતાની બહેન અને દીકરીની જેમ મને સાચવી. હસતું-રમતું અને ઍડજસ્ટ કરી લે તેવું આ ફૅમિલી એટલું સારું છે કે લગ્નનાં ૩૦ વર્ષ પછી પણ ન મને કોઈ સામે કશી ફરિયાદ છે કે ન તેમને મારી સામે કોઈ ફરિયાદ છે. સતીશને ચાર ભાઈ અને ત્રણ બહેનો છે. અમે એકબીજાને ચલાવી લીધાં. કોઈ ગુજરાતી ફૅમિલીમાં પણ હું આટલી સારી રીતે ઍડજસ્ટ ન થઈ શકી હોત.’

પતિ હીરો

પતિને કારણે જ આ બધું શક્ય થઈ શક્યું છે. એની વાત કરતાં મીના કહે છે,

‘જેઠ-જેઠાણી ફ્રેન્ડ જેવો વ્યવહાર મારી સાથે રાખતાં. જેઠાણીને રસોઈનો ખૂબ શોખ છે તેથી રસોઈ તે કરી લેતાં અને સાસુ સાથે હું બહારનું કામ સંભાળતી. હું નૉન-વેજ ન ખાઉં તેથી તેમણે કદી મને રસોડામાં જઈ એ બનાવવા કે ખાવા ર્ફોસ ન કર્યો. સાસુ સાથે તો મારું એટલું સારું ટ્યુનિંગ હતું કે અમે હોટેલમાં ગયા હોઈએ તો બે જણ એક ડિશમાંથી ખાતાં.’

વાતમાં જોડાતાં સતીશજી કહે છે, ‘લગ્ન પહેલાં તે મારા ઘરે આવતી હતી અને મારાં મમ્મીને બહુ ગમતી હતી. મારી મમ્મી સાથે તેને સારું બનતું હતું. ઘરમાં અમે બધા ગુજરાતી બોલતા, પણ તે લગ્નના એક જ વરસમાં તુલુ શીખી ગઈ હતી. આજે પણ તે અમારાથી સારી તુલુ બોલે છે. મારાં મમ્મી ગુજરાતી બોલતાં હતાં. લગ્ન પછી હું તેને મારા વતન કર્ણાટક લઈ ગયો તો ત્યાં પણ બધા સાથે બહુ હળીમળી ગઈ હતી.’

એક જન્મ દિવસ પર સતીશે મીનાને પુછ્યું, શું જોઈએ છે? મીનાએ અલગ ફ્લૅટ લેવા કહ્યું અને પ્યારના ઘોડાપૂરમાં સતીશજીએ તે લઈ પણ લીધો. લગ્ન પછી તેઓ આ ફ્લૅટમાં રહેવા આવ્યાં.

અંગત-સંગત


મીના અને સતીશ રાવને ત્રણ સંતાનો છે. મોટી દીકરી ભાવિકા ૨૮ વર્ષની છે અને ઇવેન્ટ મૅનેજમૅન્ટનું કામ કરે છે. બીજા નંબરની દેવાંશી ગ્રાફિક ડિઝાઇનર છે અને તે પછી દીકરો ધર્મિલ ૨૨ વર્ષનો છે, જે પાઇલટ છે.

મારાં માતા-પિતાની તકલીફ મને હવે રિયલાઇઝ થાય છે એમ જણાવીને મીના કહે છે, ‘હવે હું મારાં સંતાનો માટે પાર્ટનર શોધી રહી છું ત્યારે સમજાય છે કે એ સમયે મારા પેરન્ટ્સ મારા નિર્ણય બાબતે કેટલું બધું રિસ્ક લીધું હશે. તેમની તકલીફ હવે મને સમજાય છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK